વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મા પૂજ્ય હીરાબાનાં નિધનનાં સમાચાર મળ્યા, તો આવાં ભારતીય સંસ્કૃતિ ને વિશ્વ ઉજાગર કરનારો સપૂત એમણે આપ્યો એ માટે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ, તેમજ એમનાં આત્મા શાંતિ અને સદગતિ માટે ઈશ્વર ચરણે પ્રાર્થના.

0
303

મિત્રો શુભ સવાર.હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. સર્વ પ્રથમ તો વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના મા પૂજ્ય હીરાબાનાં નિધનનાં સમાચાર મળ્યા, તો આવાં ભારતીય સંસ્કૃતિ ને વિશ્વ ઉજાગર કરનારો સપૂત એમણે આપ્યો એ માટે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ, તેમજ એમનાં આત્મા શાંતિ અને સદગતિ માટે ઈશ્વર ચરણે પ્રાર્થના. હવે આગળ વધીએ, ભારતીય તત્વજ્ઞાન મુજબ 24 લાખ પ્રાણીઓની ઈશ્વર દ્વારા રચના થઈ, અને એમાં સર્વ શ્રેષ્ઠ પ્રાણી તરીકે મનુષ્યની ગણના થાય છે. કારણ કે મનુષ્યની અમુક પ્રકારની લાક્ષણિકતા તેને અન્ય પ્રાણીઓ કરતા જુદા પાડે છે, એમાં વાણી બુદ્ધિ એ બે મહત્વના પરિબળ છે. જંગલનો રાજા સિંહ હોય એવું અહીં હોતું નથી, અહીં તેની બુદ્ધિ તેમજ ગુણની વિશિષ્ટતાનું આગવું મહત્ત્વ હોય છે. જોકે 84 લાખ પ્રાણીઓની માનસિકતા વાળા માનવીઓ પણ સમાજમાં વસતા હોય છે, અને કહેવાય છે કે મનુષ્યનું આયુષ્ય ઈશ્વરે 60 વર્ષનું જ આપ્યું હતું. પરંતુ ગાય કુતરા હાથી ઘોડા વગેરે પોતાના આયુષ્ય માંથી પાંચ દસ, પાંચ દસ, એમ કરી વર્ષ આપ્યાં અને મનુષ્યનું આયુષ્ય 100 વર્ષ સુધી પહોંચાડ્યું,આવી પણ એક દંતકથા માનવીય જીવન સાથે જોડાયેલી છે. માનવી પોતાના સમૂહમાં રહે છે ,જેને આપણે સમાજ કહીએ છીએ.Ad…સમાજનું સુચારુ રૂપે સંતુલન જળવાઈ રહે, વ્યવસ્થા જળવાઈ રહે, એ માટે થઈને મનુષ્યએ અમુક પ્રકારના નીતિ નિયમ મુજબ જીવન જીવવું જોઈએ એવું વિચારીને આપણે ત્યાં ધર્મનું અસ્તિત્વ ઉભું થયું. ટૂંકમાં મનુષ્યને મનુષ્યત્વ તરફ સતત પ્રેરે એવો જો કોઈ ધર્મ હોય તો એ હિન્દુ સનાતન ધર્મ છે,અને લોકો એ આ રીતે જીવવું જોઈએ, એવું સ્વયં ભગવાન શંકરે પોતાની પત્ની મા જગત જનની જગદંબા પાર્વતી ને રામકથા ગાઈ ને કહ્યું, એટલે સનાતન ધર્મના ભગવાન શંકર સંસ્થાપક માનવામાં આવે છે. માનવી ને સમાજ જીવન જીવવાની પ્રેરણા મળી રહે, એ માટે જ આપણે ત્યાં આ રીતે અવતાર ચરિત્રની ગાથા ગાવાની પ્રણાલી છે. પૂજ્ય બાપુ પણ અત્યારે લાઠી માં માનસ શંકર પર કથા કરી રહ્યા છે, પણ આ વખતે યોગ નથી. ભારતીય ઋષિમુનિઓએ આ માટે થઈને સનાતન ધર્મ સાથે અમુક વાત ને નીતિ નિયમ કે પરંપરા ના નામે રાખી કે જેથી સમાજ માં વ્યવસ્થા જળવાઈ રહે જેમાં મુખ્ય ચાર સૂત્ર કે, જે ભારતીય સનાતન ધર્મના ચાર