એકટાણાંમાં પાણીપુરી ખવાય?

0
216

કાજલ અને કંદર્પનાં લગ્ન થયાં અને કાજલ બકુલભાઈ મહેતાનાં કુટુંબની વચલી વહું બનીને આ ઘરમાં આવી. કાજલના સાસુ બેલા બેન ને ત્રણ દીકરા અને એક દીકરી એમ હતું. અન્ય દીકરા માટે વધુ સંતાન કરે, પણ બકુલ ભાઈને દીકરી જોઈતી હતી, એટલે એમણે એક વધુ સંતાન કર્યું. જોકે એ જમાનામાં તો પાંચ છ સંતાનો તો લગભગ બધાને હોય જ. નાગરોમાં આમ પણ સ્ત્રી શિક્ષણ ઘણાં લાંબા સમયથી શરૂ થયેલું હતું, પણ કાજલ નાગર ન હોવા છતાં એણે પણ પીએચડી સુધીનો અભ્યાસ કરેલ હતો, અને યોગ્ય તક મળતાં સર્વિસ કરવાની ઈચ્છા પણ ધરાવતી હતી. પોતાનાં પિયરમાં તો એ સ્કૂલમાં સર્વિસ પણ કરતી હતી, પરંતુ લગ્ન બાદ અહીં હજી એવો કોઈ યોગ થયો નહોતો. આ ઉપરાંત કાજલના સાસુ બેલા બેનની એવી ઈચ્છા હતી, કે એકવાર વહું ઘરનાં સંપૂર્ણ રીતી રિવાજોથી પરિચિત થઈ જાય, પછી નોકરી કરે તો વાંધો નહીં. કંદર્પ ના મોટાભાઈ કૌશિક અને તેની પત્ની કેતકી એમને બે સંતાન હતાં. દીકરી પાંચ વર્ષની હતી, જ્યારે દીકરો હજી ઘોડિયામાં સૂતો હોય, એવો નાનકડો હતો. છ વર્ષની દીકરી કલા, દેખાવે પણ સુંદર અને આખાં ઘરનું મનોરંજનનું સાધન હતી. એને કાજલ સાથે બહુ જ હેવા થઈ ગયાં હતાં, એટલે મોટેભાગે તે કાજલના રૂમમાં જ રહેતી હતી. કાકી જમાડે, કાકી નવડાવે, અને કાકી સાથે બહાર પણ જવાનું, એવો તેનો નિત્યનો ક્રમ હતો. કેતકી કહેતી પણ ખરી કે કાજલ તું નોકરી કરીશ, તો મને સૌથી વધુ તકલીફ પડશે. નાનકડો દિયર કૌશલ હજી કુવારો હતો, અને માસ્ટરનો અભ્યાસ કરતો હતો, અને એથી નાની નણંદ કાવેરી તો આખાં ઘરનો જીવ હતી. બકુલભાઈ થી શરૂ કરીને કૌશલ સુધીના બધા જ તેનો પડ્યો બોલ ઉપાડતા હતાં. પરિવારના સભ્યોમાં અંદરોઅંદર ખૂબ જ સ્નેહ અને સંપ હતો. બકુલ ભાઈ અને બેલા બહેનના સંસ્કાર પણ એવાં ઉત્તમ હતાં, અને કોઈ પર કોઈ જાતનું રીસ્ટીક્શન નહીં. આમ બધાં એક અને છતાં બધાં સ્વતંત્ર એટલે સંયુક્તમાં રહેવા છતાં કોઈ ને કોઈ આપત્તિ નહોતી. કંદર્પ ને છ મહિના માટે ઓફિસ ટૂર પર ફોરેન જવાનું નક્કી થયું, અને હજી તો લગ્ન ને પણ છ મહિના નહોતાં થયાં! ઓફિસમાંથી ઘરે આવી અને ખુશીના સમાચાર ઘરના સૌ સભ્યોને આપ્યા કે, પોતાને ઓફિસ તરફથી એટલી મોટી ઓપર્ચ્યુનિટી મળી છે. પરંતુ બેલા બેને કહ્યું કે કંદર્પ હવે આ નિર્ણય