સર્વ પ્રથમ તો શિક્ષક કોને કહીશું! જે શીખવે છે, એટલે કે શિક્ષાનો પાઠ ભણાવે તે શિક્ષક.

0
208

આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. સમયની ગતિ એકધારી ચાલે છે, એમાં કદી રોક આવતી નથી ગઈ કાલ સુધી શ્રાવણ આવે છે! આવે છે! ના પડઘમ વાગતા હતાં, ત્યાં આજે ભાદરવો શરું થઈ ગયો. આજે ૫ સપ્ટેમ્બરનો દિવસ છે ભારતભરમાં આ દિવસને શિક્ષકદિન તરીકે ઊજવવામાં આવે છે. ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીના જન્મદિવસને શિક્ષકદિન તરીકે જાહેર કરાયો છે. એક ઉમદા વ્યક્તિત્વ ધરાવતા રાધાકૃષ્ણ સર્વપલ્લી એક સામાન્ય ગામમાં ઉછરી અને આટલા મોટા પદ પર પહોંચ્યા. તેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ બન્યા હતાં. તેઓ એક શિક્ષક અને સારા તત્વચિંતક પણ હતાં, તેમણે પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ ને જોડવાનો પ્રયાસ કર્યો હતો. ભારતની સંસ્કૃતિ એટલે કે પૂર્વની સંસ્કૃતિનો ઇંગલિશમાં અનુવાદ કરી પશ્ચિમના દેશોને આપણી સંસ્કૃતિનો રસાસ્વાદ કરાવ્યો હતો. આ ઉપરાંત તે ભારતમાં અને દુનિયાભરમાં ચાલતા વિવિધ ધર્મોના ખૂબ સારા તત્વચિંતક હતાં, તેમણે ફિલોસોફીનાં ઘણા પુસ્તકો પણ લખ્યા છે. તો આજે પાંચ સપ્ટેમ્બર હોવાથી આપણે પણ શિક્ષક પર વાત કરીશું.

સર્વપ્રથમ તો શિક્ષક કોને કહીશું! જે શીખવે છે, એટલે કે શિક્ષાનો પાઠ ભણાવે તે શિક્ષક.
માતાના ગર્ભમાંથી બાળક અવતરણ પામી જ્યારે પૃથ્વી પર આવે છે, ત્યારે તેને કંઇ જ આવડતું હોતું નથી. ફક્ત રડવું, હસવું એવી ક્રિયા દ્વારા તે પોતાની માંગ કે રજૂઆત કરે છે. કુટુંબ એ એક સૌથી મોટી પાઠશાળા છે, હવે તો સંયુક્ત કુટુંબો રહ્યા નથી, એટલે બાળકને જોઈ જોઈને શીખવા માટે મોટેભાગે કોઇ માણસોની અવરજવર ઘરમાં રહેતી નથી, અન્ય લોકોના વહેવાર, વાતચીત, અને વર્તનથી બાળક શીખ મેળવી ને ઘણું બધું શીખતો હોય છે. એટલે આપણે ત્યાં પણ બાળકના પ્રથમ ગુરુ તરીકે, માતા અને પિતાને સ્થાન અપાયું છે. કારણકે પાઠશાળામાં તો બાળક વધીને ચાર કે પાંચ કલાક રહે છે, બાકીના સમયગાળા દરમિયાન તે ઘરમાં રહેતો હોય છે, એટલે ત્યાં તેને સૌથી વધુ શીખવા મળે છે, અને આ જ કારણસર આજના બાળકો નાની ઉંમરથી થોડા વધુ વ્યગ્ર અને સ્વચ્છંદી બની ગયા છે. પહેલા ભારતીય ગૃહસ્થાશ્રમનાં દાખલા અપાતાં, જ્યારે આજે ગૃહસ્થાશ્રમ કોર્ટમા પહોંચ્યું છે. ટૂંકમાં આચરણ જોઈને શીખી શકાય એવું ગૃહસ્થાશ્રમ હવે રહ્યું નથી. હા અપવાદ હોય, એમ સમાજમાં ઘણા ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડી શકે એમ પણ જીવતા હોય છે.

