જેમ દિલ્હી અને પંજાબમાં આશા વર્કરોની માંગણીઓ પૂર્ણ કરવામાં આવી છે, તેવી જ રીતે ગુજરાતમાં પણ તમામ માંગણીઓ પૂર્ણ કરવામાં આવશે: અરવિંદ કેજરીવાલ

0
328

ગુજરાતના કોઈ સૈનિક કે પોલીસકર્મી ફરજ પર મૃત્યુ પામે છે તો ‘આપ’ની સરકાર બન્યા બાદ તેના પરિવારને 1 કરોડનું સન્માન રાશિ આપવામાં આવશેઃ અરવિંદ કેજરીવાલ

અમદાવાદ/ઊંઝા/ગુજરાત

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી ગઈકાલે તેમની બે દિવસીય મુલાકાતે ગુજરાત આવ્યા હતા. અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજીએ ગઈકાલે ભાવનગરમાં એક વિશાળ જાહેર જનસભાને સંબોધી હતી અને આજે મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં બીજી વિશાળ જાહેર જનસભાને સંબોધી હતી.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ ઊંઝાની જાહેર સભામાં આવેલી હજારોની મેદનીને સંબોધતા કહ્યું કે, અહીં મોટી સંખ્યામાં આવેલી તમામ આશા વર્કર બહેનોનું હું સ્વાગત કરું છું. આજે સવારે હું તે બધાને મળ્યો, તેમની સમસ્યાઓ સાંભળી અને મેં તેમને ખાતરી આપી કે જે રીતે દિલ્હી અને પંજાબમાં આશા વર્કરોની માંગણીઓ પૂરી કરવામાં આવી છે, તેવી જ રીતે ગુજરાતમાં પણ તમામ માંગણીઓ પૂરી કરવામાં આવશે. મેં પાછલા જન્મમાં ઘણા પુણ્ય કર્યા હશે કે આજે મને ગુજરાતની જનતાનો એટલો બધો પ્રેમ મળી રહ્યો છે. હું તમને ખાતરી આપું છું કે અમે જે પણ ગેરંટી આપી રહ્યા છીએ તે તમામ સરકાર બન્ચા પછી પૂરી કરવામાં આવશે. આજે ગુજરાતમાં ચારે બાજુ પરિવર્તનની આંધી ચાલી રહી છે. IBનો એક રિપોર્ટ આવ્યો છે. કેન્દ્ર સરકારે આ એજન્સીને ગુજરાતમાં મોકલીને સર્વે કરાવ્યો હતો. તે સરકારી એજન્સી છે. અને IBએ આ રિપોર્ટ કેન્દ્ર સરકારને આપ્યો છે કે, ડિસેમ્બરમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. IB રિપોર્ટ કહી રહી છે કે આમ આદમી પાર્ટીની 94-95 સીટો આવી રહી છે. આમ આદમી પાર્ટી જીતી રહી છે પણ બે-ત્રણ સીટો પરથી જીતી રહી છે, પરંતુ બે-ત્રણ સીટો પરથી નહીં, આમ આદમી પાર્ટીની જીત 40-50 સીટો પરથી થવી જોઈએ. આ વખતે ગુજરાતમાં 150 સીટો આવવી જોઈએ કે દિલ્હી અને પંજાબનો રેકોર્ડ તૂટી જાય.

છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતમાં આટલા આંદોલનો થયાં, આટલા વિરોધ થયાં, પાટીદાર આંદોલન થયું, ખેડૂત આંદોલન થયું, માલધારી આંદોલન થયું, ઠાકોર આંદોલન થયું, પોલીસ ગ્રેડ પે આંદોલન થયું, ક્ષત્રિય આંદોલન થયું, આદિવાસી સમાજનું આંદોલન થયું, ઘણાં બધાં કર્મચારીઓનું આંદોલન થયું, ભૂત પૂર્વ સૈનિકોનું આંદોલન હતું, આ લોકોએ તેમાંથી કોઈને છોડ્યા ન હતા, યુવાઓ પર ખોટા કેસ કરીને તેમને જેલમાં ધકેલી દીધા. 8 ડિસેમ્બરે મતગણતરી થશે, 15 ડિસેમ્બર સુધીમાં અમારી સરકાર બની જશે. ત્યાર પછી સૌથી પહેલું કામ તમામ ખોટા કેસો પાછા ખેંચવાનું કરીશું, દરેકને તેમના ઘરે મોકલવામાં આવશે. જેમનાં પર ખોટા કેસ કરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તે તમામને પાછા લેવામાં આવશે.

