ખોડલધામના ચેરમેન નરેશ પટેલનો રાજકારણમાં આવવાનો સંકેત, કહ્યું: સમાજ આદેશ કરશે તો વિચારવું પડશે

0
153

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ચૂંટણી અંગેનાં પોતાનાં વિવાદસ્પદ નિવેદનોથી જાણીતા છે. ત્યારે આજે ફરી તેઓ રાજકારણમાં એન્ટ્રી કરવાના હોય એમ તેઓ સૂચક સંકેત આપતાં મીડિયાને જણાવ્યું હતું કે સમાજ આદેશ કરશે તો વિચારવું પડશે.

સમાજમાંથી એક સૂર નીકળશે તો હું રાજકારણમાં જરૂર આવીશ

આજે પાટીદાર આગેવાનોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની મીટિંગ યોજાવાની છે. આ પૂર્વે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પત્રકારો સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે જો સમાજ મને કહેશે તો હું રાજકારણમાં જરૂર આવીશ. સમાજમાંથી એક સૂર નીકળશે તો મારા માટે ચૂંટણી લડવા સિવાય કોઈ વિકલ્પ નથી. આ સાથે જ આજે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત બાદ પાટીદાર સમાજના તમામ પ્રશ્નોનો ત્વરિત ઉકેલ આવવા અંગેનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે.

બ્રિજેશ મેરજાએ નરેશ પટેલ ‘અમારા નેતા’ હોવાનું કહ્યું હતું

તાજેતરમાં કોંગ્રેસના નવનિયુકત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પદભાર સંભાળ્યો ત્યારે નરેશ પટેલનાં વખાણ કર્યાં હતાં અને તેમને કોંગ્રેસમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું. તો બીજી બાજુ, બ્રિજેશ મેરજાએ નરેશ પટેલ ‘અમારા નેતા’ હોવાનું કહ્યું હતું, જેને લઈ આજે પત્રકારો દ્વારા શું નરેશ પટેલ સક્રિય રાજકારણમાં ઝંપલાવશે એવું પૂછવામાં આવ્યું હતું, જેનો જવાબ આપતાં નરેશ પટેલે કહ્યું હતું કે જો સમાજ મને કહેશે તો હું રાજકારણમાં જરૂર આવીશ. સમાજમાંથી એક સૂર નીકળશે તો મારી પાસે રાજકારણમાં આવી ચૂંટણી લડવા સિવાય કોઇ વિકલ્પ નહીં રહે.

આજે ખોડલધામ ચેરમેન નરેશ પટેલે પ્રથમવાર રાજકારણમાં પ્રવેશના સંકેત આપ્યા

ઉલ્લેખનીય છે કે પાટીદાર સમાજની આસ્થાના કેન્દ્ર ગણાતા ખોડલધામ ખાતે ચૂંટણી સમયે અલગ-અલગ પક્ષોના નેતાઓ આવતા હોય છે, જે અંતર્ગત 2022ની વિધાનસભા ચૂંટણી પૂર્વે પણ ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતાઓ હાલ એક પછી એક ખોડલધામની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે આજે ખોડલધામ ચેરમેન નરેશ પટેલે પ્રથમવાર રાજકારણમાં પ્રવેશના સંકેત આપ્યા છે, જેને લઈને રાજકીય પક્ષોમાં નરેશ પટેલને પોતાની પાર્ટીમાં સામેલ કરવાના પ્રયાસો શરૂ થઈ ચૂક્યા છે. જોકે નરેશ પટેલે પોતાનો ઝુકાવ કઈ પાર્ટી તરફ છે એ મામલે મગનું નામ મરી પાડવાનું હંમેશની માફક ટાળ્યું છે. ત્યારે તેઓ ક્યા પક્ષ સાથે જોડાશે એના પર સૌકોઈની મીટ મંડાયેલી છે.

50 બેઠક પર પાટીદાર પાવર

ગુજરાતમાં પાટીદારોના સૌથી વધુ મતદારો ધરાવતી 50 બેઠક છે, જેમાં ઊંઝા, વીસનગર, બહુચરાજી, ગાંધીનગર ઉત્તર, મહેસાણા, વિજાપુર, હિંમતનગર, માણસા, ઘાટલોડિયા, વેજલપુર, ઠક્કરબાપાનગર, નારણપુરા, નિકોલ, નરોડા, મણિનગર, સાબરમતી, ધ્રાંગધ્રા, મોરબી, ટંકારા, દસક્રોઈ, વિરમગામ, રાજકોટ ઇસ્ટ, રાજકોટ સાઉથ, જસદણ, ગોંડલ, જામજોધપુર, માણાવદર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ, ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, જેતપુર, ધોરાજી, જામનગર ગ્રામ્ય, સયાજીગંજ, બોટાદ, કામરેજ, સુરત ઉત્તર, વરાછા, કરંજ, મજૂરા, કતારગામ, લુણાવાડા, નડિયાદ, ડભોઇ, કરજણ છે.

આ 21 બેઠક પર પણ પાટીદારોનું પ્રભુત્વ
આ સાથે અકોટા, વાઘોડિયા, રાવપુરા, માંજલપુર, તળાજા, રાપર, જામનગર સાઉથ, ભાવનગર ગ્રામ્ય, બોરસદ, આંકલાવ, માતર, મહુધા, કપડવંજ, પાદરા, નાંદોદ, જંબુસર, ભરૂચ, નવસારી, શહેરા, કલોલ, બાપુનગરની બેઠકો પર પણ પાટીદારોનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. ગુજરાતમાં હાલ ભાજપના 44 ધારાસભ્ય, 6 સાંસદ ઉપરાંત ત્રણ સાંસદ હાલ રાજ્યસભામાં પાટીદાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here