લાખ્ખો વિદ્યાર્થીઓના સપના રોળનાર પેપરલીક કાંડનો મુખ્ય આરોપી ઝડયો

0
125

લાખ્ખો વિદ્યાર્થીઓના સપના રોળનાર પેપરલીક કાંડનો મુખ્ય આરોપી ઝડયો

  • નેતા જીગ્નેશ મેવાણીએ વારંવાર થતા પેપર લીક મામલે સરકાર પર આકરા પ્રહારો કર્યા ..
  • આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ સરકારને આડે હાથ લેતા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી .
  • પેપર મોકૂફ રખાતા 9.53 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે, જેઓ 1181 ખાલી જગ્યા માટે પરીક્ષા આપવાના હતા.

રાજ્યમાં વધુ એક વખત જૂનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. આ બાબતે પોલીસે અગાઉ એક યુવકની ધરપકડ કરી છે, જેની પાસેથી પ્રશ્રપત્રની નકલ મળી આવી હતી. પેપર મોકૂફ રખાતા 9.53 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે, જેઓ 1181 ખાલી જગ્યા માટે પરીક્ષા આપવાના હતા. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે હવે પછી બીજી તારીખ જાહેર કરાશે. દરમિયાન ગુજરાત ATSએ આ મામલે 10થી 15ની અટક કરી છે અને રાજ્ય બહારની પ્રિન્ટીંગ પ્રેસમાં છપાયેલું આ પેપર પ્રેસમાંથી જ લીક થયાનું જાણવા મળ્યું છે.પેપરલીક થતા જ વિપક્ષોએ સરકારને ઘેરવાનું શરુ કર્યું.આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ સરકારને આડે હાથ લેતા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી . તો આ સાથે જ યુવા નેતા જીગ્નેશ મેવાણીએ વારંવાર થતા પેપર લીક મામલે સરકાર પર આકરા પ્રહારો કર્યા .. તો યુવરાજ સિંહે તો આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી દીધી.

પેપર લીક કરનાર આરોપીઓ એજ્યુકેશન કન્સલ્ટસી ચલાવે છે
ગુજરાત ATSના ડીસીપી સુનિલ જોશીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, પરીક્ષા અગાઉ ATS, ક્રાઈમ બ્રાન્ચ અને IB વોચમાં જ હતું. કોઈ ગેરીરીત ના થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. અમે સર્વેલન્સ કરી રહ્યા હતા ત્યારે 2 આરોપીઓ શંકાસ્પદ મળ્યા હતા. બાતમી મળી હતી કે પ્રદીપ નાયક કેતન અને ભાસ્કરને બરોડા પેપર આપવાનો છે. પેપર વહેંચવાના હતા તે પહેલાં જ અમે 15 આરોપીઓની ધરપકડ કરી હતી. પ્રદીપ નાયકના ઓળખીતા જીત નાયકે તેને પેપર આપ્યા હતા. જીત હૈદરાબાદની પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતો હતો. પેપર લીકમાં પકડાયેલા તમામ આરોપીઓ એજ્યુકેશન કન્સલ્ટસી ચલાવે છે,કુલ 16 આરોપી પકડ્યા છે. ગત મોડી રાતે 1:30 વાગે ધરપકડ કરવામાં આવી હતી. કેતન અને ભાસ્કર આંતર રાજ્ય ગેંગ ચલાવે છે,અમે બીજા સ્ટેટના ગુના મંગાવ્યા છે. ઓડિશા પણ એક ટીમ એક આરોપીની ધરપકડ કરવા પહોંચી છે. કાલે દિવસે જ બાતમી મળી હતી કે બરોડા મળવાના છે જે આધારે અમે રાતે 1:30 વાગે પકડ્યા હતા.