દિલ્હી અને પંજાબમાં અમે શહીદોના પરિવારોને એક કરોડની સન્માન રાશિ આપીએ છીએ. આ વાત ગુજરાતમાં પણ લાગુ થવી જોઈએ. જો કોઈ જવાન શહીદ થાય કે પોલીસ કર્મચારી ફરજ પર શહીદ થાય તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ તેના પરિવારને એક કરોડની સન્માન રાશિ આપવામાં આવશે. આ સરકારની નિયત ખરાબ છે, તેથી તેઓ કંઈ આપતા નથી. છેલ્લા 5 વર્ષમાં શહીદ થયેલા તમામ સૈનિકોને એક કરોડ રૂપિયાનું માનદ વેતન પણ આપવામાં આવશે. હું પોતે તેમના ઘરે જઈશ અને એક કરોડ રૂપિયા આપીશ.

Ad…..

જ્યારે ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે, ત્યારે સૌથી પહેલું કામ ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનું કરીશું. મને એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ગુજરાતનાં એક ધારાસભ્ય છે, જેમણે છેલ્લી ચૂંટણી લડી હતી એ વખતે તેમની જમીન 4 એકર હતી. આજે 5 વર્ષ પછી તેમની જમીન 1000 એકર થઈ ગઈ છે. આ જમીન ક્યાંથી આવી? બધા જ ધારાસભ્યોની આ જ હાલત છે, ગુજરાત લૂંટાઈ ગયું છે. અને પછી તેઓ કહે છે કે સરકાર ખોટમાં ચાલી રહી છે. સવારથી ઉઠીને સાંજ સુધી રોટલી ખાવા માટે, દૂધ પીવા માટે, પંખો ચલાવવામાં, સાબુનો ઉપયોગ કરવા માટે, દરેક જગ્યાએ ગરીબમાં ગરીબ માણસ ટેક્સ આપે છે, તો શા માટે સરકાર ખોટમાં છે? બધા પૈસા ક્યાં જાય છે? ગુજરાત સરકાર દર વર્ષે 2.5 લાખ કરોડ રૂપિયા ખર્ચે છે. હું તમને પૂછવા માગું છું કે તમારા ગામમાં છેલ્લા 27 વર્ષમાં કોઈ રોડ બન્યો છે? શાળા બની? હોસ્પિટલ બની? કોઈને દવા આપી? તેમણે કોઈ કામ કર્યું? તેમણે છેલ્લા 27 વર્ષમાં કોઈ કામ કરાવ્યું નથી. તો આ લોકો દર વર્ષે 2.5 લાખ કરોડ રૂપિયા ક્યાં ખર્ચે છે? આ લોકો પોતાની મિલકત બનાવે છે, જમીન ખરીદે છે, બધા પૈસા સ્વિસ બેંકમાં લઈ જાય છે. જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે તેમની પાસેથી એક-એક પૈસો પાછો લેવામાં આવશે. હમણાં જ પંજાબની અંદર અમારા જ એક મંત્રી કંઈક ખોટું કરી રહ્યા હતા. ભગવંત માનજી એ પોતે તેમને જેલમાં મોકલી દીધા. અમે તમારા માટે એવી સિસ્ટમ લાગુ કરીશું કે તમારે કોઈ સરકારી કામ માટે સરકારી ઓફિસ જવાની જરૂર નહીં પડે, સરકારી ઓફિસર તમારા ઘરે આવીને તમારું કામ કરશે. તમારે 15 ડિસેમ્બર પછી કોઈને પણ કોઈ લાંચ આપવાની જરૂર નહીં પડે.

AD….

જ્યારે ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું ત્યારે ઘણા પૈસાની બચત થશે, તે પૈસાથી સૌથી પહેલા તમારી વીજળી મફત કરીશું. મારી પાસે ગુજરાતનાં ઘણા લોકો આવે છે અને કહે છે કે, મોંઘવારી ઘણી વધી ગઈ છે, બાળકોને ઉછેરવાના પૈસા નથી અને આવક પણ નથી વધી રહી. દિલ્હી અને પંજાબમાં અમે વીજળી મફત કરી દીધી. અને જેમના જૂના બિલ બાકી હતા તે બધા જ જૂના બિલ માફ કરી દીધા. હવે દિલ્હી અને પંજાબમાં લોકોના ઝીરો બિલ આવે છે. દિલ્હીમાં 42 લાખ લોકોનું વીજળી બિલ ઝીરો આવે છે અને પંજાબમાં 50 લાખ લોકોનું વીજળી બિલ ઝીરો આવે છે. ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને 1 માર્ચથી ગુજરાતની જનતાના વીજળીના બિલ ઝીરો પર આવવા લાગશે. આ બંને પાર્ટીઓ મને ગાળો આપી રહી છે કે, કેજરીવાલ મફતમાં વીજળી કેમ આપે છે? કેજરીવાલ મફતની રેવડી કેમ વહેંચે છે? તેમના મુખ્યમંત્રીને 5000 યુનિટ અને અન્ય ધારાસભ્યને 4000 યુનિટ વીજળી મફતમાં મળે છે. ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીઓને મફતમાં વીજળી મળે તો તેમને કોઈ તકલીફ નથી, પરંતુ ગુજરાતની જનતાને 300 યુનિટ વીજળી મફતમાં મળે તો તેમની તકલીફ થાય છે.

