લાચારીમાં પણ ખુમારી!

0
190

ટોની પોતાના પીજીનાં ડ્રોઈંગ રૂમમાં બેઠો બેઠો કોઈની પ્રતીક્ષા કરી રહ્યો હતો, અને મેરે સપનો કી રાની કબ આયેગી તુ! ચલી આ તું ચલી આ! એ ગીત સાંભળતો હતો. આમ તો પીજીમા તેની સાથે બીજા ચાર બોયઝ રહેતા હતાં, પરંતુ અત્યારે એ એકલો જ હતો,અને કાયમ આ સમયે તે એકલો જ હોય એટલે તેણે તેને બોલાવવા આ સમય પસંદ કર્યો હતો. તેના મનમાં એ આવશે કે નહીં આવે એવું વિચારી ને કેટલીય પ્રકારના ભાવ ઉઠતાં હતાં, અને વળી વિલીન થઈ જતા હતાં. એ મનોમન વિચારતો હતો કે આ તૃષા ક્યારે મીટશે! એક તો નામ તૃષા છે, અને એને જોઈએ ત્યાં જ જનમ જનમથી તરસ્યાં હોઈએ એવો ભાવ થાય! હે ભગવાન એને મેળવવા કેટલી એ પ્રકારના દાવ ખેલ્યાં, હીરો ગીરી બતાવવા માર્યા પણ ખરાં અને માર ખાધો પણ ખરો! પરંતુ એ હાથ આવી જ નહીં, અને અંતે નહોતું ગમતું છતાંય, આ બ્લેકમેલનું નાટક પણ કરવું પડ્યું. ટોની આમ તો એક ખાનદાન ઘરનો દીકરો હતો, અને અહીં હોસ્ટેલમાં રહીને ભણતો હતો. સાથે સાથે પીજી અને હોસ્ટેલની ફી માટે, થોડું ઘણું કંઈક કામ પણ કરતો હતો. હમણાં હમણાંથી તે એક ફોટો સ્ટુડિયોમાં જોબ કરતો હતો, આમ પણ તેને ફોટોગ્રાફી નો શોખ હતો, અને આગળ પર જઈ તેને આ ફિલ્ડમાં જ કેરિયર બનાવવી હતી. શહેરમાં સંગત ખરાબ થતા તેને સીગરેટ ની આદત પડી ગઈ હતી,પણ તૃષા ઉપર ખરાબ ઈમપ્રેશન ન પડે, એટલે તેણે કંટ્રોલ કર્યો હતો.

