
પિતૃઓની તૃપ્તિ વિના જીવનમાં સમૃદ્ધિ અને સુખની અનુભૂતિ અધૂરી રહે છે. – જયાનંદ સાગરજી
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના અરનાલા ગામે પવિત્ર કોલક નદીના તટે ધાર્મિક માહોલમાં ચતુર્થ શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક યજ્ઞનું આયોજન શ્રી દયાનંદ આદિવાસી સંસ્કાર કલ્યાણ ધામ, અરનાલા ખાતે થયું છે. ભગવાન મહાદેવની પ્રેરણા, બ્રહ્મલીન સદ્ગુરુ શ્રી દયાનંદ વેદપાઠીજી મહારાજની કૃપા તથા મહંત સ્વામી કૈલાશપુરી મહારાજના પવિત્ર સાનિધ્યમાં આ યજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ કથા યજ્ઞ ખાસ પિતૃઓના મોક્ષાર્થે સમર્પિત રાખવામાં આવ્યો છે. આજના આધુનિક યુગમાં માણસ ભલે કેટલો વ્યસ્ત બની ગયો હોય પરંતુ પિતૃ તૃપ્તિ અને ધર્મપરાયણ જીવન પ્રત્યેનો ભાવ હજુ પણ ગ્રામ્ય સમાજમાં જીવંત છે, જેનો જીવંત ઉદાહરણ અરનાલા ગામના આ કથાયજ્ઞમાં જોવા મળ્યો.
Ad.

આ કથાનો વક્તવ્ય પ્રખ્યાત વેદાંતાચાર્ય ૫.પૂ. શ્રી ૧૦૮ સ્વામી જયાનંદ સાગરજી (માધવાનંદ આશ્રમ, ચાંદોદ) દ્વારા આપવામાં આવી રહ્યું છે. સ્વામીજયાનંદ સાગરે પ્રથમ દિવસથી જ ભક્તોને ભાગવત મહાપુરાણના અગત્ય અને જીવનમાં તેના પ્રાસંગિકતાની સમજણ આપી. તેમણે જણાવ્યું કે, શ્રીમદ્ ભાગવત કથા એ માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી પરંતુ જીવન જીવવાની કળા શીખવતો પ્રકાશપુંજ છે.
કથાના આરંભમાં સ્વામીજીએ પ્રથમ થી ત્રીજા સ્કંધનું રસપ્રદ વર્ણન કર્યું. પ્રથમ સ્કંધમાં ભગવાન શ્રીકૃષ્ણના વૈરાગ્યમય સ્વરૂપ, ભક્તિની મહિમા તથા ધર્મસ્થાપનાની વાતો ઉજાગર કરી. બીજા સ્કંધમાં વિશ્વની રચના, બ્રહ્માંડની ઉત્પત્તિ તથા પરમાત્માના વૈભવનો ઉલ્લેખ કર્યો.
Ad..

ત્રીજા સ્કંધમાં કપૂરજ્ઞાની મૈત્રીય મુનિ અને વિદુરજીના સંવાદ દ્વારા આત્મજ્ઞાન તથા ભક્તિ માર્ગનું સુંદર વર્ણન કર્યું.
શ્રીમદ્ ભાગવતના ત્રીજા સ્કંધમાં વિદુર અને મૈત્રેય મુનિનો સંવાદ અત્યંત મહત્વપૂર્ણ છે. વિદુરજી, જે ધૃતરાષ્ટ્રના ભાઈ હતા, મહાભારત યુદ્ધ પછી જીવનનો સાચો અર્થ જાણવા માટે તપસ્યાભર્યા જીવનમાં પ્રવેશ કરે છે. તેઓ મૈત્રેય મુનિ પાસે જઈને સૃષ્ટિની ઉત્પત્તિ, જીવનનું તાત્પર્ય અને ભક્તિમાર્ગ અંગે પ્રશ્નો કરે છે.
મૈત્રેય મુનિ તેમને સમજાવે છે કે સમગ્ર બ્રહ્માંડ પરમાત્માની ઈચ્છાથી સર્જાય છે અને પરમાત્મા જ તેનો આધાર છે. આત્માનું સ્વરૂપ અવિનાશી છે, અને ભક્તિમાર્ગ દ્વારા જ પરમાત્માની પ્રાપ્તિ શક્ય છે. સંવાદમાં વૈરાગ્ય, ભક્તિ અને જ્ઞાન – આ ત્રણેય માર્ગોના મહત્ત્વનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે.
સ્વામી જયાનંદ સાગરે ભક્તોને સંદેશ આપ્યો કે પિતૃઓ માટે કરાયેલા શ્રાદ્ધ, પિંડદાન તથા ધાર્મિક કૃત્યો આત્માની શાંતિ માટે અત્યંત જરૂરી છે. તેમણે સમજાવ્યું કે પિતૃઓની તૃપ્તિ વિના જીવનમાં સમૃદ્ધિ અને સુખની અનુભૂતિ અધૂરી રહે છે. આ માટે આ પ્રકારના કથાયજ્ઞો માત્ર ધાર્મિક પરંપરાનું જ સંવર્ધન નથી કરતા, પરંતુ સમાજને આધ્યાત્મિક દિશા પણ આપે છે.
અરનાલા ગામ અને આસપાસના વિસ્તારના હજારો ભક્તો દરરોજ કથામાં ઉમટી રહ્યા છે. ભક્તિમય વાતાવરણ, વેદમંત્રોની ધ્વનિ અને સ્વામીજીના સરળ પરંતુ પ્રભાવશાળી શબ્દોએ સૌને આધ્યાત્મિક આનંદનો અનુભવ કરાવ્યો.
આ ચતુર્થી કથાયજ્ઞના અવસર પર ભજન-કીર્તન, આરતી તથા પ્રસાદ વિતરણનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ગ્રામજનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો છે. કાર્યક્રમના અંતે સૌએ સંકલ્પ લીધો કે પિતૃઓની સેવા તથા સન્માન સાથે જીવનમાં ધાર્મિક મૂલ્યોને જીવંત રાખશે.