તું એકલો લઈ શકે નહીં. કારણ કે તારા લગ્ન થઈ ગયા છે, માટે મારી તરફથી કોઈ બંધન નથી, પરંતુ કાજલ હા પાડે તો જ તો જઈ શકે છે. છ મહિના એટલે બહુ મોટો ગાળો કહેવાય, અને નવી વહુ ને હજી સાસરામાં સેટ થવા નો સમય હોય, ત્યારે પતિના સાથની સૌથી વધુ જરૂર પડે! કાજલ ને પોતાની સાસુમા પર ગર્વ થયો. પરંતુ બહુ મોટી તક હતી અને કંદર્પ એ તેની માટે ખૂબ જ મહેનત કરી હતી, એ વાત કાજલ જાણતી હતી. તેણે કહ્યું કે મને કોઈ આપત્તિ નથી, આટલો મોટો પરિવાર મારી સાથે હોય, પછી મને શેની તકલીફ! એવું હોય તો એકાદ મહિનો ઘરે પણ રહેવાં જઈ શકીશ, આમ પણ ભાઈનાં લગ્નની તૈયારીમાં મદદ પણ થશે! આમ સર્વાનુ મતે કંદર્પ ની ફોરેનની ટુર નક્કી થઈ ગઈ, અને નિયત તારીખે તે ફોરેન જવા નીકળી પણ ગયો.

ઋતુ પ્રમાણે હવે વર્ષાઋતુ ચાલી રહી હતી, અને આ ઋતુમાં કાજલને કંદર્પ વગર રહેવું, એ કહેવા જેટલુ સહેલું લાગતું નહોતું, છતાં ઘર પરિવારના સભ્યો સાથે હતાં એટલે ચાલ્યું જતું હતું. ઉપરાંત સ્માર્ટફોન નો સહયોગ હોવાથી દિવસમાં એક બે વાર વીડિયો કોલિંગ થઈ જતું હતું, એ રીતે એકબીજા મળી લેતા હતાં. અષાઢના આકરા વ્રતો આવ્યા, અને કુંવારિકાના વ્રતો તેણે કર્યા હતાં. પરંતુ પરણ્યા પછીનાં કાજળી ત્રીજ ને તાપી સાતમ જેવા અઘરા વ્રત હોય, એવી તો તેને ખબર જ નહોતી. કારણ કે કાજલના અને કંદર્પના લવ મેરેજ હતાં, અને જ્ઞાતિએ કાજલ જુદા વર્ણની હતી. જ્યારે બકુલભાઈ અને બેલા બેન તો નાગર ગૃહસ્થ હતાં, એટલે સંયમ, નિયમ, વ્રત, ઉપવાસ, અનુષ્ઠાન, પૂજા પાઠ, ભક્તિ ભાવ વધારતા સ્તોત્ર ગાન, અને સમયાંતરે શાસ્ત્રનો અભ્યાસ આ બધું નિત્ય રૂપે થતું રહેતું હતું. બેલાબેને કાજોલની ઈચ્છા પૂછી, અને કહ્યું કે બેટા તું વ્રત કરવાં ઈચ્છતી હોય તો, આપણે ત્યાં આ પ્રકારના વ્રત સુહાગન સ્ત્રી પોતાના પતિની લાંબી આયુ તેમજ સ્વાસ્થ્ય માટે કરતી હોય છે. જો તારે કરવા હોય તો હું તને તેની વિધિ બતાવીશ, અને કાજલ એ એક બે વ્રત કર્યા પણ ખરાં. અષાઢ પૂરો થયો અને શ્રાવણ બેઠો હાટકેશ્વરની અસીમ કૃપાથી જ ઘરમાં સુખ શાંતિ છે, એવું માનનારા બકુલભાઈ અને બેલા બેને આખા મહિનાના અનુષ્ઠાન નું વ્રત લીધું. બંને જણા શ્રાવણ માસ દરમિયાન એકટાણા કરતાં હતાં, અને ઘરના સૌ પણ ચાર સોમવારનાં વ્રત કરવાનાં હતાં. અષાઢ મહિનાના વ્રત કાજલ એ કર્યા હોવાથી બેલાબેને આ વખતે તેને કંઈ પૂછ્યું નહીં, અને શ્રાવણ મહિનાના સોમવારનો મહાત્મય સંભળાવ્યું, દરેક જણાયે નિયમ મુજબ વ્રત કરવું, એવો તે બંનેનો પૂર્ણ આગ્રહ હતો. ખાસ કરીને કોઈ બહારની વસ્તુ ખાવી નહીં, અને બને તેટલું ભગવાન અજન્મા આશુતોષનું સ્મરણ કરવું. કૌશિક કેતકી, કૌશલ, કાવેરી, બકુલભાઈ, બેલાબેન, અને નાનકડી કલા, બધા જ આ વ્રત થી પરિચિત હતાં. પરંતુ કાજલ ને ખાસ કોઈ ખબર નહોતી, અને એનું પણ એક કારણ હતું, કે તે મોટેભાગે ઘરની બહાર હોસ્ટેલમાં રહીને ભણી હતી, એટલે વ્રત ઉપવાસ આ બધું તેણે એટલું કર્યું પણ નહોતું.

આજે શ્રાવણ મહિનાનો સોમવાર હતો અને ભગવાન હાટકેશ્વર દાદાની પોતાના પરિવર તરફથી દીપમાળ કરવાની હતી, એટલે બેલાબેન અને બકુલભાઈ દીપમાળ પુરવા વહેલા જતા રહ્યા હતાં. સાંજે સંધ્યા આરતી સમયે ઘરના બધાએ દીપમાળના દર્શન કરવાં ત્યાં જવાનું હતું. કાજલને રક્ષાબંધન નિમિત્તે રાખડી ખરીદવાની હોવાથી, તે કલાની લઈને બજારમાં નીકળી. બજારમાં તેની એક સખી કાવ્યા મળી ગઈ, બંને સહેલીઓ વાતો એ વળગી, અને કાવ્યા એ પાણીપુરી ખાવાની જીદ કરી. કાજલ એ કહ્યું કે અત્યારે નહીં, મારે મોડું થાય છે પરંતુ તે માની નહીં અને અંતે કાજલ એ પણ પાણીપુરી ખાધી. નાનકડી કલા એ ના પાડી, પછી તો એ બંને સીધા હાટકેશ્વર ના મંદિરે પહોંચ્યાં, અને દીપમાળના દર્શન કરી બધા ઘરે આવ્યાં. ફળ આહાર કરીને બધા શ્રાવણના ભજન કીર્તન કરી સુઈ ગયા. બીજે દિવસે કલા સુનમુન બેઠી હતી, અને કંઈક વિચારતી હતી. બેલા બેન ને થયું કે ઘડીના છઠ્ઠો ભાગ પણ જે છોકરી બેસી નથી શકતી, એ દસ મિનિટથી એકધારી બેઠી છે,અને કંઈક વિચારી રહી હોય એવું લાગે છે. બેલાબેને કલાને પૂછ્યું કે શું વાત છે! કેમ ચૂપ થઈ ગઈ છે! કંઈ થયું? પહેલા તો કલા કંઈ બોલી નહિ. પછી તેણે કહ્યું દાદી મને એ સમજમાં નથી આવતું કે, એકટાણામાં પાણીપુરી ખવાય?? બેલા બેને કહ્યું કે ના ન ખવાય, પણ પછી તરત જ તેણે સામો પ્રશ્ન કરતા પૂછ્યું, પણ તને આવો પ્રશ્ન કેમ થયો? કલાને પણ થયું કે કાકી એ ના પાડી છે, અને બોલાઈ ગયું. એટલે તેણે કહ્યું કંઈ નહીં એ તો દાદી ગઈકાલે સામેથી એક પાણીપુરી વાળો નીકળ્યો હતો, અને મને થયું કે હું પાણીપુરી ખાઉં! પણ તમે તો પૂજા કરતા હતાં! એટલે હું પૂછું છું કે હવે નીકળે‌ તો!

