પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં સંપૂર્ણ આદિવાસી તાલુકા કપરાડામાં આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી

0
223

  • એક તીર એક કમાન, આદિવાસી એક સમાન અને જય આદિવાસીના નારા સાથે કપરાડા પંથક ગુંજી ઉઠ્યો
  • સરકારની વિકાસલક્ષી યોજનાથી આદિવાસી સમાજ આગળ વધી રહ્યો છેઃ મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી
  • વિવિધ યોજનાના કુલ 24857 લાભાર્થીઓને કુલ રૂ. 701.99 લાખની સહાય ચૂકવાઈ
  • 29.25 લાખના ખર્ચે થનારા વિકાસના કુલ 13 કામોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરાયું

ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની શાનદાર ઉજવણી વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી તાલુકા તરીકે ગણાતા કપરાડા તાલુકાની અરૂણોદય સાર્વજનિક વિદ્યાલય ખાતે કલ્પસર અને મત્સ્ય ઉદ્યોગ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં થઈ હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત આદિવાસી ઓએ ભગવાન બિરસા મુંડાની જય જયકાર, એક તીર, એક કમાન આદિવાસીઓ એક સમાન અને જય આદિવાસીના નારા લગાવતા સમગ્ર માહોલ ગુંજી ઉઠ્યો હતો.વિશ્વ આદિવાસી દિવસની સૌને શુભેચ્છાઓ પાઠવી રાજયકક્ષાના મંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીએ જણાવ્યું કે, આજે આપણને સૌને આદિવાસી હોવાનો ગર્વ થાય છે. દેશના સર્વોચ્ચ રાષ્ટ્રપતિ પદે પણ પ્રથમવાર આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુ બિરાજમાન થયા છે, જે સમસ્ત આદિવાસીઓ માટે ગૌરવની વાત છે. ગુજરાતમાં આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. બે દાયકામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ગુજરાત સરકારે રસ્તાથી માંડીને સિંચાઇ, આરોગ્ય, વીજળી અને વાહનવ્યવહારની સુવિધા અંતરિયાળ વિસ્તારોમાં ઉપલબ્ધ કરતા આદિવાસી સમાજનો તેજ ગતિએ વિકાસ થઇ રહ્યો છે. આપણા સમાજની નવી પેઢીને શિક્ષણ આપવું પણ ખૂબ જ જરૂરી છે, તો જ સમાજ આગળ વધશે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ દ્વારા આદિવાસીઓના વિકાસ માટે અનેક નિર્ણયો લેવાયા છે. સરકાર તમામ સુવિધા આપવા માટે કટિબધ્ધ છે. સરકારની યોજનાથી આદિવાસી સમાજ આગળ વધી રહ્યો છે. મોબાઈલ કનેક્ટિવીટી આપણા વિસ્તારમાં ન હતી તો તેની પણ મુખ્યમંત્રીશ્રીએ ચિંતા કરી નેટવર્ક પુરુ પાડ્યું. સમગ્ર બોર્ડર વિસ્તારમાં રહેતા રહેતા આદિવાસી બાંધવો ઘર બેઠા રોજગારી મેળવી શકે તે માટે સ્કીલ બેઝડ તાલીમ અપાઈ રહી છે. ભણેલા ગણેલાને તો રોજગારી મળે પરંતુ જે અશિક્ષિત હોય તેને પણ તાલીમ આપવાથી તે પણ રોજગારી મેળવી શકે છે. વલસાડ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ ગુલાબભાઈ રાઉતે કહ્યું કે, આપણે આપણી પરંપરા ભૂલી રહ્યા છે, આપણા વડીલો, પૂર્વજો જે સંસ્કૃતિ, રીત રિવાજ અને પરંપરા વારસામાં મુકી ગયા છે તેને આપણે જાળવી રાખવાની છે. બિરસા મુંડાને આપણે ભગવાના માનીએ છીએ, આઝાદીની લડતમાં તેમણે એકદમ નાની ઉંમરમાં અંગ્રેજોને ધૂળ ચટાડ્યું હતું. આપણા 1500 આદિવાસી બાંધવો પ્રબળ રાષ્ટ્રભાવના માટે અંગ્રેજો સામેની લડતમાં શહીદ થયા હતા. આજનો આ દિવસ તેમની શહીદીને યાદ કરવાનો છે. ડો. બાબા સાહેબ આંબેડરે સંવિધાનમાં આદિવાસી સમાજ માટે વિશેષ જોગવાઈ કરી હતી. જેના થકી આપણે અન્ય સમાજની હરોળમાં આવી શક્યા છે. એ જ રીતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ આપણા આદિવાસી સમાજના બાળકોના શિક્ષણ માટે ક્રાંતિ સર્જી છે. આદિવાસીઓને જમીનના અધિકાર પણ આપ્યા છે.
