મિત્રો શુભ સવાર.
હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. તાજેતરમાં શરૂ થયેલી વર્લ્ડ કપ ની ગઈકાલની મેચમાં ટીમ ઇન્ડિયા એ પૂરા ભારત વર્ષને વિજયી થઈને દિવાળી ભેટ આપી. ખેલાડીઓનું પર્ફોર્મન્સ ઓલ અવર ઠીક ઠીક રહ્યું, પરંતુ છેલ્લી ઘડીએ પણ દાવ જીતી શકાય છે!
AD…
એવું જો કોઈ પુરવાર કરી શકે તો એ પૂરાં વિશ્વમાં ફક્ત ભારત જ છે એવું પણ કંઈક પરિણામ નીકળે! ખેર છોડો. દીવાળી આવશે આવશે નાં નારા વાગતાં હતાં, ત્યાં દીવાળી આવી પણ ગઈ! આજે આસો વદ અમાસ એટલે કે દીવાળી છે.
વહેલી સવારે દીવા મૂકતી હતી ત્યારે હું વિચારતી હતી, કે આ દીવા જેવું જ જીવન જીવવા માટે માનવીનો જન્મ થયો હોય છે, કે જે પોતે સળગી કે તપીને પણ અન્યનું જીવન અજવાળે એને જ માનવી કહેવાય! અને આ સાત્વિક અજવાળાનું મૂલ્ય ખરેખર ખૂબ જ ઊંચું છે, એ તો જે અનુભવે એ જ કહી શકે. આજના દેશકાળ પ્રમાણે તપ એટલે સાંસારિક સંબંધો નો તાપ સહન કરવો! બીજું દિવાળીમાં વહેલી સવારે દીવા મૂક્યા પછી તડાફડી કરવી એ મને સૌથી પ્રિય, જાણે લોકોને જગાડવા જ જન્મ થયો હોય, એમ કેટલા વર્ષોથી આ રીતે સવારમાં આ ક્રિયા થાય,અને હવે તો ચિંતનની ક્ષણે દ્વારા સ્વ થી સર્વ નાં અંતર મન ને જગાડવાની ક્રિયા લગભગ અઢી વર્ષથી રોજ થાય છે, જેના આપ સૌ સાક્ષી છો. સવારની નીરવ શાંતિમાં મંગળા આરતી નો શુભ ધ્વનિ વાતાવરણ ને પણ પ્રફુલ્લિત બનાવે છે.
મંદિરમાં આરતી પછી ધૂન વાગતી હતી, રઘુપતિ રાઘવ રાજારામ, બસ આમ જ આપણે ધીરે ધીરે રામરાજ્ય તરફ ગતિ કરીએ, અને એક દિવસ બધા જ બુદ્ધ પુરુષનું રામરાજ્ય નું સ્વપ્ન સાકાર થઈ જાય તો પૃથ્વી ખરેખર સ્વર્ગ કરતાં પણ અમૂલ્ય બને. દીવાળી માં આપણે ત્યાં મીઠું મોઢું કરાવવાની પણ એક પ્રણાલી છે, અને પ્રેમ સિવાય કંઈ એટલે કંઈ જ મીઠું ને આનંદિત કરનારું નથી હોતું, આ એક સૂત્ર પકડી ને આવનારા નવાં વર્ષમાં સૌ જીવવાનો સંકલ્પ કરે તો આ કાર્ય ઝડપથી સંપન્ન થાય.
દિવાળી આવી ગઈ, અને અગિયારસથી ચૌદસ સુધીના તહેવાર સમાપ્ત પણ થઈ ગયાં. આ વખતે લોકોમાં તહેવાર ને લઈને ખૂબ જ ઉલ્લાસ જોવા મળે છે, અને બજાર પણ પ્રમાણમાં સારી એવી ગરમ રહી. મોટા થી શરૂ કરીને નાનામાં નાના માણસો સુધી બધાએ કંઈક દિવાળી નિમિત્તે ખરીદી કરી. હા શ્રીમંત લોકો એ સોના ચાંદી અને હિરા માણેકની ખરીદી કરી હોય તો નાનો માણસ બીજું કંઈ ખરીદી કરે, ગાડી અને સ્કૂટર પણ ખૂબ જ વહેંચાયા એ બતાવે છે, કે લોકો આર્થિક રીતે ધીરે ધીરે ફરી પાછા યથાવત સ્થિતિમાં આવતાં જાય છે.
