કોંગ્રેસનું મિશન-2022માં 125 બેઠકોનું લક્ષ્ય
વિધાનસભા ચૂંટણી માટેના રોડ-મેપ કર્યો તૈયાર
હારેલી બેઠક પર વહેલા નામ જાહેર કરાશે
2022 પહેલા જ ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે. અને તેમાં પણ નવા પ્રદેશ પ્રમુખ મળતા જ જાણે હાંસિયામાં ધકેલાયેલી કોંગ્રેસમાં નવા પ્રાણ પુરાયા છે.
જગદીશ ઠાકોરે પ્રદેશ અધ્યક્ષનો હોદ્દો સંભાળતાની સાથે જ મિશન-2022માં 125 બેઠકો જીતવાનું લક્ષ્ય બનાવી લીધું છે. અને સતત એક પછી એક બેઠકો યોજી સતત પ્લાનિંગ પણ બનાવી રહ્યા છે. ત્યારે કેવી છે 2022માં સત્તા માટે સપના જોતી કોંગ્રેસની તૈયારીઓ.
બેઠકોનો ધમધમાટ
છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ ગુજરાતની ગાદીથી દૂર છે. પરંતુ નવા પ્રદેશ પ્રમુખ મળતાની સાથે જ કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે.એવું લાગી રહ્યું છે જાણે કોંગ્રેસમાં જૂથવાદ જ ખતમ થઈ ગયો. સામાજિક સમિકરણો પ્રમાણે, પ્રદેશ પ્રમુખ બનતાની સાથે જ જગદીશ ઠાકોર બેઠકનો ધમધમાટ ચલાવી રહ્યા છે. અને શરૂઆતી બેઠકોમાં જ કોંગ્રેસે 2022માં વિધાનસભા ચૂંટણી માટેના રોડ-મેપ તૈયાર કર્યા છે.. સાથે જ 125 બેઠકો જીતવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. કોંગ્રેસના સિનિયર નેતાઓની બેઠકમાં નક્કી થયું કે, હવે નેતાઓએ પોતાનું હિત જોવાના બદલે પક્ષના હિત વિશે વિચારે અને એકજુથ બની આગળ વધશે
એક બુથ પાંચ યુથ” ની ફોર્મ્યુલા
મહત્વનું છે કે, કોંગ્રેસ હંમેશા બુથ લેવલે નબળું પુરવાર થતું હોય છે ત્યારે “એક બુથ પાંચ યુથ” ની ફોર્મ્યુલા અપનાવી બુથ મજબુત કરવા માટેના આયોજન કરશે. મોટા શહેરમાં એક પ્રમુખના બદલે 2 પ્રમુખોની ફોર્મ્યુલા અપનાવવાનું આયોજન કરાયું છે. જ્યારે સંગઠનમાં એવા લોકોનો જ સમાવેશ કરશે જે ખરા અર્થમાં કામ કરતા હોય. આ સિવાય પણ નેતાના પ્રિય થઈને ફરતા લોકોને સ્થાન આપવાના બાદલે જમીની સ્તર પર મતદાતાઓને પ્રિય હોય તેવા લોકોને જવાબદારી સોંપશે.. તો હાર વાળી બેઠકો પર ઉમેદવારની પસંદગી કરીને વહેલી તકે તેમના નામ જાહેર કરાશે. આ પ્રકારની અનેક પણનીતિઓ અને પ્લાનિંગ કોંગ્રેસે ઘડી રાખ્યા છે. જે 2022માં ચૂંટણીના મેદાનમાં જોવા મળશે.
2022 સુધીના કાર્યક્રમોનું કોંગ્રેસે કેલેન્ડર
મહત્વનું છે કે, અમદવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોની અંદાજીત 20 થી 25 બેઠકો એવી છે કે, જ્યાં કોંગ્રેસને સતત હારનો સામનો કરવો પડ્યો છે.. આવી બેઠકો પર પહેલા જ ઉમેદવારના નામ જાહેર કરી બેઠક જીતવા કોંગ્રેસ પ્રયત્ન કરશે. તો આ સાથે સંગઠનમાં મોટા ફેરફાર કરવાની તૈયારીઓ કરવામાં આવી. 2017થી લઈને અત્યાર સુધીની ચૂંટણીઓમાં થયેલી હારની સમિક્ષા સાથે જ 2022માં જીતના પ્લાનિંગ માટે કોંગ્રેસે કેમ્પેઈન તૈયાર કર્યું છે. આ માટે ડિસેમ્બર 2022 સુધીના કાર્યક્રમોનું કોંગ્રેસે કેલેન્ડર પણ તૈયાર કરી લીધું છે. જોકે આગામી દિવસોમાં કોંગ્રેસ લોકોના મુદ્દાઓ સાથે મેદાનમાં આવશે અને ત્યાં સુધી વિરોધ કરવાનું પ્લાનિંગ છે જ્યાં સુધી પ્રજાના પ્રશ્નોનું સમાધાન ન આવે..ખાસ વાત તો એ છે કે, 2022માં વર્ષોનો વનવાસ પુરો કરવા માટે કોંગ્રેસ પાર્ટીમાં જે કોઈ યોગ્ય રીતે કામ નહીં કરતું હોય તેમને બહારનો રસ્તો બતાવશે.. હાલ તો કોંગ્રેસ સત્તાના સપના જોઈ આગળ વધી રહી છે. પરંતુ તેમના માટે સત્તાની ખુરશી સુધી પહોંચવા માટે અનેક પડકારો પણ છે.