આધાર સ્તંભ છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અને અતિથિ દેવો ભવ, આ ચાર સૂત્રનું પાલન કરવામાં આવે તો સમાજમાં વ્યવસ્થા જળવાઈ રહે, કારણ કે અન્ય દેવી દેવતાઓની તો આપણે કલ્પના કરવાની છે. જ્યારે આ ચાર સ્વરૂપે દેવ તરીકે એમને સ્વીકારી અને તેમની પૂજા કરવી તેમને માનસન્માન આપવું અને તેમની જરૂરિયાતોને પૂરી કરવી એ આપણું પ્રથમ કર્તવ્ય છે, તો આજે આપણે માતૃદેવો ભવ વિશે ચિંતનમાં વાત કરીશું.Ad…માતૃ દેવો ભવ એટલે કે અહીં એક સ્ત્રી શક્તિને દેવી માનવી એવી વાત છે. દરેક સ્ત્રી કેટલા બધા સંબંધોમાં વહેંચાયેલી હોય છે, અને છતાં તે દરેક સંબંધને સરખું મહત્વ આપી, એનું જતન પણ કરતી હોય છે. પરંતુ મુખ્ય ત્રણ એટલે કે દીકરી, પત્ની, અને મા, આ તેના મુખ્ય ત્રણ કિરદાર છે. તો સમાજને જરૂર છે, કે સ્ત્રીના આ ત્રણે કિરદારની પૂજા ન કરે તો કંઈ નહી પણ કદર કરે. એટલે કે આજે પણ હજી સમાજમાં સ્ત્રીભૃણ હત્યા થાય છે, દીકરીના જન્મ વખતે સાસરીવાળા મોઢું બગાડતા જોવા મળે છે! શિક્ષણની વાત આવે તો દીકરાને પહેલું પ્રાધાન્ય આપવામાં આવે છે, અને અમુક વર્ષે તેને પરણાવીને પોતાની જવાબદારી પૂર્ણ કરી એવું કહેનારા આજે પણ છે. શિક્ષણ અને સંસ્કાર નો અભાવ! બાકી આપણા તો પાયામાં માતૃદેવો ભવ છે એટલે કે તેનું સન્માન કરવું એ નૈતિક ફરજ બતાવાઈ છે. આજે સમાજમાં શહેરનું કલ્ચર અને દેહાતી એટલે કે ગામડાનું કલ્ચર એ રીતે જોઈએ તો શહેરની દીકરી ઓ શિક્ષણ મેળવીને ક્યાં સુધી પહોંચી છે! જ્યારે અમુક પ્રાંતમાં હજી પણ એનું એ જ! એટલે એમ કહી શકાય કે આઝાદીના આટલા વર્ષે પણ સામાજિક વિકાસનું સ્તર હજી જોઈએ તેટલું નથી. અમુક વર્ણ માં હજી પણ સ્ત્રીને સાધન સમજવામાં આવે છે અને એને દાબીને એટલે કે ગુલામ બનાવીને રાખવી જોઈએ એવું માને છે, અને એની ઈચ્છા નો કોઈ મહત્વ હોતું નથી! આ સ્ત્રીને સાધન સમજવાની પુરુષ પ્રધાન સમાજે છે નાનકડી એવી ભૂલ કરી એનું પરિણામ બહુ ભયંકર આવ્યું,અને એને પરિણામે નારી તું નારાયણી એ સૂત્રને સિદ્ધ કરવા એણે કમર કસી.Ad..માતૃ શક્તિ એટલે કે નારીને દેવીની પદવી આપવામાં આવી ,અને એ મુજબ આપણા ઋષિ-મુનિઓએ સ્ત્રી ના ખભે અમુક પ્રકારની જવાબદારી નાખી, તેને સમાજથી સુરક્ષિત રાખી હતી. એટલે કે સમાજ વ્યવસ્થાના પાયામાં સ્ત્રી અને પુરુષ પરિવાર બનાવે તો, અમુક પ્રકારની સમજણ અને સ્ત્રીના શરીરની મર્યાદાને અનુલક્ષીને કાર્યની વહેંચણી કરવામાં આવી હતી. તેમાં ક્યાંય એવું ન હતું, કે સ્ત્રી આ કામ ન કરી શકે, અને તેનામાં બુદ્ધિનું પ્રમાણ ઓછું છે. આ માત્ર ને માત્ર તેને સુરક્ષિત કરવાની ભાવનાથી,તેમજ તેની શારીરિક શક્તિ ની મર્યાદા ને અનુલક્ષી ને સમાજ ચિંતકો દ્રારા લેવામાં