Ad…

18 વર્ષથી વધુ ઉંમરની જેટલી પણ મહિલાઓ છે તેમના એકાઉન્ટમાં દર મહિને ₹1000 સન્માન રાશિ જમા કરાવીશું. જો 18 વર્ષથી વધુ ઉંમરની કોઈ મહિલા હોય જેમની પાસે બેંક એકાઉન્ટ નથી, તો તેઓ પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવીને રાખે, સરકાર બન્યા પછી, મહિલાઓના ખાતામાં દર મહિને ₹1000 જમા કરતા રહીશું. આ લોકો કહે છે કે મહિલાઓને પૈસા આપવાની શું જરૂર છે? આવી ઘણી બધી દીકરીઓ છે, જેમનો અભ્યાસ પૈસાને અભાવે છુટી જાય છે. આવી દીકરીઓના હાથમાં હજાર રૂપિયા આપવાથી તેમને આવવા જવાના ભાડામાં મદદ મળશે અને તેમનો અભ્યાસ પૂર્ણ થશે. ઘણી બધી એવી બહેનો છે કે જેઓ મોંઘવારીને કારણે પોતાના બાળકોને દૂધ અને સારા શાકભાજી ખવડાવી શકતી નથી, સારું શિક્ષણ અપાવી શકતી નથી જો એમનાં હાથમાં હજાર રૂપિયા મુકીશું તો તે પોતાના બાળકોની સારી રીતે સંભાળ રાખી શકે છે.

જેમ અત્યારે ગુજરાતની સરકારી શાળાઓ ખરાબ છે તેમ પહેલાં દિલ્હીમાં પણ સરકારી શાળાઓની હાલત ખરાબ હતી. અમારી સરકાર બન્યા પછી અમે દિલ્હીની તમામ સરકારી શાળાઓને શાનદાર બનાવી દીધી. આજે દિલ્હીની સરકારી શાળાના પરિણામો પણ ખૂબ સારા આવી રહ્યા છે. દિલ્હીમાં મજૂરોના બાળકો, રિક્ષાચાલકોના બાળકો, મોચીના બાળકો, ઇસ્ત્રીવાળાના બાળકો, ગરીબોના બાળકો ડોક્ટર અને એન્જિનિયર બની રહ્યા છે. દિલ્હીમાં ગગન નામનો એક છોકરો છે, તેના પિતા એક કારખાનામાં મજૂર તરીકે કામ કરે છે, તે મહિને ₹8000 કમાય છે. તેને એન્જિનિયરિંગમાં હમણાં જ એડમિશન મળ્યું છે, હવે તે છોકરો એન્જિનિયર બનશે. બીજો છોકરો સુધાંશુ છે, તેના પિતા ડ્રાઇવર છે, તે મહિને ₹10000 કમાય છે, તેને પણ એન્જિનિયરિંગમાં એડમિશન મળી ગયું છે. એવા હજારો બાળકો છે જેઓ સરકારી શાળાઓમાંથી ભણીને ડોક્ટર અને એન્જિનિયરિંગમાં એડમિશન લઈ રહ્યા છે. દિલ્હીની અંદર ઘણા લોકો પોતાના બાળકોના નામ પ્રાઇવેટ શાળામાંથી કઢાવીને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે. ગરીબોના બાળકો દિલ્હીની સરકારી શાળાઓમાં ભણીને ડોક્ટર કે એન્જિનિયર બની રહ્યા છે, જેમની મહિનાની આવક ₹10000 હતી, આજે તેમના બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરીને મહિને બે-ત્રણ લાખ રૂપિયા કમાશે, ઘણા બધા પરિવારોની ગરીબી દૂર થશે. ગુજરાતમાં જ્યારે ‘આપ’ની સરકાર બનશે ત્યારે દરેક ગામમાં શાનદાર સરકારી શાળાઓ બનાવીશું, તમારા બાળકોને સારું શિક્ષણ આપીશું અને તમારી ગરીબી દૂર કરીશું.

