અકસ્માતમાં કારના ફુરચેફુરચા થઇ ગયા
આ અકસ્માત એટલો જીવલેણ હતો કે પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જેમાં પતિ, પત્ની અને 15 વર્ષના દીકરાનું મોત નિપજ્યું હતું.
અકસ્માતમાં ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થતા કારના ફુરચેફુરચા થઇ ગયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એકની હાલત ગંભીર જણાતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયો હતો. આ ઘટનાની જાણ થતા એમ્બ્યુસન્સ પણ તુરંત ઘટનાસ્થળે આવી ગઇ હતી અને પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
40 વર્ષીય જીલુભાઈ આહીર પોતાના પરિવાર સાથે કારમાં સવાર થઈ સુરતથી અમરેલી વતન તરફ જઈ રહ્યાં હતા. આ કારમાં તેઓના પત્ની અને બે પુત્રો સવાર હતા. ત્યારે રાજકોટ હાઈવે પર કારની ટ્રક સાથે ધડાકાભેર ટક્કર થઇ હતી. આ અકસ્માત એટલો જીવલેણ હતો કે પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જેમાં પતિ, પત્ની અને 15 વર્ષના દીકરાનું મોત નિપજ્યું હતું. જ્યારે 17 વર્ષીય દીકરો શુભમ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આથી તેને વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયો છે.
મૃતકોના નામ
જીલુભાઈ બાબલુભાઈ ભૂવા, ઉંમર 40 વર્ષ
ગીતાબેન જીલુભાઇ ભૂવા, ઉંમર 38 વર્ષ
શિવમ જીલુભાઈ ભુવા, ઉંમર 15 વર્ષ
ઈજાગ્રસ્ત કિશોર
શુભમ સમતભાઇ ભૂવા, ઉંમર 17 વર્ષ
હાલમાં આ સમગ્ર ઘટનાને લઇને વલભીપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જેમાં આટલો મોટો ગંભીર અકસ્માત આખરે કેવી રીતે સર્જાયો? કયા કારણોસર ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થઇ? આ સાથે આહીર પરિવારના સ્વજનોને પણ આ અકસ્માત વિશે જાણ કરાતા હોસ્પિટલ પર મોટા ભાગના સગા-સંબંધીઓ પણ દોડી આવ્યા હતા.
બનાસકાંઠાના મેરવાડા ગામ નજીક પણ સર્જાયો ગંભીર અકસ્માત
બીજી બાજુ બનાસકાંઠાના મેરવાડા ગામ નજીક પણ ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં અચાનક રોડ વચ્ચે આખલો આવી જતા ગાડી પલટી મારી ગઇ હતી. આથી કારમાં સવાર મહિલાનું મોત નિપજ્યું હતું જ્યારે કાર ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. કારમાં બેઠેલ 4 વર્ષીય બાળકનો આબાદ બચાવ થયો હતો. રખડતા પશુના કારણે એક સપ્તાહમાં આ બીજું મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે.