મિત્રો શુભ સવાર.
હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. શિયાળો શરૂ થઈ ગયો છે, પણ જોઈએ એવી ઠંડી હજી વર્તાતી નથી, હા વ્હેલી સવારની ઠંડી વાતાવરણમાં આહલાદકતા પ્રસરાવે છે. આકાશ એકદમ સાફ છે, ક્યાંક ક્યાંક હજી તારા દેખાય છે, એટલું અંધારું છે. પવન પણ ધીરેધીરે ગતિ કરી રહ્યો છે, જાણે કે એને પણ ઠંડી લાગી રહી હોય, તેમ થોડા થોડા પાંદડાઓ હલી, અને પછી શાંત થઈ જાય છે. ગઈકાલે આપણે સત્યથી સાદગી સુધીની સફર જોઈ, અને આપણે ત્યાં સત્યને જે ઈશ્વર કહ્યો છે, તો સ્વાભાવિક પ્રશ્ન થાય કે એ સત્ય કયું? આપણા સંસારીઓ માટે સત્ય ઘણા પ્રકારે પ્રતિપાદિત કરી શકાય છે, પરંતુ પહેલું અને આખરી સત્ય તો એ છે કે, આ વિશ્વમાં કોઈ એવી પરમશક્તિ છે, જેના દ્વારા આ વિશ્વ જીવંત છે, અથવા સંચાલિત છે, અને એની ઈચ્છા દ્વારા જ મારો જન્મ થયો છે. તદુપરાંત સમય, સંજોગ, અને સંબંધનું પણ આપણે ત્યાં એક અનેરુ સત્ય છે, કે જે સંસારીઓને હર ક્ષણ કોઈને કોઈ કર્મમાં જોડે છે. આપણે જોઈએ કે આપણી ઈચ્છા મુજબ દિવસ રાત થતા નથી! આપણી ઈચ્છા મુજબ પવન ફરકતો નથી! પાણી વહેતું નથી! સૂર્ય પ્રકાશતો નથી! આકાશના ગ્રહો ગતિ કરતા નથી! ગમે તેટલું સારું બીજ વાવ્યું હોય પણ વૃક્ષ આપણી ઈચ્છા મુજબ ફળ આપતા નથી! આ બધું જ કોઈ એક ચૈતન્ય શક્તિથી સંચાલિત છે, અને એને વૈજ્ઞાનિક રીતે પણ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. અંતે તો વિજ્ઞાને પણ એ સ્વીકારવું પડે છે કે, કોઈને કોઈ એવી શક્તિ જરૂર છે, જેનાથી આ સમગ્ર વિશ્વ સંચાલિત છે. પ્રકૃતિ દર્શન આપણને સત્યનિષ્ઠ અને નિસ્વાર્થ બનાવવા માટે બહુ મદદ કરે છે, પરંતુ આપણી એ તરફ દ્રષ્ટિ જતી નથી, અથવા તો જાય છે તો એ સત્ય પકડી શકાતું નથી. આપણી બનાવેલી ઘડિયાળ અટકી શકે છે, જ્યારે ઈશ્વરે બનાવેલી સમય નામની ઘડિયાળ ક્યારેય અટકતી નથી એ તેના નિયત સમય મુજબ દરેક કાર્ય કરે છે.આમ તો સમયની ક્ષણેક્ષણ ઈશ્વર રચિત છે, માટે બધું શુભ જ છે, અને જો એ ક્ષણે ક્ષણ ઈશ્વર સમર્પિત હોય તો જ એ શુભ છે, કારણ કે ખગોળ શાસ્ત્ર મુજબ અવકાશમાં ગતિ કરતા ગ્રહોના ગણિતને આધારે પંચાંગની રચના તો થઈ શકે, પણ તે ગ્રહને ચલિત કરવા કે અચલિત કરવા એ મનુષ્યના હાથની વાત થોડી છે! ત્યાં તો આપણે એ સર્વ સમર્થને શરણે માથું ટેકવવું જ પડે. એ રીતે જોઈએ તો દરેક વાર અને દરેક તિથિનો અધિષ્ઠાતા ઈશ્વર હોવા છતાં, પણ મનુષ્યનો જુદાંજુદાં ક્ષેત્રોમાં પોતે પારંગત હોવાનો જે દાવો કરી, અને ખોટો અહમ કરી રહ્યો છે,એ સ્પષ્ટપણે પોકળ સાબિત થાય છે. તિથી ગમે તે હોય, કે વાર ગમે તે હોય, હરિસ્મરણ એ સત્ય નિષ્ઠ અને સર્વ સમર્થ પ્રત્યે સમર્પિત ભાવ વધારતું કળિયુગનુ શ્રેષ્ઠ સાધન છે. તો આજે વિશ્વને શાંતિ માટે એક કરવા, અને ક્ષણે ક્ષણે હરિ સ્મરણના વ્રતનો નિયમ રાખી, હરિસ્મરણ કરવાનો અનેરો મહિમા છે, તો આપણે પણ હરિસ્મરણ વિશે થોડી વાત કરીશું.
