વાપીથી પા પા પગલી ભરી વિવિધ રાજ્યમાં નેટવર્ક ઉભુ કર્યું, હવે સાત સમુંદર પાર વિદેશોમાં પણ મેક ઈન ઈન્ડિયાનો ડંકો વગાડ્યો

0
392

  • વડાપ્રધાનશ્રીની ન્યૂ સ્ટાર્ટઅપ અને મેક ઈન ઈન્ડિયાની પહેલ વાપીમાં રંગ લાવી
  • વલસાડની મહિલાએ નોકરી છોડી ડિસ્પોઝેબલ ફેબ્રિકનો બિઝનેસ શરૂ કર્યો અને ૫ વર્ષમાં રૂ.૬.૫૭ કરોડનું ટર્ન ઓવર કર્યુ
  • પ્રધાનમંત્રી એમ્પ્લોઈમેન્ટ જનરેશન પ્રોગ્રામ યોજના કલ્પવૃક્ષના અમૃતફળ સમાન સાબિત થઈ
  • મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે ૯૦ ટકા સ્ટાફ મહિલાઓનો રાખી મહિલા સશક્તિકરણનું ઉત્તમ દ્રષ્ટાંત પુરૂ પાડ્યું
  • વાપીથી પા પા પગલી ભરી વિવિધ રાજ્યમાં નેટવર્ક ઉભુ કર્યું, હવે સાત સમુંદર પાર વિદેશોમાં પણ મેક ઈન ઈન્ડિયાનો ડંકો વગાડ્યો
  • કોરોનાકાળમાં આફતને અવસરમાં પલટી યુઝ એન્ડ થ્રો પોડક્ટનું ઉત્પાદન શરૂ કરવા રૂ. ૨૧ લાખની લોન મેળવી હતી
  • લેડી બિઝનેસ ઓનર હોવાથી સરકાર દ્વારા વધારાની ૨ ટકા મળી કુલ ૪૪ ટકા સબસિડી અપાઈ

જિજ્ઞેશ સોલંકી દ્વારા

“નારી તુ કદાપી ન હારી, તારા થકી છે સૃષ્ટિ સારી, તુ છે સૌની તારહણહારી…” આ ઉક્તિ મહિલાના સામર્થ્ય, શોર્ય અને શક્તિના દર્શન કરાવે છે, આજના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં અગ્રેસર બની છે.

દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પ્રજવલિત કરેલી મહિલા સશક્તિકરણની જ્યોત આજે પણ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના કાર્યકાળમાં ઝળહળી રહી છે. “જેને ઉડવુ હોય, તેને આકાશ મળ્યું” એમ પ્રધાનમંત્રીશ્રીએ સ્ટાર્ટઅપ અને મેક ઈન ઈન્ડિયાની કરેલી પહેલ ખરા અર્થમાં મહિલાઓ માટે વરદાનરૂપ સાબિત થઈ છે.

જેનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત વાપી જીઆઈડીસીમાં રેઈન્બો ટેક્ષ ફેબ કંપનીના બિઝનેસ વુમને પુરૂ પાડ્યું છે. આ મહિલાએ ૫ વર્ષમાં રૂ.૬.૫૭ કરોડનું ટર્ન ઓવર તો કર્યુ જ છે પણ સાથે સાથે પોતાની પ્રોડક્ટથી મેક ઈન ઈન્ડિયાના નારાને વિદેશોમાં પણ ગુંજતો કર્યો છે. આગામી તા. ૮મી માર્ચે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે તેમની સંઘર્ષથી સફળતા સુધીની આ ગાથામાં ગુજરાત સરકાર કેવી રીતે કલ્પવૃક્ષના અમૃતફળ સમાન પૂરવાર થઈ તે જાણીએ.

