દુનિયાના સૌથી કુખ્યાત આતંકી સંગઠન અલ-કાયદાનો વડો અયમાન અલ-ઝવાહિરી અફઘાનિસ્તાનમાં અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએના ડ્રોન હુમલામાં ઠાર

0
176

9/11ના ભોગ બનેલાના પરિવારોને અંતે ન્યાય મળ્યો : અમેરિકન પ્રમુખ

– અમારા પર હુમલો કરશો તો ગમે તેટલો સમય લાગે જ્યાં છુપાયા હશો ત્યાંથી શોધી-શોધીને મારીશું : બાઈડેનની આતંકીઓને ચેતવણી

– સૈફ અલ-આદેલ અલ-કાયદાનો નવો વડો બને તેવી શક્યતા, 2001થી એફબીઆઈની મોસ્ટ વોન્ટેડની યાદીમાં

અલ-કાયદાનો સ્થાપક ઓસામા બિન લાદેન ૨૦૧૧માં પાકિસ્તાનના અબોટાબાદમાં માર્યા ગયા પછી અલ-ઝવાહિરીએ આતંકી સંગઠનનું નેતૃત્વ કર્યું હતું

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના શેરપુર અપમાર્કેટ વિસ્તારમાં સ્થિત એક અત્યંત સુરક્ષિત બંગલાનો દરવાજો વહેલી સવારે ખુલે છે અને તે દરવાજેથી વિશ્વનો સૌથી ખતરનાક આતંકવાદી અલ-ઝવાહિરી શેરપુર અપમાર્કેટ વિસ્તારમાંથી બહાર આવે છે. તે ઘરની બાલ્કનીમાં આવીને ઠંડી હવાનો આનંદ માણવા લાગે છે. આ સમયે આકાશમાંથી એક મિસાઈલ આવે છે અને સેંકડો લોકોની હત્યા કરનાર આ ઈસ્લામિક આતંકવાદીને ઉડાવી દે છે.

દુનિયાના સૌથી કુખ્યાત આતંકી સંગઠન અલ-કાયદાનો વડો અયમાન અલ-ઝવાહિરી અફઘાનિસ્તાનમાં અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએના ડ્રોન હુમલામાં ઠાર મરાયો હતો. અમેરિકન અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે, ૨૦૧૧માં ઓસામા બિન લાદેનના માર્યા ગયા પછી અલ-કાયદાને આ સૌથી મોટો ફટકો પહોંચ્યો છે. દરમિયાન અમેરિકન પ્રમુખ જો બાઈડેને આતંકીઓને ચેતવણી આપી છે કે અમારા પર હુમલો કરશો તો શોધી-શોધીને મારીશું. અમે ૯/૧૧ના હુમલાનો ભોગ બનેલાઓને ન્યાય અપાવ્યો છે.

ઈજિપ્તના ડૉક્ટર અને સર્જન ઝવાહિરીએ અમેરિકામાં ૨૦૦૧માં ૯/૧૧ના હુમલામાં ચાર વિમાનોને હાઈજેક કરવામાં મદદ કરી હતી. તેમાંથી બે વિમાન વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાથે અથડાયા હતા જ્યારે ત્રીજું વિમાન પેન્ટાગોન પર તૂટી પડયું હતું. વ્હાઈટ હાઉસ પર હુમલો કરવા ઊડેલું ચોથું વિમાન શેંકવિલેમાં એક ખેતરમાં તૂટી પડયું હતું. અમેરિકામાં ૯/૧૧ના આ હુમલામાં ૩,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા. ૭૧ વર્ષના ઈજિપ્તના ડૉક્ટર ઝવાહિરીના માથે ૨૫ મિલિયન યુએસ ડોલરનું ઈનામ હતું. અમેરિકામાં ૯/૧૧ના હુમલામાં લાદેન પછી તે સેકન્ડ-ઈન કમાન્ડ હતો.

અમેરિકન પ્રમુખ જો બાઈડેને સોમવારે વ્હાઈટ હાઉસમાં આ ઓપરેશન અંગે માહિતી આપતા જવાહિરીના માર્યા ગયાની પુષ્ટી કરી હતી. તેમણે કહ્યું કે શનિવારે મારા નિર્દેશો પર અફઘાનિસ્તાનના કાબુલમાં સફળતાપૂર્વક અત્યંત ચોક્સાઈપૂર્વક કરાયેલા ડ્રોન હુમલામાં અલ-કાયદાનો વડો અયમાન અલ-ઝવાહિરી માર્યો ગયો છે. અંતે ૯/૧૧ના ભોગ બનેલાઓના પરિવારોને હવે ન્યાય મળ્યો છે. ઝવાહિરી વર્ષો સુધી અમેરિકનો પરના અનેક હુમલાઓના કાવતરાં ઘડતો રહ્યો હતો.

