કરવા ચોથ વ્રતનું ગ્રામીણ સ્ત્રીઓથી લઈને શહેરની મહિલાઓ તમામ નારીઓ કે જેઓ સૌભાગ્યવતી છે તેઓ આ વ્રતનો સંકલ્પ કરે છે.

0
352

ગ્રામીણ સ્ત્રીઓથી લઈને શહેરની મહિલાઓ તમામ નારીઓ કે જેઓ સૌભાગ્યવતી છે તેઓ આ વ્રતનો સંકલ્પ કરે છે. પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરવામાં આવે છે. સવારની તમામ પ્રવૃત્તિથી નિવૃત્ત થઈને દિવસભર ગણેશજીની ઉપાસના પૂજા કરવાનું વિધાન કરે છે. આખો દિવસ નિરાહાર અને નિર્જળા રહીને રાત્રિના ચંદ્રોદય થાય ત્યારબાદ ચંદ્રને અર્ધ્ય આપીને પતિના દીર્ઘાયુષ્યની પત્ની પ્રાર્થના કરે છે. ત્યારબાદ પતિના હાથે જળ ગ્રહણ કરીને ઉપવાસ છોડે છે

આ વ્રત સામાન્ય રીતે બાર વર્ષ કે સોળ વર્ષ સુધી કરવાનું વિધાન છે. સંકલ્પ મુજબ વ્રત પૂર્ણ થાય પછી તેની ઉજવણી કરવામાં આવે છે. આ વ્રત આજીવન પણ કરી શકાય છે.

ad………

ભારત દેશમાં ઘણી જગ્યાએ ચોથ માતાનું મંદિર છે. જેમાં સહુથી પ્રાચીન મંદિર રાજસ્થાન રાજ્યના સવાઈ માધોપુર જિલ્લામાં ચોથ માતાનું મંદિર છે. બરવાડા ગામમાં પણ સુંદર મંદિર છે. ચોથ માતાના મંદિરના નામથી આ ગામનું નામ `ચોથ કા બરવાડા’ પડી ગયું છે. ચોથ માતાના મંદિરની સ્થાપના મહારાજા ભીનસિંહ ચૌહાણે કરી હતી.

કરવા ચોથ વ્રતની કથા

કરવા ચોથ વ્રતસંબંધી ઘણીબધી કથાઓ છે. એક સમયની વાત છે. કરવા નામની પતિવ્રતા સ્ત્રી હતી. તેનો પરિવાર ગામમાં નદીકિનારે રહેતો હતો. એક દિવસ તેનો પતિ નદીમાં સ્નાન કરવા ગયો. એ સમયે નદીમાં મગરે તેના પતિના પગને પકડી લીધો. આ પતિ તેમની પત્નીને `કરવા કરવા’ કહીને બોલાવવા લાગ્યો. અવાજ સાંભળી કરવા ત્યાં દોડી આવી. આવીને કરવા એ સૂતરના કાચા દોરાથી મગરને બાંધી દીધો. મગરને બાંધી તે યમરાજ પાસે પહોંચી. ત્યાં જઈ આ ઘટના કહી સંભળાવી અને મગરને નરકમાં લઈ જવા વિનંતી કરી.

Ad…

યમરાજે કહ્યું, હજી મગરનું આયુષ્ય બાકી છે માટે તેને હું મારી નહીં શકું. કરવા ગુસ્સે થઈ અને બોલી `જો તમે આ ન કરી શકો તો હું તમને શાપ આપીશ.’

આ વાણીથી યમરાજ ડરી ગયા અને કરવાની સાથે આવીને મગરનો વિનાશ કરી મગરને યમપુરી મોકલી આપ્યો. આ રીતે કરવાએ પોતાના પતિની દીર્ઘાયુની રક્ષા કરી ત્યારથી કરવાના નામથી કરવા ચોથનું વ્રત પતિની દીર્ઘાયુ માટે ભારતના અનેક પ્રાંતોમાં કરવામાં આવે છે.

કરવા ચોથ વ્રતનો ઈતિહાસ

એક માન્યતા એવી છે કે, આ વ્રતની પરંપરા દેવતાના સમયથી ચાલી આવી છે. કહેવાય છે કે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું ત્યારે દેવોને વિજયી બનાવવા માટે બ્રહ્માજીએ દેવતાની પત્નીઓને નિરાહાર-નિર્જળા વ્રત કરવા જણાવ્યું ત્યારે ઈન્દ્રરાજાને બચાવવા માટે ઈન્દ્રાણીએ આ વ્રત કર્યું હતું. પરિણામ એ આવ્યું કે, આ વ્રતના પ્રતાપથી તમામ દેવતાગણે વિજય મેળવ્યો. ત્યારથી આ પ્રથા ચાલી આવી છે.