વલસાડના તીથલ રોડ પર પાલિહીલમાં રહેતા ૩૭ વર્ષીય બિજલબેન નિરવભાઈ દેસાઈએ ઈલેકટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં સુરતથી એન્જિનિયરિંગ કર્યા બાદ ઈન્ટરનેશનલ એક્સપોર્ટ-ઈમ્પોર્ટ ટ્રેડ મેનેજમેન્ટમાં મુંબઈથી એમ.બી.એ.ની ડિગ્રી મેળવી હતી. એમબીએ કર્યા બાદ એક કંપનીમાં ઈન્ટરનેશનલ માર્કેટીંગ મેનેજર તરીકે નોકરી ચાલુ કરી હતી. પરંતુ સંતોષજનક પગાર મળતો ન હોવાથી નોકરી કરવાને બદલે વડાપ્રધાનશ્રીની સ્ટાર્ટઅપ યોજનાની પહેલનો વિચાર મનમાં ચાલી રહ્યો હોવાથી આત્મનિર્ભર બનવાનો દઢ નિશ્ચય કર્યો હતો. એક દિવસ વર્તમાન પત્રમાં નોનવુવન (ડિસ્પોઝેબલ) ફેબ્રીકની આવનાર વર્ષોમાં ડિમાન્ડ અંગે સમાચાર વાંચ્યા હતા. કોરોનાકાળમાં તમામ લોકોના ધંધા રોજગાર પડી ભાંગ્યા હતા ત્યારે બિજલબેને કોરોનાની આફતને અવસરમાં પલટી નાંખવાનો વિચાર આવ્યો હતો.

કોરોનાકાળમાં સર્જીકલ વાઈપ્સ, બેબી વાઈપ્સ, કિચન રોલ, ટોયલેટ રોલ અને પેપર નેપકીન જેવી લક્ઝરીયસ પ્રોડક્ટસ યુઝ એન્ડ થ્રો વાળી હોવાથી ડોકટરો અને અમુક વર્ગના લોકો જ ઉપયોગ કરી શકતા હતા. પરંતુ આ પ્રોડક્ટ દેશનો સામાન્યમાં સામાન્ય નાગરિક પણ ઉપયોગ કરી શકે તેવો વિચાર સ્ફૂર્યો હતો. પરંતુ મેન્યુફેક્રચર યુનિટ ચાલુ કરવા માટે પૈસા ક્યાંથી લાવવા એ સૌથી મોટો પડકાર હતો. દરમિયાન એક દિવસ ન્યૂઝ પેપરમાં પ્રધાનમંત્રી એમ્પ્લોઈમેન્ટ જનરેશન પ્રોગામ (PMEGP) યોજનાની જાણ થઈ અને જરાય પણ વિલંબ કર્યા વિના સીધા વલસાડ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં પહોંચ્યા હતા, જ્યાં યોજનાની તમામ માહિતી અને માર્ગદર્શન મળતા PMEGP પોર્ટલ પર લોગીન થયા અને ત્યારબાદ ઈન્ટરવ્યુ લેવાયું હતું. જેમાં પાસ થતા પ્રોજેકશન ફાઈલ મુકી હતી. જે મંજૂર થતા રૂ. ૨૧ લાખની લોન સરકારી બેંકમાંથી મળી હતી. જેમાં ૪૨ ટકા સબસિડી અને વધારાની ૨ ટકા સબસિડી લેડી એન્ટરપ્રિન્યોર હોવાથી કુલ ૪૪ ટકા સબસિડી મળી હતી. ગુજરાત સરકારની આ સહાય બિજલબેન માટે “જેણે દોડવુ હોય, તેને ઢાળ મળ્યો” હોય એમ પૂરવાર થતા બિજલબેને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટનો લાઈસન્સ માટે સંપર્ક કરતા પુરતું માર્ગદર્શન અને સહયોગ મળતા હેપ્પી નામથી પોતાની પ્રોડક્ટને રજિસ્ટર કરાવી રેઈન્બો ટેક્ષ ફેબ કંપનીની શરૂઆત કરી એક પછી એક ગુજરાત, હિમાચલપ્રદેશ, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરલા, મધ્યપ્રદેશ, હરિયાણા અને બેંગ્લોરમાં પોતાનું બિઝનેસ નેટવર્ક ઉભુ કર્યા બાદ વિદેશ તરફ મીટ માંડી વડાપ્રધાનશ્રીના મેક ઈન ઈન્ડિયાના નારાને આફ્રિકા, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં પણ ગુંજતો કર્યો છે. ઉત્પાદન કેન્દ્ર શરૂ કર્યા બાદ મહિનાનું ઉત્પાદન રૂ.૭૪,૧૧૦ હતું અને દોઢ વર્ષમાં જ ઉત્પાદનનો આંક સીધો રૂ. ૫.૨૩ લાખ પર પહોંચ્યો છે. પોતે આર્થિક રીતે સમૃધ્ધ બન્યા સાથે પોતાની કંપનીમાં ૯૦ ટકા સ્ટાફ મહિલાઓનો રાખી મહિલા સશક્તિકરણનું પણ ઉત્તમ દ્રષ્ટાંત પુરૂ પાડ્યું છે.

