વાપી છેલ્લા ૨ દાયકાથી ઔદ્યોગિકની સાથે શિક્ષણ ક્ષેત્રે પણ ક્રાંતિનું સાક્ષી બન્યું છેઃ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

0
321

  • વાપીમાં રૂ. ૪.૫૦ કરોડના ખર્ચે સાકાર થયેલા આર.કે.દેસાઈ ગ્રૃપ ઓફ કોલેજીસના વાણિજ્ય મહાવિદ્યાલય ભવનનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરાયું
  • બે દિવસ પહેલા રજૂ કરાયેલા અમૃત બજેટમાં સૌથી વધુ પ્રાથમિકતા ન્યૂ ઈન્ડિયાના નિર્માણ માટે યુવાનોને અપાઈ હોવાનું જણાવતા મુખ્યમંત્રીશ્રી
  • વડાપ્રધાનશ્રીએ નવી શિક્ષણ નીતિ અમલમાં મુકી સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની કાયાપલટ કરી રિસર્ચ અને ઈનોવેશન ઉપર વિશેષ ભાર મુક્યો
  • મુખ્યમંત્રીશ્રીના ત્વરિત પ્રજાહિતના નિર્ણયોને કારણે નાગરિકોને મળતી સુવિધામાં વધારો થયોઃ નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ


“સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી ગુજરાતને વિકસિત રાજ્ય બનાવવું છે. આદરણીય નરેન્દ્રભાઈની વિઝનરી લીડરશીપમાં વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ હોઈ કે નવી પ્રોત્સાહક નીતિ હોઈ, આખા ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ સાધી શક્યા છે. વાપી છેલ્લા 2 દાયકાથી ઔદ્યોગિક ક્ષેત્રની સાથે સાથે શિક્ષણની ક્રાંતિનું સાક્ષી બન્યું છે.” એમ વાપી કોપરલી રોડ પર સ્થિત રમણલાલ કુંવરજી દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત આર.કે.દેસાઈ ગ્રૂપ ઓફ કોલેજીસ દ્વારા રૂ.4.50 કરોડના ખર્ચે નિર્મિત વાણિજ્ય મહાવિદ્યાલય ભવનના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, સેવાના ભેખધારી રમણભાઈ દેસાઈની જન્મજયંતિએ કોલેજ પરિવારને અભિનંદન આપું છું. અહીં વડાપ્રધાનશ્રીના કાર્યમંત્ર સાથે આદિજાતિ વિદ્યાર્થીઓના ઉત્થાન માટે આ સંસ્થા સંકલ્પકારી છે. બે દિવસ પહેલા જ નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં ભારત સરકારના અમૃતકાળનું પહેલું બજેટ રજૂ કરાયું છે. જેને દેશભરમાં અમૃત બજેટ તરીકે વધાવી લેવાયું છે. જેમાં સૌથી મહત્વની પ્રાથમિકતા યુવા શક્તિને અપાઈ છે. ન્યુ ઇન્ડિયાના નિર્માણ માટે યુવા શક્તિને વધુ શિક્ષિત અને તાલીમબદ્ધ કરવા જોગવાઈ કરાઈ છે. યુવા શક્તિના સહારે વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત બનાવવાની વડાપ્રધાનશ્રીની નેમ છે. નેશનલ એપ્રેન્ટીશિપ પ્રમોશન સ્કીમ હેઠળ દેશના 47 લાખ યુવાનોને સ્ટાઈપેન્ડનો લાભ આપવા જઇ રહ્યા છે. ઓન જોબ તાલીમ પણ અપાશે.

નરેન્દ્રભાઈની વિઝનરી લીડરશીપના કારણે વલસાડ, દાહોદ, બનાસકાંઠા, રાજપીપળા અને ગોધરા સહિત વનબંધુ વિસ્તારોમાં મેડિકલ કોલેજની સ્થાપના કરાઈ હોવાનું જણાવી વધુમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આદિજાતિ સમયુદાયના સંતાનો આજે ભણી ગણીને ડોકટર, એન્જિનિયર અને પાઈલોટ બની રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદીએ યુવાનોને નવ ભારતના નિર્માતા કહ્યા છે. તેમના વિકાસ માટે નવું શું શું કરી શકાય તે માટે નવા પ્રકલ્પો લાવવા અવિરત પ્રયાસ કરી રહ્યા છે. તેમના માર્ગદર્શનમાં ગુજરાત ઈનોવેશન અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે દેશનું અગ્રીમ રાજ્ય બન્યું છે. છેલ્લા ૩ વર્ષથી સ્ટાર્ટઅપમાં ગુજરાત પ્રથમ હરોળમાં છે. ગુજરાતના સ્ટાર્ટઅપનું અનુકરણ અન્ય રાજ્યો પણ કરી રહ્યા છે.