બીજી માન્યતા એ પણ છે કે, પાર્વતીએ શિવજીને પતિ તરીકે મેળવવા માટે પણ આ વ્રત કર્યું હતું. મહાભારતકાળમાં ગાંધારીએ ધૃતરાષ્ટ્રને બચાવવા, કુંતીએ પાંડુના માટે આ વ્રત કર્યું હતું.

એક સૌથી પ્રચલિત કથા એવી છે કે એક ગામમાં એક સુખી-સંપન્ન શેઠ રહેતા હતા. તેમના સાત દીકરા અને એક કરવા નામની દીકરી હતી. કરવાને સાતેસાત ભાઈઓ ખૂબ જ પ્રેમ કરતા હતા. કરવાને જમાડીને જ તેના ભાઈઓ અન્ન ગ્રહણ કરતા હતા. કરવાનું થોડું દુઃખ પણ તેના ભાઈઓ સહન કરી શકતા નહોતા. કરવા પરણીને સાસરે ચાલી ગઈ પછી એક દિવસ તે પિયર આવી અને સંજોગવશાત્ ત્યારે કરવા ચોથ હતી. સાંજે ભોજન કરવાનો સમય થયો. બધા જ ભોજન કરવા બેઠા, પરંતુ કરવા ભોજન માટે ન આવી. સાતેય ભાઈઓએ તેને જમવા બોલાવી, પણ કરવાએ કહ્યું કે આજે મારું વ્રત છે. હું ચંદ્રના ઉદય બાદ તેને અર્ધ્ય આપીને જમીશ. ચંદ્ર ક્યાંય દેખાતો ન હતો અને આખા દિવસની ભૂખને લીધે કરવાની હાલત ખૂબ જ ખરાબ થવા લાગી. તે વ્યાકુળ બની ગઈ હતી. ભાઈઓથી બહેનની આ હાલત ન જોવાઈ. તેથી નાના ભાઈએ ઘરના આંગણામાં ઝાડ પર દીપક પ્રગટાવીને તેની આગળ ચાળણી મૂકીને ચંદ્ર જેવું પ્રતિબિંબ પાડ્યું અને કરવાને બતાવીને કહ્યું કે, ચંદ્ર ઊગી ગયો છે. તું દર્શન કરીને જમી લે. કરવા ખુશ થઈને ચંદ્રનાં દર્શન કરીને જમવા બેસી ગઈ, પરંતુ પહેલો કોળિયો લીધો તો તેમાં વાળ આવ્યો. બીજો કોળિયો લેવા ગઈ ત્યાં હાથમાંથી પડી ગયો. ત્રીજો કોળિયો મોંમાં મૂકે ત્યાં તેના પતિના મૃત્યુના સમાચાર આવ્યા. આ સમાચાર સાંભળતા જ તેનાં ભાભીએ ખરી હકીકત તેને કહી સંભળાવી કે, `તમારા ભાઈએ ઝાડ પર દીપક અને ચાળણી મૂકીને તમને ચંદ્રનો આભાસ કરાવ્યો હતો. આમ, તમારા વ્રતનો ભંગ થયો અને આવું બન્યું.’ ભાભીની વાત સાંભળીને કરવાએ નક્કી કર્યું કે હું આખું વર્ષ પ્રાયશ્ચિત કરીશ અને પતિના મૃતદેહની સામે બેસી રહીશ. કરવાએ આખું વર્ષ મહાદેવ અને પાર્વતીજીની પૂજા-અર્ચના કરી. મૃતદેહની પાસે આખું વર્ષ બેસી રહી. ફરી કરવા ચોથનું વ્રત આવ્યું અને તેણે શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું. આખા વર્ષની સાધનાથી મહાદેવ પ્રસન્ન થયા અને તેના પતિને જીવતદાન આપ્યું. આ રીતે કરવા ચોથના વ્રતનો અનેરો મહિમા છે. જેથી દરેક સ્ત્રી કરવા ચોથનું વ્રત મંગલમય કામના સાથે સંપન્ન કરે છે.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here