1. News
  2. ચિંતનની ક્ષણે
  3. ધર્મ અને સંસ્કૃતિની જાળવણી માં સ્ત્રીઓ પુરુષો કરતાં હંમેશા આગળ રહી છે !

ધર્મ અને સંસ્કૃતિની જાળવણી માં સ્ત્રીઓ પુરુષો કરતાં હંમેશા આગળ રહી છે !

Share

Share This Post

or copy the link

ટાણું! કટાણું! બધું થયું પણ અંતે સુલોચનાનું એકટાણું ફળ્યું ખરું!

હિન્દુ સંસ્કૃતિમાં વ્યક્તિ ને ધર્મ સાથે જોડવા માટે આપણાં ઋષિમુનિઓએ કંઈ કેટલાય નિયમો બનાવ્યા છે. વ્રત એ એમાંનો મુખ્ય નિયમ છે, અને હમણાં જ શ્રાવણ પૂરો થયો, એટલે કેટલાંય લોકોએ કોઈને કોઈ રીતે વ્રત કર્યું હશે. ધર્મ અને સંસ્કૃતિની જાળવણી માં સ્ત્રીઓ પુરુષો કરતાં હંમેશા આગળ રહી છે, અને એટલે જ સમાજ ટકી રહ્યો છે. અત્યારે સમાજમાં આધુનિકતાની આંધી પ્રર્વતી રહી છે, અને કેટલાંય પરિવાર પરિવર્તન ના દોરમાં તૂટી ગયા,પણ તે છતાંય પતિ પરમેશ્વરનો સંસ્કાર હજી પણ ટકી રહ્યો છે, એ વાતની ટાપશી પૂરતો એક કિસ્સો.

Ad.

સુલોચના એકધારું ઝરૂખામાંથી બહાર જોઈ રહી હતી એને ખબર હતી, કે નહીં આવે છતાં પણ પતિની રાહ જોઈ રહી હતી. સુલોચનાનો પતિ સુબોધ એક એન્જિનિયર હતો, અને સુલોચના બીએ, એટલે કે આર્ટસમાં ગ્રેજ્યુએટ થઇ હતી. આમ તો સુબોધનાં પિતાએ સુલોચનાના પિતાને વચન આપ્યું હતું, એટલે લગ્ન થયા હતાં, બાકી સુબોધને સુલોચનામાં એટલો રસ ન હતો. પરંતુ બંને પડયું પાનું નિભાવતા હતા. સુલોચના એક સંપૂર્ણ હિન્દુ સંસ્કૃતિમાં ઉછરેલી સંસ્કારી સ્ત્રી હતી, અને લગ્નને ત્રણ વર્ષ થયા છતાં ફરિયાદનો એક શબ્દ બોલતી નહીં, ન જાણે કેટલાય વ્રતો કર્યાં, કે પતિ પોતાની તરફ જુએ, પણ કંઈ ફેર પડતો ન્હોતો.

Ad…

મહિના પહેલા પિયરમાંથી બાનો ફોન આવ્યો હતો, અને કહ્યું કે આજથી શ્રાવણ મહિનો શરૂ થયો છે, અને તું એકટાણાનું વ્રત કર, તો કદાચ તારું વાંઝીયામેણું ટળે, અને ખોળો ભરાય! બિચારી બા પણ ક્યાં જાણતી હતી… એટલે હા એ હા કરી. આમ તો ઘણું બધું કરી લીધું હતું, પરંતુ સુલોચનાને પણ જીવવા માટે કોઈ આશા તો જોઈએ. એટલે થયું કે બાની શ્રદ્ધા છે, તો આ વ્રત પણ કરી જોઉ! અને તેણે એકટાણા શરૂ કર્યા, ઈચ્છા હતી કે પતિ સાથે બેસીને એકટાણાનું ભોજન કરે, એટલે જમવાનું ટાણું થતાં પતિની રાહ જોતી હતી. પરંતુ કટાણે આવવા ટેવાયેલો પતિ એમ ટાણે થોડો આવે!! લાગલગાટ એક કલાક ઝરૂખામાં ઊભી રહી, પણ સુબોધ આવતા દેખાયા નહીં, અને હવે તો પગની પિંડી પણ દર્દ કરતી હતી. એટલે એક નિશાસા ભરી નજર રસ્તા પર નાખી, અને પોતે પાછી રસોડા તરફ વળી, અને મનોમન આશ્વાસન પણ લીધું, કે આવશે , એમ કંઈ મર્યા ભેગું ભૂત થોડું થાય! આવશે આજે નહીં તો કાલે આવશે, અને આખરે ઘર તો આજ છે, એટલે આવવું તો અહીં જ પડશે, આમ ઘવાયેલા હૃદય પર વિશ્વાસનો મલમ લગાડી રહી હતી, અને આંખોમાં ઝળઝળિયા આવી ગયા હતાં.

Ad..

