નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, પાણી પુરવઠા વિભાગના રાજયમંત્રી જીતુભાઇ ચૌધરી સહિત મહાનુભાવોના હસ્તે નવનિયુક્ત સરપંચો-સભ્યોને સન્માનિત કરાયા
નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, જે સરપંચો જીત્યા છે એને માન આપવા અને જે હારી ગયા છે તેમને પણ યોગ્ય સન્માન આપવું જોઈએ. આપણી સાથે જે કોઈ ચૂંટણીમાં સભ્યો ચૂંટાયા છે તેમને સાથે લઈ નમ્ર બનીને એક થઈએ અને ગામના વિકાસમાં સહભાગી બનીએ એવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી હતી. સમગ્ર વલસાડ જિલ્લા સહિત કપરાડા તાલુકામાં અનેકવિધ વિકાસકાર્યો થયા છે અને આવનારા ભવિષ્યમાં પણ વિકાસના કામો અવિરત થતા જ રહેશે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, મહિલાઓનું મેનેજમેન્ટ ખુબજ સારું છે, માત્ર તેમને તક આપવાની જરૂર છે. ગામના વિકાસકાર્યોના કામો માટેના ચેક ઉપર સહી કરે તેની જવાબદારી વધે છે. ગામમાં ભાઈચારાના સંબંધો જાળવવા માટે ચૂંટણીમાં પ્રતિસ્પર્ધીને પણ સરખું મહત્વ આપવા અનુરોધ કરી ગામના વિકાસમાં સૌને સાથે રાખીને કામગીરી કરવા જણાવ્યું હતું.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને પરિવાર સમજીને છેવાડાના વ્યક્તિ સુધી સરકારની યોજનાઓ પહોંચે તેનું સુવ્યસ્થિત આયોજન કર્યું છે. શ્રમિક કાર્ડ સરકારની વિવિધ યોજનામાં ખુબજ ઉપયોગી છે, જે પાત્રતા ધરાવનારા સૌને બનાવી લેવા જણાવ્યું હતું. નલ સે જલ યોજના અમલી બનાવી ઘર સુધી નળથી પીવાનું પાણી પહોંચાડવામાં આવશે. ૧૫માં નાણાંપંચ, એ.ટી.વિ.ટી. સહિત વિવિધ સદરે મળતી ગ્રાન્ટનું સુચારુ કરી ગામનો વિકાસ કરવા અનુરોધ કર્યો હતો.
આદિજાતિ વિસ્તારમાં શિક્ષણને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. કોરોના મહામારીમાં કોઈ ગરીબ જરૂરિયાતમંદોને મફત અનાજ આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતના લોકોને કોરોના રસી વિનામૂલ્યે આપી છે. સરપંચ તરીકેની કારકિર્દીમાં નાનામાં નાની વ્યક્તિને મદદરૂપ બનવા જણાવ્યું હતું. દીકરીને વિનામૂલ્યે શિક્ષણ મળે છે ત્યારે ઉચ્ચ શિક્ષણ અપાવે અને ૨૧ વર્ષ થાય પછી જ લગ્ન કરવા અનુરોધ કર્યો હતો. આવનારી પેઢી મજબૂત બને તેમજ માતા અને બાળકોમાં કુપોષણ નિવારવા ઘઉંનો ઉપયોગ વધારવા જણાવ્યું હતું.
કલ્પસર અને મત્સ્યોદ્યોગ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજયમંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીએ નવનિયુક્ત સરપંચો અને સભ્યોને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગામનો પ્રથમ નાગરિક એટલે સરપંચ. પંચાયતી રાજમાં ગામનો વિકાસ કેવી રીતે કરવો તેની બધી જવાબદારી સરપંચની બને છે. ગામના નાનામાં નાના વ્યક્તિને સરકારની ૧૮ જેટલી યોજનાઓની જાણકારી આપી તેનો જરૂરિયાત હોય તેવા સાચા વ્યક્તિને મળે તેનું સુચારુ આયોજન કરવા જણાવ્યું હતું. ગામના વિકાસમાં સહિયારા પ્રયાસની અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.
સાંસદ ડો.કે.સી.પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી જનધન યોજના દાખલ કરી બેંકમાં ખાતું ખોલાવી તેમને મળતી સરકારી સહાય તેમના ખાતામાં સીધી જમા કરાવી છે. ઉજ્જવલા યોજના થકી ગેસના કનેક્શન આપી ધૂમાડામાંથી મુક્તિ અપાવી છે. અટલ બિહારી બાજપેયીના જન્મ દિન અવસરે તા.૨૫ થી ૩૧ ડિસેમ્બર સુધી સુશાસન દિવસની ઉજવણી કરી અનેક વિકાસકાર્યો ભેટ ધર્યા હતા.
આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાએ વિજેતા સરપંચો અને સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. હાલના વડાપ્રધાન એની પૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પંચાયતોની ચૂંટણીને મહત્ત્વ આપી ગામનો વિકાસ ગામના આગેવાનો થકી થાય તે માટે સુચારુ વ્યવસ્થા ગોઠવી હતી. લોકોના જનમાનસ સુધી વિકાસની વાતો પહોંચે તેવા પ્રયાસો હાથ ધરવા અનુરોધ કર્યો હતો.
વલસાડ જિલ્લા ભાજપ પ્રભારી શ્રીમતી શીતલબેન સોનીએ જણાવ્યું હતું કે, ગામના વિકાસમાં સૌથી મોટી જવાબદારી સરપંચની છે. છેવાડે રહેતા વ્યક્તિઓ માટે સરકાર યોજનાઓ બનાવી છે, જેનો વધારેમાં વધારે જરૂરિયાતમંદોને લાભ અપાવે તે જરૂરી છે.
ભાજપ અગ્રણી એવા પંચલાઈના ઠાકોરભાઈ પટેલનું અવસાન થતાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી.
કપરાડા તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ ગાવિતે સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ મોહનભાઇ ગરેલએ આભારવિધિ આટોપી હતી.
આ કાર્યક્રમમાં સાંસદ ડો.કે.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્કાબેન શાહ, ધરમપુર ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, મહામંત્રી શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી, ગજરાત ભાજપ અને વલસાડ જિલ્લા ભાજપ પ્રભારી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ગુલાબભાઈ રાઉત સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, સંગઠન પ્રમુખ સહિત કાર્યકર્તાઓ, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો, ધરમપુર અને કપરાડા તાલુકાના વિવિધ ગામોના સરપંચો, સભ્યો હાજર રહયા હતા.