ગુજરાત રાજ્યમાં આજે પણ માવઠાનું સંકટ યથાવત છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતો સૌથી વધુ ચિંતિત છે. ઘઉં, ચણા, કપાસ, તુવેર અને શેરડી સહિતના પાકને માવઠાંના કારણે ઘણું નુકસાન થયું છે.માર્કેટિંગ યાર્ડમાં રખાયેલો ખેતપેદાશોનો જથ્થો પલળી ગયો હોવાના બનાવ પણ રાજ્યમાં ઘણાં સ્થળો પર સામે આવ્યા છે.
વલસાડ જિલ્લામાં વરસાદ
વહેલી સવારથી મોડી રાત સુધી કમોસમી વરસાદનો કહેર. હાલ વલસાડ જિલ્લામાં માવઠાનો માહોલ છે. હવામાન વિભાગે કરેલી અગાહી પ્રમાણે રાત્રિથી વલસાડમાં વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારે પણ વરસાદ ચાલુ રહ્યો છે. હાલ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. કપરાડા ધરમપુર પારડી અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. જેનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે..બે દિવસથી વરસાદી માહોલ હોવાથી ઠંડીમાં વધારો થયો છે.
મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બુધવારે સૌરાષ્ટ્રમાં ફરી એક વાર માવઠાંરૂપી મુસીબત વરસી હતી જેમાં અમરેલી જિલ્લાના ખાંભામાં અને સોમનાથ જિ.ના ઉનામાં ૧ ઈંચ વરસાદ અને ઉના પાસેના કેંદ્ર શાસિત દીવમાં ધોધમાર ૩ ઈંચ વરસાદ વરસાદ નોંધાયો છે.તાલાલા પંથકના આંબાથી માંડીને સૌરાષ્ટ્રમાં સોમનાથ,અમરેલી,જુનાગઢ પંથકમાં જીરુ, ઘંઉ, કપાસ, ચણા, લસણ, ડુંગળી સહિતના કૃષિપાકને નુકશાન થયાના તથા માર્કેટ યાર્ડની ખરીદ-વેચાણની કામગીરી ખોરવાઈ ગયાના અહેવાલ મળ્યા હતા. તો દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના ઉમરપાડામાં દોઢ ઇંચ જ્યારે કામરેજ, બારડોલી, ચોર્યાસી, માંગરોળ, પલસાણા અને સુરત સિટીમાં અડધો ઇંચ વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું હતું.
ગીર સોમનાથમાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. સુત્રાપાડાના પ્રાસલી માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો મોટો જથ્થો પાણીમાં પલળી જતાં મોટુ નુકસાન થયું છે. લગભગ 200 થી 300 ગુણી જથ્થો પલળ્યો હોવાની સંભાવના છે. આ જથ્થાને ટેકાના ભાવે ખરીદવાનો હતો પણ હાલ મગફળીનો જથ્થો રવાના કરી દેવાયો છે.
વરસાદની આગાહી
મોસમ વિભાગે માહિતી આપતા જણાવ્યું કે, થાઈલેન્ડ અને તેના આસપાસના વિસ્તારોમાં બુધવારે સવારે દબાણનું વાતાવરણ બનશે. આ દબાણ ક્ષેત્ર આગામી 12 કલાકમાં અંદમાન સાગર સુધી પહોંચવાની શક્યતા છે. તેના બાદ તે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ વધતા 2 ડિસેમ્બરના રોજ દક્ષિણ-પૂર્વ તથા નજીકના ખાડીના મધ્ય ભાગમાં પહોંચી શકે છે. તેના બાદ 4 ડિસેમ્બર, શનિવારની સવારે ઉત્તરી આંધ્રપ્રદેશ- ઓરિસ્સાના દરિયાકાંઠે ટકરાવાની શક્યતા છે. આ દબાણને કારણે ઓરિસ્સાના દરિયા કાંઠે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.