પિતા હંમેશા વર્તમાન અને ભવિષ્ય નું વિચારીને સંતાન સાથે ક્યારેક થોડું કડક વલણ દાખવતાં જોવા મળે છે. જે ખભા પર આવતી કાલે એક પરિવારનો બોજો આવવાનો છે, તે મજબૂત હોવો જોઈએ, માટે પિતા એ રીતે સંતાનમાં સંસ્કાર સિંચન કરતા હોય છે.તેના હૃદયમાં પણ સંતાન માટે પૂરેપૂરી લાગણી હોય છે,

0
172

મિત્રો- શુભ સવાર.

હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. સમાજમાં ધાર્મિક અને આ ધાર્મિક એવી માનસિકતા ધરાવતા કેટલાક લોકો વસતા હોય છે, અને આ તેમની માનસિકતાનાં વિરોધાભાસ થી જ સમાજ અશાંત રહે છે. કોઈવાર મને બધી જ ખબર છે, એમ માનનારા લોકો આપણા શાસ્ત્રો તેમજ બુદ્ધ પુરુષો શું કહે છે, એ નજર અંદાજ કરે છે, અને પરિસ્થિતિ અત્યંત ગંભીર થાય ત્યારે આંખ ખુલે છે. જ્યારે કોઈ કંઈ જાણતા જ નથી અને આ બધું તો થયે જ રાખે, એમ સમજી અને જીવે છે. પોતાના શરીરને જ મહત્વ આપી અને ભોગ ઈત્યાદિમાં રચ્યા પચ્યા રહે છે, એને કારણે કાયા કે જ્યાં ઈશ્વરનો નિવાસ હતો, અને મંદિર સમાન રાખવાનું હતું, એ દૂષણનો અડ્ડો બની જાય છે, અને સાવ નીતિ ભ્રષ્ટ જીવન જીવે છે.

AD…

સમયે સમયે દરેક યુગમાં આવું બધું જોવા મળતું જ હતું, પરંતુ કળિયુગ છે કે જ્યાં અધર્મની પરાકાષ્ઠા હશે, એટલે કે સમાજનો મોટાભાગનો હિસ્સો ધર્મ પ્રત્યે બેદરકાર બનશે. આપણા ધર્મમાં ઈશ્વરને નામે અપાયેલી વિવિધતાની છૂટ એ આપણને ભારે પડી એવું પણ કહી શકાય. મૂળતઃ ઈશ્વર એક જ છે પરંતુ માનવી જેમ રોજ એક શાક કે એક વ્યંજન આરોગી શકતો નથી, એક જ પ્રકારના કપડાં પહેરી શકતો નથી, એ માનસિકતા ને આપણા ઋષિમુનિઓએ પકડી અને સનાતન ધર્મમાં પંચદેવને પ્રાથમિકતા આપવામાં આવી, જે પંચમહાભૂત ના અધિષ્ઠાતા દેવ તરીકે તેને સ્વીકારવામાં આવ્યાં, અને વાર તિથિ પ્રમાણે તેની ઉપાસના કરવી એવું બતાવ્યું, અથવા તો પાંચે પાંચનું નિત્ય પૂજન કરવું. પૂજા એટલે આમ તો ઈશ્વરને હૃદયસ્થ કરવાની એક પ્રણાલી છે, પણ એ છૂટ નો આપણે દુરુપયોગ કર્યો, અને આજે રોજીંદા નીતિ નિયમ નાં નામે આપણે કંઈ જ અપનાવ્યું નહીં, એને કારણે સંસ્કૃતિની ધરોહર ખળભળી ગઈ, ધર્મનું માળખું વિખાઈ ગયું. આજની પેઢીને સનાતન ધર્મના મૂળ પાયાના ચાર સૂત્રો વિશે સમજ આપવા આપણે હમણાં એની પર ચિંતન કરી રહ્યા છીએ, માતૃદેવો ભવ વિશે આપણે બે ચિંતન કર્યા, પછી નવા વર્ષના અનુસંધાને ત્રણ ચિંતન થયાં, અને હવે આજે પિતૃદેવો ભવ પર ચિંતન કરીશું.