સ્થૂળ રીતે જોઈએ તો આપણા જે કોઈ દેવ કે ઈશ્વર પ્રત્યે આપણને રુચિ હોય, તેનું એકચિત્ત થઈ સ્મરણ કરવું, તેને હરિસ્મરણ કહેવામાં આવે છે. દાખલા તરીકે અમારા ઇષ્ટદેવ હાટકેશ્વર છે, તો શંકરના કોઈ પણ મંત્રનું સ્મરણ, સમય અવધિ પ્રમાણે થાય તે હરિ સ્મરણ. સંસારીઓ સમય અવધિ પ્રમાણે જ આ હરિસ્મરણનો નિયમ લઈ શકે છે.હા એ વાત જુદી છે, કે આનો નિરંતર અભ્યાસ કરવાથી કે નિયમ લેવાથી અંદર અજપા જાપ પણ ચાલે છે, પરંતુ એ આપણી કક્ષા નથી,કારણકે ક્ષણે ક્ષણે અહીં સંસારમાં ચિત્ત ભમતું હોય, ત્યાં આટલી એકાગ્રતા ક્યાંથી આવે? પરંતુ જેને આવતી હોય તેને શત શત નમન. ઘણા માળા ના મણકા ફેરવી અને આ રીતે હરિ સ્મરણ કરતા હોય છે, ઘણા આંગળીને ટેરવે કે વેઢા ગણીને આ નિયમ કે હરિ સ્મરણ કરતાં હોય છે. ટૂંકમાં સ્મરણમાં પણ ગણતરીનો મહિમા છે,એટલે કે એક માળાના ૧૦૮ મણકા હોય છે, તો એ રીતે જેટલી માળા કરીએ, તેના ગુણ્યા 108 કરીએ એટલે જેટલી સંખ્યામાં જાપ થાય તેટલું હરિસ્મરણ થયું કહેવાય, અને નિશ્ચિત સંખ્યાનો આંકડો પૂરો થતા એ મંત્રનું અનુષ્ઠાન પૂર્ણ થયું એમ પણ કહેવાય છે. દાખલા તરીકે ચૈત્રી નવરાત્રિમાં લોકો સવાલાખ મંત્રનું અનુષ્ઠાન કરતા હોય છે. તો ત્યારે તે આ સવા લાખ મંત્ર ના નવ દિવસના ભાગમાં વહેંચી ને કરતા હોય છે. તો આ થયો હરિસ્મરણનો સ્થૂળ અર્થ. આપણે ત્યાં લગભગ પોતાની મનોકામના માટે અનુષ્ઠાન થતાં હોય છે, અને એટલે આ અનુષ્ઠાન માં પણ દશાંશ કાઢવાની વાત શસ્ત્રો એ કરી છે, કે જે કંઈ મંત્ર જાપ કર્યા હોય એમાંથી દસ ટકા જાપનુ ફળ લોક કલ્યાણ માટે સમર્પિત કરવું પડે.
સામાન્ય રીતે હરિ સમરણ વધે, ત્યારે લોકો એવું કહેતા પણ સંભળાય છે કે તેનું તો ભજન વધ્યું, એટલે કે નિરંતર એ પરમ તત્વની સ્મૃતિમાં જીવન જિવાય છે. બીજી રીતે જોઈએ તો ભજન એ પણ એક ઈશ્વર ને સાધવાનો પ્રકાર છે. એટલે કે જે કોઈ જીવનું હરિસ્મરણ વધ્યું હોય, અથવા તો સાચી રીતે આ સ્મરણથી ગતી થઈ હોય, તો એ કોઈને કોઈ રીતે એટલે કે, 24 કલાક તો સંસારી જીવ માળા લઈને બેસી ન શકે, તેથી ભજન ગાઈને પણ ઈશ્વર અનુસંધાન કરતો રહે છે. આમાં શરીર અન્ય કોઈ કાર્ય કરતું હોય, પણ અંતરથી મન કે આત્મા તો ઈશ્વર સાથે આ રીતે જોડાયેલું હોય છે. તેથી આ હરિસ્મરણનો સૂક્ષ્મ અર્થ થયો, જેમાં શરીર અને આત્મા બંનેની ક્રિયાઓ જુદી છે.ઘણા જીવની શરીરની આ અવસ્થા એ અને બુદ્ધિની આ કક્ષાએ આપણે ત્યાં ઘણા બધા ભજન ની રચનાઓ પણ થઈ છે. નરસિંહ, મીરાં, તુલસીદાસ, સંત કબીર,સંત રૈદાસ, ભોજા ભગત, ગંગાસતી, બધાના ભજનો આજે પણ આપણે ગાઈને ઈશ્વર અનુસંધાન કરતાં આવ્યાં છીએ.
સ્થૂળ અને સૂક્ષ્મ રીતે હરિસ્મરણ હજી વધુ આગળ ગતિ કરે, ત્યારે તે કારણ શરીર ને પણ પ્રકાશિત કરે છે. અહીં પ્રભાવિત કરવું એ શબ્દ અયોગ્ય લાગ્યો, કારણ હરિસ્મરણ એ પ્રભાવિત કરનાર નહીં, પણ પ્રકાશિત કરનાર છે.સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર બંનેની ક્રિયા એક થાય, ત્યારે જે રીતે હરિ સ્મરણ થતું હોય તે કારણ શરીરનું હરિસ્મરણ છે.દેખીતી રીતે જોઈએ તો આ કોઈ સંસારીની ઉપલબ્ધિ હોઈ શકે નહીં, કારણ સ્ત્રી હોય કે પુરૂષ બંનેને પોતાના કર્તવ્ય કર્મ તો કરવાના જ હોય છે, ત્યાં 24 કલાક સતત આ રીતે આ ક્રિયાને નિભાવવી બહુ મુશ્કેલ છે. પરંતુ ઈશ્વરનું સતત સ્મરણ કે અનુસંધાન કરતો જે જીવ છે, તેની માટે હવે તે આકાર, મૂર્તિ, કે ચિત્ર, એજ ઈશ્વર રહેતો નથી. તેની માટે વિશ્વનો દરેક જીવ ઈશ્વર જ છે, એવી માનસિકતાની ધરા પર આવું થવું શક્ય છે. સિયારામ મય સબ જગ જાની,કે પછી,પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા,કે પછી પાયોજી મેને રામ રતન ધન પાયો,આ લખાયું હશે ત્યારે તેઓનો જીવ આ જ કક્ષામાં ભ્રમણ કરતો હશે. ખરેખર અદ્ભુત અનુભૂતિ કરાવતી શરીરની અવસ્થા, અને બુદ્ધિની કક્ષા નો આ અદભૂત નજારો ત્યાં રહ્યો હશે, વિચારતા પણ આલ્હાદક અનુભૂતિ કરાવી જાય છે. એવા બુદ્ધ પુરુષો ના ચરણોમાં વંદન કરીએ.
શબ્દને પણ આપણે ત્યાં બ્રહ્મ કહ્યો છે, એથી કોઈપણ ઇષ્ટદેવ, કોઈપણ માતાનું સ્વરૂપ, કે પછી આપણી પસંદગીના ઈશ્વરનું અનુસંધાન કરવા માટે, એના નામ મંત્ર કે અન્ય કોઈ મંત્રનો સહારો લઈ, આપણે આ શબ્દ બ્રહ્મની ઉપાસનાથી એની નજીક વધુ ઝડપથી જઈ શકીએ છીએ. સ્મરણ વધતા જીવનમાં આપણે પોતે ઘણા સારા અનુભવ કરી શકીએ છીએ, જેમ કે રાગ દ્વેષ ઘટે છે, મોહમાયા ઓછી થાય છે, ભોગ માટે તડપતી જીજીવીષા ઓછી થાય છે, અને અહમ ઓછો થાય છે, અન્ય ની પીડા સ્પર્શે છે, બીજાની ખુશી જોઈ ખુશ થવાય છે, અન્યનાં દુઃખ દર્દ ઓછાં થાય અને એનું જીવન પણ ખુશહાલ બને એ પણ પ્રાર્થના થાય અને પોતે સતત પ્રયત્નશીલ રહે છે, અને જે વાત વર્ષોના વ્રત તપથી થઈ નહીં, એ માત્ર સ્મરણના વ્રતથી પણ શક્ય બને છે. આજે આપણે પણ આ દિવસથી કંઈક નવીન રીતે ઈશ્વરને સાધવાનો સંકલ્પ કરીએ, કે જેમાં માત્ર આપણું હિત ના જોતા અન્યનું હિત પણ જોઈએ, અને આપણા પરિવાર સિવાય કોઈ અન્યના ભરણપોષણ વિશે વિચારીએ, આપણને જે જે વસ્તુ જોઈએ છે, તે અન્યને પણ જોઈતી હોય, માટે આપણી જરૂરિયાતમાં થોડો કાપ કરીએ,તો એવા નાના મોટા શુદ્ધ સંકલ્પથી આ નવા વર્ષમાં ઈશ્વર તરફ આગળ વધીએ, એવી એક અનોખી ને અનન્ય પ્રાર્થના ઇશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)