સર્વપ્રથમ તો મહિલા કહો, સ્ત્રી કહો, નારી કહો, એ કોને કહેવાય! શું માત્ર શરીર રચના થી કોઈ સ્ત્રી હોય, તો તેને આ સન્માન મળી શકે ખરું?

0
276

મિત્રો- શુભ સવાર.

હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આજે 8 માર્ચ છે અને આ દિવસને મહિલા દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. તો સર્વ પ્રથમ તો વિશ્વ ભરની મહિલાઓને એ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.

મહિલા દિવસ નિમિત્તે ઘણા છાપાં માટે ઘણા લેખ લખાયાં અને દરેક પાસાથી વિચાર્યું કે સ્ત્રી સફળ છે પણ શું સ્વતંત્ર છે? આજે પણ સ્ત્રી કેમ સુરક્ષિત નથી! શું માતા એક જ મહિલા છે?

અને હવે તો અમારી માનસિકતાને સમજો!: પરંતુ હકીકતમાં આજે પ્રવર્તમાન સમાજમાં દેખાતું સ્ત્રીનું રૂપ આ બધા લેખ સાથે એટલું સામ્યતા ધરાવતું નથી, એટલે કે સમાજની મોટાભાગની મહિલાઓ આજે ઘણી આગળ નીકળી ગઈ છે, તેની સાથે આવાં વ્યવહારો થતાં નથી, કારણ કે સમાજે ઉદારતાથી ઘણું બધું સ્વીકારી લીધું છે. તો વિચારતી હતી કે ચિંતનમાં હવે શું લખવું? ગઈકાલે મહિલા દિવસ સ્પેશીયલ માટે એક વાર્તા પણ લખી કે, સ્ત્રી સુલક્ષણા કે કુલક્ષણા?? ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. અને આ વાતને અસ્તિત્વ તરફથી અનુમોદન અપાતું હોય તેમ વહેલી સવારે મા બહુચર બાળાનાં સ્વરૂપનાં દર્શન પણ થયાં.આપણે સૌ જાણીએ છીએ કે મા બહુચર નાં ઉપાસકો કોણ છે! સર્વ પ્રથમ તો સ્ત્રી હોય કે પુરુષ એનું એક દિવસ માટે સન્માન કરવું એ વાત પણ જરાક ખટકે છે. પરંતુ એ બધું પણ જમાના પ્રમાણે સ્વીકારી લઈએ તો, શું ખરેખર આજે સ્ત્રી હવે એ પ્રકારના સન્માનની અધિકારી રહી છે ખરી? શું મારી જેમ એ સવાલ સૌના મનમાં નથી ઉદ્ભવતો? તો આજે આપણે ચિંતનમાં એ વિશે વાત કરીશું.

સર્વપ્રથમ તો મહિલા કહો, સ્ત્રી કહો, નારી કહો, એ કોને કહેવાય! શું માત્ર શરીર રચના થી કોઈ સ્ત્રી હોય, તો તેને આ સન્માન મળી શકે ખરું?: એટલે સર્વપ્રથમ તો પ્રવર્તમાન સમાજમાં આજે સ્ત્રીઓને સફળતાનો એક એવો નશો ચડ્યો છે, કે પહેલા દસ-વીસ ટકા સ્ત્રીઓ જ આ પ્રકારનું જીવન જીવતી હતી, અને એની માટેનો એક ખાસ શબ્દ હતો કે ભાઈડા જેવી છે, ત્યારે એ શબ્દ માત્ર બાહ્ય દેખાવને કારણે ઉચ્ચારાતો, જ્યારે આજે સ્વરૂપ સૌમ્ય હોય પણ….. અને એ રીતે જોઈએ તો એ રસીયો વધી ગયો છે, જે ખતરાથી ખાલી નથી. એની માટે ઘણી બધી વસ્તુઓ જવાબદાર છે, અને ક્યાંક ને ક્યાંક સમાજમાં સ્ત્રીને વધુ પડતી સતાવી હોવાનું પણ આ પરિણામ છે, એમાં પણ કોઈ બે મત નથી. સ્ત્રી પોતાના પરિવારથી ખુશ હતી, તેને માત્ર લાગણી અને હુંફની જરૂર હતી, તેને માન-સન્માનની જરૂર હતી, એને પણ માનવ સમજવાની જરૂર હતી. પરંતુ કોઈએ એટલી તેની કદર કરી નહીં, અને તેણે પોતાના અધિકાર માટે ઘરની બહાર નીકળવું પડ્યું.