Ad..

યુવા શક્તિના વિકાસ અને સરકારની યોજનાઓ અંગે મુખ્યમંત્રીશ્રીએ વધુ પ્રકાશ પાડતાા જણાવ્યું કે, આદરણીય મોદીજીએ દેશની સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની કાયાપલટ કરવા માટે નવી શિક્ષણ નીતિ અમલમાં મુકી છે. પરંપરાગત શિક્ષણની સાથે સાથે રિસર્ચ અને ઈનોવેશન પર ભાર મુકયો છે. ઇનોવેશન પોલીસી 2.0ના અમલથી ગુજરાતના અનેક યુવાનો ઇનોવેશન અને સ્ટાર્ટઅપ તરફ વળ્યા છે. ગુજરાતમાં 1200થી વધુ પેટર્ન ફાઇલ થઈ છે અને 2200થી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હોય કે અન્ય યોજના હોય રાજ્યના હજારો યુવાનોને આર્થિક સહાય આપી યુવાનોને આગળ લાવવા માટે સરકાર કટિબદ્ધ છે. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી પગલાઓથી ગુજરાતે વિકાસનો જે રાજમાર્ગ રચ્યો છે તેના પર તેજ ગતિએ આગળ વધવા માટે હું અને મારી ટીમ હર હંમેશ કાર્યરત છે. તેમના નેતૃત્વમાં આઝાદીના અમૃતપર્વમાં દેશને નવ સંકલ્પથી ઉર્જાવાન બનાવ્યો છે. ત્યારે આપણે સૌ સાથે મળી વિકસિત ગુજરાતથી શિક્ષિત ભારતની નેમ સાકાર કરી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ગુજરાતમાં જ્ઞાનની જ્યોત સદા પ્રચલિત રાખીએ એવું મુખ્યમંત્રીશ્રીએ આહવાન કર્યું હતું.
રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિક્લસ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના કાર્યકાળમાં દેશભરમાં બેનમૂન વિકાસ થઈ રહ્યો છે. વાપીના નાગરિકોને મળતી સુવિધાઓમાં પણ વધારો થયો છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા પ્રજાહિત માટેના નિર્ણયો ત્વરિત લેવાઈ રહ્યા છે. એમના સકારાત્મક અભિગમના કારણે વાપીનો વિકાસ થઈ રહ્યો છે. રૂ. ૩૦ કરોડના ખર્ચે ગટર બની રહી છે જેથી વાપી પાલિકા વિસ્તારમાં ક્યાંય પણ પાણી ભરાશે નહી. વાપીમાં જ મામલતદાર ઓફિસની બાજુમાં સબ ડિસ્ટ્રક્ટ હોસ્પિટલ બની રહી છે. ધરમપુર, પારડી અને ઉમરગામમાં અન્ડર કેબલિંગનું કામ ચાલી રહ્યું છે. જેથી સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળશે. પારડીના ઉમરસાડીમાં ફ્લોટીંગ જેટ્ટી બની રહી છે. સામાન્ય લોકોના જીવનમાં સુધાર આવે તે માટે મુખ્યમંત્રીશ્રી સદૈવ તત્પર રહે છે. વાપીમાં ૫૦ વર્ષ પહેલા આત્મનિર્ભરતાનો પાયો પદ્મભૂષણથી સન્માનિત યુપીએલના ચેરમેન રજ્જુભાઈ શ્રોફે નાંખ્યો હતો.
આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલમાં બોક્સિંગમાં ગોલ્ડ મેડલ મેળવનાર દાસ મધુમિતા, વર્ષ 2022માં યુનિવર્સિટી કક્ષાએ બી.એડ.માં ગોલ્ડ મેડલ મેળવનાર ભંડારી પલક, વર્ષ 2021માં યુનિવર્સિટી કક્ષાએ બી.એડ.માં ગોલ્ડ મેડલ મેળવનાર રુચિ માયત્રા અને સાહિત્ય ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવનાર આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપીના પ્રોફેસર ડો. જ્યંતિલાલ બી.બારીશને એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પદ્મભૂષણશ્રી અને યુપીએલના ચેરમેનશ્રી રજ્જુભાઈ શ્રોફનું પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન કરાયું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ, સાંસદ ડો.કે.સી.પટેલ, સંસ્થાના પ્રેરણાસ્ત્રોત કાંતાબેન રમણભાઈ દેસાઈ, કમલભાઈ દેસાઈ, ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી, વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલ, ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, રાજ્યના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા, યુપીએલના વાઇસ ચેરમેન સાન્દ્રાબેન શ્રોફ, વાપી પાલિકા પ્રમુખ કાશ્મીરાબેન શાહ, વાપી વીઆઈએના પ્રમુખ કમલેશભાઈ પટેલ, વાપી નોટિફાઇડ એરિયા બોર્ડના ચેરમેન સતિષભાઈ પટેલ, ક્રેડાઈના વાપીના અને મુક્તિધામ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ એલ.એન.ગર્ગ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન આર. કે.દેસાઈ મેમોરીયલ ટ્રસ્ટના ચેરમેન મિલનભાઈ દેસાઈએ કર્યું હતું. સંસ્થાનો પરિચય આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશનના પ્રિન્સિપાલ ડો.પ્રીતિબેન ચૌહાણે આપ્યો હતો. જ્યારે આભારવિધિ વાપી ગ્રીન એન્વાયરો લિ.ના ડાયરેક્ટર યોગેશભાઈ કાબરીયાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વીઆઈએના ખજાનચી હેમાંગભાઈ નાયકે કર્યું હતું.

