By: મહેશભાઈ નાયક
જીંદગીમાં જયારે કોઈ સંબંધ કદાચ તોડવો પડે તો તોડી નાંખજો. પણ ખેંચતા નહિ. ખેંચાવા થી એ સંબધ વધુ દુઃખતો થઈ જાય છે. જીંદગીમાં દરેક સંબધો આપણને સુખ નથી આપી શકતા અમુક સંબંધો દુખ આપવા પણ સર્જાયા હોય છે. તો એના ભાગનું દુઃખ ભોગવી લેવું. આપણને ખબર પડે કે આ સંબંધ હવે નહિ નિભાવી શકાય તો છોડી દેવો. હા પણ ઘણા બધા સંબંધોમાં એવું ના લાગવું જોઈએ, હો.
સંબંધો સાથે ઘણું બધું જોડાતું હોય છે. આપણા સુખ, દુઃખ, ઈચ્છાઓ, અપેક્ષાઓ અરે અમુક સંબંધો સાથે તો આપણી જિંદગી પણ જોડાઈ જતી હોય છે. પણ છતાં છોડવા પડે છે. ને મિત્રો હું માનું છું ત્યાં સુધી એ દર્દ સૌથી અઘરું હોય છે. સંબંધ તૂટે ત્યારે માણસ તુટતો હોય છે. અરે જિંદગી ખાલી થઇ જતી હોય એવું લાગ્યા કરે. પણ ખરેખર આવી કોઈ ઘટના બને ત્યારે જિંદગી ખાલી થઇ જતી નથી. અને એટલે જ કહું છું જે સંબંધોને નિભાવી ના શકાય એને તોડી દેવા. રોજ રોજ થોડું તૂટે એના કરતા એક વાર એ બંધન તૂટી જાય એ સારું.તમે જ વિચારજો જેનું કોઈ ભવિષ્ય જ ના હોય એને પકડી રાખવાથી કોઈ જ ફાયદો નહિ.
તમે જ વિચારજો લોકો સંબંધ તૂટવાને કારણે ઘણીવાર ડીપ્રેશનમાં આવી જતા હોય છે. ઘણાને તો મનોવૈજ્ઞાનિક પાસે લઇ જવા પડે છે. કોઇપણ સંબંધને આવા કોમ્પ્લેક્ષ થવા જ શુંકામ થવા દેવા જોઈએ? હકીકત તો એ છે મિત્રો કોઈ પ્રત્યેનો સાચો પ્રેમ આપણને કદી બાંધી રાખતો નથી. જે બાંધી રાખે છે એ મોહ હોય છે. અને મોહ હમેંશા આપણી પાસે ગલત કામ જ કરાવે છે.માટે એને પકડી ના રાખવો. જેને આપણે સાચા દિલથી ચાહીએ છીએ એ સંબંધો જીંદગીમાં ક્યારેય ટેન્શન ઉભું નથી કરતા.એક વાત હંમેશા યાદ રાખવી જે આપણું હોય એ ક્યાંય ના જાય અને જે જતું રહે એ આપણું ના હોય. માટે સંબંધો રબરની જેમ કદી ખેંચવા નહિ. જીવાય તો જીવવા. અને એની પાછળ મરી જવાનું તો કદી ના વિચારવું. અને હા એક સંબંધ તોડવો પડ્યો એટલે તમામ સંબંધો એવા જ નીકળશે એવું કદી ના સમજવું. તૂટેલા સંબંધોની કરચો ક્યારેય જીંદગીમાં અન્ય સંબંધો પર ના પડવી જોઈએ. અને એનો પડછાયો તો કદી અન્ય સંબંધો પર ના પડવો જોઈએ..
જિંદગી જીવતા જીવતા કોઈ સંબંધ તોડવો પડે તો ડરવું નહિ. અનેક નવા સંબંધો આપણી રાહ જોઇને ઉભા જ હોય છે.