આ બેચેની લગભગ અડધી કલાક ચાલી અને એણે લગભગ ધારી લીધું કે, હવે તૃષા નહીં આવે! અને આ પ્રયોગ પણ નિષ્ફળ ગયો. ત્યાં જ બે મિનિટ પછી એનાં ફ્લેટની બેલ વાગી,અને તેણે ઘડિયાળ તરફ જોયું કે, ક્યાંક એનાં સાથી મિત્રોતો નથી આવી ગયા ને! ઘડિયાળ સાડા ચાર નો સમય બતાવતી હતી, એટલે કદાચ પ્રિયાંક આવ્યો હશે, અથવા અનિલ પણ હોઈ શકે! કોણ હશે ની દ્વિધામાં એણે બારણું ખોલ્યું તો સામે જ તૃષા ઉભી હતી, જે એકદમ ડરેલી હતી અને થોડીક ધ્રુજતી પણ હતી. ટોની નું હ્રદય તૃષા ને જોઈ ને ધબકારા ચૂકી ગયું,અચાનક તેને ખ્યાલ આવ્યો કે તૃષા હજી બારણાં બહાર જ ઉભી છે! ઉપર કે નીચે જતાં ફ્લેટ વાસીઓ ની નજર પડે એ પહેલા જ તેણે એને અંદર આવવા માટે જગ્યા કરી દીધી. તૃષા અંદર આવી પણ હજી એ ધ્રુજતી હતી,ટોની એ તેને પાણી આપ્યું, અને પુછ્યું, શું વિચાર્યું તે? તારે મને રુપિયા આપવા છે! કે મારી સાથે એક રાત વિતાવવી છે! તોય તૃષા કંઈ બોલી નહીં, ચૂપચાપ ઉભી હતી.થોડીવાર ઉભી રહ્યા પછી એણે સામે પડેલા પાણીના જગ માંથી પાણી પીધું અને પછી એકશ્વાસે બોલી ગઈ,કે એટલાં રુપિયા તો ક્યાંથી હોય! અમે સાવ સામાન્ય માણસો છીએ, અને એણે પોતાની ઓઢણી ખેંચી ને કહ્યું આખરે આની માટે જ તે બધું કર્યું છે ને ! પણ આ શું ટોનીને તૃષાની લાચારી સ્પર્શી ગઈ, તેને એવી તૃષાને ભોગવવી નહોતી. એણે તૃષાની ઓઢણી સરખી કરી કહ્યું, ના તૃષા હું એટલો પણ ખરાબ નથી જેટલો તું સમજે છે. તૃષા હું ખરેખર પ્રેમ કરું છું, બસ એટલે જ આ પાગલપન સવાર થયું,પણ એક બેબસ કે લાચાર તૃષાને ભોગવવા માટે નહીં, તું પણ મને પ્રેમ કર! શું હું દેખાવે ખરાબ છું, હોશિયાર નથી! ખાનદાની નથી! એવી કંઈ ક્વોલિટી છે જે તને મારી તરફ આકર્ષી શકે છે? તૃષા તોય કંઈ બોલી નહીં, બસ એનાં હાથની મુઠ્ઠીમાં કંઈક હતું. ટોની કે જેનું સાચું નામ તિરુપતિ હતું, પણ શહેરમાં બધાં એને ખિજવે એટલે એણે પોતાનું નામ ટોની લખાવ્યું હતું.ટોની એ કહ્યું હાથમાં શું છે, એણે બંને હાથની મુઠ્ઠી વધુ જોરથી દાબી દીધી. ટોની એ કહ્યું પ્લીઝ બતાવને, હું સાચું કહું છું, મને મારા કર્યા પર બેહદ પસ્તાવો થાય છે, અને એ ફોટો અને વિડીયો પણ હું ડિલીટ કરી દઈશ બસ! પ્લીઝ ટેલ મી સમથીંગ! તૃષા એ ડરતાં ડરતાં પોતાનો એક હાથ લાંબો કર્યો,કે જેમાં ઝેરની શીશી હતી, અને બીજો હાથ લાંબો કર્યો,કે જેમાં એક રાખડી હતી. ટોની જોઈ રહ્યો, એણે કહ્યું ઝેર ? તૃષા એ ડરતાં ડરતાં કહ્યું જો હું મારી જાતને બચાવી ન શકી હોત તો આ ઝેરની શીશીનો ઉપયોગ કરત,અને જો આપ સજ્જનતા બતાવો તો આ રાખડી! ટોની એ કહ્યું પણ હું તને પ્રેમ કરું છું! તૃષા એ કહ્યું કે, શું એક ભાઈ પોતાની બેનને પ્રેમ નથી કરતો હોતો! શું દરેક અજાણ્યા સ્ત્રી પુરુષ વચ્ચે આ એક સંબંધ શક્ય છે? મારા માં તમને બેન કેમ દેખાણી નહીં? મને એવાં નિષ્પાપ અને નિર્મળ સંબંધની તલાશ છે,જે જીવનભર મારી રક્ષા કરે. ટોની એ થોડીક વાર વિચાર કર્યો પછી કહ્યું ક્યાંથી લાવે છે આટલી ખુમારી! મરવું મંજૂર છે પણ આબરૂ જાય એ હરગીઝ નહીં! ઝેરની શીશી લઈને આવી છે બોલો! તૃષા એ કહ્યું હું એક નહીં! હિન્દુ સંસ્કૃતિના સંસ્કાર ધરાવતી કોઈ પણ યુવતી કે સ્ત્રી મજબુરી વગર પોતાની ઈજ્જત નો સોદો કરતી નથી. ટોની એ એની મક્કમતા જોઇ, એની આંખોમાં ચમક જોઈ,અને પોતાનો હાથ આગળ કરતાં કહ્યું કે લે બાંધી દે રાખડી આજથી આ ભાઈ તારું હંમેશ રક્ષણ કરશે, અને તૃષા એ ટોની ના હાથ પર રાખડી બાંધી, ટોની પોતાનું પર્સ કાઢતો હતો, એને રોકતા તૃષા એ કહ્યું, કે ભગવાને મને કેવો સુંદર ભાઈ ભેટમાં આપ્યો છે હવે મને વધુ કંઈ જોઈતું નથી, અને તૃષા ને માથે ટોની થી પ્રેમ ભર્યો હાથ મુકાય ગયો. ટોની એ તેને મીઠું મોઢું કરાવ્યું અને જે યુવતી ધ્રુજતી ધ્રુજતી આવી હતી એ ખુમારીથી બહાર નીકળી,અને બોલી આવજે ભાઈ !!

