ઓમિક્રોન (Omicron) વેરિઅન્ટને કારણે ફરી એકવાર ભારતમાં કોરોના વાયરસ (COVID-19) મહામારીના નવા જોખમો વધી રહ્યાં છે. આ વેરિઅન્ટ ફેબ્રુઆરી મહિનામાં ત્રીજી લહેર લાવી શકે છે. જોકે આ ત્રીજી લહેર અગાઉની બીજી લહેર કરતા નબળી રહેવાની પણ ધારણા છે. આ દાવો આઇઆઇટી બોમ્બે (IIT Bombay)ની ડેટા સાયન્ટિસ્ટ ટીમે કર્યો છે. તેમના દાવાને આધારે ત્રીજી લહેરમાં દરરોજના એકથી દોઢ લાખ કેસ નોંધાવવાની શક્યતા છે. અભ્યાસ ટીમમાં સામેલ ડેટા સાયન્ટિસ્ટ મનિન્દ્ર અગ્રવાલે કહ્યું કે, આ આંકડાઓમાં વધારો થવા પાછળ ઓમિક્રોન જવાબદાર છે.
નવા વેરિઅન્ટ ઓમિક્રોને નવી આશંકાઓ ઉભી કરી છે. જોકે, અત્યાર સુધી એવું જોવામાં આવ્યું છે કે ઓમિક્રોનની ઘાતકતા ડેલ્ટા વેરિઅન્ટ જેવી નથી. પરંતુ આફ્રિકામાં વધી રહેલા કેસો ચિંતાજનક છે. કેસની સંખ્યા વધુ છે પરંતુ હૉસ્પિટલમાં ભરતી થતા લોકોનો દર ઓછો છે. પણ તેને હળવાશથી ન લઈ શકાય. જોકે, આગામી દિવસોમાં નવા સંક્રમણ અને ત્યાં હૉસ્પિટલમાં દાખલ થયેલા લોકોનો રેશિયો જોતા સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.
સાયન્ટિસ્ટ મનિન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે, આ પહેલા નાઈટ કર્ફ્યુ અને ભીડવાળી જગ્યાએ લોકોને ભેગા થતા અટકાવવાથી સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો હતો. બાદમાં લૉકડાઉન લાગુ કરીને નિયંત્રણ કરવામાં આવ્યું હતું. હવે પણ હળવા સ્તરે લૉકડાઉન લાગુ કરીને કેસ નિયંત્રણમાં લાવી શકાય છે.
ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીએ એક ફોર્મ્યુલા-મોડલ રજૂ કર્યું હતું. તેના પ્રમાણે જો વાયરસનું નવું સ્વરૂપ દેખાય તો ઓક્ટોબરમાં ત્રીજી લહેર આવવાની આશંકા હતી. જોકે, નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં ઓમિક્રોન વેરિઅન્ટ સામે આવ્યું છે. તેથી, વિભાગના મોડલમાં વ્યક્ત કરાયેલી આશંકા સંપૂર્ણપણે દૂર નથી થઈ માત્ર સમય બદલાઈ શકે છે.
દેશમાં ૫૦ ટકાથી વધુ લોકોનું સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું છે અને હજી પણ આ ક્રાર્યક્રમ ચાલુ જ છે.