વલસાડ જિલ્લાના બે શિક્ષકોની રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે પસંદગી, શિક્ષકદીને મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ એનાયત કરાશે
5મી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે શિક્ષણ ક્ષેત્રમાં ઉમદા કામગીરી કરનાર શિક્ષકોનું રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે રાજ્યના 44 શિક્ષકો પસંદગી પામ્યા છે. જેમાં વલસાડ જિલ્લાના 2 શિક્ષકોએ કરેલી શ્રેષ્ઠ કામગીરીને લઈને શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તેમના નામની આજરોજ જાહેરાત થતા શિક્ષણ વિભાગમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
રાજ્યના 44 શિક્ષકોની યાદી જાહેર
સમગ્ર રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર તરફથી દર વર્ષે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવે છે. વર્ષ 2022 માટે રાજ્યના 44 શિક્ષકોની યાદી જાહેર કરાઈ હતી, જેમાં 3 વર્ષના લાંબા ગાળા બાદ વલસાડ જિલ્લાના 2 શિક્ષકો ધરમપુર તાલુકાના માલનપાડાની નવીનગરી પ્રાથમિક શાળા મુખ્યશિક્ષક મહેન્દ્રસિંહ પરમાર અને વલસાડ તાલુકાની બાઈ આંવા બાઈ હાઈસ્કુલના વ્યાયામ શિક્ષક ધનસુખભાઈ ટંડેલની રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો માટે પસંદગી કરવામાં આવી છે. મહેન્દ્રસિંહ પરમારની પ્રાથમિક શાળા કેટેગરીમાં અને ધનસુખભાઈ ટંડેલની માધ્યમિક શાળા કેટેગરીમાં રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક માટે રાજ્ય સરકાર દ્વારા પસંદગી કરવામાં આવી છે. આ બન્ને શિક્ષકોને 5 સપ્ટેમ્બર, 2022 શિક્ષકદિનના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે એવોર્ડ એનાયત કરાશે.
માલનપાડા નવીનગરી પ્રાથમિક શાળાના મુખ્યશિક્ષક તરીકે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ પરમાર 36 વર્ષની પ્રભાવી, નિર્વિવાદ અને ગૌરવશાળી શૈક્ષણિક કારકિર્દી ધરાવે છે. તેમણે અત્યારસુધી 3 પ્રાથમિક શાળાઓમાં ઉપશિક્ષક અને મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવી છે. તેમજ તેમણે નવીનગરી પ્રાથમિક શાળાને સર્વભાગીદારીથી વર્ષ 2015-16 અને વર્ષ 2021-22માં સ્વચ્છતા એવોર્ડમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ વિદ્યાલય એવોર્ડ પણ જીતાડ્યો હતો.
શિક્ષકની સિદ્ધી
વર્ષ 2021-22માં ગુણોત્સવ 2.0 ના દ્વિતિય સાયકલમાં શાળાને A+ ગ્રેડ મેળવવામાં તેમજ શાળાને પીળા સ્તરમાંથી ગ્રીન – 1 સ્તરમાં સામેલ કરી અધ્યયન અને અધ્યાપન ક્ષેત્રમાં 87% સિદ્ધિ મેળવવામાં તેમનો ખૂબ જ મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. તેમને શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ વર્ષ 2018માં તાલુકા કક્ષાના અને વર્ષ 2019માં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. વર્ષ 2020માં તેમને રાજ્યકક્ષાએ મોરારિબાપુના હસ્તે ચિત્રકુટ એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. તેઓ શેક્ષણિક કાર્ય સાથે લોકસેવામાં પણ અગ્રેસર છે, તેમણે 24 રક્તદાન શિબીરોનું આયોજન કરી અત્યાર સુધી તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા 450થી વધુ બોટલ રક્ત એકત્રિત કર્યું છે.
છેલ્લા 20 વર્ષોથી વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવે છે
માધ્યમિક શાળા કેટેગરીમાં રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલા વલસાડની બાઈ આંવાબાઈ હાઈસ્કુલના વ્યાયામ શિક્ષક ધનસુખભાઈ ટંડેલ છેલ્લા 20 વર્ષોથી વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. પોતાના પિતાના જીવનથી પ્રેરણા લઈ તેમણે વ્યાયામ શિક્ષક બનવાનું સ્વપ્ન સેવ્યું હતું, તેથી તેમણે વર્ષ 1991માં એમના કોલેજકાળ દરમિયાન N.C.C.ની “B” અને “C”ની અને વર્ષ 1993માં બી.પી.એડ.ની પરીક્ષા પાસ કરી હતી. તેમજ N.C.C.માં ઉત્કૃષ્ઠ દેખાવને કારણે તેમની પ્રજાસત્તાકદિન પ્રધાનમંત્રીની રેલીમાં ભાગ લેવા માટે પસંદગી કરાઈ હતી.
વર્ષ 2002માં તેમની વલસાડની બાઈ આંવાબાઈ હાઈસ્કુલના વ્યાયામ શિક્ષક તરીકે નિમણૂંક થઈ હતી. તેમની અધ્યક્ષતામાં શાળાના વિદ્યાર્થીઓએ રમતગમત ક્ષેત્રે તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સફળતાઓ મેળવી છે. ધનસુખભાઈને વ્યાયામ શિક્ષક તરીકેના કાર્યકાળ દરમિયાન અધ્યાપન ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી બદલ વર્ષ 2018માં તાલુકા કક્ષાના અને વર્ષ 2019માં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમજ તેમને વર્ષ 2020માં આઈ.એન.એસ.સી. ઈન્સ્ટિટ્યુટ ઓફ સ્કોલર શ્રેષ્ઠ શિક્ષકનું પારિતોષિક પણ એનાયત કરાયું હતું.
મહેન્દ્રસિંહ પરમાર અને ધનસુખભાઈ ટંડેલને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે પસંદગી થવા બદલ વલસાડ જિલ્લાના માધ્યમિક શિક્ષણ અધિકારી કે.એફ.વસાવા અને પ્રાથમિક શિક્ષણ અધિકારી બી.ડી.બારીયાએ આનંદની લાગણી વ્યક્ત કરી બન્ને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.