વલસાડ જિલ્લામાં રૂ. 3.33 કરોડના ખર્ચે 18 એમ્બ્યુલન્સનું નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતમાં લોકાર્પણ
જે લોકોના મા- આયુષ્યમાન કાર્ડ બંધ થઈ ગયા હતા તેવા 55 હજાર લોકોની સારવારના રૂ.122 કરોડના બીલ ચૂકવવાનો નિર્ણય લેવાયોઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
પહેલા રૂ. 20 થી 30 લાખમાં પીએચસી બનતા આજે એટલા ખર્ચમાં સબ સેન્ટર અને પીએચસી રૂ. 90 લાખથી રૂ. 1 કરોડના ખર્ચે સુવિધા યુક્ત બની રહ્યા છેઃ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ
એમ્બ્યુલન્સની જરૂરીયાત કેટલી મહત્વની છે તે કોરોનાકાળમાં પડેલી મુશ્કેલી અને અનુભવ પરથી જાણી શકયાઃ મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ વર્ષ 2002માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી રાજ્યનો કોઈપણ નાગરિક સારવારથી વંચિત ન રહે તે માટે મા આરોગ્ય કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડની સુવિધા આપી, વડાપ્રધાન બન્યા પછી સમગ્ર દેશના આરોગ્યની ચિંતા કરી આયુષ્યમાન કાર્ડ આપ્યા, આજે દરેક પરિવારને હિંમત છે કે, પરિવારના સભ્યને કંઈ કશુ થશે તો રૂ. 5 લાખ સુધીના ખર્ચની ચિંતા નથી. રાજ્ય સરકારે એક કદમ આગળ ચાલી જે લોકોના કાર્ડ બંધ થઈ ગયા હતા તેવા 55 હજાર લોકોના રૂ. 122 કરોડની સારવારના બીલ પણ ચૂકવવાનો નિર્ણય ગઈ કાલે જ લીધો છે. જેથી દરેક નાગરિકના સ્વાસ્થય અંગે સરકાર કટિબધ્ધ છે. એમ રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વલસાડ જિલ્લામાં તમામ પીએચસી અને સીએચસી પર એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાવવાના પ્રસંગે 18 એમ્બ્યુલન્સના લોકાર્પણ પ્રસંગે સિવિલ હોસ્પિટલના ઓડિટોરીયમમાં જણાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ, અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને રાજ્ય કક્ષાના પાણી પુરવઠા,નર્મદા જળ સંપત્તિ, મત્સ્યોદ્યોગ અને કલ્પસર વિભાગના મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
મંત્રીશ્રી કનુભાઈએ વધુમાં જણાવ્યું કે, કોરોનાકાળમાં અન્ય દેશો મહામારી સામે હારી ગયા હતા ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહામારીને નાથવા માટે સમગ્ર દેશવાસીઓને એક થવાનો મંત્ર આપ્યો. પહેલા વેક્સિન બીજા દેશોમાં બનતી અને ભારતમાં આવતા 10 વર્ષ નીકળી જતા પરંતુ વડાપ્રધાનશ્રીએ આપણા દેશના વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરતા સ્વદેશી વેક્સિન બનાવવામાં સફળતા મેળવી. જે દેશવાસીઓને મફતમાં ઉપલબ્ધ કરાવાઈ અને અન્ય દેશોને પણ આપી હતી જે સમગ્ર વિશ્વએ જોયુ. આજે ભારતે એકજૂથ થઈને પુનઃ ગતિ પકડી લેતા અર્થતંત્ર પણ વેગ સાથે દોડી રહ્યું છે.