બાઈડેને આગળ કહ્યું કે, અમેરિકા તેના નાગરિકોનું રક્ષણ કરતું રહેશે અને અમને નુકશાન પહોંચાડવાનો પ્રયત્ન કરનારા વિરુદ્ધ સંકલ્પ અને ક્ષમતાનું પ્રદર્શન ચાલુ રાખશે. આજે અમે સ્પષ્ટ કર્યું છે કે ગમે તેટલો સમય લાગે. કોઈ ફરક નથી પડતો તમે જ્યાં પણ છુપાયા હશો અમે તમને શોધી કાઢીશું અને સજા આપીશું.

અમેરિકન અધિકારીઓમાંથી એકે નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે, રવિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સીઆઈએના એક ડ્રોને હુમલો કર્યો હતો. સીઆઈએએ બે મિસાઈલ હુમલા કર્યા ત્યારે ઝવાહિરી સેફ હાઉસની બાલ્કનીમાં ઊભો હતો. ઘરમાં પરિવારના અન્ય લોકો પણ હાજર હતા, પરંતુ આ હુમલામાં માત્ર ઝવાહિરી માર્યો ગયો અને અન્યોને કોઈ નુકસાન થયું નથી.

વહીવટી તંત્રના એક અધિકારીએ કહ્યું – સંયુક્ત રાજ્ય અમેરિકાએ અફઘાનિસ્તાનમાં અલ-કાયદા વિરુદ્ધ આતંકવાદ વિરોધી અભિયાન ચાલુ રાખ્યું છે. આ ઓપરેશન સંપૂર્ણપણે સફળ રહ્યું છે અને કોઈપણ નિર્દોષ નાગરિકને નુકસાન નથી થયું.

સૂત્રોના જણાવ્યા મુજબ રવિવારે વહેલી સવારે કાબુલમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ નફી તાકોરે પહેલા કહ્યું, શેરપુરમાં એક ઘરને રોકેટથતી નિશાન બનાવાયું હતું. કોઈ જાનહાની થઈ નથી. આ ઘર ખાલી હતું. તાલિબાનના એક સૂત્રે નામ ન છાપવાની શરતે કહ્યું કે રવિવારે સવારે કાબુલ પરથી એક ડ્રોન ઉડયું હોવાના અહેવાલ મળ્યા હતા.

અયમાન અલ-ઝવાહિરીનું મોત અલ-કાયદા માટે ૨૦૧૧માં માર્યા ગયેલા તેના સ્થાપક ઓસામા-બિન લાદેન પછી મોટો ફટકો છે. લાદેનના માર્યા ગયા પછી અયમાન અલ-ઝવાહિરીએ ૨૦૧૧માં અલ-કાયદાનું સુકાન સંભાળ્યું હતું. મધ્ય-પૂર્વની એક સંસ્થા મુજબ અલ-ઝવાહિરી પછી હવે સૈફ અલ-આદેલ અલ-કાયદાનો વડો બને તેવી શક્યતા છે. ઈજિપ્તનો આ પૂર્વ સૈન્ય અધિકારી અલ-કાયદાના સંસ્થાપક સભ્યોમાંથી એક છે. અમેરિકન ગુપ્તચર એજન્સીઓ મુજબ ૧૯૮૦ના દાયકામાં સૈફ અલ-આદેલ આતંકી જૂથ મકતબ અલ-ખિદમતમાં જોડાયો હતો. તે એક સમયે લાદેનનો સુરક્ષા ચીફ હતો અને ૨૦૦૧થી એફબીઆઈની મોસ્ટ વોન્ટેડ યાદીમાં છે. તેના માથે ૧૦ મિલિયન ડોલરનું ઈનામ છે.

તાલિબાને ઝવાહિરીને આશ્રય આપ્યાની શંકા

અલ-કાયદા અને તાલિબાનનું જોડાણ ભારત માટે મોટું જોખમ

– તાલિબાન ભારતને નિશાન બનાવનારા જૈશ અને તોયબાના આતંકીઓને પણ આશરો આપે તેવું જોખમ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં અલ-કાયદાનો વડો અલ-ઝવાહિરી માર્યો ગયો છે. તેનાં મોતથી અલ-કાયદાના સમર્થકો અને સાથીઓને મોટો ફટકો પડયો છે. જોકે, તાલિબાનોએ લાદેન પછી મોસ્ટ-વોન્ટેડ આતંકીને કાબુલમાં આશ્રય આપ્યો હોવાની બાબત ભારત માટે ચિંતાજનક છે.