કોરોના ને કારણે બે વર્ષ દેશમાં સંપૂર્ણપણે બેકારી અને મંદીનો માહોલ રહ્યો, અને આ ઉપરાંત રોગને કારણે પણ થોડી હતાશા તેમ જ ડર વ્યાપેલાં હતાં,પણ હવે લોકો તેને થોડે ઘણે અંશે નજરઅંદાજ કરતા શીખી ગયા છે. એકંદરે કદાચ આપણી ભૂલ પણ સાબિત થાય, પરંતુ આખરે અમુક વસ્તુ સ્વીકારીને ચાલવું જ પડે એમ કોરોના પણ હવે આપણા જીવનનો એક હિસ્સો છે, અને ગમે ત્યારે થાય તો એનાથી ડર્યા વગર એને ફેસ કરતાં શીખવું, એ આપણી પહેલી ફરજ છે, અને બીજું સરકાર ક્યાં સુધી આપણને પ્રોડક્ટ કરશે? આપણે પોતે આપની જાતને અમુક જગ્યાએ આવ જા કરવામાં સાવધાન રાખી વ્યવહારો કરવાના છે, કારણકે વળી પાછા ચોથી લહેરના સમાચાર સતત સંભળાય છે.
દીવાળી એટલે તન મન અને ધનને ચમકાવતું પ્રકાશ પર્વ! એ રીતે જોઈએ તો દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ” તરીકે જાણીતો છે, આખા વર્ષ દરમિયાન આ એક જ અમાસ એવી છે જે અમાસ હોવા છતાં પણ અજવાળી છે. કારણ કે એ દિવસે બધાના ઘર આંગણામાં દિવા રૂપે સત્ય પ્રકાશ રેલાઈ રહ્યો છે, અને તેનો આધ્યાત્મિક અર્થ થાય છે, “મનના પ્રકાશની જાગૃતિ” નો તહેવાર.સ્થૂળ શરીર તન મનની પેલે પાર પણ કશુંક છે, જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે, અને તેને આત્મા કહેવાય છે, તેવી એક વિચારધારા મૂળ હિન્દુ તત્વજ્ઞાનનું,કે પછી હિન્દુ સનાતન ધારાનું કેન્દ્ર છે. આપણે જેવી રીતે આપણા સ્થૂળ જન્મને ઉજવીએ છીએ, તેવી રીતે દિપાવલી આંતરિક પ્રકાશનો તહેવાર છે, કે જેને જાણવાથી અંધકાર પણ પ્રકાશમય બને છે,તમામ મુશ્કેલીઓ દૂર થાય છે, અને અજ્ઞાન વિખેરાઈ જાય છે, વ્યક્તિનું પોતાનું સાચુ સ્વરૂપ જાગૃત થાય છે, ત્યારે શરીર તરીકે નહિ, પરંતુ અપરિવર્તનીય, અનંત, વિશ્વવ્યાપી અને ગુણાતીત વાસ્તવિકતા સમજાય છે. આત્માની અનુભૂતિ થતાની સાથે જ, સમગ્ર સૃષ્ટિ માટે સત્ય પ્રેમ કરુણા, અને તમામ વસ્તુઓના વૈરાગ્યની અને સત્વ તત્વ ના એકાકારથી જાગૃતિ ના પ્રકારથી ઉચ્ચ જ્ઞાન આવે છે. આનાથી આનંદ, આંતરિક ઉલ્લાસ અથવા શાંતિ આવે છે. દિવાળી ફટાકડા, પ્રકાશ, ફૂલો, મિઠાઈઓ તથા ભક્તિ દ્વારા ઉજવવામાં આવે છે. પ્રદેશે-પ્રદેશે દિવાળીની કથા અલગ છે, છતાં પણ તમામનો સાર એકસરખો છે કે, આંતરિક પ્રકાશનો આનંદ લેવો,તેમજ આત્મા અથવા તમામ વસ્તુઓનું પાયામાં આ જ સત્ય છે.