આવેલો નિર્ણય હતો. ઋષિપત્ની ઓ વેદો વિશે ચર્ચાઓ પણ કરી શકતી, અને તેને વિશેના પુસ્તકો પણ લખતી. એટલે બુદ્ધિમાં તે સમાન દરજ્જો ધરાવે છે, તેવું તેણે સાબિત કર્યું હતું, અને આવી સ્ત્રીઓ વિદુષી તરીકે આપણે ત્યાં ઓળખાય છે. વચ્ચેનો એક સમયગાળો એવો આવ્યો કે સ્ત્રીઓને ઘરમાં જ રહેવાનું હોવાથી, તેમને શિક્ષણ એટલે કે અક્ષરજ્ઞાનની જરૂરત રહેતી નથી, અને ક્યાંક ખોટી મર્યાદાને નામે પણ સ્ત્રી શિક્ષણનો વિરોધ થયો. ઘરની બહાર ન નીકળવું એવો કોઈ અર્થ હતો નહીં, પરંતુ ધરાર એ માન્યતાને ઠોકી બેસાડીને સ્ત્રીને અપમાનિત કરવામાં આવી, જ્ઞાતિએ જ્ઞાતિએ અલગ અલગ પ્રકારના રીતરિવાજો બનાવી ને, સ્ત્રીઓ સાથે પરિવાર ને નામે એક આકરી જેલના બંધન જેવો વ્યવહાર કરાયો, અપવાદરૂપે ઘણી જ્ઞાતિઓ અને ઘણા પરિવારોએ આ વાતનો વિરોધ કરી, સ્ત્રી શિક્ષણ શરૂ કર્યું. આઝાદીની લડતમાં પણ ઘણી સ્ત્રીઓ એ ભાગ લઇ સમાજમાં પોતે પણ આ કાર્ય કરી શકે તેમ છે, તેવું સિદ્ધ કર્યું. પરંતુ સ્પ્રીંગ ને જેમ વધુ દબાવો અને જ્યારે છોડવામાં આવે ત્યારે તે એકદમ બળવો કરતી હોય એ રીતે છૂટે છે, એ જ હાલત સ્ત્રી સમાજની થઈ. એટલે કે વધુ પડતા બંધનો એ તેના અસ્તિત્વને મૂંઝવી નાખ્યું, અને તેણે વિદ્રોહ પોકાર્યો. પોતે કોઈ સાધન કે યંત્ર નથી એવું સાબિત કરવા તે ઘરની બહાર નીકળી. શિક્ષણ ક્ષેત્રે તેણે બરાબરની ટક્કર આપી, એટલે કે પુરુષો કરતાં પણ સ્ત્રીઓ ક્યાંક તો વધુ બુદ્ધિશાળી સાબિત થઈ, અને એક પણ ક્ષેત્ર તેણે છોડ્યું નહીં. દરેક જગ્યાએ પોતાની સફળતા સિદ્ધ કરી. અવકાશમાં ઉડતા અંતરિક્ષ યાન માં પણ સ્ત્રીએ સ્થાન મેળવ્યું, આકાશમાં ઉડતા પ્લેનના પાયલોટ બની અને ત્યાં પણ તે પહોંચી, અને સાથોસાથ ઘર-પરિવારની કર્તવ્ય કર્મની જવાબદારી પણ તેણે બખૂબી નિભાવી. રાજકીય નેતા બની સમાજની આગેવાની પણ તેણે કરી, શોષિત અને પીડિત મહિલાને ન્યાય અપાવવા પણ તેણે અવાજ ઉઠાવ્યો. એકંદરે પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીએ પોતાના હક્ક અધિકાર માટે લડત ચાલુ કરી, અથવા તો પુરુષની માનસિકતાને પડકારી એવો ઘાટ થયો. સારું થયું, સાચું થયું, કે ખોટું થયું,કે ખરાબ થયું, એ વિશે ન વિચારીએ, પરંતુ શું કામ થયું? એ વિષે વિચારીએ, તો સ્ત્રી ને અપમાનિત કરી હતી, કે સ્ત્રી તો પુરુષની જૂતી સમાન છે, તેનામાં બુદ્ધિ નથી હોતી, તે અર્થ ઉપાર્જન ન કરી શકે,તે ફક્ત ચૂલા ચોકા જ સંભાળી શકે, બહુ બહુ તો બાળકો ઉછેરી શકે, વગેરે વગેરે જેવા વાક્યો બોલાયા હતા, તેનો તેણે જડબાતોડ જવાબ આપ્યો. નહીં તો તે પરિવાર ના દાયરા માં ખુશ હતી, તેને પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરવાની જરૂર હતી નહીં, પણ ઘણીવાર આપણે મોઢામાં આંગળા