ગુજરાતના મોરબીમાં ઝૂલતો પુલ પડી જતાં દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં પુલ પર હાજર સંખ્યાબંધ લોકો નદીમાં પડ્યા હતા જેમાં 68 લોકોનાં મૃત્યુ થયાં છે.
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોરબીમાં રાત્રે એક વાગ્યાની આસપાસ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું કે આ દુર્ઘટનામાં 68 લોકોનાં મૃત્યુ થયાં છે.
જોકે આ મામલે મોરબી સિવિલ હૉસ્પિટલ દ્વારા બીબીસી ગુજરાતીના સહયોગી રાજેશ આંબલિયાને આપવામાં આવેલી માહિતી પ્રમાણે હૉસ્પિટલમાં 122 મૃતદેહ આવ્યા છે.
ત્યારે જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ કાર્યાલય અનુસાર 170 લોકોને બચાવવામાં આવ્યા છે.
ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાત્રે એક વાગ્યે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ ઘટનામાં અત્યાર સુધીમાં 68 લોકોનાં મૃત્યુ થયાંની પુષ્ટિ થઈ છે.
તેમણે કહ્યું કે, “ઘટના ઘટી એ બાદ ખૂબ જ ઝડપથી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવાઈ હતી. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મોરબી આવી પહોંચ્યા હતા. તેમણે ઘટનાસ્થળ અને હૉસ્પિટલની મુલાકાત લીધી હતી.”
“પુલની કામગીરી માટે જવાબદાર લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને સરકાર પીડિતોને ન્યાય મળે એ માટે કટિબદ્ધ છે.”
તેમણે જણાવ્યું હતું કે, “આખી રાત હું અહીં હાજર હોઈશ અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ કલેક્ટરકચેરીથી બચાવકામગીરીનું મૉનિટરિંગ કરશે.”
અગાઉ મોરબીના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશ મેરજાએ સમાચાર એજન્સી એએનઆઈને માહિતી આપતા કહ્યું હતું કે “સાંજે 6.40 વાગ્યે પુલ તૂટી પડવાની ઘટના ઘટી હતી. ઈજાગ્રસ્તોને બચાવવાની કામગીરી ઝડપથી શરૂ કરી દેવાઈ હતી.”
“હજી 70થી વધારે લોકો હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.”
મોરબીના સાંસદ મોહન કુંડારિયાએ બીબીસી ગુજરાતી સાથ વાત કરતા કહ્યું હતું કે, “ઈજાગ્રસ્તો માંથી કોઈ ગંભીર નથી. તેમને સામાન્ય ઈજાઓ થયેલી નથી. જે લોકો બહાર હતા તેમને કાઢી લેવાયા છે પરંતુ જે પાણીમાં કેટલા છે એ તંત્ર અને પરિવારો કહે ત્યારે માલૂમ પડે. તપાસ કરે એટલે ખબર પડે કે કેટલા લોકો પુલ પર હતા. પુલ પર ટિંગાતા હતા એમને બચાવી લેવાયા છે. ”
તેમનું કહેવું છે કે, “ચાર જ દિવસ થયા પુલ ચાલુ થયા અને રજાનો દિવસ હતો એટલે વધુ લોકો આવ્યા એવું બની શકે.”
“હજી મૃતદેહો શોધવાની કામગીરી ચાલી રહી છે. સિંચાઈવિભાગની મશીનરી આવી ગઈ છે, જેની મદદથી ચેક ડૅમ તોડવામાં આવશે.”
“પાણી નીકળી જાય પછી ખબર પડશે કે અંદર કેટલા મૃતદેહો ફસાયેલા છે. કેમ કે માટી અને વેલ વધારે છે, એટલે પાણી કાઢ્યા બાદ જ ખબર પડશે.”
“રાજકોટ, જામનગર અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાંથી ટીમ અહીં મોકલવામાં આવી રહી છે.”
બ્રિજેશ મેરજાએ મોરબી કૅબલ બ્રિજ દુર્ઘટના અંગે વાત પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “આ ઘટનામાં ઈજાગ્રસ્તોને ઝડપથી સારવાર મળે તે માટે વડા પ્રધાન અને મુખ્ય મંત્રીએ મારી સાથે વાત કરી અને પોતાની સંવેદના વ્યક્ત કરી છે. ઘટનામાં ઈજાગ્રસ્તોને સારામાં સારી સારવાર સત્વરે મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર કામે લાગી ગયું છે.”
વડોદરા અને અમદાવાદની બચાવ ટુકડી પણ ત્વરિતપણે મોરબી પહોંચશે. એનડીઆરએફને પણ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.
ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોરબીમાં પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, “એસડીઆરએફ અને પોલીસ બંને દુર્ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બ્રિજની મૅનેજમેન્ટ ટીમ સામે આઈપીસીની કલમ 304, 308 અને 114 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.”
ગુજરાત સરકારે આઈએએસ અધિકારીના નેતૃત્વમાં પાંચ સભ્યોની વિશેષ તપાસ ટીમની રચના કરી છે. મ્યુનિસિપાલિટીઝના કમિશ્નર રાજકુમાર બેનીવાલ એસઆઈટીના વડા હશે અને રોડ તથા બિલ્ડિંગ વિભાગના સચિવ સંદીપ વસાવા, આઈજીપોલીસ સભાષ ત્રિવેદી અને સ્ટ્રક્ચરલ અને ક્વૉલિટી કંટ્રોલના નિષ્ણાત બે એન્જિનિયર્સ આ તપાસ ટીમના સભ્ય હશે.