સંસ્કૃતિ સંરક્ષણ માટે પણ આખાં પરિવારે સાથે મળીને અમુક ત્યાગ કરવા જોઈએ, જેમકે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો! અને મોંઘા મોંઘા વિદેશી પ્રસાધનો થી દૂર રહેવું, નાનામાં નાના માણસની રોજીની કદર કરતાં શીખવું, એમની પાસેથી વસ્તુઓ ખરીદવી, અને તેમની આમદની વધારવી. આ બધું જ ભણેલા ગણેલા અને સાધન સંપન્ન લોકોએ કરવું પડશે,

0
247

મિત્રો- શુભ સવાર.

હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. કેલેન્ડર બદલી નાખો આપણું નવું વર્ષ શરૂ થતું નથી! તો કોઈ કોઈ નવા વર્ષની શુભેચ્છા પાઠવી, અને આ રીતે પેલી જાન્યુઆરી પૂર્ણ થઈ. કોઈને લગભગ પોતાની જન્મતીથી કે લગ્ન તિથિ યાદ નહીં હોય એટલી હદે આ કેલેન્ડર આપણા માનસમાં વણાઈ ગયું છે, એટલે ધરખમ ફેરફારો કરવા હોય તો માત્ર મેસેજથી કામ નહીં ચાલે! સૌપ્રથમ તો ડબલ સ્ટાન્ડર્ડ માનસને બદલવું પડશે, એટલે કે કહેવા ખાતર આપણે ખૂબ બધું કહી લેતા હોઈએ છીએ, કલાક કલાકના લેક્ચર પણ આપી દેતા હોઈએ છીએ, પણ કરવાની વાત પર કંઈ થતું નથી!

આપણે ગઈકાલે 2023 ના પ્રારંભે લેવા જોઈએ તેવા સંકલ્પોની વાત કરતા હતા, અને આકૃતિ અને સંસ્કૃતિ સંવારવા માટે શું શું કરવું જોઈએ, એને વિશે વાત કરી! વ્યક્તિગત રીતે શરીરની આકૃતિ એટલે કે સ્વાસ્થય જળવાઈ રહે એ માટેના નાના નાના સંકલ્પોની વાત થઈ તો, એ જ રીતે શું શું ન કરવું જેનાથી આપણું માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થ રહે!

AD…

અને એમાં પણ ખાસ કરીને સ્પર્ધા, ઈર્ષા, રાગ, દ્વેષ, અપેક્ષા, ઉપેક્ષા, આગ્રહ, લોભ, લાલચ, અને અહંકાર આ બધા જ વિકાર માનસથી દૂર રહીએ, એટલું જાગૃત તો રહેવું જ પડશે, ત્યારે શરીર અને મન બંને સ્વસ્થ રહેશે! કારણ કે ફળને એકવાર નાનકડો એવો સડો લાગે પછી જ તે, ધીરે ધીરે કરતા આખું ફળ ખરાબ થઈ જાય છે, એમ માનસમાં આ વિકાર લાગતા એની તરફ દુર્લક્ષ સેવવામાં આવે તો જીવન આખું બરબાદ થઈ જાય છે. સંસ્કૃતિ સંરક્ષણ માટે પણ આખાં પરિવારે સાથે મળીને અમુક ત્યાગ કરવા જોઈએ, જેમકે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો! અને મોંઘા મોંઘા વિદેશી પ્રસાધનો થી દૂર રહેવું, નાનામાં નાના માણસની રોજીની કદર કરતાં શીખવું, એમની પાસેથી વસ્તુઓ ખરીદવી, અને તેમની આમદની વધારવી. આ બધું જ ભણેલા ગણેલા અને સાધન સંપન્ન લોકોએ કરવું પડશે, ત્યારે સંસ્કૃતિનું રક્ષણ થશે. વાર તહેવાર આપણે જેમ ઉજવીએ છીએ એમ એમનાં પરિવાર પણ ઉજવી શકે એવું કંઈક કરવું પડશે. આ ઉપરાંત નાના માણસોની પ્રાથમિક જરૂરિયાતો આપણે પૂરી નહીં કરીએ, તો એ લોકોનું અન્ય સંસ્કૃતિ અને અન્ય ધર્મ તરફ આકર્ષાવા નાં પૂરાં પૂરાં ચાન્સ છે,અને અત્યાર સુધી એમ જ થયું છે,