અલ-કાયદાનો સ્થાપક ઓસામા બિન લાદેન ૨૦૧૧માં પાકિસ્તાનના અબોટાબાદમાં માર્યા ગયા પછી અલ-ઝવાહિરીએ આતંકી સંગઠનનું નેતૃત્વ કર્યું હતું અને તે પાકિસ્તાનમાંથી અફઘાનિસ્તાનમાં છુપાયો હતો. ભારતમાં સુરક્ષા ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે ઝવાહિરીના મોતથી ભારતમાં અલ-કાયદાના સમર્થકો અને આતંકીઓના મનોબળ પર અસર પડવાની શક્યતા છે. અલ-કાયદા ભારતમાં તેનું તંત્ર ઊભું કરવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. અધિકારીઓનું કહેવું છે કે અલ-કાયદાને સુરક્ષિત આશરો આપનાર તાલિબાન ભારતને નિશાન બનાવનારા જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોયબા જેવા પાકિસ્તાની આતંકી સંગઠનોને પણ આશરો આપી શકે છે.

ભારતીય સુરક્ષા એજન્સીઓનું આકલન છે કે તાલિબાનમાં ઘૂસણખોરી વધી શકે છે, કારણ કે અલ-કાયદાનું ખૂબ જ નજીકનું હક્કાની નેટવર્ક અમેરિકન અધિકારીઓને ઝવાહિરી અંગે માહિતી આપવાનો બદલો લેવાનો પ્રયત્ન કરી શકે છે. ભારત માટે વધુ ચિંતાની બાબત એ છે કે અલ-કાયદાના આતંકીઓ ઈસ્લામિક સ્ટેટ અને તેના પ્રાદેશિક સંગઠન ઈસ્લામિક સ્ટેટ-ખોરાસનમાં જોડાઈ શકે છે. અલ-કાયદામાં હવે સૈફ અલ- આદેલ ઝવાહિરીનું સ્થાન લે તેવી શક્યતા છે. અલ-આદેલ કેન્યામાં ૧૯૯૮માં અમેરિકન દૂતાવાસ પર હુમલા સહિત અનેક હુમલાઓમાં સંડોવાયેલ છે.

બીજીબાજુ અમેરિકન હુમલામાં ઝવારહિરીના મોત અંગે ચીને આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે. ઝવાહિરીના મોત અંગે પ્રતિક્રિયા આપતા ચીનના વિદેશ મંત્રી હુઆ ચુનયિંગે કહ્યું કે, તે દરેક પ્રકારના આતંકવાદ વિરુદ્ધ છે, પરંતુ સાથે જ આતંકવાદ વિરોધી અભિયાનો પર બેવડા માપદંડોનો પણ તે વિરોધ કરે છે. આવા અભિયાનો અન્ય દેશોની સંપ્રભુતાના ભોગે કરી શકાય નહીં. આ પ્રકારના અભિયાનોથી અન્ય દેશોની સંપ્રભુતા પર અસર પડે છે.

ભારતીય એરફોર્સ પણ હેલફાયર મિસાઈલથી સજ્જ

અમેરિકાએ હેલફાયર મિસાઈલથી અયમાન અલ-ઝવાહિરીને ઉડાવ્યો

– હેલફાયર મિસાઈલના આર૯એક્સ વર્ઝનમાં દારૂગોળાના બદલે બ્લેડનો ઉપયોગ કરાય છે

અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએએ અલ-કાયદાના વડા અલ-ઝવાહિરીને જે હેલફાયર મિસાઈલથી મારી નાંખ્યો તે મિસાઈલના એર અને નેવલ વર્ઝનનો ભારત પણ ઉપયોગ કરી રહ્યું છે. ભારતીય એરફોર્સેે ત્રણ વર્ષ પહેલાં અમેરિકા પાસેથી મેળવેલા અપાચે હેલિકોપ્ટર આ મિસાઈલ્સથી સજ્જ છે.