શિક્ષણ પદ્ધતિ અને શિક્ષકમાં પણ ઘણો બદલાવ આવી ગયો હોવાથી, પણ વિદ્યાર્થી સાચી શીખ ગ્રહણ કરી શકતા નથી. સતત સ્પર્ધામાં જોતરે રાખતી આજની શિક્ષણ પદ્ધતિ ને કારણે વિદ્યાર્થી સ્નાતક થાય ત્યારે ખરેખર અક્ષરજ્ઞાન અને પુસ્તકિયા ગોખણ જ્ઞાન સિવાય કંઈ જ મેળવતો નથી. વિદ્યાની દેવી સરસ્વતીની ઉપાસનાની બદલે, આજકાલ મોટાભાગના શિક્ષકો પણ લક્ષ્મીની ઉપાસના કરવા લાગ્યા હોવાથી સાચી વિદ્યા પ્રદાન કરી શકતા નથી, આ એક સર્વ સામાન્ય સર્વેક્ષણ છે. આપણે વારંવાર કહેતા સાંભળીએ છીએ કે જમાનો બદલાઈ ગયો છે! જમાનો બદલાઈ ગયો છે! વિદ્યાર્થીઓ પહેલા જેવા રહ્યાં નથી, પરંતુ પાયામાં રહેલી આ વાત આપણે સમજીએ નહીં અને માત્ર વિદ્યાર્થીઓનો કે‌ શિક્ષકનો દોષ કાઢી એ એ કેમ ચાલે!! મૂળ કહેવાનુ તાત્પર્ય એટલું જ છે કે ચરિત્ર શુદ્ધ હોય તો ગ્રહણ કરવા વાળો એમાંથી શુદ્ધતા જ ગ્રહણ કરી શકે,જે હવે દેશકાળ પ્રમાણે ઘટતું જાય છે, અને પછી આપણે કાળની ગતિ એવું નામ આપી દઈએ છીએ.

કક્કાનો પહેલો અક્ષર ક, અને ગણિત નો પહેલો અંક એકડો, એટલે કે સામાન્ય રીતે આપણે ક કલમનો,કે ક કમળ નો ક શીખવતા હોઈએ છીએ, પણ કરમ નો ક શીખવે તે જ શિક્ષક, અને એકડા કરતા પણ શૂન્યનું મહત્વ સમજાવે, એટલે કે કોઈ મોટી સંખ્યાની પાછળ શૂન્ય રૂપે જોડાઈ, એ તો પણ આપણે દસ ગણું મૂલ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. ટૂંકમાં નિરાભિમાન નું મહત્ત્વ સમજાવે તે જ સાચો શિક્ષક. આપણે ત્યાં સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે રમઝમ એવી પણ એક કહેવત પ્રચલિત છે, એટલે કે સામ-દામ-દંડ-ભેદની નીતિ એ શીખવા વાળા ને ધગશ પણ હોવી જોઈએ, અને શિખવાડવા વાળા ને પણ હોવી જોઈએ, તો જ કંઈક પ્રાપ્ત થાય છે. પરંતુ આજે વિદ્યાના ધામ કે શિક્ષણમાં વિદ્યા અપાતી જ નથી, જે કંઈ અપાય છે તેના દ્વારા વિદ્યાર્થી ન પોતાનું કલ્યાણ કરી શકે છે, કે ના અન્ય નું, પાયામાંથી જ, આ ભણશો તો આટલાં કમાશો! આ કોર્સ કરશો તો તમારી નોકરી પાકી! એવી જ વાતો સાંભળવા મળે છે, જે શિક્ષણ પદ્ધતિની સૌથી મોટી ખામી દર્શાવે છે.ખેર છોડો‌ યુગ પરિવર્તનને નામે સ્વીકારવું રહ્યું.