સ્વ કેન્દ્રિત આપણી માનસિકતા આપણાં સ્વજનોની મોંઘી મોંઘી જરૂરિયાતો પૂરી કરવામાં રહી ગઈ, અને એ લોકો તરફ ધ્યાન ગયું જ નહીં! ચૂંટણી વખતે ક્યારેક કોઈએ મોરચા કાઢ્યાં, પણ હકીકતમાં એમની સંવેદના સાથે આપણે જોડાઈ શક્યા નથી, અને એને કારણે ભારત ભરમાં અસમાનતાનો ગ્રાફ વધી રહ્યો છે.

તો પૂજ્ય બાપુ કહે છે તેમ હવે તટસ્થતાથી આગળ સત્ય સ્થ થઈને આપણે જ નક્કી કરવું પડશે, કે આપણે શું કરવું! અને શું ન કરવું! જેનાથી આપણી આકૃતિ અને સંસ્કૃતિ બંનેનું સંરક્ષણ થાય. તો આજે આપણે પ્રકૃતિ સંવર્ધન વિશે ચિંતનમાં વાત કરીશું.

આમ તો આકૃતિ સંસ્કૃતિ પ્રકૃતિ બધા જ નારીવાચક શબ્દો છે, અને આ ત્રણેય પર અવળી સવળી અસર કરતું તત્વ પણ નારી જ છે! એટલે કે જે ઘરમાં નારી સુલક્ષણા હોય ત્યાં, સૌના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ સ્વસ્થ હોય, સંસ્કૃતિનું જતન પણ થતું હોય, અને પ્રકૃતિ સંવર્ધન વિશે પણ એ પરિવારના લોકો ધ્યાન આપતા હોય! પણ આપણે છીએ કે નારી અને નારી વાચક શબ્દ પ્રેરિત બધા જ તત્વોનો વિનાશ ઇચ્છતા હોઈએ, તેમ એકેનું સન્માન જાળવી શક્યા નહીં, સરેઆમ એની ઈજ્જત ઉછાળી ! દુર્યોધન એ તો એકવાર દ્રૌપદી નું ચીરહરણ કર્યું! પણ આજે તો આ રીતે જોઈએ તો આપણીજ સંસ્કૃતિનું આપણે જ નિકંદન કાઢવા બેઠાં હોઈએ એવો ઘાટ થયો છે, અને પરિણામે અત્યારની પેઢી પોતાના જ ધર્મ અને સંસ્કૃતિ પર પ્રશ્નાર્થ કરે છે! એટલી હદે પરિસ્થિતિ વણસી ગઈ છે. આકૃતિ અને સંસ્કૃતિ તો છોડો, પણ હવે પ્રકૃતિ તરફ ધ્યાન નહીં દઈએ તો જેમ અન્ય જાતિ પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ, તેમ ધીરે ધીરે આ પૃથ્વી પરથી માનવીની જાતિ પણ લુપ્ત થઈ જશે! વિજ્ઞાન વિકાસના નામે આપણે પ્રકૃતિ સાથે સતત ચેડા કરતાં જ આવ્યા છીએ, અને તેના સંવર્ધનની ફરજ ચૂકી ગયા છીએ.

