ગુજરાતમાં નવી સરકારની રચના તરફ હવે ભાજપનું ધ્યાન ગયું છે પરંતુ સરકારમાં બેલેન્સ કરવું એ સૌથી મોટી કવાયત બની રહેશે. જો કે વિધાનસભામાં 182માંથી 156 બેઠકો ભાજપે જીતી છે અને જે રીતે પ્રચંડ વિજય મળ્યો છે તેથી મંત્રી મંડળમાં સમાવેશ ન થાય તો પણ કોઇ દિગ્ગજ અસંતોષ વ્યક્ત કરી શકે તેમ નથી કારણ કે આ વિજય મોદી-શાહની જોડી અને પાટીલની વ્યૂહરચનાના કારણે મળ્યો છે અને તેથી જ જેઓને મંત્રી મંડળમાં સ્થાન મળશે તેઓ માટે એક મોટી રાહત હશે.
ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મુખ્યમંત્રી સહિત વધુમાં વધુ 27 મંત્રીઓને સમાવેશ કરી શકાશે.
તે સમયે કેટલાક ધારાસભ્યોના નામ નિશ્ર્ચિત છે તેમાં હર્ષ સંઘવી, જીતુ વાઘાણી, પુર્ણેશ મોદી, ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્ર્વકર્મા, મનીષા વકીલ અને જીતુ ચૌધરીએ રિપીટ થશે તે મનાય છે. પરંતુ કુંવરજીભાઈ બાવળીયા, જયેશ રાદડીયા, ગણપત વસાવા, પરસોતમ સોલંકી, કુમાર કાનાણી જેવા રુપાણી સરકારમાં રહી ચૂકેલા મંત્રીઓને ફરી સ્થાન મળશે કે કેમ તે પ્રશ્ન છે.
તો રમણલાલ વોરાને અધ્યક્ષપદ આપીને કેબીનેટ રેન્ક આપી દેવાશે. હાર્દિક પટેલને હાલ ચાન્સ લાગે તેવી શક્યતા નથી પરંતુ અલ્પેશ ઠાકોરને ભાજપ સાથે જ રહેવાનો પુરસ્કાર મળી શકે છે. આ ઉપરાંત નવા ચહેરાઓમાં રિવાબા જાડેજા, અમિત ઠાકર, બળવંતસિંહ રાજપૂત, કાંતિલાલ અમૃતિયા, મુળુ બેરા, કૌશિક વેકરીયા, પી.સી. બરંડા, દર્શના દેશમુખ ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી દર્શિતાબેન શાહ સહિતના નામ પણ ચર્ચાય છે.