ગુજરાત ATSએ માસ્ટર માઈન્ડ સહિત 15ની અટકાયત મળતી વિગત અનુસાર પેપર લીકમાં બિહાર- ઓરિસ્સા અને ગુજરાતનું કનેક્શન સામે આવ્યું છે. ગુજરાત બહારની પ્રિન્ટીંગ પ્રેસમાં પેપર છપાયું હતું. હૈદરાબાદની પ્રિન્ટીંગ પ્રેસની અંદરથી પેપર લીક કર્યું હોવાની એન્ટી ટેરસ્ટિ સ્કવોડ (ATS)ને પ્રાથમિક કડી મળી હતી. પેપર લીક મુદ્દે ગુજરાત ATSએ મોડી રાત્રે 2 વાગ્યે ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં મુખ્ય સૂત્રધાર પ્રદીપ નાયક, શેખર નામનો શખસ તથા કેતન બારોટ સહિત 15 શખસની અટકાયત કરી છે. મળતી માહિતી અનુસાર ગુજરાત એટીએસની ટીમે પકડેલા આરોપીઓ અલગ-અલગ રાજ્યના છે. જ્યારે વડોદરાના ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની પણ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ બંને સ્ટેક વાઇઝ ટેકનોલોજીના સંચાલક છે.

તપાસ માટે સરકારે કમિટી રચ્યાના અહેવાલ
પેપર ફૂટયું હોવાનું સામે આવ્યું છે, ત્યારે સરકારે તપાસ કમિટીની રચના કરી હોવાના અહેવાલ છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે 29મી જાન્યુઆરીએ યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થતાં મોકૂફ કરી દીધી છે. ત્યારે સરકારે પેપર લીક મુદ્દે સરકાર દ્વારા એક તપાસ કમિટી રચવામાં આવી હોવાના મીડિયા અહેવાલ છે. આ કમિટીમાં પંચાયત વિભાગ, ગૃહ વિભાગ અને ગુજરાત એટીએસ મળીને તપાસ કરશે.

કેવી રીતે ફૂટ્યું પેપર?
આરોપી જીત કે.એલ પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતો હતો અને જીતે પેપર ચોરી કરીને પ્રદીપ નાયકને 30 હજાર રૂપિયામાં આપ્યું હતું. પ્રદીપ નાયકે પોતાના એક મિત્ર મારફતે બિહારના મોરારી પાસવાન સાથે સંપર્ક કર્યો અને મોરારી પાસવાને પોતાના મિત્ર મિન્ટુ અને અન્ય સાગરીતો દ્વારા બરોડાના ભાસ્કર ચૌધરી સાથે લિંક કરી ત્યારબાદ આરોપી ભાસ્કરે કેતન બારોટ અને પ્રદીપે સંપર્ક કરી પેપર લીક કરવાનું ષડયંત્ર રચ્યું હતું. જો કે, પેપર લીક કરતાં પહેલાં તમામ આરોપીઓ બરોડાની કોચિંગ ક્લાસમાં પેપર સોલ્વ કરવાના હતા. જેનો મોડી રાત્રે બેથી ચાર વાગ્યાનો સમય નક્કી કર્યો હતો અને તેઓ ઉમેદવારોને પેપર સોલ્વ કરાવે તે પહેલાં જ ગુજરાત ATS પકડી લીધા હતાં.

સ્પર્ધાત્મક પરીક્ષા હવે આગામી 100 દિવસમાં યોજાશે
ઉલ્લેખનીય છે કે, મહેનતુ અને સાચા ઉમેદવારોને નુકશાન ન થાય તે હેતુથી ઉમેદવારોના વિશાળ હિતમાં તાત્કાલિક નિર્ણય લઇ સ્પર્ધાત્મક પરીક્ષા “મોકુફ” કરવા મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આ મોકુફ રાખવામા આવેલી સ્પર્ધાત્મક પરીક્ષા હવે આગામી 100 દિવસમાં યોજવામાં આવશે. રાજ્યની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો તેમજ શાળા કોલેજોની પરીક્ષાની તારીખો ધ્યાને લઈને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટુંક સમયમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે.

ગુજરાતમાં ક્યારે કયું પેપર લીક થયું?
2014: GPSC ચીફ ઓફિસરનું પેપર

2015: તલાટીનું પેપર

2016: જિલ્લા પંચાયત દ્વારા લેવાયેલી તલાટીની પરીક્ષા નું પેપર ગાંધીનગર, મોડાસા, સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂટ્યું

2018: TAT-શિક્ષક પેપર

2018: મુખ્ય-સેવિકા પેપર

2018: નાયબ ચિટનિસ પેપર

2018: LRD-લોકરક્ષક દળ

2019: બિનસચિવલય કારકુન

2021: હેડ ક્લાર્ક

2021: DGVCL વિદ્યુત સહાયક

2021: સબ ઓડીટર

2022: વનરક્ષક

2023: જુનિયર ક્લાર્ક

Ad…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here