AD……

મનીષ સિસોદિયાજીએ દિલ્હીમાં શાનદાર શાળાઓ બનાવી અને જ્યારે તેઓ ગુજરાતમાં આવ્યા ત્યારે તેમણે ગુજરાતની જનતાને વચન પણ આપ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ તેઓ દરેક ગામમાં શાનદાર સરકારી શાળાઓનું નિર્માણ કરશે. પરંતુ આ લોકો નથી ઈચ્છતા કે મનીષ સિસોદિયાજી ગુજરાતમાં પ્રચાર કરે. તેથી જ આજે તેમને CBI વાળાએ બોલાવ્યા છે. પરંતુ આ લોકો કેટલા મહિના સુધી મનીષ સિસોદિયાજીની ધરપકડ કરશે? 8 મી ડિસેમ્બરે પરિણામ આવતાની સાથે જ આમ આદમી પાર્ટીની સરકાર બનશે. જેલ કે તાલે તૂટેંગે, મનીષ સિસોદિયા છૂટેંગે. હું મનીષ સિસોદિયાજીને કહેવા માંગુ છું કે જો તમે નહીં આવી શકો તો પ્રચાર બંધ નહીં થાય, ગુજરાતના તમામ લોકો ઘરે-ઘરે જઈને પ્રચાર કરી રહ્યા છે.

દિલ્હીમાં અમે દરેક વ્યક્તિની સારવાર મફત કરી છે. આજે કોઈને ગંભીર બીમારી થાય તો ઘર, જમીન, મિલકત, દાગીના બધું ગીરવે રાખવું પડે છે, પરંતુ દિલ્હીમાં તમામ સારવાર મફત છે. અમીર હોય કે ગરીબ, તમામ માટે સારવાર મફત છે, બધી દવાઓ મફત છે, તમામ ટેસ્ટ મફત છે, ઓપરેશન ગમે તેટલું મોટું હોય તે પણ મફત છે. અમે દિલ્હીમાં 2 કરોડ લોકોની તમામ સારવાર મફત કરી છે અને હવે અમે પંજાબમાં પણ કરવા જઈ રહ્યા છીએ. પંજાબમાં 100 મોહલ્લા ક્લિનિક ખોલવામાં આવ્યા છે અને વધુ ખોલવામાં આવશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ દરેક નાના ગામમાં મોહલ્લા ક્લિનિક ખોલવામાં આવશે. આ રીતે ગુજરાતમાં 20,000 મોહલ્લા ક્લિનિક ખોલવામાં આવશે. રોગ ભલે ગમે તેટલો મોટો હોય, દરેક વ્યક્તિની સારવાર મફતમાં થશે. ગુજરાતમાં 6.5 કરોડ લોકોની તમામ સારવાર મફતમાં કરવામાં આવશે.

હમણાં જ કેન્દ્ર સરકારનો એક સર્વે બહાર આવ્યો છે કે, ભારતમાં સૌથી વધુ મોંઘવારી ક્યાં છે, તેમાં જાણવા મળ્યું છે કે સૌથી ઓછી મોંઘવારી દિલ્હીમાં અને સૌથી વધુ મોંઘવારી ગુજરાતમાં છે. દિલ્હી કરતાં ગુજરાતમાં બે ગણી મોંઘવારી છે, જો દિલ્હીમાં કોઈ વસ્તુ 100 રૂપિયામાં વેચાય છે તો તે ગુજરાતમાં 200 રૂપિયામાં વેચાય છે, કારણ કે ગુજરાતમાં ખૂબ ભ્રષ્ટાચાર છે. જો તમે ઈમાનદાર સરકારને વોટ આપશો તો, જેમ દિલ્હીમાં બધી વસ્તુ સસ્તી કરી દીધી, તેમ ગુજરાતમાં પણ કરીશું. મારી પાસે એટલા બધા પૈસા નથી કે હું તમને 30,000 કરોડનું પેકેજ આપી શકું, પરંતુ હું એટલું તો ચોક્કસ વચન આપી શકું છું કે જો અમે જીતીશું તો તમારા પરિવારને 30,000નો ફાયદો કરાવી દઈશ.

