વલસાડ કૉંગ્રેસમાં બળવો:આઠ દિવસ પહેલા જ કૉંગ્રેસમાં જોડાયેલા કલ્પેશ પટેલને ધરમપુર બેઠક પર ટિકિટ ન મળતા રાજીનામું
પાર-તાપી રિવરલીંક પ્રોજેક્ટ સામે વિરોધ પ્રદર્શનને લઈ ચર્ચામાં આવેલા યુવા આગેવાન કલ્પેશ પટેલ આઠ દિવસ પહેલા જ કૉંગ્રેસમાં જોડાયા હતા. જો કે, ધરમપુર બેઠક પર ચર્ચા મુજબ કલ્પેશ પટેલને ટિકિટ ન મળતા તેને અને તેના સમર્થકોએ પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે.કલ્પેશ પટેલે ધરમપુર બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત કરતા રાજનીતિ ગરમાઈ છે.
કૉંગ્રેસ ટિકિટની વાત કરી લોલીપોપ આપી- કલ્પેશ પટેલ
આઠ દિવસમાં કૉંગ્રેસમાં જોડાઈને રાજીનામું આપનાર કલ્પેશ પટેલે કહ્યું હતું કે, હું જ્યારે પાર્ટીમા ંજોડાયો ત્યારે ટિકિટની વાત હતી. પરંતુ, પાર્ટીએ ટિકિટના નામે લોલીપોપ આપી છે. જેનો જવાબ યુવાઓ આપશે. હું આવતીકાલે ઉમેદવારી નોંધાવીશ.
આયાતી ઉમેદવાર સામે વિરોધનો સૂર ઉઠ્યો હતો
દક્ષિણ ગુજરાતમાં પાર-તાપી રિવરલિંક પ્રોજેક્ટના વિરોધને લઈ કલ્પેશ પટેલ ચર્ચામાં આવ્યા હતા. કૉંગ્રેસમાં જોડાતા જ તેને ટિકિટ મળશે તેવા સંકેત મળતા જ પૂર્વ સાંસદ કિશન પટેલ સહિતના દાવેદારોએ પાર્ટી સામે મોરચો ખોલ્યો હતો. ખુલ્લેઆમ વિરોધ શરૂ થતા જ ધરમપુર બેઠક પર ઉમેદવારનું કોકડું ગુંચવાયું હતું. કિશન પટેલે શુક્રવારે જ મેન્ડેટ મળવાની અપેક્ષાએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી હતી. ત્યારબાદ ગઈકાલે જ પાર્ટીએ ધરમપુર બેઠક પર કિશન પટેલના નામની સતાવાર જાહેરાત પણ કરી દીધી હતી.
કિશન પટેલને ટિકિટ મળતા કલ્પેશ પટેલ નારાજ
વલસાડ બેઠક પર કિશન પટેલને ટિકિટ મળતા જ કલ્પેશ પટેલના સમર્થકોએ ગતરાત્રિએ બેઠક કરી હતી. કલ્પેશ પટેલે કૉંગ્રેસ સામે રોષ ઠાલવ્યો હતો. આવતીકાલે સોમવારે ઉમેદવારી કરવાની જાહેરાત પણ કરી હતી.