રસોડામાં જઈ જમવાનું ગરમ કરવા વિચાર્યું કે, એકટાણું છે, તો થોડું ભાવે તો ખરું! બીજી સેકન્ડે થયું કે, ભાવે નભાવે એવા બધા નખરા કાંઈ અણગમતી ને ન્હોય, ચાલ હવે જેવું છે તેવું જમી લે, એમ કરી પ્લેટ તૈયાર કરવા જતી જ હતી, ત્યાં ડોરબેલ વાગી. અત્યારે વળી કોણ હશે! કારણ કે પતિના આવવાનો સમય તો થયો ન્હોતો, એ તો રાતના 1:30, 2:00 વાગ્યા પહેલા ક્યાં આવે છે!! કપડા સરખા કરી અને ડોર તરફ આગળ વધી, ડોર ખોલ્યું તો સામે સુબોધ ઉભા હતાં, અને હાથમાં એક ગજરો હતો. સુલોચનાને કાંઈ સમજાયું નહીં, પણ લોચન વહેવા લાગ્યાં, સુબોધ એ કહ્યું લે તારી માટે ગજરો લાવ્યો છું, સુલોચનાને વિશ્વાસ નહોતો આવતો કે, આ સુબોધ બોલે છે, એટલે તેણે કંઈ પ્રતિભાવ આપ્યો નહીં. સુબોધ તેનો હાથ પકડીને ગજરો આપતા કહ્યું, ચાલ તે એકટાણાંનું વ્રત કર્યું છે ને! આપણે બંને જમી લઈએ. સુલોચનાને ખરેખર કંઈ સમજાતું ન્હોતું, પણ મનોમન તે મહાદેવનો આભાર વ્યક્ત કરી રહી હતી. સુલોચનાની જીંદગીમાં આશ્ચર્ય ઉપર આશ્ચર્ય થઈ રહ્યા હતા, તે દિગ્મૂઢની જેમ જોઈ રહી હતી. સુબોધ હાથ ધોઈ અને કીચનમાં જઈ રસોઈ ગરમ કરીને ડાઇનિંગ ટેબલ ઉપર પ્લેટમાં પીરસે છે. સુલોચનાનો હાથ પકડી તેને બેસાડે છે! પોતાને હાથે કોળિયો ભરી જમાડે છે, અને આમ એનું એકટાણું સંપન્ન થયું.

Ad…

પતિ-પત્ની બંને હવે એકબીજાને સમર્પિત જીવન જીવે છે, આ વાતને પણ હવે ઘણો સમય થયો, અને ઘરમાં ઘોડીયે એક નાની એવી પરી પણ રમવા લાગી. એક દિવસ પતિનો સારો મૂડ જોઈ સુલોચના પૂછે છે, સુબોધ એવું તે શું થયું કે તમે બદલાઈ ગયાં! મને તો હજી માન્યમાં આવતું જ નથી, દીકરીને રમાડતા સુબોધ બોલે છે, કે એ દિવસે સવારે તું તૈયાર થઈને, અરીસામાં જોઈ સેંથીમાં સિંદૂર પૂરતી હતી, અને તારા મોઢા માંથી શબ્દો સર્યા કે, હે ભગવાન આ સુહાગન હોવાનો દંભ ક્યાં સુધી કરવાનો છે? પછી હું પણ ઉઠીને તૈયાર થઇને ગાડી લઈ ઓફિસ જવા નીકળ્યો, અને એ વાક્ય મારા મનમાં અથડાતું હતું. એમાં એક નાનો એવો એક્સિડન્ટ થયો, કોઈ રસ્તે ચાલતાં ભગવાધારી સાધુને ગાડી ભટકાણી, એટલે તે રસ્તા પર પડી ગયા. હું એકદમ ગભરાઈ ગયો કે નહીં ને જો મરી જશે તો મોટી ઉપાધી થશે! એટલે નીચે ઉતરીને જોયું કે, જીવે તો છે ને! સદનસીબે એ સાધુઓના શ્વાસ ચાલતાં હતા, પણ તેને સારું એવું વાગી ગયું હતું. હું તેને લઈ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યો, અને તેની પાટાપિંડી તથા ટ્રીટમેન્ટ કરવાના રુપિયા આપી,અને હું તેમને મારું કાર્ડ આપી ઓફિસ જવા માટે આગળ વધતો હતો, ત્યાં એ સાધુએ મારો હાથ પકડી લીધો, અને કહ્યું કે આજે તેનું નહીં પણ મારું મોત લખાયું હતું, પણ કોઈના વ્રતથી તું બચી ગયો છે! અને હવે તેના પ્રેમની કદર કરી જીવન જીવજે, કારણ કે આ તારાં નવા જન્મ માટે એ જવાબદાર છે. મને તારા પ્રેમ અને સમર્પણનું ભાન થતા હું પાછો આવ્યો. એ દિવસે મારે આવવામાં એટલે મોડું થયું કે, એ સાધુ મહાત્માને ટ્રીટમેન્ટ મળતા લગભગ આખો દિવસ થયો, અને છેક રાત્રે હું એમાથી નવરો પડ્યો. જ્યારથી એ સાધુ મહાત્મા એ કહેલું સત્ય સાંભળ્યું હતું, ત્યારથી મારું મન પણ તને મળવા તલપાપડ થતું હતું. પરંતુ ઈશ્વર કસોટી કરતો હતો, અને સવારે 10:30 વાગે થયેલો પ્રેમનો અહેસાસ, રાતના 10:30 સુધી મેં અનુભવ્યો,ત્યારે તારું મોઢું જોવા મળ્યું.

સુલોચના વિચારતી હતી કે ટાણું, કટાણું, બધું થયું પણ એકટાણું ફળ્યું ખરું. તો આ છે હિન્દુ સંસ્કૃતિનો પતિ પરમેશ્વરનો સંસ્કાર કે, જે પતિની નફરતને પણ સહન કરી એનાં ઉજ્જવળ ભવિષ્ય માટે વ્રત કરે છે.

લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

ધર્મ અને સંસ્કૃતિની જાળવણી માં સ્ત્રીઓ પુરુષો કરતાં હંમેશા આગળ રહી છે !
Comment

Your email address will not be published. Required fields are marked *