વાંસદા તાલુકાના વાંદરવેલા ગામના ડો. ક્રિષ્ના પંકજકુમાર પટેલે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજીત પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ સમગ્ર આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે. તેણીના માતા તારાબેન અને પિતા પંકજભાઈનું મૂળ વતન ઝરી ગામ અને હાલ પ્રતાપનગરમાં સ્થાયી થયા છે. હાલમાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. તેમના પતિ ચિંતનકુમારે પણ પોતાની પત્નીની સિદ્ધિ બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
ક્રિષ્નાબેને ધોરણ 1થી 4નો અભ્યાસ વાઘાબરી પ્રાથમિક શાળામાંથી કર્યો અને ધોરણ 5-6 વાંદરવેલા દાદરી ફળિયા પ્રાથમિક શાળામાં, ધોરણ-7 પ્રતાપનગર પ્રાથમિક શાળા, ધોરણ-8-12નો અભ્યાસ માધ્યમિક ગ્રામ શાળા પ્રતાપનગરમાં કર્યો હતો. ઉચ્ચ શિક્ષણ ગ્રેજ્યુએશન ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, અમદાવાદથી કર્યો હતો.
ડો. ક્રિષ્ના પટેલનું બાળપણથી જ ઓફિસર બની સમાજસેવા કરવાનું સ્વપ્ન હતું. ત્યારબાદ સિદ્ધપુર ડેન્ટલ કોલેજમાં લેક્ચરર તરીકે સેવા આપી અને જીપીએસસીની પરીક્ષા આપી જાહેર સેવા ક્ષેત્રે કામગીરી કરવાનો સંકલ્પ કરી તૈયારી શરૂ કરી. પ્રથમ જીપીએસસી દ્વારા સ્ટેટ ટેક્સ ખાતામાં સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે પસંદગી પામ્યા હતા અને અમદાવાદમાં સેવામાં જોડાયા હતા.
આ સાથે તૈયારી પણ ચાલુ જ રાખીને જીપીએસી દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે પસંદગી પામ્યા. સાથે સાથે જી.પી.એસ.સી દ્વારા લેવામાં આવેલ કલાસ 1/2ની પરીક્ષા આપી ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદગી પામી છે.