- શૈક્ષણિક સંઘની પેન ડાઉન અને માસ સીએલની ચીમકી
- રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના પ્રચાર અધ્યક્ષ રાકેશ ઠાકરે જણાવ્યું હતું કે, 52 જેટલાં સંગઠનો અમારી સાથે છે.
- 1 કિમી જેટલી લાંબી રેલી યોજી છે, કલેક્ટર કચેરી બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
અમદાવાદમાં આજે જુદાં-જુદાં કર્મચારી મંડળોએ કલેક્ટર કચેરીએ ધામા નાંખ્યા છે. મોટી સંખ્યામાં ઉમટેલા આંદોલનકારીઓ દ્વારા જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માગ કરવામાં આવી રહી છે. 1 કિમી જેટલી લાંબી રેલી યોજી છે, કલેક્ટર કચેરી બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો કલેક્ટર કચેરીના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. આગેવાનો અમદાવાદ કલેક્ટર કચેરીમાં કલેક્ટર સંદીપ સાગલેને આવેદન પત્ર આપ્યું છે. ગાંધી આશ્રમથી કલેક્ટર કચેરી સુધી ટ્રાફિક જામ થયો છે.
શૈક્ષણિક સંઘની પેન ડાઉન અને માસ સીએલની ચીમકી રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના પ્રચાર અધ્યક્ષ રાકેશ ઠાકરે જણાવ્યું હતું કે, 52 જેટલાં સંગઠનો અમારી સાથે છે. આજે 6000 કરતાં વધુ કર્મચારીઓ જૂની પેન્શન યોજના, સાતમા પગાર પંચનાં ભથ્થાં, શહેરી વિસ્તારમાં 4200 ગ્રેડ પે-નો અમલ થાય તે માટે આંદોલન કરી રહ્યા છે. આજે આવેદન આપ્યું છે, હજુ મહિના દરમિયાન અલગ અલગ કાર્યક્રમ આપીશું. પેન ડાઉન કરીશું અને માસ સીએલ પર પણ ઊતરીશું. છતાં માંગણી પૂરી નહીં થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરીશું.
7 હજારથી વધુ કર્મીઓ આંદોલનના માર્ગે
પ્રાથમિક શિક્ષકનું સંઘ, આચાર્ય સંઘ, જિલ્લા પંચાયત કર્મચારી સંઘ, શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ, આરોગ્ય કર્મચારીઓ, તલાટીના કર્મચારીઓ સહિત અનેક સંગઠન ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ હેઠળ ભેગાં થયાં છે. તેમાં 7 હજારથી વધુ કર્મચારીઓ રસ્તા પર ઊતર્યા છે. જેમાં તેઓ જૂની પેન્શન યોજના માટેની માંગણી કરી રહ્યા છે. તો ગ્રેડ પે સહિતની વિવિધ પડતર માંગણીના મુદ્દા છે.
શિક્ષકો પણ આજથી આંદોલન પર ઊતર્યા
રાજ્યમાં અનેક વિભાગના સરકારી કર્મચારીઓ સરકારથી નારાજ છે કારણ કે વર્ષોથી પેન્ડિંગ પ્રશ્નો બાબતે સરકાર દ્વારા કોઈ નિવારણ લાવવામાં આવતું નથી. ત્યારે હવે ફરી એક વાર રાજ્યના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 2 લાખ જેટલા શિક્ષકો આજે 3 સપ્ટેમ્બરથી સરકાર સામે આંદોલન શરૂ કર્યું છે. 30 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર ઊતરી જશે. ચૂંટણી નજીક આવતા શિક્ષકોના પ્રશ્નો હતા તેને લઈને આંદોલન વધુ મજબૂત થવા જઈ રહ્યું છે.