કઠિન માં કઠિન સમસ્યાનું નિવારણ મા અંબાના દરબારમાં જ છે! અને તેથી જ લોકો કઠિન પદયાત્રા કરી મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

0
227

અંબાજીમાં ચાર મેળાનું મહત્વ છે, કાર્તિક પૂર્ણિમા, ચૈત્ર પૂર્ણિમા, ભાદરવી પૂર્ણિમા,અને આસો પૂર્ણિમા. પોષી પૂનમના દિવસે માતાજીનું પ્રાગટ્ય થયું હોવાની એક માન્યતા છે,

  • ભક્તો હું પોતાના શ્રદ્ધાના પ્રતિક રૂપે લાલ ધજા લઈને આવતા હોય છે અને મંદિરે ચઢાવેલી ધ્વજા દરેક જણ પોતાના ગામમાં પાછા લઈ આવી, અને ત્યાં તેનું સ્થાપન કરે છે.

હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ઈશ્વર તારી બનાવેલી બે વસ્તુ નિરંતર ચાલે છે, અને એની પર કાબુ મેળવવો એ સદીઓથી અઘરું છે. ચાહે સતયુગ હોય, ત્રેતા યુગ હોય, દ્વાપર યુગ હોય, કે કળિયુગ હોય, પણ માનવી એક સમયની ગતિને રોકી શકતો નથી, અને બીજું પોતાના મનની ગતિને પણ એ રોકી શકતો નથી. એમાં પણ પ્રકૃતિ જન્ય ફેરફારોમાં જો એકલા રહેવાનું થાય તો, મન વિકારીત થવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે જ આવી એકલતા ટાળવા ભારતીય સંસ્કૃતિમાં મેળાનું પણ મહત્વ છે. અને તહેવારો ઉત્સવો આ બધું જ ભેગા મળીને ઉજવવાનું કારણ પણ એ જ છે કે મન વિચલિત અવસ્થામાં વિકારિત ન થાય! ભગવાન બુદ્ધ પણ કહેતાં હતા, સંઘમ શરણમ ગચ્છામી, એટલે કે સાથે હોઈએ તો એકબીજાનો સધિયારો રહે, અને ક્યારેક કોઈ શું વિચારશે! એવું વિચારીને પણ આપણી આસ્થા ધર્મ પ્રત્યેથી વિચલિત થતી નથી,જે બહું જરુરી હોય છે. ગઈકાલે ભાદરવી પૂનમ હતી, અને શક્તિપીઠમાં જ્યાં મા સતીનું હૃદય પડ્યું છે, એવી અંબાજીની શક્તિપીઠમાં પણ દર ભાદરવી પૂનમે એક મેળાનું આયોજન થાય છે, અને માઈ ભક્તો દૂર દૂરથી પગપાળા પ્રવાસ કરીને, આ મેળાનો હિસ્સો બને છે. આમ તો દરેક વાર અને દરેક તિથિએ મા પોતાના ભક્તોની સમસ્યાનું નિવારણ કરતી જ હોય છે, એની માટે એકમ શું! અને પૂનમ શું! ને અમાસ શું? પણ છતાં અંબાજીમાં ચાર મેળાનું મહત્વ છે, કાર્તિક પૂર્ણિમા, ચૈત્ર પૂર્ણિમા, ભાદરવી પૂર્ણિમા,અને આસો પૂર્ણિમા. પોષી પૂનમના દિવસે માતાજીનું પ્રાગટ્ય થયું હોવાની એક માન્યતા છે, ભાદરવા સુદ પૂનમના દિવસે અહીં મોટાં પાયે મેળાનું આયોજન થાય છે.તો આજે આપણે આ મેળો શું કામ ભરવામાં આવે છે એની વિષે વાત કરીશું.

આપણે સૌ જાણીએ છીએ કે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર થી 50 કિલોમીટર દૂર આવેલા દાતા ની અરવલ્લીની સૌથી પ્રાચીન ગિરમાળાઓમાં દેશની 51 શક્તિપીઠો માની મહત્વની શક્તિપીઠમાં અંબાજી એટલે કે શક્તિનું હૃદય કહેવાય એવી શક્તિપીઠ આવેલી છે. દંત કથા અનુસાર દક્ષયજ્ઞ માં પોતાની જાતને હોમી દેનાર સતીનો અર્ધ બળેલો દેહ લઈ ભગવાન શંકર અત્યંત ક્રોધમાં સ્વર્ગલોક, મૃત્યુલોક, અને પાતાળ લોકમાં ઘૂમે છે. એમનો ક્રોધ સમગ્ર સૃષ્ટિના પ્રલય માટે પર્યાપ્ત હતો, અને એવું ન થાય એની માટે થઈને ભગવાન વિષ્ણુ બાણથી સતીના મૃત પામેલા દેહના ટુકડા ટુકડા કરતા જાય છે, અને એ ટુકડો જ્યાં પડે ત્યાં આગળ શક્તિપીઠનું સર્જન થયું છે, અને ભગવાન વિષ્ણુ ના બાણથી જ્યારે સતીનું હ્રદય પડ્યું એ સ્થાન આજે અંબાજી શક્તિપીઠ તરીકે ઓળખાય છે, એ વાતથી આપણે સૌ વાકેફ છીએ.

હિંદુ પંચાંગ મુજબ ભાદરવા બાદ આસો મહિનો આવતો હોવાથી, આસો મહિનામાં માતાજીને પોતાના ગામ, મહોલ્લો, કે ઘરે, આવવાનું ભાવભર્યું આમંત્રણ આપવા માટે ભાદરવી પૂનમનો મેળો ભરવામાં આવે છે. ભક્તો હું પોતાના શ્રદ્ધાના પ્રતિક રૂપે લાલ ધજા લઈને આવતા હોય છે અને મંદિરે ચઢાવેલી ધ્વજા દરેક જણ પોતાના ગામમાં પાછા લઈ આવી, અને ત્યાં તેનું સ્થાપન કરે છે. એટલે કે ભાદરવી પૂનમના દિવસે માતાજી ને પોતાની સાથે આસો નવરાત્ર માટે દરેક ભાઈ ભક્ત ભાદરવી પૂનમના દિવસે તેડું કરવા જાય છે.

આપણે સૌ જાણીએ છીએ કે અંબાજીની શક્તિપીઠમાં કોઈ મૂર્તિ ચિત્ર કે અન્ય સ્વરૂપની પૂજા થતી નથી, પરંતુ વીસાયંત્રની પૂજા કરવામાં આવે છે, અને મંદિરના ગર્ભ દ્વારમાં અમુક વર્ણનાં લોકો સિવાયના લોકોને સ્થાન નથી. અહીં પાવડી પુજાનું પણ ખૂબ જ મહત્વ આંકવામાં આવ્યું છે, અને પાવડી પૂજા દરમિયાન નાગરો તથા બ્રાહ્મણોને ગર્ભ દ્વારમાં આવવા દેવામાં આવે છે. અંબાજીમાં નાગરોની ધર્મશાળાઓ પણ આવેલી છે, અને જે સીધા મંદિરના પરિસરમાં નીકળતો માર્ગ પણ ધરાવે છે. સવારે સ્નાનાદીથી પરવારી અને રેશમી વસ્ત્ર પહેરી, સીધા મંદિરમાં જઈ અને ગર્ભ દ્વારમાં પાવડી પૂજા માટે જઈ શકાય છે, રેશમી વસ્ત્ર પહેરવું ફરજિયાત છે, આ લેખ લખનાર ને પણ બે ત્રણવાર પાવડી પૂજાનો લાભ મળ્યો છે.

સૌપ્રથમ આ પરંપરા એટલે કે ભાદરવી પૂનમના દિવસે અંબાજી પગપાળા જવું એ લાલ દંડા સંઘ એ શરૂ કરી હતી, અને લાલ દંડા સંઘ એ આ યાત્રા કરી એની પાછળ ઇતિહાસ પણ જોડાયેલો છે. કહેવાય છે કે વર્ષો અગાઉ અમદાવાદમાં જ્યારે પ્લેગ રોગ ફાટી નીકળ્યો હતો. ત્યારે તત્કાલીન નગરશેઠ દ્વારા મા અંબાજીની બાધા રાખવામાં આવી હતી, કે જો શહેરમાંથી પ્લેગ રોગ નાબૂદ થઇ જશે, તો તેઓ ના કહેવાથી અમુક વર્ણ ના લોકો મા અંબાનાં દર્શને આવશે. સદીઓથી નાગરો મા અંબાના ઉપાસકો રહ્યા છે, એટલે એ સમયથી ભાદરવી પૂનમ માટે નગરો કે બ્રાહ્મણો સંઘ લઈ આંબાના સાનિધ્યમાં એમને નોતરું દેવા તેમજ બાધા પુરી કરવા જાય છે. જેને પગલે વર્ષો પહેલાં થી શરૂ થયેલ આ વાત આજે પરંપરા બની અને અમદાવાદથી પાંચ નાગરો કે બ્રાહ્મણો અંબાજી પગપાળા હોંશેહોંશે મા જગતજનની જગદંબાનું સ્મરણ કરતાં કરતાં આ યાત્રા કરે છે.

દાંતા રાજવી પરિવાર પણ વર્ષોથી અંબાજી આવતાં લાલ દંડા સંઘને તમામ સુવિધાઓ કરી આપે છે. આજે પણ આ પરંપરા અવિરત ચાલુ છે. જ્યારે પણ લાલ દંડા સંઘ દાંતા પહોંચે છે, ત્યારે રાજવી પરિવાર દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. દાંતા રાજવી પરિવાર ના જુના મહેલમાં રહેલા મા અંબાના મંદિરમાં પૂજા કરીને, ત્યાર બાદ આ લાલ દંડા સંઘ અંબાજી પ્રસ્થાન કરે છે. જ્યાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટર આ લાલ દંડા સંઘનું સ્વાગત કરે છે.

આપણને લાગે કે હવે લોકો આવી વાત નહીં, પણ વિજ્ઞાન વિકાસની વાતમાં વધુ માનતા હશે! પણ એવું નથી! આધુનિક યુગમાં પણ લોકોની આસ્થા અકબંધ છે,અને દર વર્ષે યોજાતા ભાદરવી પૂનમના મેળામાં ૩૦ લાખથી વધુ માઇભક્તોએ મા અંબાના દર્શન કરી નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ પધારવા મા અંબાને ભાવભીનું આમંત્રણ આપે છે.

આજે પણ જ્યારે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે ત્યારે ગુજરાત જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ લોકો પગપાળા આવી મા અંબાના દર્શન કરે છે. પોતાની જે પણ મનોકામના છે, તે મા આગળ મૂકે છે, કારણકે આખરે માતા જ પોતાના સંતાનનું દુઃખ સમજી તેનાં નિરાકરણનો ઉપાય શોધશે એવી દરેક ભક્તને શ્રદ્ધા હોય છે, અને જો આપણી શ્રદ્ધામાં કોઈ વિકાર ન હોય તો તે પૂર્ણ પણ થતી જોવા મળે છે. આમ કઠિન માં કઠિન સમસ્યાનું નિવારણ મા અંબાના દરબારમાં જ છે! અને તેથી જ લોકો કઠિન પદયાત્રા કરી મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આપણે સૌ પણ નવરાત્રી નિમિત્તે આજથી જ અંતરમાં મા જગતજનની જગદંબા ના અનન્ય સ્વરૂપ વિશે શ્રદ્ધા બની રહે, એવા પ્રયત્નો કરીએ, અને એ તેનાં ધામ માંથી આપણા નિવાસમાં પધારે, તેમજ ગરબા રુપે આ દેહ રુપી ઘટમાં રહી આપણું અંતર અજવાળતી રહે, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.

‌ લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here