અમેરિકાના ‘હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સ’ના સ્પીકર નેન્સી પેલોસી મંગળવારે યુ.એસ. એરફોર્સના પેસેન્જર જેટ વિમાન દ્વારા તાઇવાન પહોંચ્યા ત્યારે છેલ્લા ૨૫ વર્ષમાં આ ‘સેલ્ફ-રૂલ્ડ’ આઇલેન્ડની મુલાકાતે જનારા ઉચ્ચ કક્ષાના પહેલા અમેરિકી અધિકારી બની રહ્યા છે.
તેઓએ તાઇવાનના રાષ્ટ્રપતિ સાથે એક સંયુક્ત નિવેદન પણ આપ્યું તેમજ તાઇવાનની સંસદને સંબોધન પણ કર્યું હતું. ચીનના ઉગ્ર વિરોધની પણ અવગણના કરી તેઓ ધરાર તે ટાપુ રાષ્ટ્રની મુલાકાતે ગયા હતા. ચીન આથી સખત ગુસ્સે ભરાયું છે.
પેલોસીની આ મુલાકાતથી ચીન અને અમેરિકા વચ્ચે તંગદિલી વધી ગઈ છે. તો બીજી તરફ ચીનને સાંત્વના આપતા જો-બાયડને કહ્યું હતું કે પેલોસીની આ મુલાકાતથી અમેરિકાના વન-ચાયના સિદ્ધાંતમાં કશો ફેર પડવાનો નથી. આમ છતાં ચીનને તે શબ્દોથી સંતોષ થયો નથી.
પેલોસીની મુલાકાત પૂર્વે શી જીનપિંગે અમેરિકાના પ્રમુખને બાયડન સાથે ફોન ઉપર કરેલી લંબાણ ચર્ચા દરમિયાન અમેરિકાને સીધી ધમકી જ આપી દીધી હતી. તે સામે બાયડને કહ્યું હતું કે, અમેરિકા-વન- ચાયના પ્રિન્સિપાલને વળગી રહ્યું છે. તાઇવાન સાથે તો અમારા સંબંધો અવિધિસરના છે.
આ તબક્કે તે ઉલ્લેખનીય છે કે પેલોસીએ સંઘર્ષગ્રસ્ત લોકશાહી માટે દાયકાઓથી સંઘર્ષ કરી રહ્યા છે. ૧૯૯૧માં બૈજિંગના તિયાનાનમીન ચોકમાં થયેલા હત્યાકાંડ પછી પેલોસી ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ તેઓની સાથે ગયેલા સાંસદોએ લોકશાહીનું સમર્થન કરનારા નાના બેનરો ફરકાવ્યા હતા તે સમયે ચીનની પોલીસ તેઓની ઉપર ગુસ્સે ભરાઈ હતી.
આમ દાયકાઓથી અમેરિકા લોકશાહીને અને તેના મુલ્યોને પુષ્ટિ આપી રહ્યું છે. ચીનની સામ્યવાદી સરમુખત્યારશાહી સરકારનો વિરોધ કરી રહ્યા છે. બંને દેશો વચ્ચે વારંવાર જાગતી ચિનગારીનુ આ મુખ્ય કારણ છે.