જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર અને વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વિલ્સન હિલ પર ખગોળ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

0
44

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર અને વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વિલ્સન હિલ પર ખગોળ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
876ના રજિસ્ટ્રેશન સામે 1200 થી વધુ લોકોએ ઉત્સાહભેર આકાશ દર્શનનો લ્હાવો માણ્યો

ધરમપુર સ્થિત જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર અને વલસાડ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ધરમપુરના પંગારબારી નજીક આવેલા વિલ્સન હિલ પર તા. 26 થી 29 જાન્યુઆરી 2023 સુધી ચાર દિવસીય એસ્ટ્રોવોયેજ ખગોળ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો લાભ લેવા માટે 876 લોકોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ તેની સામે 1200થી વધુ લોકોએ આકાશ દર્શનનો લ્હાવો લીઘો હતો. જેમાં 5 વર્ષ થી લઇને 80 વર્ષ સુધીના લોકો ઉત્સાહભેર સામેલ થયા હતા.

વલસાડ જિલ્લાના સૌથી ઊંચા એવા પ્રવાસન ધામ વિલ્સન હિલ ખાતે આકાશ દર્શન કાર્યક્રમને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. લોકોએ 3 આધુનિક ટેલિસ્કોપ વડે ગુરુ, શનિ, શુક્ર, મંગળ અને ચંદ્ર ગ્રહના દર્શન કર્યા હતા. નક્ષત્રો જેવા કે, શર્મિષ્ઠા, મૃગ, બ્રહ્મમંડળ પણ નિહાળ્યા હતા. તારા જૂથની મદદથી મેષ, વૃષભ, મિથુન રાશીને અવકાશમાં શોધવાની રીત પણ લોકોએ જાણી હતી. સાથે સાથે શર્મિષ્ઠા તારાજૂથની મદદથી ધ્રુવ તારાને ઓળખવાની રીત જાણી હતી. વ્યાધ, રોહિણી, આદ્રા, પુરુષ, પ્રકૃતિ, બ્રહ્મ હૃદય જેવા તારાઓને પણ ઓળખ્યા હતા. આ ઉપરાંત ટેલિસ્કોપથી એન્ડ્રોમેડા ગેલેક્સી, મૃગ નીહારીકા કૃતિકા નક્ષત્ર પણ જોવામાં આવ્યું હતું. લોકોના મનમાં તારાઓ અને ગ્રહો વિશે ઘણી બધી ઉત્સુકતા હતી અને ઘણા બધા પ્રશ્નો પણ હતા જે અંગે જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના એજ્યુકેશન ઓફિસર પ્રજ્ઞેશ રાઠોડે નક્ષત્ર આધારિત મહિનાઓના નામકરણ વિશે સમજ પૂરી પાડી કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. ટેલિસ્કોપ વડે અવકાશી પદાર્થો નિહાળવા માટે સુરતથી ઉમરગામ સુધીના લોકો ઉમટી પડ્યા હતા. અદ્યતન ટેક્નોલોજીની મદદથી લોકોએ ગ્રહોને નજીકથી નિહાળવાનો અલગ જ આનંદ માણી રોમાંચિત થયા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે વિલ્સન હિલ પર ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

Ad.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here