CDS જનરલ બિપિન રાવત અને તેમના પત્નીનો પાર્થિવ દેહ ગુરુવાર સાંજ સુધી એક સેના વિમાનથી રાજધાની પહોંચશે. શુક્રવારે બન્નેના પાર્થિવ દેહને તેમના નિવાસ્થાને લાવવામાં આવશે. અને અંતિમદર્શન માટે સવારે 11 થી બપોરના બે વાગ્યા સુધી રાખવામાં આવશે.
ત્યાર પછી કામરાજ માર્ગથી દિલ્હી કેન્ટોનમેન્ટના બરાડ સ્મશાનઘાટ સુધી તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે. ઉત્તરાખંડમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર થશે.
આ અકસ્માતમાં સીડીએસ રાવત સહિત કુલ 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમાં ઘણા લશ્કરી અધિકારીઓ પણ શામેલ છે, જે હેલિકોપ્ટર માં સવાર હતા. ભારતીય વાયુસેના અને અન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, જનરલ રાવત અને તેમની ટીમને લઈ જતા હેલિકોપ્ટર, જેમને 2019માં સીડીએસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, સંભવતઃ ધુમ્મસભર્યા હવામાનની સ્થિતિમાં અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો જેમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિ બચી ગયો હતો અને હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.
જનરલ બિપિન રાવત ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ (ડીએસએસસી) જઈ રહ્યા હતા કે, જ્યાં તે શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધન કરવાના હતા. વાયુસેનાએ જણાવ્યું હતું કે, ડીએસએસસી ડાયરેક્ટિંગ સ્ટાફ ગ્રુપના કેપ્ટન વરુણ સિંહ આ અકસ્માતમાં ઘાયલ થયા હતા અને હાલમાં તેમની સારવાર વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલમાં ચાલી રહી છે.
વાયુસેનાએ જણાવ્યું હતું કે એમઆઈ-17 વીએચ હેલિકોપ્ટર ક્રેશ થયું છે અને અકસ્માતનું કારણ જાણવા કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. હેલિકોપ્ટર કોઈમ્બતુર નજીક સુલુર એરફોર્સ બેઝથી ઉડાન ભરી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, આ હેલિકોપ્ટર સવારે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ ઉડાન ભર્યું હતું અને કુનૂર ફાયર બ્રિગેડ સેન્ટરને સવારે ૧૨.૦૦ વાગ્યે આ ઘટના વિશે માહિતી મળી હતી.