વલસાડ જિલ્લા સંચારી રોગચાળા નિયંત્રણની બેઠક કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને યોજાઈ

0
222

  • વલસાડ જિલ્લા સંચારી રોગચાળા નિયંત્રણની બેઠક કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને યોજાઈ
  • પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળા અંગે થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી

Ad..

વલસાડ જિલ્લા સંચારી રોગચાળા અટકાયત માટે જિલ્લા સંચારી રોગચાળા અટકાયતની ત્રિમાસિક બેઠક જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને તા. ૪ ફેબ્રુઆરીના રોજ કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. જેમાં પાણીજન્ય રોગચાળો અને વાહકજન્ય રોગચાળા અંગે ચર્ચા તેમજ થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં છેલ્લા ૩ માસ નવેમ્બર ૨૦૨૨ થી જાન્યુઆરી ૨૦૨૩ સુધીમાં જિલ્લામાં ડાયેરીયા (ઝાડા)ના ૧૮૯૦, મરડાના ૩૦૪, તાવના ૨૩૮૬ અને ટાઈફોઈડના ૪૫ કેસ નોંધાયાની ચર્ચા થઈ હતી. આ સિવાય લેપ્ટોસ્પાયરોસિસના વર્ષ ૨૦૧૩માં ૫૯ કેસ અને ૬ મરણ હતા જેની સામે વર્ષ ૨૦૨૨માં માત્ર ૨ કેસ અને ૦ મરણ હોવાથી આરોગ્ય તંત્ર દ્વારા લેપ્ટોને અટકાવવા માટે કરાયેલી કામગીરીની નોંધ લેવાઈ હતી. આ સિવાય રક્તપિતના કેસમાં ધરખમ ઘટાડો થઈ છેલ્લા ૫ વર્ષમાં ૯૯૬થી ઘટીને ૧૮૬ થતા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ જિલ્લા રક્તપિત કચેરીની કામગીરીની નોંધ લઈ અભિનંદન પાઠવ્યા હતા. સિઝનલ ફલુના કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૧૭માં ૩૧ કેસ હતા જેની સામે ૨૦૨૨માં માત્ર ૧૨ કેસ સામે આવ્યા હતા. ચાલુ વર્ષ ૨૦૨૩માં કોરોનાના માત્ર ૨ કેસ હોવાની ચર્ચા થઈ હતી. એક સમયે વર્ષ ૨૦૧૩માં મલેરિયાના ૪૫૪૭ કેસ જિલ્લામાં નોંધાયા હતા જેની સામે વર્ષ ૨૦૨૨માં માત્ર ૮ જ કેસ જોવા મળ્યા હતા. ડેંગ્યુના કેસ વર્ષ ૨૦૧૩માં ૯૮ નોંધાયા હતા જે વર્ષ ૨૦૨૨માં ૨૨ થયા છે. જિલ્લામાં ૪૫૯ ગામમાં પાણીના સ્ત્રોતનું કલોરિનેશન કરવામાં આવ્યું હોવાની માહિતી જિલ્લા આરોગ્ય ખાતાના રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. મનોજ પટેલે આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની, પ્રોબેશનરી આઈએએસ નિશા ચૌધરી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કિરણ પી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વિપુલ ગામીત, આરસીએચઓ ડો.એ.કે.સિંઘ, કવોલિટી એન્સ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો. દિવ્યેશ પટેલ, તાલીમ ટીમના સિનિયર મેડિકલ ઓફિસર ડો. એસ.એસ.હક, જિલ્લા રક્તપિત્ત કચેરીના મેડિકલ ઓફિસર ડો. સંજ્ય કુમાર અને ક્ષયરોગ વિભાગના મેડિકલ ઓફિસર ડો. પરિમલ પટેલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Ad.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here