બેલાબેન 40 વર્ષના દીકરાની માતા હતાં, એટલે તરત સમજી ગયા કે દાળમાં કંઈક કાળું નહીં, દાળ જ કાળી છે. એટલે કલાને કંઈ પણ વધુ પૂછપરછ કર્યા વગર બહાર નીકળી ગયાં. તેને થયું કે અત્યારે કાજલ ને પૂછવાથી કે કંઈ કહેવાથી બાજી બગડી શકે, એટલે અત્યારે કંઈ જ કહેવું નથી.

સોમ પછી મંગળ,ને મંગળ પછી બુધ, એમ શ્રાવણનો બીજો સોમવાર આવી ગયો, અને બધાં એ શ્રદ્ધા પૂર્વક શ્રાવણનું વ્રત કર્યું. ફરાળનો સમય થયો, એટલે કાજોલની થાળીમાં ખીર, પૂરી, પાતરા, બટેટાની સૂકી ભાજી, અને અન્ય વ્યંજન પીરસવામાં આવ્યા. જ્યારે બીજાને સાબુદાણાની ખીચડી, અને કેળું વેફર્સ સીંગ નો શકરપારો તળેલા મરચાં, અને કાઢેલું દૂધ એમ પીરસવામાં આવ્યું. કાજલ એ કહ્યું મા મેં પણ સોમવાર રાખ્યો છે!; બેલા બેને કહ્યું એમ! મને થયું કે તે કદાચ નહીં કર્યું હોય! કાજલ ને થયું કે એવું તે શું થયું? કે, મા આમ બોલે છે? એ સમયે તો કાજલની થાળી બદલી લીધી, પરંતુ બેલાબેન નું વર્તન થોડું બદલાયેલું લાગતાં, કાજલને વિચારવા માટે મજબૂર કરી. કાજલ એ છેલ્લા થોડા દિવસની પોતાની દિનચર્યા તપાસી, અને એને એકાએક ખ્યાલ આવ્યો કે ગયાં સોમવારે, એણે પાણીપુરી ખાધી હતી, અને નક્કી મા ને એ વિશે ખબર પડી ગઈ હશે. એ તરત જ બેલાબેન પાસે પહોંચી ગઈ અને, એમનાં પગે પડી માફી માંગતા કહ્યુ કે, મા મારાથી ભૂલ થઈ ગઈ, મેં સોમવારનું વ્રત તોડી નાખ્યું, આમ કહી એ નાના બાળક જેમ ધ્રુસકે ધ્રુસકે રડવાં લાગી. બેલા બેને એને ઊભી કરી, અને છાતીએ વળગાડતા કહ્યું કે ના ભૂલ તારી નથી, ભૂલ મારી છે, કે મારે તને પુછવું જોઈએ કે, તારે વ્રત કરવું છે? તને ખબર છે કાજલ વ્રત ઉપવાસ એ પોતાની મરજીથી થાય, જબરજસ્તી થી ન થાય. કારણ કે એમાં સંયમ નિયમની સાથે ભાવના પણ શુદ્ધ થવી જોઈએ, અને જબરજસ્તીથી ભાવના શુદ્ધ નહીં પણ ઉલટાની વધુ મલિન થાય છે, અને મને એમ લાગે છે કે મારાથી ક્યાંક જબરજસ્તી તો નથી થઈ ને! કાજલ એ કહ્યું ના મા તમે કોઈ ભૂલ કરી નથી, મારી જ ભૂલ છે. બેલા બેને કહ્યું કે તે પાણીપુરી ખાધી કે વ્રત તૂટ્યું એનો રંજ નથી. પરંતુ એક તો તે છુપાવ્યું એ, અને બીજું તે છ વર્ષની નાનકડી કલા ને ખોટું બોલવાનું કહ્યું, એ સૌથી મોટી તારી ભૂલ છે. બેટા બાળકો આ રીતે જ ખોટું બોલતા શીખી જતા હોય છે, અને મા બાપ પછી ફરિયાદ કરતા હોય છે કે