By: હાર્દિક પટેલ દ્વારા
શરૂઆત સાહિત્ય સંઘના ઉપક્રમે ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ડૉ. મોહલનલાલ પરમાર અને ડૉ. કિરણ આર. દેવમણીને સન્માનવા અને તેમની કૃતિઓને સન્માન્વા કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં રાજભાષા આર્ટ્સ કોલેજના અધ્યાપક કનુભાઈ કડોદિયા દ્વારા સાહિત્ય સર્જક એવા ડૉ.મોહનલાલ પરમાર ના જીવન. સંઘર્ષ અને તેમની કૃતિઓ વિષે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સાહિત્ય રસિકો સાથે ડૉ. મોહનલાલ પરમારની ટૂંકી વાર્તા અને નવલકથાના તમામ પાસાની ડૉ. કનુભાઇએ વિગતે ચર્ચા કરી હતી. સર્જકની હાજરીમાં સર્જકના સાહિત્યના ગુણદોષ નિર્ભિકતાથી ઉજાગર કરી ડૉ.કનુભાઇએ સાહિત્યરસિકોને રસતરબોળ કર્યા હતા. પોતાના પ્રતિસાદ વક્તવ્યમાં પણ ડૉ.મોહન પરમારે હજી વધુ પ્રતિબદ્ધતા સાથે પોતાની રચનાઓ વધુ અસરકારક બની રહે તે માટે પોતે પ્રયત્નશીલ છે તેમ જણાવ્યું હતું. જાણીતા લેખક – સંપાદક પરીક્ષિત જોશીએ ડૉ.મોહન પરમારને સન્માનપત્ર આપીને સન્માનિત કર્યા હતા.
ગુજરાતી ફિલ્મોમાં “તમે કેવા” નામની ઉત્કૃષ્ઠ સફળ ફિલ્મ આપી નવો ચીલો ચીતરનાર દિગ્દર્શક,લેખક અને નિર્માતા એવા ડૉ.કિરણ આર. દેવમણીએ પોતાના જીવન અને ફિલ્મી કારકિર્દીના સંઘર્ષ અને સફળતા વિષે મુક્તમને રજુઆત કરી હતી. સામાજિક વિષયો રજૂ કરવા માટે ફિલ્મો કઈ રીતે અસરકારક માધ્યમ સાબિત થઇ શકે છે તે તેમણે વિસ્તારપૂર્વક સમજાવ્યું હતું. સમાજના યુવાનોને ફિલ્મ અને મીડિયા ક્ષેત્રમાં પ્રવેશવા તેમણે પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું હતું . સ્વપ્નિલ મહેતા દ્વારા ડૉ.કિરણ આર.દેવમણીને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા.
આમ, સાહિત્ય અને કલા ક્ષેત્રની પ્રતિભાઓને એક મંચ પર લાવી સન્માનિત કરવાની નવી પહેલ શરૂઆત સાહિત્ય સંઘ દ્વારા આજે આ કાર્યક્રમ દ્વારા કરવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન “અંધશ્રદ્ધાનું એન્કાઉન્ટર” પુસ્તકના લેખક જીતેન્દ્ર વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અંતે શરૂઆત સાહિત્ય સંઘના કાર્યકારી પ્રમુખ ડૉ.સ્વપ્નિલ મહેતાએ આભારવિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું. શરૂઆત સાહિત્ય સંઘની આ નવીન પહેલમાં બહોળી સંખ્યામાં કલા અને સાહિત્યપ્રેમી લોકોએ હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો એવું જીતેન્દ્ર વાઘેલાએ એમની અખબારી યાદીમાં જણાવ્યુ છે.
ઉદ્દેશ્ય : શરૂઆત સાહિત્ય સંઘ
શરૂઆત પબ્લિકેશન, શરૂઆત બુકસ્ટોર, શરૂઆત મેગેઝીન દલિત, આદિવાસી, ઓબીસી અને માઈનોરિટીના પ્રશ્નોને વાચા આપતી પ્રવૃત્તિઓ છે. જેમાં આજે એકનો વધારો કરીએ છીએ.
સામાજિક ન્યાય માટેનું સાહિત્ય – કળાનું નિર્માણ, સંરક્ષણ અને સંવર્ધન કરવું.