આપણે સૌ જાણીએ છીએ કે આપણી પ્રાથમિક જરૂરિયાત માં ઓક્સિજન આવે છે, છતાં આપણામાંથી કેટલા વનસ્પતિના સંવર્ધન વિશે વિચારે છે? વિચારો તો ઠીક છે, આપણે હજારો મીલની યાત્રા વિચારોથી કરી લેતાં હોઈએ છીએ, પણ એક ઝાડમાં પાણી પાવાનું કેટલાથી થાય છે? ખરેખર આવા નાના નાના સવાલો દરેકે પોતાની જાતને કરવા પડશે! ઓક્સિજનની મારામારી આપણે બે વર્ષ પહેલા જોઈ છે, અને વારંવાર આવી કુદરતી આફત આવવાનું કારણ પણ પ્રકૃતિ તરફનો આપણો વ્યવહાર જ છે! ક્યારેક દુષ્કાળ તો ક્યારેક અતિવૃષ્ટિ, તો ક્યારેક સુનામી, તો ક્યારેક વાવાઝોડા, ક્યારેક ભયંકર તોફાન, અને એટલું ઓછું હોય તેમ ગ્લોબલ વોર્મિંગને કારણે ઋતુ પ્રભાવની તીવ્રતા વધવી,તો ક્યારેક સાવ ઘટવી! હવાનું દબાણ ઓચિંતાનું ઘટી જતા આકાશ માર્ગે ઉડતા પ્લેન ક્રેશ થવા, ધુમ્મસ આવી જતાં રેલ્વે કે બસના એકસીડન્ટ થવા, આખે આખી બસ ખાઈમાં પડી જવી, અને એ સિવાય કેટલાય નાના મોટા એકસીડન્ટોમાં અત્યાર સુધીમાં લાખો લોકો માર્યા ગયા! છતાં એ તો એનું કર્મ એમ જાણી આપણે પ્રકૃતિને બચાવવાનું કામ કરી શક્યા નથી, એટલે હવે કોરોના આવ્યો! કે જે હવે જવાનું નામ જ લેતો નથી! આ બધું ધીમો પ્રલય છે! ચેતી જજો!

પ્રકૃતિમાંથી આપણને પીવાના પાણીનો સ્ત્રોત પ્રાપ્ત થાય છે, વરસાદ આવે ત્યારે નદીનાળામાં એ પાણી એકઠું થાય છે અને આખું વર્ષ આપણે તે પાણીનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ કેમિકલ વેસ્ટેજ નદી નાળામાં છોડવામાં આવતો હોય ને, પાણી હવે પ્રદૂષિત થતું જાય છે. આ ઉપરાંત વરસાદ પણ કોઈ વાર ઓછો, તો કોઈ વાર વધુ એ રીતે આવતો હોવાથી, પાણી બચાવવું પણ એટલું જ જરૂરી છે. પાણી એ આપણી રોજીંદી જરૂરિયાત તો છે જ, પરંતુ માનવીનું શરીર 77% જેટલું જળથી બનેલું હોવાથી એ રીતે અંદર પણ તેનું સંતુલન જળવાઈ રહે, એ એટલું જ જરૂરી છે. બાહ્ય પ્રકૃતિ અને આંતરિક પ્રકૃતિ એ રીતે પણ હવે સંવર્ધન થવું જરૂરી છે. વરસાદ નિયત માત્રામાં આવે એ માટે થઈને વાતાવરણમાં છોડાતા ઝેરી ગેસ વિશે પણ વિચારવું પડશે! દિવસે ને દિવસે વાહન વ્યવહાર રુપે વપરાતા વાહનોનો ધુમાડો અને એના કારણે હજારો ટન કાર્બન મોનોક્સાઈડ તેમજ કાર્બન ડાયોક્સાઇડ હવામાં ભળે છે, અને જેને કારણે વરસાદનું પ્રમાણ અનિયમિત રહે છે. પરંતુ જો વનસ્પતિનું સંવર્ધન કરી અને વધુને વધુ ઉગાડવામાં આવે, અથવા મોટા મોટા વૃક્ષોનું જતન કરવામાં આવે તો, એની સામે એટલો જ ઓક્સિજન પણ વાતાવરણમાં ભળે, જે આ પ્રક્રિયાને સંતુલનમાં રાખી શકે, અને આપણને વરસાદ રૂપે પાણી મળતું રહે! પરંતુ મળ્યા પછી પણ તેની જાળવણી તરફ આપણે ધ્યાન આપવાનું છે. પાણી હોય, ખોરાક હોય કે અન્ય કોઈ વસ્તુ પદાર્થ જરૂરત પૂરતું વાપરવાની ટેવ હવે દરેકે પાડવી પડશે!