પુરુષપ્રધાન સમાજની એવી માનસિકતા હતી કે, અમે રૂપિયા કમાઇને આપીએ છીએ, એટલે તેણે અમારા ગુલામ બનીને જીવવાનું, એની ઈચ્છા નું કોઈ મોલ નહોતું . ૧૮ થી ૧૯મી સદીનો એ દાયકો બહુ ખરાબ રહ્યો, કે જ્યાં સ્ત્રીને બહુ જ સતાવવામાં આવી. શિક્ષણનો વ્યાપ વધતાં સ્ત્રી એ પોતાની સફળતા દેખાડવાનું શરૂ કર્યું, અને આજે દરેક ક્ષેત્રમાં સ્ત્રીએ સફળતા પ્રાપ્ત કરી છે, સિદ્ધિ પ્રાપ્ત કરી છે, એમાં કોઈ બેમત નથી. પરંતુ આ સફળતાનો નશો તેને નડી ગયો. આમ પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરવા નીકળેલી સ્ત્રી સફળતાના આ નશામાં પોતાની સૌમ્યતા ધીરે ધીરે ભૂલતી ગઈ, અને પશ્ચિમની સંસ્કૃતિથી અભડાતી ગઈ,અને સ્ત્રી સમોવડીનાં એક વિચાર ને કારણે પહેરવેશથી માંડીને બધું જ એણે બદલી નાખ્યું. એટલે સ્થૂળ દેહની રીતે જ હવે તે સ્ત્રી રહી, સૂક્ષ્મ શરીર એટલે કે સંવેદના ની ધરોહર, મમતાની મૂરત, લાગણીનો દરિયો,આ બધાં જે તેના આંતરિક ગુણ ને કારણે ઉપનામ હતાં તે હવે જોઈએ તેટલાં પ્રમાણમાં જોવા મળતાં નથી.

Ad..

મનોરંજન તરીકે સ્વીકારવામાં આવેલું ટેલિવિઝન અને સિનેમા પણ આમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. એટલે કે daily soap માં દેખાડવામાં આવતી સિરિયલોમાં મોટેભાગે ષડયંત્ર અને કાવાદાવા જ હોય છે. એક પત્નીનો આપણે ત્યાં કાયદો હોવા છતાં પરિવારના નાયકને બે-ત્રણ સ્ત્રી સાથે સંબંધ દેખાડવામાં આવે છે, અને અનૈતિકતા ના પાયા પર જ જ્યારે મનોરંજન પીરસાતું હોય, ત્યાં એમાંથી સારા ગુણ કઈ રીતે ગ્રહણ કરી શકાય! સિનેમાની વાત કરીએ તો એમાં તો હજી પણ ધૂમ્રપાન અને દારૂ નિષેધનો સંદેશો હોય છે. પરંતુ સીરીયલમાં તો બેફામ દારૂની મેહફીલ દેખાડવામાં આવે છે, અને યુવતીઓ તેમજ સ્ત્રીઓ પણ કોઈપણ પ્રકારના છોછ વગર દારૂ પીતી દેખાડવામાં આવે છે, સિગરેટ પીતી દેખાડવામાં આવે છે, અડધા ઉઘાડા અંગો દેખાતા પોશાકો પહેરેલી દેખાડવામાં આવે છે. આ બધું જોઈને કોણ સારા ગુણ ગ્રહણ કરી શકે! કોણ સૌમ્ય રહી શકે! નાદાન ઉંમરની કિશોરીઓ આ પ્રકારના વર્તનથી કે આવું જીવવાથી આનંદ મળી શકે, એવું વિચારી એ ખાઈમાં પડતી હોય છે.

Ad..

પરિવર્તનના નામે સ્ત્રીઓએ ઘણું ઘણું ન અપનાવવા જેવું અપનાવ્યું, અને પછી તેની સાથે દુર્વ્યવહાર થાય તો એની માટે જવાબદાર સમાજને ઠેરવવો કે પુરુષને ઠેરવવો એ કેટલે અંશે વ્યાજબી છે? એટલે આવું થવું જોઈએ, અથવા તો આવું થાય છે તે વ્યાજબી છે, એવું કહેવાનું કોઈ મતલબ કે તાત્પર્ય નથી, જે ઘટનાઓ ઘટે છે તે વખોડવા લાયક જ છે. સમાજમાં સ્ત્રીઓ સાથે આવા દૂર વ્યવહારો થવા ન જોઇએ, બળાત્કારની ઘટના ઘટવી જ ન જ જોઈએ. પરંતુ એની માટે થઈને હવે માત્ર સમાજ કે પુરુષને દોષ દેવો એ કેટલે અંશે યોગ્ય છે? એ પણ વિચારવાનો સમય આવી ગયો છે, કારણ કે આ ઘટના અટકવાનું નામ લેતી નથી, ત્યારે સ્ત્રીએ પોતાની ભૂલો તરફ પણ હવે વિચારવું પડશે. ક્યાં સુધી અન્ય પર આક્ષેપો નાખીને આપણે બચતા રહીશું!

Ad..