કાર્યક્રમમાં હાજર દરેક લોકોએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ઝાલોદ ખાતે રાજ્ય કક્ષાની ઉજવણીના કાર્યક્રમને લાઈવ નિહાળ્યો હતો. ગુજરાત રાજ્‍યમાં આદિજાતિ વિકાસયાત્રાની ડોકયુમેન્‍ટરી ફિલ્‍મનું નિદર્શન પણ કરાયું હતું. કાર્યક્રમનો શુભારંભ આદિવાસી કૂળદેવી, દેવીદેવતાઓ અને ભગવાન બિરસામુંડાને દીપપ્રાગટય અને પુષ્પ અર્પણ કરી કરાયો હતો. કન્યા સાક્ષરતા નિવાસી શાળાની વિદ્યાર્થિનીઓએ આદિવાસી નૃત્ય રજૂ કર્યું હતું. જ્યારે એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ શાળા આનંદ નિકેતન, કપરાડાના વિદ્યાર્થીઓએ તેરી મીટ્ટી મે મિલ જાવા….સોંગ પર દેશભક્તિનો લાગણીસભર ડાન્સ રજૂ કર્યો હતો. આ પ્રસંગે કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ મોહનભાઈ ગરેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
આ ઉજવણી પ્રસંગે મંત્રીશ્રી જીતુભાઈ અને મહાનુભાવોના હસ્‍તે વ્યક્તિગત યોજનાના લાભાર્થીઓને પ્રિ-મેટ્રીક શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય, બોર્ડર વિલેજ યોજના હેઠળ આવાસ, અનાજ ઉપણવાના પંખા,સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ, કુંવરબાઈનું મામેરુ, વૃદ્ધ પેન્શન, સ્વ સહાય જૂથોને રિવોલ્વીંગ ફંડ, ઓઈલ એન્જિન આપવાની યોજના, તાડપત્રી આપવાની યોજના, મંડપ યોજના, ફળાઉ ઝાડના રોપા વિતરણ યોજના, પાલક માતા પિતા, દિવ્યાંગ બસ પાસ સહિત વિવિધ યોજનાના કુલ 24857 આદિજાતિના લાભાર્થીઓને કુલ રૂ. 701.99 લાખની સહાય અને વન અધિકાર અધિનિયમ હેઠળ જંગલની જમીનના હક્ક પત્રકોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. સાથે સાથે પ્રગતિશીલ ખેડૂતો, તેજસ્‍વી વિદ્યાર્થીઓ, ખેલાડીઓ અને શ્રેષ્‍ઠ પશુપાલકોનું સન્‍માન પણ કરાયું હતું. તાલુકામાં રૂ.29.25 લાખના ખર્ચે થનારા વિકાસના કુલ 13 કામોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ ધવલભાઈ પટેલ, પ્રદેશ સંગઠનના ઉપપ્રમુખ ઉષાબેન પટેલ, નાનાપોંઢા એપીએમસીના અધ્યક્ષ મુકેશભાઈ પટેલ, કપરાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ગોપાળભાઈ ગાયકવાડ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધાયેત્રીબેન ગાયકવાડ, તાલુકા સંગઠન પ્રમુખ રમેશભાઈ ગાંવિત, કપરાડાના સરપંચ શાંતિબેન મુહુડકર, તાલુકા વિકાસ અધિકારી સંદિપ ગાયકવાડ સહિતના અધિકારી પદાધિકારીઓ અને આદિવાસી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધરમપુરના પ્રાંત અધિકારી કેતુલ ઈટાલિયાએ સ્‍વાગત પ્રવચન કર્યું હતું. કપરાડાના મામલતદાર જે.ડી.ચૌધરીએ આભારવિધિ કરી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરણઈની સરકારી શાળાના શિક્ષક તારેશ એ.સોનીએ કર્યું હતું.Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here