Ad..

મુખ્યમંત્રીશ્રીએ વલસાાડમાં લગ્નપ્રસંગમાં પણ હાજરી આપી
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વલસાડ જિલ્લાના પ્રવાસ દરમિયાન યુપીએલ કંપનીની લેબોરેટરીની મુલાકાત લીધી હતી. આર.કે.દેસાઈ કોલેજના નવા ભવનના લોકાર્પણ બાદ આજે રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈનો જન્મદિવસ હોવાથી વાપી સ્થિત તેમના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. બાદમાં વલસાડના વશીયર ખાતે શાંતિવનમાં લગ્નપ્રસંગમાં હાજરી આપી ગાંધીનગર જવા રવાના થયા હતા.

મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમની સાથે સાથે…

  • દક્ષિણ ગુજરાતની લોક સંસ્કૃતિને ઉજાગર કરતા આદિવાસીઓના ઘેરૈયા નૃત્ય સાથે ઉર્જાવાન મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માભેર સ્વાગત કરાયું.
  • તા. 3 ફેબ્રુઆરી 2022ના રોજ રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે આ ભવનનું ખાતમૂહૂર્ત કરાયું હતું અને તા.3 ફેબ્રુઆરી 2023ના રોજ કનુભાઈની ઉપસ્થિતમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું.
  • મુખ્યમંત્રીશ્રીએ નવા ભવનના વર્ગોની પણ મુલાકાત લીધી હતી.
  • આર.કે.દેસાઈ કોલેજની તાલીમાર્થીઓ દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરાયું હતું.
  • વર્ષ 2002માં સ્થાપના થયેલી આર.કે.દેસાઈ ગ્રૂપ ઓફ કોલેજીસ કેમ્પસમાં વિવિધ 7 કોલેજો ચાલી રહી છે. જેમાં હાલમાં 2000 વિદ્યાર્થી શિક્ષણ લઈ રહ્યા છે હવે આ નવા ભવનના લોકાર્પણથી વધુ 1500 વિદ્યાર્થીઓને શિક્ષણનો લાભ મળશે.
  • નવા ભવનમાં બી.કોમ, બીબીએ અને એમ.કોમના કુલ 15 વર્ગો ચાલશે.
  • નવા ભવનમાં સુવિધાયુક્ત અદ્યતન કલાસરૂમોની સાથે પ્રિન્સિપાલ ઓફિસ, સ્ટાફરૂમ અને સ્ટ્રોંગરૂમની સુવિધા ઉપલબ્ધ છે

Ad…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here