AD…

પિતૃ દેવો ભવ

પિતા એ બાળકના જીવનનો આધાર ગણવામાં આવ્યા છે. તેના ભરણપોષણની સંપૂર્ણ જવાબદારી પિતા ના ખભા પર હોય છે, હવે તો નાનકડા પરિવારો થઈ ગયા છે. પરંતુ થોડીક પાછળ નજર કરીએ તો, સંયુક્ત કુટુંબો હતા, અને એમાં પણ ઘણા બધા સભ્યો તેમજ સંતાનો એક સાથે રહેતા હતા. પિતાની આંગળી પકડીને કે તેને ખભે બેસીને મોટું થયેલું બાળક, પિતા માંથી ઘણા સંસ્કાર ગ્રહણ કરે છે. પરિવારને કેમ બાંધીને રાખવો તેમજ પરિવાર માટે કર્તવ્ય કર્મને હંમેશાં મહત્વ આપવું એ મૂળ સંસ્કાર સંતાનને પિતા માંથી મળતા હોય છે, માતા થોડી મમતા ને કારણે સંતાન ને લાડ લડાવતી હોય છે, પરંતુ પિતા હંમેશા વર્તમાન અને ભવિષ્ય નું વિચારીને સંતાન સાથે ક્યારેક થોડું કડક વલણ દાખવતાં જોવા મળે છે. જે ખભા પર આવતી કાલે એક પરિવારનો બોજો આવવાનો છે, તે મજબૂત હોવો જોઈએ, માટે પિતા એ રીતે સંતાનમાં સંસ્કાર સિંચન કરતા હોય છે.તેના હૃદયમાં પણ સંતાન માટે પૂરેપૂરી લાગણી હોય છે, પરંતુ તે એટલી દેખાવા દેતા નથી. સંતાનના ભણતર માટે તે પોતાના નીજી શોખને ત્યજી દેતા જરા પણ અચકાતા નથી, પરંતુ આ બધું આજકાલની પેઢીને યાદ રહેતું નથી. આપણે ઘણીવાર એવું પણ સંતાનો ના મોઢે સાંભળતા હોઈએ છે, કે ઉછેર કર્યો એમાં શું નવાઈ કરી, એ તો તમારી ફરજ હતી. કબૂલ છે એની ફરજ હતી, પરંતુ હવે સંતાન ની કોઇ ફરજ નથી આવતી?.દરેક શહેરો માં નવા નવા બનતા વૃદ્ધાશ્રમો શું સૂચવે છે? શું આ જ આપણી સંસ્કૃતિ છે? ઘણીવાર મા-બાપ વિચારતા હોય છે, કે પોતાના ઉછેરમાં એવી તે કઈ ત્રુટિ રહી ગઈ? હજી પણ મોડું થયું નથી, આપણે આપણી ભૂલ સુધારી લઈએ, અને જીવનને એક નવો વળાંક આપી, પિતૃદેવો ભવ નું સૂત્ર સાર્થક કરીએ. પિતાને માન આપવું એ દરેક સંતાન નો ધર્મ છે, પરંતુ પિતાતુલ્ય વ્યક્તિને પણ એટલું જ માન આપીને આપણી સંસ્કૃતિ ને ઉપર લાવવાની છે. બાળક માટે પિતા એ તેનો ખભો છે અને એના પર ચડી તે પોતાની સિદ્ધિ હાંસલ કરે છે. પરંતુ પોતાનું ધ્યેય પ્રાપ્ત કર્યા પછી એ બાળકે પિતાના ખભો બનવાનું હોય છે, એટલે કે એના ખભે હાથ રાખીને પિતા ઘડપણમાં નિશ્ચિત થઈ શકે, એવા દ્રશ્યો હવે ઓછા થતા જાય છે. માતા હોય કે પિતા એના તરફથી સંતાનોને સમય અને સંસ્કારની બદલે સાધનો આપવાનું જ્યારથી શરૂ થયું, ત્યારથી આ સંસ્કૃતિ ખળભળવા લાગી છે, એ હકીકત ને આજના માતા પિતાએ પણ સમજવા જેવી છે. સંતાનને યોગ્ય ઉંમરે, યોગ્ય સંસ્કાર આપવા પણ જરૂરી છે. માત્ર સાધનો આપવાથી આપણી જવાબદારી પૂર્ણ થતી નથી, આપણે સનાતનની સંસ્કૃતિની ધરોહર આગળ જઈ તેને મજબૂત બનાવવાની હોવાથી, સમાજનું દાયિત્વ તેમજ સંસ્કૃતિનું મહત્વ સમજાવવું એ તેની ફરજમાં આવે છે. પિતા પોતાના કર્તવ્ય કર્મને કંઈ રીતે નિભાવે, એ જોઈ બાળકે તેના માંથી એ બધું શીખવાનું હોય છે, અને પોતે પણ પોતાના જીવનમાં આજ બધું કરવાનું હોય છે. સાવ નથી થતું એવું પણ નથી! આજે પણ એવા યુવાનો છે, જે પોતાના માતા પિતાને તો માનસન્માન આપે છે, અન્યને પણ એટલું જ માન આપે છે, પણ સમાજના ગણ્યા ગાંઠ્યા આવા પરિવારોથી સમાજ શાંત રહી શકે નહીં, એની માટે બધા પરિવારોએ આ પ્રકારે જીવન જીવવું જોઈએ, એવો પ્રયત્ન કરવો પડે, અને એ માટે થઈને બાળકનો જન્મ થાય ત્યારથી જ તેને સનાતની મૂલ્યોને સાચવી શકે એવા અમુક શીખ સંસ્કાર આપવા જરૂરી છે.

AD….

