રાજ્યમાં ડ્રગ્સની માફિયાખોરી ઓછી થવાનું નામ નથી લઈ રહી. રાજ્યના દરિયાકાંઠેથી પાકિસ્તાની માછીમારી બોટમાં 77 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે, આ બોટમાંથી છ ક્રૂ મેમ્બરની ધરપકડ કરવામાં આવી છે. આ જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સની કિંમત આશરે રૂ. 400 કરોડ છે. ગુજરાત એન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
માહિતીના આધારે રાત્રે બે કલાકે કચ્છના જખૌ દરિયાકિનારે ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દરિયામાં ઇન્ટરનેશલ મેરિટાઇમ બાઉન્ટરી લાઇન પરથી ‘અલ હુસૈની’ નામની પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. આ બોટનું સર્ચ ઓપરેશન કરાતાં એમાંથી 400 કરોડ રૂપિયાનું 77 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું.