ગુજરાતમાં એટલી બધી સીટો આવવી જોઈએ કે દિલ્હી અને પંજાબનો રેકોર્ડ તૂટી જાયઃ અરવિંદ કેજરીવાલ

0
214

અમદાવાદ/દાહોદ/ગુજરાત

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી આજે 2 દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી એ દાહોદની જાહેર સભામાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું કે, હું તમારા માટે સારા સમાચાર લઈને આવ્યો છું. આઈબીનો એક રિપોર્ટ આવ્યો છે. કેન્દ્ર સરકારે આ એજન્સીને ગુજરાતમાં મોકલીને એક સર્વે કરાવ્યો હતો. આ એક સરકારી એજન્સી છે. અને આઈબીએ કેન્દ્ર સરકારને આ રિપોર્ટ આપ્યો છે કે ડિસેમ્બરમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. આઇબીનો રિપોર્ટ કહી રહ્યો છે કે આમ આદમી પાર્ટીની 94-95 સીટો આવી રહી છે. આમ આદમી પાર્ટી જીતી રહી છે પરંતું બે-ત્રણ સીટો ઉપરથી જીતી રહી છે, પરંતુ બે-ત્રણ સીટો પરથી નહીં, આમ આદમી પાર્ટીની જીત 40-50 સીટો પરથી થવી જોઈએ. ગુજરાતમાં એટલી બધી બેઠકો આવવી જોઈએ કે દિલ્હી અને પંજાબનો રેકોર્ડ તૂટી જાય.

‘આપ’ની સરકાર બન્યા બાદ ગુજરાતમાં સૌથી પહેલું કામ ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનું રહેશેઃ અરવિંદ કેજરીવાલ

જ્યારે ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે, ત્યારે સૌથી પહેલું કામ ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનું કરીશું. મને એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ગુજરાતનાં એક ધારાસભ્ય છે, જેમણે છેલ્લી ચૂંટણી લડી હતી એ વખતે તેમની 4 એકર જમીન હતી. આજે 5 વર્ષ પછી તેમને 1000 એકર જમીન થઈ ગઈ છે. આ જમીન ક્યાંથી આવી? બધા જ ધારાસભ્યોની આ જ હાલત છે, ગુજરાત લૂંટાઈ ગયું છે. અને પછી તેઓ કહે છે કે સરકાર ખોટમાં ચાલી રહી છે. સવારથી સાંજ સુધી રોટલી ખાવા માટે, દૂધ પીવા માટે, પંખો ચલાવવામાં, સાબુનો ઉપયોગ કરવા માટે, દરેક જગ્યાએ ગરીબમાં ગરીબ માણસ ટેક્સ આપે છે, તો શા માટે સરકાર ખોટમાં છે? બધા પૈસા ક્યાં જાય છે? ગુજરાત સરકાર દર વર્ષે 2.5 લાખ કરોડ રૂપિયા ખર્ચે છે. હું તમને પૂછવા માંગુ છું કે તમારા ગામમાં છેલ્લા 27 વર્ષમાં કોઈ રોડ બન્યો છે? શાળા બની? હોસ્પિટલ બની? કોઈને દવા આપી? તેમણે કોઈ કામ કર્યું? તેમણે છેલ્લા 27 વર્ષમાં કોઈ કામ કરાવ્યું નથી. તો આ લોકો દર વર્ષે 2.5 લાખ કરોડ રૂપિયા ક્યાં ખર્ચે છે? આ લોકો પોતાની મિલકત બનાવે છે, જમીન ખરીદે છે, બધા પૈસા સ્વિસ બેંકમાં લઈ જાય છે. જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે તેમની પાસેથી એક-એક પૈસો પાછો લેવામાં આવશે. હમણાં જ પંજાબની અંદર અમારા જ એક મંત્રી કંઈક ખોટું કરી રહ્યા હતા. ભગવંત માનજી એ પોતે તેમને જેલમાં મોકલી દીધા. અમે તમારા માટે એવી સિસ્ટમ લાગુ કરીશું કે તમારે કોઈ સરકારી કામ માટે સરકારી ઓફિસ જવાની જરૂર નહીં પડે, સરકારી ઓફિસર તમારા ઘરે આવીને તમારું કામ કરશે. તમારે કોઈ લાંચ આપવાની જરૂર રહેશે નહીં.

*1 માર્ચથી ગુજરાતના લોકોનું વીજળી બિલ ઝીરો આવવા લાગશે : અરવિંદ કેજરીવાલ*

જ્યારે ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું ત્યાકે ઘણા પૈસાની બચત થશે, તે પૈસાથી સૌથી પહેલા તમારી વીજળી મફત કરીશું. મારી પાસે ગુજરાતનાં ઘણા લોકો આવે છે અને કહે છે કે, મોંઘવારી ઘણી વધી ગઈ છે, બાળકો ઉછેરવાના પૈસા નથી અને આવક પણ નથી વધી રહી. દિલ્હી અને પંજાબમાં અમે વીજળી મફત કરી દીધી. અને જેમના જૂના બિલ બાકી હતા તેમના જૂના બિલ માફ કર્યા. હવે દિલ્હી અને પંજાબમાં લોકોને ઝીરો બિલ આવે છે. દિલ્હીમાં 42 લાખ લોકોનું વીજળી બિલ ઝીરો આવે છે અને પંજાબમાં 50 લાખ લોકોનું વીજળી બિલ ઝીરો આવે છે. ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને 1 માર્ચથી ગુજરાતની જનતાના વીજળીના બિલ ઝીરો પર આવવા લાગશે. આ બંને પાર્ટીઓ મને ગાળો આપી રહ્યી છે કે, કેજરીવાલ મફતમાં વીજળી કેમ આપે છે? કેજરીવાલ મફતની રેવડી કેમ વહેંચે છે? તેમના મુખ્યમંત્રીને 5000 યુનિટ અને અન્ય ધારાસભ્યને 4000 યુનિટ વીજળી મફતમાં મળે છે. ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીઓને મફતમાં વીજળી મળે તો તેમને કોઈ તકલીફ નથી, પરંતુ ગુજરાતની જનતાને 300 યુનિટ વીજળી મફતમાં મળે તો તેમની તકલીફ થાય છે.

*મહિલાઓનાં ખાતામાં દર મહિને ₹1000 સન્માનની રકમ જમા કરાવીશું : અરવિંદ કેજરીવાલ*

18 વર્ષથી વધુ ઉંમરની જેટલી પણ મહિલાઓ છે તેમના એકાઉન્ટમાં દર મહિને ₹1000 સન્માન રાશિ જમા કરાવીશું. જો 18 વર્ષથી વધુ ઉંમરની કોઈ મહિલા હોય જેમની પાસે બેંક એકાઉન્ટ નથી, તો તેઓ પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવીને રાખે, સરકાર બન્યા પછી, મહિલાઓના ખાતામાં દર મહિને ₹1000 જમા કરતા રહીશું. આ લોકો કહે છે કે મહિલાઓને પૈસા આપવાની શું જરૂર છે? આવી ઘણી બધી દીકરીઓ છે, જેમનો અભ્યાસ પૈસાને અભાવે છુટી જાય છે. આવી દીકરીઓના હાથમાં હજાર રૂપિયા આપવાથી તેમના આવવા જવાનાં ભાડામાં મદદ મળશે અને તેમનો અભ્યાસ પૂર્ણ થશે. ઘણી બધી એવી બહેનો છે કે જેઓ મોંઘવારીને કારણે પોતાના બાળકોને દૂધ અને સારા શાકભાજી ખવડાવી શકતી નથી, સારું શિક્ષણ અપાવી શકતી નથી જો એમનાં હાથમાં હજાર રૂપિયા રાખશે તો તે પોતાના બાળકોની સારી રીતે સંભાળ રાખી શકે છે.

*ગુજરાતમાં જ્યારે ‘આપ’ની સરકાર બનશે ત્યારે દરેક ગામમાં શાનદાર સરકારી શાળાઓ બનાવીશું, તમારા બાળકોને સારું શિક્ષણ આપીશું અને તમારી ગરીબી દૂર કરીશું: અરવિંદ કેજરીવાલ*

જેમ અત્યારે ગુજરાતની સરકારી શાળાઓ ખરાબ છે તેમ પહેલાં દિલ્હીમાં પણ સરકારી શાળાઓનો ગંભીર રીતે ખરાબ હતી. અમારી સરકાર બન્યા પછી અમે દિલ્હીની તમામ સરકારી શાળાઓને શાનદાર બનાવી દીધી. આજે દિલ્હીની સરકારી શાળાના પરિણામો પણ ખૂબ સારા આવી રહ્યા છે. દિલ્હીમાં મજૂરોના બાળકો, રિક્ષાચાલકોનાં બાળકો, મોચીનાં બાળકો, ઇસ્ત્રી કરનારના બાળકો, ગરીબોના બાળકો ડૉક્ટર અને એન્જિનિયર બની રહ્યાં છે. દિલ્હીમાં ગગન નામનો એક છોકરો છે, તેના પિતા એક કારખાનામાં મજૂર તરીકે કામ કરે છે, તે મહિને ₹8000 કમાય છે. તેને એન્જિનિયરિંગમાં હમણાં જ એડમિશન મળ્યું છે, હવે તે છોકરો એન્જિનિયર બનશે. બીજો છોકરો સુધાંશુ છે, તેના પિતા ડ્રાઇવર છે, તે મહિને ₹10000 કમાય છે, તેને પણ એન્જિનિયરિંગમાં એડમિશન મળી ગયું છે. એવા હજારો બાળકો છે જેઓ સરકારી શાળાઓ માંથી ભણીને ડોક્ટર અને એન્જિનિયરિંગમાં એડમિશન લઈ રહ્યા છે. દિલ્હીની અંદર ઘણા લોકો પોતાના બાળકોના નામ પ્રાઇવેટ શાળામાંથી કઢાવીને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે. ગરીબોના બાળકો દિલ્હીની સરકારી શાળાઓમાં ભણીને ડોક્ટર કે એન્જિનિયર બની રહ્યા છે, જેમની મહિનાની આવક ₹10000 હતી, આજે તેમના બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરીને મહિને બે-ત્રણ લાખ રૂપિયા કમાશે, ઘણા બધા પરિવારોની ગરીબી દૂર થશે. ગુજરાતમાં જ્યારે ‘આપ’ની સરકાર બનશે ત્યારે દરેક ગામમાં શાનદાર સરકારી શાળાઓ બનાવીશું, તમારા બાળકોને સારું શિક્ષણ આપીશું અને તમારી ગરીબી દૂર કરીશું.

*ગુજરાતમાં 20,000 મોહલ્લા ક્લિનિક્સ ખોલીશું: અરવિંદ કેજરીવાલ*

દિલ્હીમાં અમે દરેક વ્યક્તિની સારવાર મફત કરી છે. આજે કોઈને ગંભીર બીમારી થાય તો ઘર, જમીન, મિલકત, દાગીના બધું ગીરવે રાખવું પડે છે, પરંતુ દિલ્હીમાં તમામ સારવાર મફત છે. અમીર હોય કે ગરીબ, તમામ માટે સારવાર મફત છે, બધી દવાઓ મફત છે, તમામ ટેસ્ટ મફત છે, ઓપરેશન ગમે તેટલું મોટું હોય તે પણ મફત છે. અમે દિલ્હીમાં 2 કરોડ લોકોની તમામ સારવાર મફત કરી છે અને હવે અમે પંજાબમાં પણ કરવા જઈ રહ્યા છીએ. પંજાબમાં 100 મોહલ્લા ક્લિનિક્સ ખોલવામાં આવ્યા છે અને વધુ ખોલવામાં આવશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ દરેક નાના ગામમાં મોહલ્લા ક્લિનિક ખોલવામાં આવશે. આ રીતે ગુજરાતમાં 20,000 મોહલ્લા ક્લિનિક્સ ખોલવામાં આવશે. રોગ ભલે ગમે તેટલો મોટો હોય, દરેક વ્યક્તિની સારવાર મફતમાં થશે. ગુજરાતમાં 6.5 કરોડ લોકોની તમામ સારવાર મફતમાં કરવામાં આવશે.

*જ્યારે ગુજરાતમાં અમારી સરકાર બનશે ત્યારે અમે દરેક બાળક માટે રોજગારની વ્યવસ્થા કરીશું, તેમને રોજગાર ન મળે ત્યાં સુધી ₹3000નું બેરોજગારી ભથ્થું આપીશું અને 10,00,000 સરકારી નોકરીઓ બહાર પાડીશું: અરવિંદ કેજરીવાલ*

ગઇ વખતે જ્યારે હું ગુજરાત આવ્યો હતો ત્યારે એક છોકરો મને મળવા આવ્યો. તેણે કહ્યું કે હું મારા વિસ્તારના નેતાને મળવા ગયો હતો કે મારી પાસે નોકરી નથી, મને નોકરી આપો, તો તેમણે મને એવો જવાબ આપ્યો હતો કે તું કોઈ કામનો નથી, તને કોઈ કામ આવડતું નથી એટલા માટે તારી પાસે નોકરી નથી. આ લોકોને 27 વર્ષથી એટલો અહંકાર આવી ગયો છે કે તેઓ આપણા બાળકોને ગાળો આપે છે. દિલ્હીમાં મેં 5 વર્ષમાં 12,00,000 બાળકો માટે નોકરીઓ ઊભી કરી. પંજાબમાં ભગવંત માન સાહેબે છેલ્લા 6 મહિનામાં 17,000 બાળકોને સરકારી નોકરી આપી છે. અમારી નિયત પણ છે અમને કામ કરતા પણ આવડે છે. અમે વચન આપ્યું છે કે જ્યારે ગુજરાતમાં અમારી સરકાર બનશે ત્યારે અમે દરેક બાળક માટે રોજગારની વ્યવસ્થા કરીશું અને જ્યાં સુધી રોજગાર નહીં મળે ત્યાં સુધી અમે ₹3000નું બેરોજગારી ભથ્થું આપીશું અને 10,00,000 સરકારી નોકરીઓની વ્યવસ્થા કરીશું. જો તમે તમારા બાળકોને બેરોજગાર રાખવા માંગતા હોવ, ગાળો સાંભળવા માગતા હોવ તો તમે તેમને વોટ આપજો, 27 વર્ષથી આવું જ ચાલી રહ્યું છે અને જો તમારા બાળકો માટે રોજગાર જોઈતો હોય તો આમ આદમી પાર્ટીને વોટ આપજો, ઝાડુનું બટન દબાવજો. જે પેપર ફૂટે છે તે થોડી એમ જ ફૂટે છે, ચોક્કસ કોઈ મોટા નેતા તેમાં સામેલ છે. 2015 પછી અત્યાર સુધી જે પણ પેપરો ફોડવામાં આવ્યા છે તેની તપાસ કરવામાં આવશે અને આમાં સામેલ તમામ મોટા નેતાઓને જેલમાં મોકલવામાં આવશે. 2 વર્ષ પહેલા 25,00,000 લોકોએ તલાટીની પરીક્ષા માટે અરજી કરી હતી પરંતુ તેમણે તે પરીક્ષા રદ કરી હતી. ડિસેમ્બરમાં અમારી સરકાર બનશે અને અમે ફેબ્રુઆરીમાં તલાટીના પેપર કરાવીશું.

*ગુજરાતનાં ખેડૂતો માટે ઘઉં, ચોખા, ચણા, મગફળી અને કપાસ આ 5 પાક પર એમએસપી આપીશું: : અરવિંદ કેજરીવાલ*

અહીંના તમામ રસ્તાઓ ખરાબ છે, દરેક જગ્યાએ જવા માટે સમય લાગે છે. સરકાર બન્યા પછી 6 મહિનાની અંદર જેટલા પણ જરૂરી રસ્તાઓ છે એનું પહેલા સમારકામ કરવામાં આવશે અને એક-બે વર્ષમાં બીજા તમામ રસ્તાઓને સારા કરવી દઈશું. ભગવંત માનજીએ પંજાબનાં ખેડૂતો માટે એમએસપી લાગુ કરી દીધી છે. ઘઉં, ચોખા, કપાસ, નરમા અને મગની દાળ આ પાંચ પાકો પર MSP આપી દીધી છે. તેમણે આ પાંચ વસ્તુઓ પર MSP લગાવી છે અને કહ્યું છે કે જો આ પાંચ પાક માર્કેટ કરતા ઓછા ભાવે વેચાય છે, તો તમે સરકાર પાસે જજો, સરકાર તમારી પાસેથી ખરીદી લેશે. ગુજરાતના ખેડૂતો માટે પણ અમે 5 પાકોથી શરૂઆત કરીશું અને પછી એક પછી એક એમ તમામ પાક પર એમએસપી આપવાનું શરૂ કરીશું. ગુજરાતમાં પણ અમે ઘઉં, ચોખા, ચણા, મગફળી અને કપાસના ખેડૂતો માટે આ 5 પાક પર એમએસપી આપીશું. જો એમએસપીના સમયે બજારમાં આનાથી ઓછો ભાવ હોય તો સરકાર પાસે જજો તો સરકાર તમારી પાસેથી આ પાક ખરીદી લેશે. ખેડૂતોને 12 કલાક વીજળી આપવામાં આપીશું. ઘણા વર્ષો થયા હજુ સુધી નર્મદાનું પાણી નથી પહોંચ્યું, ખેડૂતો માટે સિંચાઈની વ્યવસ્થા કરીશું. જો દિલ્હી અને પંજાબની અંદર પાકને નુકસાન થાય છે, તો સરકાર 1 મહિનાની અંદર તેમના ખાતામાં પ્રતિ હેક્ટર ₹ 50000 એમનાં બેંક એકાઉન્ટમાં જમા કરે છે, તે ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવશે.

*દિલ્હીની જેમ ગુજરાતમાં પણ અમારી સરકાર બન્યા બાદ ગુજરાતની જનતાને મફતમાં અયોધ્યાના ભગવાન શ્રી રામના દર્શન કરાવવામાં આવશે: અરવિંદ કેજરીવાલ*

ભગવાન શ્રી રામનું મંદિર આવતા વર્ષે તૈયાર થઈ જશે. દરેક વ્યક્તિ મંદિર જોવા જવા માંગે છે. પરંતુ મુસાફરી અને ખાવા-પીવામાં ઘણો ખર્ચ થાય છે. પરંતુ દિલ્હીમાં અમે એક યોજના શરૂ કરી છે, જેમાં અમે દિલ્હીવાસીઓને મફતમાં અયોધ્યાના ભગવાન શ્રી રામના દર્શન કરવા લઈ જઈએ છીએ. દિલ્હીથી સ્પેશિયલ ટ્રેન ઉપડે છે. એ ટ્રેનમાં બધા રામ ભક્ત હોય છે. આ બધા રામ ભક્તોનું આવવું, જવું, ખાવું, પીવું, રહેવાનું બધું મફત છે. તમને ઘરેથી લઈ જવાનું અને અંતે ઘર છોડવાનું પણ, દિલ્હી સરકાર આ બધી જવાબદારી ઉઠાવે છે અને તે બધું મફત છે. જ્યારે ટ્રેન દિલ્હીથી નીકળે છે, ત્યારે હું વ્યક્તિગત રીતે તેમને છોડવા જાઉં છું અને જ્યારે ટ્રેન પાછી આવે છે, ત્યારે હું વ્યક્તિગત રીતે તેમને લેવા જાઉં છું. લોકો મને ખૂબ આશીર્વાદ આપે છે. હું ગુજરાતની જનતાને વચન આપું છું કે ગુજરાતમાં પણ અમારી સરકાર બન્યા બાદ ગુજરાતની જનતાને મફતમાં અયોધ્યાના ભગવાન શ્રી રામના દર્શન કરાવવામાં આવશે.

*આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ અમે દરેક ગાય માટે ₹40 પ્રતિદિન આપીશું: અરવિંદ કેજરીવાલ*

આપણે બધા ગાયને માતા માનીએ છીએ અને તેની પૂજા કરીએ છીએ પરંતુ ગુજરાતમાં જે રીતે ગાયો સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે તે ખૂબ જ દુઃખદ છે. ઘણા લોકોએ તેના વિશે મને ફરિયાદ કરી. દિલ્હીમાં અમે દરેક કામ માટે દરરોજ ₹ 40 ખર્ચીએ છીએ, જેમાંથી ₹ 20 દિલ્હી સરકાર અને ₹ 20 મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવે છે. જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો અમારી સરકાર દરેક ગાય માટે પ્રતિદિન ₹40 આપશે. અને દરેક જીલ્લાની અંદર એક પાંજરાપોળ બનાવવામાં આવશે જેથી જે ગાયો દૂધ આપવાનું બંધ કરી દે અને જે ગાયો રસ્તા પર રખડતી હોય તેમને પાંજરાપોળમાં લઈ જવામાં આવશે જેથી ત્યાં તેમની સંભાળ રાખી શકાય. ગાય માટે જે પણ પગલા ભરવાની જરૂર પડશે તે લેવામાં આવશે.

*અત્યારે કોંગ્રેસની 10થી ઓછી સીટો આવી રહી છે અને તે જે સીટો હશે તે પણ પછી ભાજપમાં જોડાઈ જશે: અરવિંદ કેજરીવાલ*

કોંગ્રેસ અને ભાજપ એક થઇ ગઇ છે. એ લોકોએ નક્કી કરી લીધું છે કે આમ આદમી પાર્ટીની સરકાર ન બનવી જોઇએ. ગુજરાતમાં બહું મોટું વાવાઝોડું આવ્યુ છે પરિવર્તનનું. આખું ગુજરાત પરિવર્તન માંગી રહ્યું છે. હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે આ વખતે છેતરાતા નહીં, કોંગ્રેસને વોટ આપીને તમારા વોટના ભાગલા ન પાડતા. કોંગ્રેસને વોટ આપીને ભાજપને ન જીતાડી દેતા. કોંગ્રેસની 10થી ઓછી સીટો આવી રહી છે અને તેને જે પણ બેઠકો મળશે તે પછી ભાજપમાં ભળી જશે. ભાજપ 27 વર્ષથી એટલો અહંકારી બની ગયો છે કે તેઓ હવે લોકોની વાત પણ સાંભળતા નથી. અમારી સરકાર બનશે ત્યારે જનતા જ સરકાર ચલાવશે, જનતા જે કહેશે તે થશે.

*જ્યારે લોકો મોટી સંખ્યામાં ઘરની બહાર નીકળે છે ત્યારે તે પરિવર્તનની નિશાની છેઃ ભગવંત માન*

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત દાહોદના લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, આટલી મોટી સંખ્યામાં લોકો જ્યારે ઘરની બહાર નીકળે છે ત્યારે તે પરિવર્તનની નિશાની છે. મતલબ કે ગુજરાતની જનતા જૂની સિસ્ટમથી કંટાળી ગઈ છે. આ વખતે અમે ખૂબ જ ખુશ છીએ કે તમે જૂની સિસ્ટમ બદલવા માટે ઘરની બહાર આવ્યા છો. અમે અહીં લાંબુ ભાષણ આપવા, ખોટા વચનો આપવા કે ભાષણો કરવા આવ્યા નથી. અમે તમારી સાથે વાત કરવા આવ્યા છીએ. એવી જ વાતો જે તમે તમારા ઘરમાં કરો છો, તમે ચાની દુકાન પર કરો છો, તે સમયે જે ચિંતા વ્યક્ત કરો છો. અમને પણ એ જ ચિંતા છે કે અમારા ઘર પરિવારનું શું થશે, ગુજરાતનું શું થશે, દેશનું શું થશે.

*જનતા 5 વર્ષ, 10 વર્ષ અને 27 વર્ષ બધું સહન કરે છે, પરંતુ 27 વર્ષ પછી જનતા જાગે છે ત્યારે 27 વર્ષનો હિસાબ લે છેઃ ભગવંત માન*

આ દેશ લોકોનો છે અને લોકશાહીમાં લોકો મોટા હોય છે. લોકશાહીમાં જો કોઈ નેતા પોતાની જાતને જનતા કરતા મોટી સમજવાનો ઘમંડ કરે તો તેની ખૂબ ખરાબ હાલત થાય છે. 5 વર્ષ, 10 વર્ષ અને 27 વર્ષ સુધી જનતા બધું જ સહન કરે છે, પરંતુ જ્યારે 27 વર્ષ પછી જનતા જાગે છે ત્યારે 27 વર્ષનો હિસાબ લાગે છે. આ લોકોને લાગે છે કે જનતાની સામે હવામાં હાથ હલાવીને વોટ મળી જશે, પરંતુ આજકાલ તેઓ જનતાને મૂર્ખ બનાવી શકતા નથી. આજે લોકો ઘરમાં કોઈ અન્ય પાર્ટીનો ઝંડો લગાવે છે, કારમાં અન્ય પાર્ટીનો ઝંડો લગાવે છે, લોકો અન્ય કોઈ પાર્ટીની સભામાં જાય છે પરંતુ મત અન્ય કોઈ પાર્ટીને આપે છે, આ વખતે પણ તે જ કરો અને ભાજપની બધી સભામાં જઈને આવજો પરંતુ મત આમ આદમી પાર્ટીને આપજો.

*એક તરફ કાદવમાં ઉગતું કમળ છે, તો બીજી બાજી તરક કાદવ સાફ કરવા માટે ઝાડૂ છેઃ ભગવંત માન*

આ વખતે ગુજરાતની જનતા પાસે મોટી તક છે, તેથી હું તમને અપીલ કરું છું કે આ વખતે ગુજરાતમાં સરકાર બદલી નાંખો. ભગવાને ખૂબ જ સુંદર દેશ બનાવ્યો છે. આપણી પાસે પહાડો છે, જંગલો છે, નદીઓ છે, દરિયા છે, આપણી પાસે દરેક પ્રકારનું હવામાન છે, આપણી પાસે કોલસો છે, આપણી પાસે તેલનો ભંડાર છે, પણ કમી તો માત્ર સારી નિયતવાળા નેતાઓની છે. લોકો ભ્રષ્ટ નથી હોતા, પરંતુ લોકોના મત લેનારા ખોટા નેતાઓ ભ્રષ્ટ હોય છે. જ્યારે ભ્રષ્ટાચારીઓ સત્તામાં આવે છે ત્યારે લોકો વિચારે છે કે તેઓ 5 વર્ષ સુધી ભ્રષ્ટાચારીઓને સહન કરી લેશે. પરંતુ આ વખતે તમારી પાસે સારી તક છે. એક બાજુ કાદવમાં ઉગતું કમળ છે અને બીજી તરફ કાદવ સાફ કરવા માટે ઝાડૂ છે. અમે કોંગ્રેસ વિશે વાત પણ કરતા નથી કારણ કે તે કોમામાં જતી રહી છે.

*ગુજરાતના યુવાનોના સપના અનેકવાર તૂટ્યા છે પરંતુ અરવિંદ કેજરીવાલજી ગુજરાતના યુવાનોના સપના સાકાર કરશેઃ ભગવંત માન*

પંજાબમાં અમારી સરકાર બનીને 6 મહિના જ થયા છે પરંતુ અત્યાર સુધી અમે 17000 લોકોને સરકારી નોકરી આપી છે. ગઈકાલે હું વધુ 8736 સરકારી કર્મચારીઓને કાયમી કરવાનો ઓર્ડર આપીને આવ્યો છું. અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. અમે 5 કામ કરવાનું વચન આપીશું તો 6 કામ કરીને બતાવીશું. પંજાબમાં 14-15-16 ઓક્ટોબરના રોજ પોલીસ ભરતીનું પેપર છે. પંજાબમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટરના પેપર છે પણ ત્યાં પેપર લીક કરવાની કોઈ હિંમત નહીં કરે અને દિલ્હીમાં કોઇ પેપર લીક થતા નથી. બીજી તરફ ગુજરાતમાં એવું કોઈ પેપર નથી જે લીક ના થયું હોય. સરકારી પરીક્ષાઓ માટે યુવાનો ખૂબ મહેનત કરે છે પરંતુ જ્યારે પેપર લીક થાય છે ત્યારે યુવાનોના સપના ચકનાચૂર થઈ જાય છે. ગુજરાતના યુવાનોના સપના અનેકવાર તૂટ્યા છે પરંતુ અરવિંદ કેજરીવાલજી ગુજરાતના યુવાનોના સપના સાકાર કરશે. મેં સાંભળ્યું છે કે ગુજરાતમાં પોલીસ પણ કોન્ટ્રાક્ટ આધારિત કામ કરે છે. પંજાબમાં તમામ પોલીસકર્મીઓ કાયમી છે.

*અમે નક્કી કર્યું છે કે અમે શિક્ષકોને કાયમી કરીશું: ભગવંત માન*

ગુજરાતમાં શિક્ષકોનું ભવિષ્ય સુરક્ષિત નથી, તો આપણા બાળકોનું ભવિષ્ય કેવી રીતે સુરક્ષિત કરીશું. અમે નક્કી કર્યું છે કે અમે શિક્ષકોને કાયમી કરીશું. થોડા વર્ષો પહેલા દિલ્હીમાં એક નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેનાથી પ્રેરાઈને અમે પણ એ જ નિર્ણય લીધો છે કે શિક્ષકો માત્ર ભણાવવાનું કામ કરશે બાકી કશું નહીં કરે. ગુજરાતમાં ભણતર સિવાય તમામ કામ શિક્ષકો કરે છે. કેટલીકવાર શિક્ષકોને વસ્તી ગણતરી માટે મોકલવામાં આવે છે તો ક્યારેક તેમને ચૂંટણીની ડ્યુટી પર મોકલવામાં આવે છે. ઘણી જગ્યાએ એક-બે શિક્ષકો જ હોય છે તેથી આવા શાળાઓ શિક્ષક વિના લાવારીસ બની જાય છે. શિક્ષણને કેવી રીતે સુધારવું તે અંગે અમે દિલ્હી અને પંજાબના શિક્ષકો પાસેથી વિચારો લઈએ છીએ.

*ગરીબોના બાળકો ભણી ગણીને પોતાની ગરીબી દૂર ના કરી દે એ કારણથી તેમને અત્યાર સુધી અભણ રાખવામાં આવ્યા : ભગવંત માન*

હું યુવાનોને કહેવા માંગુ છું કે, “અગર રાજનીતિ મેં આના હૈ, તો કર કેજરીવાલ કે ઉસૂલો કી બાત લેકિન અગર રાજનીતિ મેં લંબા ટીકના હૈ તો કર અસ્પતાલ, સ્કૂલો કી બાત”. અહીંયા અન્ય પક્ષના લોકો તેમના ભાષણમાં શાળા અને હોસ્પિટલની વાત પણ કરતા નથી કારણ કે તેઓ આપણે અભણ જ રાખવા માંગે છે. એ લોકો જાણે છે કે જો કોઈ ગરીબનું બાળક ભણી ગણી લેશે તો તે મોટો અધિકારી બની જશે. અને જો બની ગયો તો ઘરની ગરીબી દૂર કરી દેશે. ગરીબી દૂર થઇ ગઇ તો નેતાઓના મોટા મોટા મહેલો સામે સવારમાં સવારમાં હાથ જોડીને કોઈ ઊભું નહીં રહે. એટલા માટે આ લોકો ગરીબ બાળકોને ભણવા નથી દેતા, બાકી આપણા બાળકોમાં ઘણી ક્ષમતા છે.

*દિલ્હી અને પંજાબમાં વીજળી આવે છે, પણ બિલ નથી આવતાઃ ભગવંત માન*

દિલ્હી અને પંજાબમાં વીજળી આવે છે પણ બિલ નથી આવતા કારણ કે સરકાર પાસે ટેક્સના ઘણા પૈસા છે. અન્ય પક્ષના લોકો ટેક્સના પૈસાથી પોતાની જમીન ખરીદે છે, પોતાના પહાડો ખરીદે છે, વિદેશની બેંકોમાં તેમના ખાતા પણ છે. જો આ ટેક્સના પૈસાનો ઉપયોગ જનતા પર કરવામાં આવે તો આપણા દેશને નંબર વન બનતા કોઈ રોકી શકશે નહીં. ગુજરાતની જનતાએ આગામી 40-45 દિવસની ગેરંટી લેવી પડશે અને તે પછી આગામી 5 વર્ષની જવાબદારી અમારી છે. ચૂંટણીના દિવસના 8-9 કલાક તમારા પરિવાર અને તમારા બાળકોના ભવિષ્ય વિશે વિચારીને સદુપયોગ કરજો જેથી તમારે આગામી 5 વર્ષ સુધી અહીં-તહીં ધક્કા ખાવા ન પડે.

દાહોદમાં યોજાયેલી વિશાળ જનસભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ પ્રમુખ કિશોરભાઈ દેસાઈ અને આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી પણ હાજર રહ્યા હતા.

*આમ આદમી પાર્ટી ગુજરાત*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here