વાત જાણે એમ હતી કે તૃષા અને ટોની બંને એક જ કોલેજમાં અભ્યાસ કરતાં હતાં, અને ટોની તૃષા કરતા આગલા વર્ષ માં અભ્યાસ કરતો હતો. પરંતુ ટોની ને તૃષા બહુ જ પસંદ હતી, અને એણે કેટલીય વખત એને ઈમપ્રેસ કરવાની કોશિશ કરી હતી, એને સુધી પોતાનો મેસેજ પણ પહોંચાડ્યો હતો. વેલેન્ટાઈન ડે પર ગુલાબ આપવાની કોશિશ કરી હતી, પણ તૃષાએ એનો પ્રસ્તાવ કબુલ કર્યો નહોતો, અને કહ્યું હતું કે તે એની ભાવના ની કદર કરે છે, પણ એને આ પ્રસ્તાવ મંજૂર નથી,કારણ કે એને પોતાના પરિવાર માટે ખૂબ કમાણી કરવી છે,અને બહુ દૂર સુધી એને આવાં સંબંધ માં બંધાવું નથી, છતાં ટોની જીદ પર અડેલો હતો, અને એ વારેવારે તૃષાનો રસ્તો કાપતો હતો, અથવા ફૂલ વગેરે લઈ ને ઉભો રહી જતો હતો. એકવાર બસથી તૃષા જઈ રહી હતી, ત્યારે સોસાયટી ગેટ બહાર આવેલા બસ સ્ટેન્ડ પર એણે આવો તમાશો કર્યો અને તૃષા એ એક તમાચો માર્યો, એટલે ટોની નો ઈગો હર્ટ થયો. ત્યારે તો બધાં દેખતાં સોરી કહ્યું, પણ પછી એણે બદલો લેવાનું નક્કી કર્યું. એણે બહુ વિચાર્યું કે કંઈ રીતે બદલો લેવો, અને એને ફોટો એડિટ કરવાનો નિર્ણય કર્યો. તૃષા એને બહુ પસંદ હતી, એટલે એણે એનાં કેટલાંય ફોટો લીધાં હતાં. એણે કોલેજના એક અન્ય લોફર મવાલી જેવા માર્ક પોલના ફોટા સાથે મર્જ અશ્લીલ કરી વિડિયો બનાવ્યો, અને એ વિડિયો થી એણે તૃષા ને બ્લેકમેઇલ કરી,અને કહ્યું કે, એને પચ્ચીસ લાખ રુપિયા અથવા પોતાની સાથે અંગત પળોનો સહવાસ! તૃષા એ વિડિયો જોયો, કોઈ રીતે પોતે નથી એવું સાબિત થાય એમ નથી,અને કાનૂની મદદ પણ લઈ શકે એમ નહોતી! ઉપરથી આખાં સમાજમાં ચર્ચા થાય એ જુદું, કેટકેટલા ને સફાઈ દેતી ફરશે! સ્થિતિ પણ સાવ સામાન્ય, એટલે કોઈ રીતે તે સાચી સાબિત થાય એમ નથી, અને એણે ન છૂટકે ટોનીનાં ઘરે આવવું પડ્યું. જ્યાં એનાં હાથમાં રહેલી ઝેરની શીશી જોઈને, ટોનીને પોતાની ભૂલ સમજાઈ ગઈ,અને એને તૃષાની લાચારીમાં પણ ખુમારી સ્પર્શી ગઈ.

લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here