ગઈ વખતે જ્યારે હું ગુજરાત આવ્યો હતો ત્યારે એક છોકરો મને મળવા આવ્યો. તેણે કહ્યું કે હું મારા વિસ્તારના નેતાને મળવા ગયો હતો કે મારી પાસે નોકરી નથી, મને નોકરી આપો, તો તેમણે મને એવો જવાબ આપ્યો હતો કે તું કોઈ કામનો નથી, તને કોઈ કામ આવડતું નથી એટલા માટે તારી પાસે નોકરી નથી. આ લોકોને 27 વર્ષથી એટલો અહંકાર આવી ગયો છે કે તેઓ આપણા બાળકોને ગાળો આપે છે. દિલ્હીમાં મેં 5 વર્ષમાં 12 લાખ બાળકો માટે નોકરીઓ ઊભી કરી. પંજાબમાં ભગવંત માન સાહેબે છેલ્લા 6 મહિનામાં 17,000 બાળકોને સરકારી નોકરી આપી છે. અમારી નિયત સાફ છે અને અમને કામ કરતા પણ આવડે છે. અમે વચન આપ્યું છે કે જ્યારે ગુજરાતમાં અમારી સરકાર બનશે ત્યારે અમે દરેક બાળક માટે રોજગારની વ્યવસ્થા કરીશું અને જ્યાં સુધી રોજગાર નહીં મળે ત્યાં સુધી અમે ₹3000નું બેરોજગારી ભથ્થું આપીશું અને 10 લાખ સરકારી નોકરીઓની વ્યવસ્થા કરીશું. જો તમે તમારા બાળકોને બેરોજગાર રાખવા માંગતા હોવ, ગાળો સાંભળવા માંગતા હોવ તો તમે તેમને વોટ આપજો, 27 વર્ષથી આવું જ ચાલી રહ્યું છે અને જો તમારા બાળકો માટે રોજગાર જોઈતો હોય તો આમ આદમી પાર્ટીને વોટ આપજો, ઝાડુંનું બટન દબાવજો. જે પેપર ફૂટે છે તે થોડી એમ જ ફૂટે છે, ચોક્કસ કોઈ મોટા નેતા તેમાં સામેલ છે. 2015 પછી અત્યાર સુધી જે પણ પેપર ફોડવામાં આવ્યા છે તેની તપાસ કરવામાં આવશે અને આમાં સામેલ તમામ મોટા નેતાઓને જેલમાં મોકલવામાં આવશે. 2 વર્ષ પહેલા 25,00,000 લોકોએ તલાટીની પરીક્ષા માટે અરજી કરી હતી પરંતુ તેમણે તે પરીક્ષા રદ કરી હતી. ડિસેમ્બરમાં અમારી સરકાર બનશે અને અમે ફેબ્રુઆરીમાં તલાટીના પરીક્ષા કરાવીશું.

ભગવાન શ્રી રામનું મંદિર આવતા વર્ષે તૈયાર થઈ જશે. દરેક વ્યક્તિ મંદિર જોવા જવા માંગે છે. પરંતુ મુસાફરી અને ખાવા-પીવામાં ઘણો ખર્ચ થાય છે. પરંતુ દિલ્હીમાં અમે એક યોજના શરૂ કરી છે, જેમાં અમે દિલ્હીવાસીઓને મફતમાં અયોધ્યાના ભગવાન શ્રી રામના દર્શન કરવા લઈ જઈએ છીએ. દિલ્હીથી સ્પેશિયલ ટ્રેન ઉપડે છે. એ ટ્રેનમાં બધા રામ ભક્ત હોય છે. આ બધા રામ ભક્તોનું આવવું,જવું, ખાવું, પીવું, રહેવાનું બધું મફત છે. તમને ઘરેથી લઈ જવાના અને છેલ્લે ઘર પર છોડવાના, દિલ્હી સરકાર આ બધી જવાબદારી ઉઠાવે છે અને તે બધું મફત છે. જ્યારે ટ્રેન દિલ્હીથી નીકળે છે, ત્યારે હું વ્યક્તિગત રીતે તેમને છોડવા જાઉં છું અને જ્યારે ટ્રેન પાછી આવે છે, ત્યારે હું વ્યક્તિગત રીતે તેમને લેવા જાઉં છું. લોકો મને ખૂબ આશીર્વાદ આપે છે. હું ગુજરાતની જનતાને વચન આપું છું કે ગુજરાતમાં પણ અમારી સરકાર બન્યા બાદ ગુજરાતની જનતાને મફતમાં અયોધ્યાના ભગવાન શ્રી રામના દર્શન કરાવવામાં આવશે.