કુદરતી રીતે એક સ્ત્રી અને પુરુષ બંનેના લક્ષણ એક શરીરમાં હોય તો એને આપણે કિન્નર કહીએ છીએ, અને એ લોકો મા બહુચરનાં ઉપાસકો છે, એટલે એવું નથી કે મા બહુચરની આરાધના એ લોકો જ કરી શકે, પણ એમની માટેનું એ મુખ્ય સ્થાન છે. પુરુષ સમોવડીનો નારો લઈને નીકળેલી સ્ત્રી આજે ઉદ્ધત, સ્વચ્છંદ, સ્વતંત્ર, નિર્દય,અને હિંસક એ બધા લક્ષણો ધરાવતી થઈ ગઈ છે, અને તેના મૂળ સ્વભાવગત સંસ્કારો છૂટતા જાય છે. એની માટેના ઘણા કારણો છે. આપણે જોયું તેમ અન્ન તેવો ઓડકાર એ રીતે તેની ખાણીપીણી બદલાઈ ગઈ છે, વ્યાસનો પણ કરવા લાગી છે, ગાલીગલોચ પણ સીરીયલો કે ફિલ્મનું જોઈને શીખતી જાય છે. ટૂંકમાં કહીએ તો બીભત્સ રસની પ્રેરક થતી જાય છે, અને એને કારણે તેની સૌમ્યતા ખંડિત થતી જાય છે. હજી આ તરફ ધ્યાન દેવામાં નહીં, આવે તો આ રેશિયો વધતો જશે, અને જે બહું ખતરનાક સાબિત થઈ શકે તેમ છે.

સમાજમાં આનુ પરિણામ દેખાવાનું શરૂ થઈ ગયું છે, એટલે કે પરિવારો તૂટતાં જાય છે, સંયુક્ત કુટુંબ તો હવે બચ્યા જ નથી! છૂટાછેડાનું પ્રમાણ ઘણું વધી ગયું છે! મનોચિકિત્સક ની સંખ્યા પણ વધી છે,અને એનાં ક્લિનિક પણ હવે કાયમ ભરેલા રહે છે. આ ઉપરાંત સ્ત્રીઓની કામુકતા પણ વધતી ગઈ છે, અને એને કારણે લગ્નેતર સંબંધો પણ ખુબ જોવા મળે છે. સ્ત્રીઓને પણ પોતાની લાગણી પ્રદર્શીત કરવાનો હક છે, વગેરે વગેરે વાતો કરી અને લિવ ઇન રિલેશનશિપના કિસ્સાઓ પણ વધતાં જોવા મળે છે, જેને કારણે લગ્ન સંસ્થા સામે ભય ઉભો થઇ ગયો છે. એટલે કે અનૈતિકતાનાં કરાર સમાજમાં હવે બહુ આસાનીથી થતા દેખાય છે, અને આ બધાં માટે સ્ત્રી જ જવાબદાર છે, એવું કહેવાનું તાત્પર્ય બિલકુલ નથી. પરંતુ સ્ત્રી હવે સૌમ્ય નથી રહી વિદ્રોહી બની છે,જે ખતરનાક છે, અને આ વાત ભારતીય સંસ્કૃતિ ને પતન તરફ દોરી રહી છે.

સુંદર સ્ત્રી ને જોઈને પુરુષના મનમાં ભાવ ઉત્પન્ન થાય એ બહુ સહજ છે, અને ભાવ એટલે કે પ્રેમનો ભાવ. પરંતુ હવે સ્ત્રીને જોઈને મોટેભાગે પુરુષો ના મનમાં તેને ભોગવવાનો ભાવ જાગે છે, બસ એટલું અંતર પહેલાની અને અત્યારની સ્ત્રીમાં આવી ગયું છે, અને એને કારણે સમાજમાં ઠેર ઠેર બળાત્કારની ઘટનાઓ ઘટે છે, એ સમજવાની હવે જરૂર છે. વિશ્વની મહિલાઓને આજે મહિલા દિવસે આ તરફ અંગુલિનિર્દેશ કરીને માત્ર એટલું જ કહેવાનું તાત્પર્ય છે, કે જો છાશવારે થતાં આવી બળાત્કારની ઘટનાથી બચવું હશે, તો હવે અન્ય પર આક્ષેપ નાખ્યા વગર આપણી તરફ પણ વિચારવું પડશે. સ્ત્રીના એ સૌમ્ય ભાવને પાછો લાવવાની કોશિશ પણ કરવી પડશે, નહીતો સ્ત્રીનું અસ્તિત્વ કાયમ આ રીતે જોખમી પુરવાર થશે, અને તેની સાથે ગમે ત્યારે, ગમે તે થઈ શકે એનો ડર તેને સતત રહેશે.

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સૌ કોઈ આ મુદ્દે વિચારે, અને માતાથી શરૂ કરી પુત્રી કે પૌત્રી બધા જ પોતાના મૂળ સ્વભાવ એટલે સંવેદનાની ધરોહર, મમતાની મૂરત, લાગણીનો દરિયો, સમર્પણની પ્રતિકૃતિ અને સ્નેહનો પડઘો, પ્રેમની પરંપરા, આંગણા નો દીવો, આ બધા જ ગુણો ને કેળવીને સુલક્ષણા બનવા તરફ અગ્રેસર બની શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન-મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.

લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here