અમેરિકાએ ઝવાહિરીને મારવા માટે કયા ડ્રોનનો ઉપયોગ કર્યો તેની સત્તાવાર માહિતી સામે આવી નથી. પરંતુ માનવામાં આવે છે કે રીપર પ્રીડેટર-ડ્રોનનો ઉપયોગ કરાયો હશે, કારણ કે આ ડ્રોન જ હેલફાયર મિસાઈલથી હુમલો કરી શકે છે. હેલફાયરને હેલીબોર્ન લેઝર ફાયર એન્ડ ફર્ગેટ મિસાઈલ પણ કહેવાય છે. પરંતુ હવે આ મિસાઈલનું લોન્ગબો વર્ઝન પણ આવી ગયું છે, જે રડાર આધારિત છે. ભારતીય એરફોર્સના અપાચે હેલિકોપ્ટરમાં લોન્ગબો હેલફાયર મિસાઈલ લાગેલા છે.

જોકે સૂત્રોના જણાવ્યા મુજબ સીઆઈએએ હેલફાયર મિસાઈલના સીક્રેટ વર્ઝન આર૯એક્સનો ઉપયોગ કર્યો હશે. આ મિસાઈલનું વજન હેલફાયર મિસાઈલ જેટલું જ હોય છે, પરંતુ તેમાં વોરહેડ એટલે કે દારૂગોળો નથી હોતો. પરંતુ તેમાં બ્લેડ હોય છે, જેનાથી તે સચોટ નિશાન લાગે છે અને કોલેટરોલ ડેમેજની તકો ખૂબ જ ઓછી હોય છે. આ જ કારણથી તેને નિન્જા બોમ્બ પણ કહેવાય છે.

AD…..

બાઇડેને જણાવ્યું હતું કે દાયકાઓથી આ માણસ અમેરિકાને નિશાન બનાવતો હતો. તેણે વિશ્વભરમાં 2,000 બોમ્બધડાકા કર્યા હતાં.

• બાઇડેને કેન્યા અને તાન્ઝાનિયામાં અમેરિકન એમ્બેસી પર જવાહિરીએ હુમલો કર્યો હતો તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.

• અલકાયદાના હુમલામાં સેંકડો લોકો માર્યા ગયા છે અને હજારો લોકો ઘવાયા છે. બાઇડેને સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે આતંકવાદ સામેની લડાઈ ચાલુ જ રહેશે.

• બાઇડેને જણાવ્યું હતું કે આજે રાતે અમે સ્પષ્ટ કરી દીધું છે કે ભલે ગમે તેટલો સમય લાગે, તમે ગમે ત્યાં છુપાવાનો પ્રયાસ કરો પણ અમે તમને છોડીશું નહીં.

• વિશ્વના સૌથી ખતરનાક આતંકવાદીઓમાં સામેલ જવાહિરી કાબુલના એક ઘરમાં પોતાના પરિવાર સાથે છુપાઈને બેઠો હતો ત્યારે જ તેના પર ડ્રોન હુમલો કરીને તેને પતાવી દેવામાં આવ્યો હતો.

• અમેરિકન સેનાએ 20 વર્ષ બાદ પાછલા વર્ષે અફઘાનિસ્તાન છોડી દીધું હતું તે પછી તાલિબાનોએ ફરી સત્તા સંભાળી લીધી હતી. જેને પગલે અલકાયદા જેવા આતંકવાદી સંગઠનો માટે આશ્રાયસ્થાન બની ગયું છે.

• બાઇડેને જણાવ્યું હતું કે અમે હવે એ બાબતની ખાતરી કરીશું કે અફઘાનિસ્તાન ફરીથી આતંકવાદીઓ માટે સલામત ઠેકાણું ના બને.

• બાઇડેન તંત્રે ડ્રોન દ્વારા જવાહિરીનો સફાયો કરવા માટે એક સપ્તાહ અગાઉ યોજના તૈયાર કરી હતી.

• કાબુલમાં જવાહિરીના ઘરનું મોડલ પણ તૈયાર કરવામાં આવ્યું હતું અને બાઇડેનને દેખાડવા માટે વ્હાઇટ હાઉસના સિચ્યુયેશન રૂમમાં પ્રદર્શિત કરાયું હતું. રવિવારે અચૂક નિશાન સાધીને તે ઘરને ડ્રોન દ્વારા ઉડાવી દેવામાં આવ્યું હતું.

• જવાહિરીના માથા પર અમેરિકાએ અઢી કરોડ ડોલરનું ઇનામ જાહેર કર્યું હતું.

• સત્તારૂઢ તાલિબાન સરકારની સુરક્ષા અને જાસૂસ સંસ્થાઓએ પણ તરત ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

• તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુઝાહિદે જણાવ્યું હતું કે કાબુલના શેરપુર જિલ્લામાં એક ઘર પર હુમલો થયો છે. તેણે હુમલાની નિંદા કરી હતી પણ જવાહિરી અંગે કોઈ ટિપ્પણી કરી ન હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here