આ લોકો મને કહે છે કે કેજરીવાલ ફ્રી ની રેવડી વહેંચી રહ્યા છે, ફ્રીની રેવડી વહેંચી રહ્યા છે. કારણ કે તેમને ડર લાગી રહ્યો છે કે જો કેજરીવાલની સરકાર આવી ગઇ અને તે બધું લોકોમાં વહેંચી દેશે તો તેમની લૂંટ બંધ થઈ જશે. કોંગ્રેસ અને ભાજપ એક થઈ ગયા છે. આ લોકોએ ગમે તે કરીને નક્કી કરી લીધું છે કે આમ આદમી પાર્ટીની સરકાર ન બનવી જોઈએ. ગુજરાતની અંદર પરિવર્તનની જોરદાર આંધી ચાલી રહી છે. સમગ્ર ગુજરાત પરિવર્તનની માંગ કરી રહ્યું છે. હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે આ વખતે છેતરાતા નહીં, કોંગ્રેસને વોટ આપીને તમારા વોટના ભાગલા ન પાડતા. કોંગ્રેસને વોટ આપીને ભાજપને ના જીતાડી દેતા. કોંગ્રેસને વોટ આપીને તમારો વોટ ના બગાડતા. કોંગ્રેસની 10થી ઓછી સીટો આવી રહી છે અને તે જેટલી પણ સીટો આવશે તે પછી ભાજપમાં જોડાઇ જશે. આ વખતે ગુજરાતને ડબલ એન્જિનની સરકાર નથી જોઈતી, નવી સરકારની જરૂર છે. હું અહીં માત્ર એક મોકો માંગવા આવ્યો છું. કોંગ્રેસને 70 વર્ષ આપ્યા, ભાજપને 27 વર્ષ આપ્યા, બસ એક મોકો આપો. જો હું કામ ના કરું તો એનાં પછી હું વોટ માંગવા નહીં આવું. એક મોટું પરિવર્તન આવી રહ્યું છે, તમે બધા આ પરિવર્તનનો ભાગ બનો. આપણે સૌ સાથે મળીને નવું ગુજરાત બનાવીશું.

ઊંઝામાં આયોજિત વિશાળ જનસભાને સંબોધતા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીએ જણાવ્યું હતું કે, ઊંઝાની જનતાનો ઉત્સાહ જોઈને ખબર પડે છે કે ગુજરાતની જનતા આ વખતે ચૂંટણીમાં નવો ઈતિહાસ લખવા જઈ રહી છે. અમે જુમલા સંભળાવવાનાં નથી, અમે તમને ખોટા સપનાઓ જોવડાવવાનાં નથી પરંતુ અમે તમારા બાળકોને સારું શિક્ષણ આપવાના છીએ. સારું શિક્ષણ મેળવનાર બાળકોને સારી રોજગારી આપવાના છીએ અને વૃદ્ધોને મફત સારવાર આપવાના છીએ અને અમે તમારું વીજળીનું બિલ ઝીરો કરવાના છીએ. એટલા માટે અમે ક્યારેય એવું નથી કહેતા કે સારા દિવસો આવવાના છે પરંતુ, અમે હંમેશા એ જ કહીએ છીએ કે સાચા દિવસો આવવાના છે.

આજની સભામાં ઘણી મોટી સંખ્યામાં માતાઓ અને બહેનો આવ્યા છે અને આ ખૂબ જ સારી વાત છે કારણ કે, આજે મોંઘવારી કેટલી વધી ગઈ છે, તે મોંઘવારીનો સૌથી વધારે માર મહિલાઓ સહન કરે છે. એમને બધું ખબર છે કે હવે પરાઠા પર પણ 18% ટેક્સ લગાવવામાં આવ્યો છે. દૂધ, દહીં, છાશ જેવી કોઈ વસ્તુ બાકી નથી કે જેના પર ટેક્સ ન હોય. હવે માત્ર શ્વાસ લેવા પર ટેક્સ લગાવવાનો બાકી છે. અહીં ઘણી બધી આશા વર્કર બહેનો આવી છે. પંજાબમાં અમે આશા વર્કર બહેનોને વચન આપ્યું હતું કે અમારી સરકાર બન્યા બાદ અમે તેમને સંપૂર્ણ સન્માન આપીશું અને ઓફિસની સાથે સારું વાતાવરણ આપીશું. અને 7 મહિનાની સરકારમાં અમે આ વચન પૂરું કર્યું છે, કારણ કે અમે જાણીએ છીએ કે આશા વર્કર બહેનો સૌથી વધુ કામ કરે છે. અહીં આવતા પહેલા મને ખબર પડી કે ગુજરાતમાં થોડા દિવસ પહેલા આશા વર્કર બહેનો આંદોલન કરી રહી હતી અને પોલીસે તેમની અટકાયત કરીને જેલમાં ધકેલી દીધા હતા. હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે જો તમે નારી શક્તિને જેલમાં પુરી દેશો તો તમે પોતે ક્યાં જશો. પરંતુ ગુજરાતની આશા વર્કર બહેનોને ખબર છે કે ડિસેમ્બરમાં તેઓ સરકાર બદલવા જઈ રહ્યા છે.