બહુ પહેલાના સમયમાં આ રીતે વિદ્યા પ્રાપ્ત થતી નહીં, ત્યારે નિશ્ચિત ઉંમરે બાળકોને ગુરુકુળમાં દાખલ કરવામાં આવતાં, અને ત્યાં રહીને જ તે વિદ્યા પ્રાપ્ત કરતાં, એટલે કે બાર વર્ષના કિશોરને ગુરુકુલમાં દાખલ કરવામાં આવતો, અને તે વિદ્યા પ્રાપ્ત કરીને જ પાછો ઘરે આવતો. તેને વાર તહેવાર બધું જ ત્યાં જ ઉજવવાનું, એટલે કંઈક અંશે સાચું અને સારું જીવનમાં ગ્રહણ કરી શકાય. મમતા નહીં પણ સમતા પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી, કારણકે ગુરુકુળમાં આવતા દરેક વિદ્યાર્થીઓને સમાન સુવિધા મળતી. મોટા ખાનદાન કે ખોરડા માંથી આવેલા ને આજની જેમ મોંઘી સ્કૂલ એમ અલગ વ્યવસ્થા એવું નહોતું, અને સમાજમાં દરેક વર્ગ સરખા છે, એવી શીખ તેને પાયામાંથી પ્રાપ્ત થતી, એટલે ભાઈચારાની લાગણી પણ રહેતી.અહીં તેને જીવનનાં વાસ્તવિકતા સાથે પરિચય કરાવવામાં આવતો, એટલે કે જીવન જરૂરિયાતની વસ્તુઓ તેમને પોતાને મેળવવી પડતી. જેમકે પ્રાથમિક જરૂરિયાત તરીકે જેને પ્રથમ સ્વીકારવામાં આવી છે, તેવા આહાર માટે તેઓને જંગલોમાં ફળ માટે તેમજ લાકડાં કાપવા મોકલતાં,ખેતી કરાવતા, અગ્નિના ચૂલા પેટાવતા પણ શિખવતા, ઉપરાંત પોતાનું દરેક કામ પોતાની હાથે જ કરવાનું હોવાથી, એ રીતે પણ સ્વાવલંબી બનતાં. પોતાનો કક્ષ સાફ રાખવો, બાથરૂમ સાફ રાખવું, કપડાં ધોવા, આ બધી જ ક્રિયાઓ તેઓ નાનપણથી કરતા હોવાથી, મોટા થઈને પોતાનું કામ પોતે જ કરી શકે તેવા સુદ્રઢ મનોબળ અને સશક્ત શરીરવાળા થતા. જ્યારે આજનું શિક્ષણ વિદ્યાર્થીને વધુને વધુ બેઠાડું બનાવે છે. સરખી સુવિધા મળતી હોવાથી, દેખાદેખીનું દૂષણ ત્યાં ન હતું, એને પરિણામે જીવનમાં તેઓ સાચી વિદ્યા પ્રાપ્ત કરી શકતા હતા. વિદ્યા પોતેજ એક સ્વયં અજવાળું છે, એટલે જેને કોઈ ને સાચા અર્થમાં વિદ્યા મળે, તેનું જીવન તેજસ્વી અને કાન્તિ મય વિતે. આદર્શ ચરિત્રોના જીવન પર ભાર મૂકીને તેના મૂલ્યો સમજાવતી શિક્ષા આપવામાં આવતી, જેના થકી વિદ્યાર્થી પોતે પણ જીવનમાં ચરિત્ર બનાવવા તરફ આગળ વધતો, અને જ્યારે પણ પોતાનું પરિવાર બને ત્યારે જીવનના મહત્વના મૂલ્યો, એટલે કે નીતિ, પ્રમાણિકતા ઈમાનદારી, અને ભાઈચારાના મૂળ સંસ્કાર તે ભૂલતો નહીં, જ્યારે આજે નીતિ ચૂકાતી જાય છે.