આમ, ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ પણ નજીવા પગારની નોકરી કરતા બિજલબેન દેસાઈ જેવા અનેક યુવાઓ માટે વડાપ્રધાનશ્રીની ન્યૂ સ્ટાર્ટઅપ યોજના અને તેને સાકાર કરવા માટે પ્રધાનમંત્રી એમ્પ્લોઈમેન્ટ જનરેશન પ્રોગામ (વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ) યોજના ખરા અર્થમાં સાર્થક થઈ છે. સંઘર્ષથી સફળતાના શિખરે પહોંચેલા બિજલબેન કહે છે કે, સરકારી યોજનાની સહાય મળતા નાના પાયે શરૂ કરેલો બિઝનેસ હવે સાત સમુંદર પાર પહોંચતા આર્થિક સમૃધ્ધિથી જીવન ધોરણમાં પણ બદલાવ આવ્યો છે. જે બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરૂ છું.

મિલકત કે દાગીના ગિરવે મુક્યા વિના સરકારી સહાયથી બિઝનેસમાં સફળતા મેળવી
બિઝનેસ વુમન બિજલબેન દેસાઈએ જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલાઓના ઉત્થાન માટે અનેક યોજના અમલમાં મુકી છે. જેમાં સબસિડીનો લાભ મળે છે. બેંક કે પછી ખાનગી ફાઈનાન્સ પાસેથી લોન લઈએ તો દાગીના કે મિલકત ગીરવે મુકવી પડે છે પણ સરકારી યોજનામાં કોઈ પણ પ્રકારની મિલકત કે દાગીના મોર્ગેજ મુકવા પડતા નથી. સરળતાથી યોજના અને સબસિડીનો લાભ મેળવી ધંધો ચાલુ કરી પગભર થઈ શકાય છે. આગામી દિવસોમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બેસ્ટ હાઈજીન ઈન્ડસ્ટ્રીઝ બનાવી લક્ઝરીયસ આઈટમ ગણાતી ડિસ્પોઝેબલ પ્રોડક્ટ વ્યાજબી ભાવે સામાન્ય વર્ગના લોકો સુધી વધુમાં વધુ પહોંચાડવાનો સંકલ્પ છે.

માર્કેટીંગ સ્ટ્રેટેજી માટે બી2બી પોર્ટલ ઉપયોગી નીવડ્યું
પોતાના બિઝનેસની સફળતા અંગે બિજલબેન કહે છે કે, હેપ્પી નામની લોકલ બ્રાન્ડથી પોતાના બિઝનેસની શરૂઆત કરી પણ તેના બહોળા ફેલાવા માટે માર્કેટીંગ સ્ટ્રેટેજી ખૂબ જ મહત્વની હોય છે. જેથી સ્ટ્રેટેજી નક્કી કરી ગુજરાત સરકારના બી2બી પોર્ટલ, માઉથ પબ્લિસિટી, ફ્રી સેમ્પલિંગ, ગુગલ, વેબસાઈટ અને સોશિયલ મીડિયા પર બિઝનેસનું પ્રમોશન કરી સ્પર્ધાત્મક યુગમાં સફળતા મેળવી છે.

AD..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here