દિલ્હીમાં પરિવર્તનની લહેર ઉઠી અને કાફલો વધતો ગયો. કાફલો આંધીમાં ફેરવાઈ ગયો અને એ આંધી પંજાબ પહોંચી ગઇ. પંજાબમાં મોટા મોટા નેતાઓ કહેતા હતા કે તેઓ ક્યારેય ચૂંટણી હારી ના શકે, પરંતુ તે મોટા દિગ્ગજ પણ 70 હજાર વોટોથી હાર્યા હતા અને તેમને હરાવવા વાળા બીજા કોઈ નહોતા પરંતુ આમ જનતાના દીકરા-દીકરીઓ હતા. તેથી જ હું વારંવાર કહું છું કે જાહેર જનતાને હળવાશથી ન લો અને ઘમંડ ન કરો. 27 વર્ષ સુધી ગુજરાતની જનતાએ શાંતિપૂર્વક આ સરકારોને સહન કરી, પરંતુ ગુજરાતની જનતા જાગી ગઈ છે અને 27 વર્ષનો હિસાબ કરવાની છે. જ્યારે અરવિંદ કેજરીવાલજી પહેલીવાર ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે તેમણે સ્વર્ગસ્થ શીલા દીક્ષિતજી સામે ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. તો ઘણા લોકોએ કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલજીએ કોઈ બીજી સરળ સીટ પરથી ચૂંટણી લડવી જોઈએ કારણ કે આટલા મોટા નેતાની સામે કોઈ જીતી નથી શકતું. જ્યારે ચૂંટણીના દિવસે શીલા દીક્ષિતજી પોતાનો વોટ આપીને પોલિંગ બૂથની બહાર આવ્યા ત્યારે મીડિયાકર્મીઓએ પૂછ્યું કે, શું આ ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની કોઈ અસર દેખાશે? ત્યારે શીલા દીક્ષિતજીએ કહ્યું, ‘કોણ કેજરીવાલ?’ પરંતુ જ્યારે બે દિવસ પછી પરિણામ આવ્યું તો એનાં પછી આખી જીંદગીભર તેઓ ક્યારેય ભૂલી શક્યા નહીં કે કોણ કેજરીવાલ?

પંજાબમાં અમારી સરકાર બનીને 6 મહિના જ થયા છે પરંતુ અત્યાર સુધી અમે 17000 લોકોને સરકારી નોકરી આપી છે. ગઈકાલે હું વધુ 8736 સરકારી કર્મચારીઓને કાયમી કરવાનો ઓર્ડર આપીને આવ્યો છું. અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. અમે 5 કામ કરવાનું વચન આપીશું તો 6 કામ કરીને બતાવીશું. પંજાબમાં 14-15-16 ઓક્ટોબરના રોજ પોલીસ ભરતીનું પેપર છે. પંજાબમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટરના પેપર છે પણ ત્યાં પેપર લીક કરવાની કોઈ હિંમત નહીં કરે અને દિલ્હીમાં કોઇ પેપર લીક થતા નથી. બીજી તરફ ગુજરાતમાં એવું કોઈ પેપર નથી જે લીક ના થયું હોય. સરકારી પરીક્ષાઓ માટે યુવાનો ખૂબ મહેનત કરે છે પરંતુ જ્યારે પેપર લીક થાય છે ત્યારે યુવાનોના સપના ચકનાચૂર થઈ જાય છે. ગુજરાતના યુવાનોના સપના અનેકવાર તૂટ્યા છે પરંતુ અરવિંદ કેજરીવાલજી ગુજરાતના યુવાનોના સપના સાકાર કરશે. મેં સાંભળ્યું છે કે ગુજરાતમાં પોલીસ પણ કોન્ટ્રાક્ટ આધારિત કામ કરે છે. પંજાબમાં તમામ પોલીસકર્મીઓ કાયમી છે.