બીજું કારણ એ છે કે રામનું અયોધ્યામાં આગમન વનવાસ અને યુદ્ધમાં રાવણના મૃત્યુ પછી 14 વર્ષે અયોધ્યાના રાજા રામ પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા, તેની ખુશીમાં પણ દિવાળી ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અંધકારભર્યા માર્ગમાં પ્રકાશ પાથરવા માટે અયોધ્યાના લોકોએ ઘીના દીવા કર્યા હતા. દક્ષિણ ભારતમાંથી રામે પોતાના ઉત્તર ભારતમાં તેમના રાજ્ય તરફ મુસાફરી કરી હોવાથી તેઓ પહેલા દક્ષિણમાંથી પસાર થયાં હતા.આ કારણથી દક્ષિણ ભારતમાં આ તહેવાર એક દિવસ વહેલો ઉજવાય છે.
આમ તો દિવાળીનો તહેવાર સૌના જીવનમાં ખુશાલી વ્યાપે એના માટે ઉજવવામાં આવે છે, અને રાવણ જેવા અહંકાર અને અસત્યનો પૃથ્વી પરથી નાશ થયો છે, હવે કેવળ અને કેવળ રામ તત્વ સમગ્ર ધરા પર વ્યાપ્ત છે એવા અહોભાવથી આ તહેવાર મનાવવામાં આવે છે, એટલે આપણા અંતર માનસમાં અહમ રૂપે કે અસત્ય રૂપે જોરાવર બિરાજમાન હોય તો આ દિવાળીએ ને સમાપ્ત કરી અને માનસ ચોખ્ખું ચણાક કરવાનું છે.
આમ તો હિન્દુ સંસ્કૃતિ માં રામ રાવણ અને રામાયણ વિશે સૌ કોઈ જાણે જ છે, રામ એટલે સત્ય અને રાવણ એટલે અસત્ય, રાજા રામની પત્ની સીતા માતાનું હરણ કરીને રાવણ લંકામાં લઈ જાય છે અને સીતા માતાને પાછા મેળવવા માટે રામ અને રાવણ નું યુદ્ધ થાય છે તેમાં રામ નો વિજય થયો એટલે કે અસત્ય પર સત્યનો વિજય થયો, ત્રેતાયુગમાં પરિસ્થિતિ શું હશે તે ખબર નથી. પરંતુ હાલ તો દરેક જીવમાં રાવણ અને રામ બંને છે માટે આપણે આ દિવાળીના પરબ પર સંકલ્પ કરીએ કે રામ તત્વ પર રાવણ તત્વ પર ક્યારે હાવી ન થાય, એટલે કે અસત્યથી સત્ય દબાઈ જાય નહીં, કે પછી અંધારું અજવાળા પર આવી જાય નહિ. સૌના જીવન સત્યાદિત પ્રકાશમય રહે, અને આ તહેવાર જેવી ખુશાલી કાયમ રહે, અને સમાજમાંથી બદીનો નાશ થાય.રામ રાજ્યની પરિકલ્પના જે, આપણા બધા જ બુદ્ધ પુરુષો એ જોઈ હતી તે આપણે પરિપૂર્ણ કરી, અને વિશ્વમાં ભારતને પણ પ્રકાશમય બનાવીએ, 2019 થી 2020 અને 2020 થી 2021નો આ સમય ગાળો બહુ જ ભારે ગયો, અને હવે આ કાળી ચૌદસ એ કોરોના નામનો કકળાટ સૌના જીવનમાંથી જાય અને 2022 પછી ના બધા વર્ષો વિશ્વ આખું આ સંકટમાંથી મુક્ત થાય, આવો એક શુદ્ધ સંકલ્પ ઈશ્વર ચરણે રાખીએ, સૌના જીવન આ દીપાવલી દીવડા જેમ ઝગમગ થાય,આવનારું વર્ષ દરેક માટે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ બની રહે,તેમજ માનવી માનવતા ના પરમ ધર્મથી જીવનમાં સાચી શાંતિ અને આનંદ પ્રાપ્ત કરી ઈશ્વરના સચ્ચિદાનંદ સ્વરૂપની ઝાંખી કરે, તેને અનુભવે, અને કાયમ એ માર્ગે ચાલે એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા વર્ષ માં કોઈ નવા ચિંતન મનન અને અન્ય વિશિષ્ટ પ્રયોજન સાથે તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)