વાપી તાલુકા ભાજપ ઉપપ્રમુખની સરેઆમ હત્યા 2 બાઇક પર આવેલ અજાણ્યા શખ્સોએ કર્યો ગોળીબાર

0
767

વાપી તાલુકાના ભાજપ ઉપપ્રમુખ શૈલેષ પટેલ પરિવાર સાથે મંદિરે દર્શન કરવા માટે ગયા હતા…

તાલુકાના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યા અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી ફરાર … ગુજરાતમાં ગુનાખોરી સતત વધી રહી છે. આરોપીઓએ અહંકારને સંતોષવા હિંસાને હથિયાર તરીકે અપનાવ્યું છે. ત્યારે આજે વાપીમાં ધોળે દિવસે હત્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે.

વાપીના રાતા ગામે તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યાથી ચકચાર મચી ગઈ છે. હાલ વાપી પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

બાઇક પર આવેલા શખ્સોએ કર્યું ફાયરિંગ
મળતી માહિતી અનુસાર, વાપી તાલુકાના ભાજપ ઉપપ્રમુખ શૈલેષ પટેલ પરિવાર સાથે મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. આ દરમિયાન વાપીના રાતા ગામે બે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરીને બાઇક પર આવેલા શખ્સો ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં શૈલેષ પટેલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગેની જાણ થતાંની સાથે જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

ઉપપ્રમુખ શૈલેષ પટેલનું ઘટના સ્થળે જ મોત
પોલીસ દ્વારા મૃતક શૈલેષ પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.હાલ પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા માટે તમામ જગ્યાએ નાકાબંધી કરી દીધી છે. જૂની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

શૈલેષ પટેલ દર સોમવારે શિવ મંદિર આવતા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ દર સોમવારે પત્ની સાથે શિવ મંદિરે દર્શન કરવામાં આવતા હતા. ત્યારે આજે સવારે 7.15ની આસપાસ પત્ની સાથે મંદિરે પહોંચ્યા અને પત્ની મંદિરની અંદર ગયાં જ્યારે શૈલેષ પટેલ ગાડીમાં જ બેસીને પત્નીની રાહ જોઈ રહ્યા હતા. તે સમયે અચાનક એક બાઈક તેમની ગાડી પાસે આવીને ઊભી રહી ગઈ. આ બાઈક પર 4 શખ્સો સવાર હતા. શૈલેષ પટેલ કઈ સમજે તે પહેલાં જ શખ્સોએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું. 4 રાઉન્ડ ફાયરિંગમાં શૈલેષ પટેલને ત્રણ ગોળીઓ વાગી હતી. જ્યારે ચારેય શખ્યો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી
ઘટનાની જાણ થતાં જ વલસાડ જિલ્લા પોલીસ અને જિલ્લા ભાજપના અગ્રણીઓ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચ્યા હતા. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ઘટના સ્થળનું નિરીક્ષણ અને આજુબાજુના વિસ્તારમાં તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે. LCB, SOG સહિતની ટીમોએ હાલ તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળની આજુબાજુના વિસ્તારના CCTV ફૂટેજ પણ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, કોચરવા વિસ્તારમાં કોળી પટેલ જૂથના 2 અલગ અલગ ગ્રૂપ વચ્ચે ઘર્ષણ વારંવાર થતા રહે છે. સ્થાનિક અગ્રણીઓ રાજ્ય નાણામંત્રી કનુભાઈ દેસાઈ સ્થળ ઉપર આવે તેવી માંગ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here