માનવીની એક જરૂરિયાત આહાર છે! આહાર એટલે અનાજ! જે ઉગાડવા માટે ભૂમિનો ટુકડો પણ જોઈએ! આપણે ભૂમિનું સંરક્ષણ કરી શક્યા નથી, ખાતર રુપે કેવું કેવું રસાયણ જમીનમાં નાખી અને તેની ફળદ્રુપતા ઘટાડી નાખી છે. સ્વાદને નામે ઋતુ વગર પાક લેવાની વૈજ્ઞાનિક શોધને કારણે તો પૃથ્વી નામની નારી પર આવાં કેટલાય અત્યાચાર થયા! આમ તો અત્યાચાર શબ્દ પણ નાનો પડે છે! એની ઈચ્છા આપણે કદી પુછી જ નથી! માટે એ બલાત પ્રયત્નો જ છે. રસાયણ મુક્ત ખેતીની હવે શોધ થઈ છે, અને લોકોનો અભિગમ એ તરફનો થયો છે, પણ એ બધું એટલી હદે મોંઘું છે, કે સામાન્ય નાગરિકને તે પરવડે તેમ નથી, અને તેને આ રસાયણ યુક્ત ખોરાક જ લેવા પડે છે, અને એને કારણે જડબાથી શરૂ કરીને આંતરડા સુધીના ભયંકરમાં ભયંકર કેન્સર થાય છે. જંતુનાશક દવાઓનો છંટકાવ તેમજ આજે વાવ્યું અને અઠવાડિયા પછી તો છોડ પર શાકભાજી દેખાય, એવા કેટલાય પ્રકારના રસાયણો બજારમાં ઉપલબ્ધ છે! ઉપરથી અને ગટરના પાણીથી પકવાતા શાકભાજી! એટલે જરુરી હોય ત્યારે જ રસાયણનો ઉપયોગ કરે, એવું કંઈક થવું જોઈએ! અમુક ચોક્કસ સમય પછી જેમ ગાય વસુકી જાય છે,એમ આ પૃથ્વી નામની ગાય પણ હવે એ સ્ટેજ પર આવવાની અણી પર છે! મબલખ પાક લેવાની વૃત્તિ ને કારણે તેની ફળદ્રુપતા ઘટતી જાય છે, આ બધાં ચિંતાના વિષયો છે!

હજી પણ આવું કેટલુંય છે જેમ આપણા અસ્તિત્વને ક્ષણે ક્ષણે વધુને વધુ જોખમમાં મૂકતું જાય છે પણ આપણે એ જોવાનું ઇચ્છતા નથી!: આજનો માનવી જાણે છે કે અહીં લાઈફ સિક્યોર નથી એટલે જેટલી મળી છે એટલી ભોગવી લઈએ બસ આ ભોગવવાની વૃત્તિ જ તેને ભારે પડે છે એ તરફ એક વાર એનું ધ્યાન જાય તો જ આ બધા જોખમો તેને દેખાય અને એની તરફ એ વિચારે!: પરંતુ આપણને એમ થાય કે આપણે શું કંઈ ખેતી કરવાના છીએ કે નદી પર બંધ બાંધવા જવાના છીએ,કે જંગલો બચાવવા જવાનાં છીએ તે બેન આ બધું કહે છે! પણ આપણાથી થતા નાના નાના એવા કેટલાય પ્રયોગો છે, જે કરીને આપણે પ્રકૃતિનું સંવર્ધન કરી શકે તેમ છીએ, તે બધું જ આપણે આવતીકાલના ચિંતનમાં જોઈશું. આજે તો આકૃતિ સંસ્કૃતિ પ્રકૃતિ પૃથ્વી આ બધાં સ્વરૂપે જે નારી તત્વ છે, તેનું સંરક્ષણ અને સંવર્ધન વધું ને વધું આપણે સૌ કરી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.

લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

Ad…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here