મરાઠી અભિનેત્રી અને પ્રસિદ્ધ લાવણી સિંગર સુલોચના કદમ ચવાણનું ૯૧ વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમના અવસાનથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. વધતી ઉંમરને કારણે તેમનું નિધન થયું છે. તેમને પદ્મશ્રી, સંગીત નાટક ઍકૅડેમી અવૉર્ડ અને મહારાષ્ટ્ર સરકારનો લતા મંગેશકર અવૉર્ડ પણ આપવામાં આવ્યો હતો. ગઈ કાલે તેમના અંતિમ સંસ્કાર ગિરગાંવમાં કરવામાં આવ્યા હતા.
તેમણે ૬ વર્ષની નાની ઉંમરે કલાક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. તેમણે સ્થાનિક ડ્રામા, થિયેટર અને ગરબા ગ્રુપમાં પર્ફોર્મ કર્યું હતું. એ સિવાય ગુજરાતી, હિન્દી અને ઉર્દૂ નાટકોમાં કામ કરવાની સાથે પંજાબી અને તામિલ ફિલ્મોમાં પણ તેમણે કામ કર્યું હતું. લાવણી ગાઈને તેમને અપાર સફળતા અને પ્રસિદ્ધિ મળી હતી.
તેમના અવસાનથી દુ:ખ વ્યક્ત કરતાં ટ્વિટર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે ‘સુલોચનાતાઈ ચવાણને આવનારી પેઢી મહારાષ્ટ્રની પરંપરાને ખાસ કરીને લાવણીને જાળવી રાખવામાં અગત્યની ભૂમિકા ભજવવા બદલ યાદ રાખશે. તેમને મ્યુઝિક અને થિયેટર પર ખૂબ પ્રેમ હતો. તેમના નિધનથી દુ:ખ થયું છે. તેમની ફૅમિલી અને પ્રશંસકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઓમ શાંતિ.’