અમે ફક્ત એક જ મોકો માંગીએ છીએ. અમને મોકો આપ્યા પછી, લોકો ક્યારેય બીજાને મોકો આપતા નથી. દિલ્હીમાં અમને મોકો આપ્યા બાદ ભાજપ અને કોંગ્રેસને ક્યારેય મોકો મળ્યો નથી. પંજાબમાં પણ અમે મોકો માંગ્યો હતો, તેથી પંજાબની જનતાએ અમને 117માંથી 92 બેઠકો આપી. 92માંથી 82 ધારાસભ્યો પહેલીવાર ધારાસભ્ય બન્યા છે અને તેમાંથી મોટા ભાગના ખૂબ જ યુવાન છોકરા-છોકરીઓ છે. અહીં બેઠેલા કોઈપણ વ્યક્તિને ભાજપ અને કોંગ્રેસ ટિકિટ આપી શકતા નથી કારણ કે તેઓ માત્ર તેમના પુત્ર-પુત્રીઓને જ ટિકિટ આપે છે. માત્ર આમ આદમી પાર્ટી જ સામાન્ય ઘરમાંથી આવતા યુવક-યુવતીઓને ધારાસભ્ય અને સાંસદ બનાવે છે. પંજાબમાં પણ એવી જ સ્થિતિ હતી જે આજે ગુજરાતમાં છે. કોંગ્રેસ 5 વર્ષ સરકાર ચલાવતી અને 5 વર્ષ અકાલી દલ. પંજાબમાં તે બંને પાર્ટી વિચારતી હતી કે અમારા સિવાય લોકો જશે ક્યાં, પરંતુ પંજાબની જનતાએ આમ આદમી પાર્ટીને મોકો આપ્યો. અમે ગુજરાતની જનતાની મજબૂરી સમજી ગયા છીએ, અહીં ભાજપ 27 વર્ષથી હતી કારણ કે અહીં લોકો પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. કારણ કે કોંગ્રેસ ચૂંટણી લડતી નથી, તેમણે ચૂંટણી લડવાનું છોડી દીધું છે. દિલ્હીમાં દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસને સતત 2 ચૂંટણીમાં 0 સીટ મળી રહી છે. આ દર્શાવે છે કે તે કેટલી ચૂંટણી લડે છે અને લોકો તેને કેટલી ગંભીરતાથી લે છે.

ગુજરાતમાં અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં આપણને ભરપૂર પ્રેમ મળે છે, આપણે વિચારીએ છીએ કે આનાથી વધુ પ્રેમ આપણને ન મળી શકે, પરંતુ બીજા દિવસે ગુજરાતની જનતા અમને વધુ પ્રેમ આપે છે અને તમામ રેકોર્ડ તૂટી ગયા છે. હું ઈચ્છું છું કે ગુજરાતની જનતા દિલ્હી અને પંજાબનો રેકોર્ડ તોડે. અમારા વિરોધીઓ એવી વાતો ફેલાવે છે કે અમે અહીં હેલિકોપ્ટર દ્વારા આવીએ છીએ પરંતુ હું તેમને કહેવા માંગુ છું કે અહીં 50 કિલોમીટરની મુસાફરી કરવામાં અઢી કલાકનો સમય લાગે છે. અહીંના રસ્તાઓ એટલા ખરાબ છે કે અમે વિચારીએ છીએ કે રસ્તાઓમાં ખાડા છે કે ખાડાઓમાં રસ્તો છે. ગુજરાતની જનતાને એક જ વિનંતી છે કે ચૂંટણીના દિવસે EVM મશીનમાં ઘણા બધા બટનો હશે. પરંતુ તે બટન ન તો ભાજપનું હશે, ન તો કોંગ્રેસનું કે ન તો આમ આદમી પાર્ટીનું. તે બટન તમારા અને તમારા બાળકો માટે નસીબનું બટન હશે. મોટાભાગે ચૂંટણીમાં એવું જ બનતું હોય છે કે નેતાઓ જીતી જાય છે અને જનતા હારી જાય છે પરંતુ અમે જનતાને જીતાડવા માટે આવ્યા છીએ. ગુજરાત જીતશે અને મોટા મોટા અહંકારી નેતા હારશે.

ઉંઝામાં યોજાયેલી વિશાળ જાહેરસભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીની સાથે આમ આદમી પાર્ટીના નેશનલ જોઇંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને પ્રદેશ ઉપાધ્યક્ષ અને બેચરાજી વિધાનસભાના ઉમેદવાર સાગર રબારી ઉપસ્થિત રહ્યા હતા.

આમ આદમી પાર્ટી ગુજરાત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here