જુઠ્ઠું બોલતાં શીખી ગયા. ક્યારેક એના નાનપણમાં આપણે તેને એવું કહ્યું હોય કે બધા દેખતાં તું આમ કહેજે. કલાનું માનસ હજી આ દુન્યવી આંટીઘૂંટી જાણતું નથી, એવાં માં એને સાચું શું ખોટું શું એ કેમ ખબર પડે? ઉપરથી ખટમીઠી પાણીપુરી તો કલા ને પણ બહુ જ ભાવે છે, એટલે આવનારા ભવિષ્યમાં એ સો ટકા જુઠ્ઠું બોલવાની કોશિશ તો કરે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કાજલ તારી દ્રષ્ટિ એ આ વાત સાવ નાની હશે,અને તને એવું પણ લાગતું હશે કે ભવિષ્યનું વધુ પડતું વિચારીને વેવલાવેડા કરે છે, પણ આવી નાની વાત કયારેક પાયામાં રહી જાય તો બહુ ખરાબ પરિણામ પણ આવે! તારી પાસે સમય છે ને તો હું તને કંદર્પનાં બાળપણનો એક કિસ્સો કહું.

કંદર્પ જ્યારે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો હતો, ત્યારે એક દિવસ એના પ્રિન્સિપાલનો ફોન ‌આવ્યો કે‌ તાત્કાલિક સ્કૂલે આવો. અમે બંને ગભરાઈ ગયાં કે શું થયું હશે! માંડમાંડ અમે બંને સકૂલે પહોંચ્યા.પ્રિન્સિપાલની ચેમ્બરમાં કંદર્પ ને ઉભો રાખ્યો હતો, અને પ્રિન્સિપાલનાં ટેબલ પર સિગારેટનું પેકેટ અને લાઈટર પડ્યાં હતાં. પ્રિન્સિપાલ મનોજભાઈ શુક્લ નું કહેવું હતું કે ક્લાસ ટીચરે હોમવર્ક માતા પંદર પે કહ્યું કે એ નોટબુક ભૂલી ગયો છે અને ક્લાસ ટીચરને શંકા પડી કે હોમવર્ક કર્યું ન હોવાથી બહાનું કરે છે, એટલે એને બેગની તલાસી લીધી, અને એમાંથી આ સિગરેટનું બોક્સ તેમજ લાઇટર મળ્યાં. અમે ક્યારના પૂછીએ છીએ, પણ તે જવાબ આપતો નથી. આવી ટેવ હોય તો સ્કૂલના બાકીના વિદ્યાર્થીઓ પણ બગડી જાય, માટે એને સ્કૂલમાંથી રેસ્ટિગેટ કરવાનો નિર્ણય લેવો એવું નક્કી થયું છે. મે પ્રિન્સિપાલ ને કહ્યું કે ફક્ત 10 મિનિટ મને આપો કારણ કે આ મારા બાળકનું કામ નથી, તે કોઈ દિવસ આવું કરી શકે નહીં! ઈશ્વર પણ ઉપરથી આવીને કહે તો હું એની વાત પણ માનું નહીં, આની પાછળ બીજું કોઈ કારણ છે, જે કંદર્પ મને એકાંતમાં જ કહેશે.પ્રિન્સિપાલે કહ્યું કે તમે તો કોઈ પણ નું નામ આપવાનું કહી દો, પણ મારી પર સ્કૂલમાં ભણતા 500 વિદ્યાર્થીઓના ભવિષ્યનો દાવ લાગ્યો હોય ત્યારે આવી નાની શરત ચૂક મને પોસાય નહીં. બકુલભાઈ તો સ્તબ્ધ થઈને ઉભા હતાં,પણ એમ ખોટી સજા થાય એ કેમ ચાલે! એટલે મેં કંદર્પ નો હાથ મારા માથા પર રાખી, અને કહ્યું કે કંદર્પ સચ્ચાઈ શું છે તે પ્રિન્સિપાલ મેં કહી દે! હાટકેશનું સંતાન આમ કમજોર ન હોય, અને ખોટું કરનાર તો બિલકુલ નહીં. કંદર્પે કહ્યું કે એ સીગરેટનું બોક્સ ક્લાસ ટીચર નું જ છે, મારુ હોમવર્ક ચેક કરવા નાં બહાને એ લેવા જ આવ્યા હતાં, અને બરાબર ત્યારે જ પ્રિન્સિપાલ સાહેબ અમારાં ક્લાસમાં આવ્યાં, અને એમના હાથમાં લીધેલું એ બોક્સ એમાંથી કાઢ્યું હોય એવું નાટક કર્યું, છેલ્લા એક વીકથી આ રીતે એ કરતા હતાં, અને એ સમયે પ્રિન્સિપાલે એમનાં હાથમાં જોયું, એટલે એમણે એમ કહ્યું કે કંદર્પની સ્કૂલ બેગ માંથી નીકળ્યું છે, બસ મા આ જ સાચી હકીકત છે. મેં કહ્યું તો તે કહ્યું કેમ નહીં? કંદર્પ એ રડતાં રડતાં કહ્યું કે એમણે કહ્યું હતું કે, જો કહ્યું તો પરીક્ષામાં ફેઈલ કરીશ! પછી હું શું કરું! એમાં તમે મને કહ્યું હતું કે આ વખતે પહેલો નંબર આવશે તો ઘડિયાળ અપાવીશ, મા મને પણ ભાઈ જેવી ઘડિયાળ જોઈતી હતી, એટલે હું ચૂપ રહ્યો. કંદર્પ અને કૌશિક વચ્ચે ચાર વર્ષ નો ફેર છે, એટલે કૌશિક દસમા પાસ થયો એટલે એને ઘડિયાળ અપાવી હતી. નાની ઉંમરમાં આવું બધું આકર્ષણ હોય એટલે મે કહ્યુ તું પહેલા નંબરથી પાસ થાય તો અપાવીશ! એટલે એ લાલચ એ તેને ખોટું કામ કરાવ્યું.

બેટા બાળ માનસ બધું બહુ ‌ઝડપથી ગ્રહણ કરતું હોય છે, એટલે માતા પિતા એ આ બધું ધ્યાનમાં રાખીને જીવવાનું હોય. મે‌ તને આ એટલાં માટે કહ્યું કે તું પણ ભવિષ્ય ની માતા છો! એટલે આપણા બાળકમાં સચ્ચાઈ નાં સંસ્કાર રોપવા હોય તો આપણે પણ સચ્ચાઈ ને મહત્વ આપવું પડે. આમ બેલા બેન કાજલને પ્રેમથી એની ભૂલ ક્યાં થઇ એ સમજાવતાં હતાં, ત્યાં જ કાજલ ને ઉલટી થવા જેવું લાગ્યું, એટલે એ વોશરૂમ તરફ દોડી, અને બેલા બેન હરખથી બોલી ઉઠ્યાં, લ્યો મેં તો ભવિષ્યની માતા કહી પણ આ તો…. અને કાજલ મા કહીને એને ભેટી પડી. હંમમમમ હવે સમજાયું! બેલા બેન બોલ્યા મારી આટલી સંસ્કારી અને ડાહી વહું એ આવું કેમ કર્યું, પણ આવું હોય એટલે મન થાય જ ને! એટલીવારમાં કલા આવી અને એણે પુછ્યું, દાદી પણ તમે કહ્યું નહીં કે, એકટાણાં માં પાણીપુરી ખવાય? બેલાબેન અને કાજલ બંને હસી પડ્યા! બેલાબેન એ કહ્યું હા ખવાય પણ, કહીને ! પણ તારી કાકી ને તો હવે મન થાય એ બધું જ ખવાય! દાદી! પણ પાણીપુરી ખવાય?

લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here