કેવળ સાહિત્ય જ નહિ.. સાહિત્ય પૈકીની તમામ લલિતકળાઓના દરેક ક્ષેત્રને આવરી લઈને, જ્યાં સર્જનાત્મકતા માટે વિશેષ અવકાશ હોય તેવા તમામ ક્ષેત્રોમાં, તેનો ઉપયોગ સામાજિક ન્યાય માટે કરવો છે. જેમાં, પુસ્તકો, મેગેઝીન, વર્તમાન પત્રો, મેગેઝીન, ઓડિયો-વિડીઓ માધ્યમો, ટીવી, ફિલ્મ, સિરિયલ, વેબ સિરીઝ, બધા જ ડિજિટલ પ્લેટફોર્મ, નાટક, ભવાઈ, પબ્લિકેશન, બુકસ્ટોર માલિક, ડિજિટલ મીડિયા, ઈલેક્ટ્રોનિક મીડિયા, વિગેરે એમ સાહિત્ય સહિતની તમામ લલિત કળાના માધ્યમોનો સમાવેશ કરીએ છીએ. આ માધ્યમોનો ઉપયોગ “સામાજિક ન્યાય” માટે કરવાનો રહેશે. સામાજિક ન્યાય માટે ઉપયોગી કૃતિઓ, રચનાઓ, કળાઓ નિર્માણ કરવું, સંરક્ષણ આપવું અને સંવર્ધન કરવાનું રહેશે.
શરૂઆત,
“સામાજિક ન્યાય” માટે જરૂરી સાહિત્યની સાથે તમામ લલિત કળાના પ્લેટફોર્મ, જેની આજસુધી શરૂઆતના થઇ હોય, અથવા સંવર્ધનના થતું હોય, તે તમામની શરૂઆત કરવાનું પ્લેટફોર્મ બનશે. દલિત, આદિવાસી, ઓબીસી, માઈનોરિટીના સાહિત્ય અને કળાનું જતન કરે, એક જ જગ્યાએ બધી કૃતિઓ મળે, તેમની કોઈ એક લાઈબ્રેરી કે જાણકારી માટેની જગ્યા બને, તેવું પ્લેટફોર્મ એટલે શરૂઆત.
સંઘ,
શબ્દ ગૌતમ બુદ્ધના “ભીખ્ખુ સંઘ”માંથી લેવામાં આવ્યો છે. જેમ બૌદ્ધ ભીખ્ખુઓ સાથે રહીને અભ્યાસ કરતા, ભિક્ષાટન કરતા, સાથે જમતા અને વિહારમાં સાથે રહેતા તે જ રીતે “શરૂઆત સાહિત્ય સંઘ”ના સભ્યો એકબીજા સાથે રહી, એકબીજાને પ્રોત્સાહન આપી, એકબીજાને સાહિત્ય અને કળા શીખવાડી, મદદ કરી, માર્ગદર્શન કરી, આ સંગઠન ચલાવવાનું રહેશે.
દલિત, આદિવાસી, ઓબીસી, માઈનોરિટી સમાજના બુદ્ધિજીવીઓમાં સંઘ ભાવનાનું નિર્માણ કરવાની જવાબદારી આ સંગઠનની રહેશે.
“શરૂઆત સાહિત્ય સંઘ”માં સવર્ણ હિંદુઓનું સ્થાન ક્યાં?
આ સંગઠન “સામાજિક ન્યાય”ની લડતમાં ઉપયોગી સાહિત્ય અને કળાના નિર્માણ, સંરક્ષણ અને સંવર્ધન માટે હોઈ, કોઈપણ સવર્ણ હિંદુ કે અન્ય કોઈ જાતિ, ધર્મનો વ્યક્તિ હોય પણ “સામાજિક ન્યાય”ની લડાઈમાં ઉપયોગી હોય, તો તે આ સંઘનો સભ્ય બની શકશે. સંઘની ચૂંટણી લડી શકશે અને પ્રમુખ સુધીના ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન થઈ જશે.
ગુજરાતમાં “સાહિત્ય અને કળા” ક્ષેત્રે આ નવતર પ્રયોગ છે. આ સંગઠનમાં સામાજિક કાર્યકરો અને સાહિત્ય સાથે નિસ્બત ધરાવનાર લોકો એમ બે નહિ પણ બંને ગુણો ધરાવનાર વ્યક્તિઓને સમાવવામાં આવશે. સામાજિક કાર્યકરમાં સામાજિક નિસ્બત હોવી જરૂરી છે અને એ સામાજિક નિસ્બત સાહિત્ય અને કળા સાથે સંકળાયેલી હોવી જોઈએ. એ જ રીતે સાહિત્યકાર કે કલાકારમાં સામાજિક નિસ્બત હોવી જરૂરી છે, સામાજિક નિસ્બત વગરનો સાહિત્યકાર આ સંગઠનમાં ઉપયોગી થઈ શકશે નહીં, એટલે તેમને સભ્ય બનાવી શકાય નહીં.
ટૂંકમાં,
“શરૂઆત સાહિત્ય સંઘ” એટલે
વંચિત, પીડિત, શોષિત સમાજની સામાજિક ન્યાયની લડતમાં ઉપયોગી સાહિત્ય અને કળાનું નિર્માણ, સંરક્ષણ અને સંવર્ધન કરતું, સંઘભાવનાવાળું સંગઠન.
શરૂઆત સાહિત્ય સંઘ