અલ્પેશ કથીરિયાએ જનતા સમક્ષ પોતાની વાત જણાવતા કહ્યું કે, આજે પાટીદાર અનામત આંદોલનને 7 વર્ષથી વધુ સમય થઇ ગયો છે. આટલા સમય પછી, અમે અમારી આખી ટીમ સાથે મળીને નક્કી કર્યું કે, આપણે કોઈ રાજકીય મંચ પર જઈને કંઈક કરી બતાવવું છે.
આજે ગુજરાત અને દેશમાં સમાજ નિર્માણની સાથે રાષ્ટ્ર નિર્માણ માટે જો કોઈ ઉત્તમ પાર્ટી હોય તો તે આમ આદમી પાર્ટી છે. સમાજની લડાઈ, સ્વાભિમાનની લડાઈ, રાષ્ટ્રની લડાઈ, ઇમાનદારીની લડાઈ, સારા શિક્ષણ અને આરોગ્યની લડાઈ, ભય અને ભ્રષ્ટાચારની લડાઈ અને સારી શાસન વ્યવસ્થાની લડાઈ માટે લડવા માટે આપણે બધાએ એક થઈને આગળ આવવું પડશે. દેશમાં ઘણી બધી રાજકીય પાર્ટી છે. કેટલીક એવી પાર્ટીઓ પણ છે જેઓ ખરેખર પરિવર્તનની આશા રાખે છે.
આજે આપણે સૌ આ જ આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં ગુજરાતમાં સકારાત્મક પરિવર્તન આવશે. સૌરાષ્ટ્રમાં કંઈક થાય તો તે સુરત જાય છે અને સુરતમાં કંઈક થાય છે તો સૌરાષ્ટ્ર જાય છે. તો આ જ કારણોસર મેં અને મારી ટીમે નક્કી કર્યું કે
આપણે સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ પરથી રાજનીતિની શરૂઆત કરીશું. સંઘર્ષની લડાઈમાં અત્યાર સુધીમાં અમારી પર બે રાજદ્રોહ સહિત 22 થી વધુ કેસ નોંધાયા છે. 14 મહિનાથી વધુ અમે જેલની યાત્રા કરી છે. અમારા ઘણા બધા સાથીદારો સામે અસંખ્ય કેસ થયા છે. હાલના સમયે પણ સમાજના સાથિઓ, મહિલાઓ અને સમાજનાં બાળકો કોર્ટની તારીખો ભરી રહ્યા છે. ત્યારે અમે પણ ઈચ્છીએ છીએ કે ગુજરાતમાં સારી સરકાર આવે અને પરિવર્તન આવે. પરિવર્તનની આ લહેરમાં અમે ખભેથી ખભા મળાવવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ.
પાલિતાણામાં આયોજિત આ જાહેરસભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીની સાથે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા, પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ઉપસ્થિત રહ્યા હતા.