માતા સાથે સંતાન લાગણીથી જોડાયેલ હોય છે અને મોટેભાગે નાના માં નાની વાત પણ એ તેને કરતો જોવા મળે છે,એના પછી સંતાનના અસ્તિત્વ માટે બહુ મહત્વનું એવું તત્વ એટલે પિતા! અને જે દરેક બાળક માટે હંમેશા આદર્શ રહેતા. નાનું હોય ત્યારથી તેને પિતા જેવું બનવાના કોડ હોય છે, આજે હવે સમય ઘણો બદલાઈ ગયો છે, અને લગભગ સ્વતંત્ર પરિવારમાં સંતાન એક જ હોય છે, અને એ પણ કમાતા ધમાતા એટલે પરિસ્થિતિ બહુ અઘરી હોતી નથી. પરંતુ થોડા વર્ષો પહેલાંનો કાળ જુદો હતો અને ત્યારે એક પરિવારમાં ઘણા બધા સદસ્યો રહેતા હતાં અને દરેકની ઈચ્છા તેમજ જરૂરિયાતને પૂરી કરવાની જવાબદારી આ પિતાના ખભે આવતી, અને તે કાર્ય એ વહીવટ પૂર્ણ રીતે અદા કરતાં એમનું એ કૌશલ્ય લગભગ દરેક સંતાન ને પ્રભાવિત કરતું એટલે એ તેની માટે આદર્શ બની જતાં, જે બહુ જરૂરી હતું. બસ આ આદર્શ હતા માંથી આદર્શ રહેતા થઈ ગયું, એ બહુ મોટી કસર થઈ, આજે હવે બાળકના આદર્શો બદલાઈ ગયા છે, તેને અન્ય સેલિબ્રિટી જેવા બનવું છે, અને એમ નાનપણથી થોડા વધુ પડતા મહત્વકાંક્ષી થઈ જવું એ પણ થોડું ખોટું સાબિત થાય છે. પોતાના સંતાનો ભવિષ્ય સુધારવા તેને પોતાની પહોંચ બહાર પણ માતા પિતા ભણાવતા હોય છે, અને આ બધું કરવા તેને પોતાનાથી દૂર મોકલે છે, જ્યાં તેની સંગત બદલાઈ જવાથી, પણ ક્યારેક પરિણામ ખોટું આવતું હોય છે, અને નાની ઉંમરથી વ્યસન પણ કરતા થઈ જાય છે. તો ઘણીવાર પિતાએ આટલા રૂપિયા ખર્ચ્યા છે, એવું પ્રેસર તેના માનસ પર આવી જાય છે, અને હું પાસ થઈશ કે નહીં થાવ? એનું ડિપ્રેશન પણ ઘણીવાર પરિસ્થિતિ ને બગાડે છે, અને બીજું ઘરના નું મહત્વ ઓછું આકવું એ પણ ત્યારથી જ શરૂ થાય છે. તે છતાં આપણા ઉત્તમ ચરિત્રો એટલે કે રામકૃષ્ણ કે પછી અન્ય બુદ્ધ પુરુષો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિવેકાનંદ એના જેવું કોઈ આદર્શ સ્વીકારી શકતા હોય તો, હજી પણ આગળ જતા જીવન પતન તરફ નહીં જાય. પરંતુ આદર્શ તરીકે જો કોઈ ખોટી વ્યક્તિ પસંદ થઈ જાય, તો જીવન ચોક્કસપણે પતન ના માર્ગે જાય છે, અને જ્યાંથી પાછા ફરવું એ બહુ કઠિન હોય છે નાનપણથી આ બધું શીખવવાનું હોય છે.

આ ઉપરાંત આ કાળ વ્યસનનો કાળ પણ છે, અને ઘણા બધા ઘરમાં પુરુષોને ઘણી બધા પ્રકારના વ્યસનો હોય છે, તો પોતાના સંતાન દેખતા ગમે તેવો વ્યવહાર કરવો, અને વ્યસનમાં રચ્યા પચ્યા રહેવું આ બધું જોઈને પણ સંતાનો પિતૃદેવો ભવ એ સૂત્રને કેમ અનુસરી શકે? પોતાની માતા અથવા ઘરના અન્ય પર એમનું સરમુખત્યારશાહી જેવું વર્તન પણ તેમને હંમેશા ખૂંચે છે, અને એક પ્રકારનો ડર આ સંબંધ વચ્ચે આવી જાય છે. એટલે સમય આવતા તે આ બધામાંથી છૂટી જવા માગે છે. ટૂંકમાં કહીએ તો પિતા તરફથી ક્યાંક ચૂપ થઈ અને ક્યાંક પુત્ર તરફથી ચૂક થઈ, એને કારણે આ મહત્વના સૂત્ર પિતૃ દેવો ભવ નું સાચું મૂલ્યાંકન થઈ શક્યું નહીં. પરંતુ જાગ્યા ત્યારથી સવાર એ મુજબ આપણે હજી પણ બંને પક્ષે થોડી થોડી સમજણ કેળવી અને પિતા સંતાન ને સાધન નહીં પણ સંસ્કાર નું મુલ્ય સમજાવે અને પુત્રને પિતાના વારસામાં નહીં પણ વારસદાર બનવા માં રસ હોય એવું ચિત્ર જ સમાજને ઉપર ઉઠાવી શકે. હિન્દુ સનાતન ધર્મના મૂળિયામાં આ રીતે સંસ્કાર સિંચન કરી આ દરરોજની મજબૂત બનાવી શકીએ એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું ફરી મળીશું નવા ચિંતન મનન સાથે તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.

લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here