આજના આધુનિક યુગનું જરા સુક્ષ્મ ચિંતન કરીએ તો એવું દેખાય કે, આજનો સમાજ દેખાદેખી અને અનુસરણ કરવાવાળો છે. એટલે જો સાચું આચરણ બહોળા પ્રમાણમાં સમાજમાં પ્રવર્તમાન થાય, તો એનુ પણ અનુસરણ થઈ શકે! આપણે સૌ નાના હતા ત્યારે એક ભણવામાં પાઠ આવતો હતો, રોજનું રોજ કમાવા વાળો એક ફેરિયો પોતાનો વેચવાનો સામાન લઈ બાજુના ગામમાં વેચવા જતો હતો, રસ્તામાં મધ્યાહન થતા થાકી ગયો હોવાથી એક ઝાડ નીચે પોતાનો થેલો બાજુમાં રાખી આરામ કરે છે, અને તેને થાકેલો હોવાથી નીંદર આવી જાય છે. એ ઝાડ પર રહેતા વાંદરાઓ આ ફેરિયાના સામાનમાંથી ટોપી કાઢીને પહેરી પહેરીને ઝાડ પર બેસી ગયા. થોડીવારે પેલો ફેરિયો જાગે છે, અને થેલો સાવ જોવે છે, તેણે આજુબાજુ ઉપર નીચે નજર કરી તો, વાંદરાઓ ટોપી પહેરીને બેઠા હતાં. થોડીવાર તે મૂંઝાઈ ગયો કે, આ વાનર પાસેથી ટોપીઓ કેમ પાછી લેવી! પરંતુ પોતાના માથે પણ એક ટોપી હતી, એટલે તેણે યુક્તી કરી અને પોતાના માથાની ટોપી ઉતારી તેનો ઘા કરી દીધો, થોડીવારમાં તો બધા જ વાંદરાઓએ ટપોટપ ટોપી ઉતારી ઉતારીને ફેંકવા લાગ્યા ફેરિયો બધી ટોપી ભેગી કરી અને ચાલ્યો ગયો. બસ કોઈ પહેલ કરે પોતાના દુર્ગુણ ફેંકવાની એટલી જ વાર છે, કારણ કે આપણે પણ આદિ માનવ સ્વરૂપે જોઈએ તો વાંદરા જ હતાં, એટલે અનુસરણનો એ મૂળ હજી પણ ગયો નથી. તો શુદ્ધ આચરણની શરૂઆત આજના આ પવિત્ર દિવસ થી કરીએ,બાકીનું ત્યજી દઈને, અને સમાજના અન્ય લોકો આપણું અનુસરણ કરી શકે એવું શુદ્ધ ચરિત્ર બનાવીએ.

આ ઉપરાંત આપણે ત્યાં ગુરુ, કુલગુરુ,જગત ગુરુ, ત્રિભુવન ગુરુ,અને સદગુરુ એમ ઉતરોતર આગળ વધે છે, જીવનની અંતિમ ક્ષણ સુધી જીવ વિદ્યાર્થી જ રહી શકે, એટલું જીવનમાં શીખવાનું હોય છે, અને ગુરુ આપણા જીવન માર્ગ ઉપર સતત પ્રકાશ પાથરતા રહે છે, જેના થકી આપણે આ યાત્રા પૂરી કરવાની હોય છે. ભગવાન શંકરને ત્રિભુવન ગુરુ કહેવાયા છે ભગવાન શ્રીકૃષ્ણને જગતગુરુ કહેવાયા છે, અને સદગુરુ, એના વિશે તો શું કહેવું!! એના વગર નું તો અસ્તિત્વ જ સ્વીકારી શકાતું નથી, અથવા તો એમ કહી શકાય કે કે એમનાં અસ્તિત્વ થકી જ આ વ્યક્તિત્વની પહેચાન લોકોને થઈ છે, અને જીવ કાયમ એના વચનો પર જ જીવવા માંગે છે.

યુગ પરિવર્તનનાં નામે આપણે ઘણું સ્વીકાર્યું એટલે કે, આહાર બદલાયો, પોશાક બદલાયો, સંસ્કૃતિ પણ બદલાઈ, ભાષા પણ બદલાઈ ગઈ, અને એને કારણે ભાવના પણ બદલાઈ ગઈ, આ બધું જ સ્વીકારી શકાય, પરંતુ જો જીવને શાંતિ મળતી હોય તો, અને સાચી દિશામાં જઈ રહ્યા છીએ તેવો અહેસાસ કે સંતોષ થતો હોય તો. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવનથી આપણે સંતોષિત નથી. ટૂંકમાં આનંદની તલાશ હજી પણ જારી છે, જીવનના અંતિમ તબક્કા સુધી આપણે જોઈએ છીએ કે વયોવૃદ્ધ વડીલો શાંતિ શોધી રહ્યાં હોય છે. તો એ વાત તો નક્કી જ છે કે, આપણી જીવનપદ્ધતિ ખોટી છે. સાચો શિક્ષક એ આપણી સાચી જીવન નીતિનો ઘડવૈયો છે, અને એનાથી જ શાંતિ મળે છે. અન્યના શિક્ષક બનવાથી જ આ અશાંતિ છે. માટે શિક્ષક બનીને એટલે કે બીજાને શીખવાડવાની જ વૃત્તિ રાખીને બહુ જીવ્યાં, હવે વિદ્યાર્થી બનીને થોડું જીવી જોઈએ, કદાચ ત્યાં શાંતિ મળે. આ મૂળપાઠ ને સાચી રીતે સમજી, અને આ શિક્ષક દિનની ઉજવણી કરી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઇશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here