રાજ્ય સરકાર દરેકના આરોગ્યની ચિંતા કરી સારામાં સારી સારવાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપી રહી હોવાનું આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવી વધુમાં કહ્યું કે, નરેન્દ્રભાઈની સૂઝબુઝને કારણે ગુજરાતમાં તેમણે વિકાસનો મજબૂત પાયો નાંખ્યો હતો, જેના કારણે આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પણ ખાનગી હોસ્પિટલોને ટક્કર મારે તેવા બની રહ્યા છે. ભૂતકાળમાં રૂ. 20 થી 30 લાખમાં પીએચસી બનતા હતા આજે એટલા ખર્ચમાં સબ સેન્ટર બની રહ્યા છે. જ્યારે પીએચસી રૂ. 90 લાખથી રૂ. 1 કરોડના ખર્ચે સુવિધા યુક્ત બની રહ્યા છે. પહેલા સરકારી દવાખાનામાં ડોક્ટરો અને સ્ટાફની ઘટ રહેતી આજે તમામ જગ્યા ભરાયેલી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીને અભિનંદન પાઠવતા મંત્રીશ્રીએ કહ્યું કે, આજે જે 18 એમ્બુલન્સનું લોકાર્પણ થઈ રહ્યું છે તેમાં જિલ્લા વિકાસ અધિકારી ગુરવાનીનું મહત્વનું યોગદાન છે. તેમણે સરકારની વિવિધ યોજનાઓ હેઠળની ગ્રાંટમાંથી એમ્બ્યુલન્સો ખરીદી છે. આવુ પ્રશંસનીય કાર્ય ભાગ્યે જ કોઈ જિલ્લા વિકાસ અધિકારી કરતા હોય છે.
રાજ્યકક્ષાના મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીએ દહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે દહેરી ગ્રામ પંચાયતની સ્વભંડોળ ગ્રાંટમાંથી એમ્બ્યુલન્સની ગ્રાંટ ફાળવવામાં આવી તે બદલ દહેરી ગામના અને ઉમરગામ તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દિનેશભાઈ માહ્યાવંશી, સદસ્ય નીતિનભાઈ કામળી, સરપંચ ધનેશ દુબળા અને ઉપસરપંચ ઉમેશભાઈ સોલંકી અને તેમની સમગ્ર ટીમનો આ તબક્કે આભાર માન્યો હતો. મંત્રીશ્રીએ પીડીલાઈટ ઈન્ડ્રસ્ટીઝ લિ.એ 2 એમ્બ્યુલન્સ માટે સીએસઆર ફંડમાંથી રૂ. 32 લાખ આપ્યા હોવાથી તેમનો પણ આભાર માન્યો હતો. આ વેળાએ મંત્રીશ્રીએ એમ્બ્યુલન્સ માટે કોઈપણ ગ્રામ પંચાયતે તેમના સ્વભંડોળમાંથી પૈસા આપ્યા હોય એવુ પહેલીવાર બન્યુ હોય શકે એમ જણાવ્યું હતું. વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, એમ્બ્યુલન્સની જરૂરીયાત કેટલી મહત્વની છે તે આપણે કોરોનાકાળમાં પડેલી મુશ્કેલી અને અનુભવ પરથી જાણી શકયા છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીએ જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં સામુહિક આરોગ્ય કેન્દ્રો પર એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી વિવિધ યોજના હેઠળ ગ્રાંટમાંથી પારદર્શક વહીવટ સાથે 23 એમ્બ્યુલન્સ ખરીદવાનું કાર્ય પાર પાડ્યું છે. જેમાંથી આજરોજ 18 એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. બાકી રહેલી 5 એમ્બ્યુલન્સની ડિલિવરી જિલ્લાને ટૂંક સમયમાં મળશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, સંસદ સભ્ય ડો. કે.સી.પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મનહરભાઈ, જિ.પં.ના કારોબારી અધ્યક્ષ ગુલાબભાઈ રાઉત, જિ.પં.ની આરોગ્ય સમિતિના અધ્યક્ષ રંજનબેન પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પટેલ, પીડીલાઈટ ઈન્ડ્રસ્ટીઝ લિ.ના મુંબઈના સિનિયર વાઈસ પ્રેસીડેન્ટ (સીએસઆર) ડો. પંકજકુમાર શુકલા અને જિલ્લા સંગઠનના પ્રમુખ હેમંતભાઈ કંસારા, ઉમરગામ તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દહેરીના દિનેશભાઈ માહ્યાવંશી, ગામના સરપંચ ધનેશ દુબળા સહિત જિલ્લાની તમામ તાલુકા પંચાયતના પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારી તેમજ અધિકારી-પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાગત પ્રવચન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલે અને આભારવિધિ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વિપુલ ગામીતે કરી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન વલસાડ રક્તદાન કેન્દ્રના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ભાવેશભાઈ રાયચાએ કર્યું હતું. કાર્યક્રમના અંતે મંત્રીશ્રીઓના હસ્તે લીલી ઝંડી (ફલેગ ઓફ) બતાવી 18 એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું હતું.