નાખી ને બોલાવતા હોઈએ છીએ, એવો ઘાટ થયો, અને તીર કમાન માંથી છૂટી ગયું, હવે તેના પાછા આવવાની કોઈ શક્યતા દેખાતી નથી. એટલે કે ઘરની બહાર તેણે કદમ રાખી દીધા છે, અને પોતાની જાતને તેને સફળ સિદ્ધ પણ કરી દીધી છે. પરંતુ ક્યાંક હવે આ સફળતાનો નશો પણ તેને ગુમરાહ કરી રહ્યો છે, તો ક્યાંક સ્વતંત્રતાને નામે સ્વચ્છંદતા પણ દેખાય છે. પરંતુ આ બધું જ મૂળમાં રહેલી એક સ્ત્રી ને સાધન સમજવાની નાનકડી ભૂલ નું પરિણામ છે.આજે તો હવે એવું થયું છે, કે જેમ જેમ તે તરક્કી કરે છે,તેમ પુરુષ પ્રધાન સમાજમાં પુરુષ નું અહમ ઘવાય છે, અને તેને તેનું સ્થાન દેખાડી દેવું છે,એમ વિચારી એકદમ નીચી કક્ષાના અત્યાચાર થાય છે.એટલે કે બળાત્કાર, સમુહ બળાત્કાર, હત્યા, ઘરેલુ હિંસા, ક્યાંક તો મેલી વિદ્યા ના નામે બલિ પણ ચડે છે, અને આજકાલ નવું કાસ્ટીંગ કાઉચ… આ એક સામાજિક સર્વેક્ષણ છે, એટલે કે આજના સમાજની માનસિકતા દર્શાવાઈ છે. વ્યક્તિ ગત રીતે ઘણા પુરુષો સ્ત્રી ને વધુ સન્માન આપતા પણ થયાં છે. પરંતુ ઘણી જગ્યાએ એવું પણ દેખાય કે મારા પરિવાર ની સ્ત્રી એ જ સ્ત્રી, બીજી તેની માટે સાધન, ત્યાંથી જ તકલીફ શરૂ થાય, સમાજની બધી જ નારી ને જો સરખું માન, સન્માન, ને આદર, આપવામાં આવે તો કંઈક સુધારો થાય.બાકી તો આ રીતે જો સમાજ ચાલશે તો તેના વિકાસનો ગ્રાફ કદાચ ઉંચે જતો દેખાય, પણ એ વાસ્તવિકતાથી ઘણું દૂર છે. સ્ત્રી હોય કે પુરુષ બંને પોતાની સ્વભાવની શરીરની અને સમાજની રીતે માનસિકતાને અથવા મૂળ લાક્ષણિકતા ને અનુસરી, અને આ સમાજ વ્યવસ્થાને મજબુત બનાવવાની છે. તોજ વૈજ્ઞાનિક વિકાસનો લાભ દરેક વર્ગના સ્ત્રી પુરુષઓ લઈ શકે, અને તેનું મહત્વ સચવાયેલું રહેશે.બંને પક્ષે એટલે કે, સ્ત્રી પુરુષ, ખોટા અહંકાર,અજ્ઞાન,કે પછી આગ્રહ ને છોડી ને, બંનેનાં સંબંધના મૂળમાં રહેલા પ્રેમ તત્વ ને ઓળખી, એકબીજા ને આદરને પ્રેમ આપી પરિવાર નું જતન કરે, તો સમાજ વ્યવસ્થા મજબૂત બને. ઈશ્વર સૌને સદબુદ્ધિ આપે, અને પાયામાં રહેલું આ સત્ય સૌને સમયે દેખાય તો સારું!હવે જ્યારે નવભારતનું નિર્માણ થઈ રહ્યું છે, અને યુગ પરિવર્તનનો આ દોર ચાલી રહ્યો છે ત્યારે આપણે આપણી મૂળ અસ્મિતાને યાદ કરી અને માતૃદેવો ભવ મુજબ દીકરી પત્ની, એ રીતે એને માન સન્માન અને પ્રેમ આપી તેને તૃપ્ત કરીએ જેથી કરીને એનાં હ્રદયની પૂર્ણ પાવન કરનારી મમતા રુપી લાગણીથી આખો પરિવાર, અને એ રીતે આખો સમાજ પ્રસન્ન રહે, એવી એક અનન્ય પ્રાર્થના રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું ફરી મળીશું નવા ચિંતન મનન સાથે તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.

લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here