
ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આજે તારીખ 29 જૂન 2023 અને પંચાંગ તિથિ અનુસાર અષાઢ સુદ એકાદશી એટલે કે દેવપોઢી એકાદશી છે. આપણે ત્યાં દેવપોઢી એકાદશીએ ચાતુર્માસનો પ્રારંભ થાય છે, અને કહેવાય છે કે ભગવાન ક્ષીરસાગરમાં સાડા ચાર મહિના આરામ ફરમાવે છે અને સમગ્ર સૃષ્ટિનો કાર્યભાર પ્રકૃતિ સંભાળે છે,

અષાઢી નવરાત્રીમાં પ્રકૃતિ પોતાનો વિસ્તાર સશક્ત બનાવે છે.ગૌરી વ્રતનો પણ પ્રારંભનો દિવસ છે, આ ઉપરાંત આ વખતે અધિક માસ હોવાથી આ ગળો પાંચ મહિનાનો રહેશે, અને આ સમય ગાળા દરમિયાન શુભ કાર્ય નિષેધ બતાવ્યો છે. હિન્દુ સંસ્કૃતિમાં ઋતુને અનુસાર આવા કેટલા બધા વ્રતો રખાયા છે,
Ad..

જેનાથી જીવનમાં સંયમનું મહત્વ વધે, અને જરૂરિયાત પર જીવ કાપ મૂકી શકે. પહેલા કરતાં પ્રમાણમાં વ્રતનું પ્રમાણ ઘટી ગયું છે, અને લોકો પોતપોતાના મંતવ્યો રજૂ કરતાં પણ સંભળાય છે. ગૌરી વ્રત, જયા પાર્વતી, એવ્રત-જીવ્રત વડ સાવિત્રી પૂનમ વગેરે બાળાઓ તથા સ્ત્રીઓનાં વ્રત માટે આજકાલની યુવતીઓ એવું કહેતા પણ સંભળાય છે, કે યુવકો અમારી માટે ક્યાં કોઈ વ્રત કરે છે? તે અમે કરીએ! યુગ પ્રમાણે કદાચ એનો તર્ક સાચો પણ લાગે, પરંતુ જ્યાં સુધી આપણા સમાજમાં લગ્ન સંસ્થામાં સ્ત્રીને પુરુષના ઘરે પરણીને જવાનું રહેશે, ત્યાં સુધી આ પ્રકારના વ્રત થાય તો એડજેસ્ટ થવામાં ઘણી સરળતા રહે, આ એક હેતુ પણ વ્રત પાછળ રહેલો છે. પતિને જન્મોજન્મના અથવા તો સાત જન્મ સુધી પામવા માટે આપણે ત્યાં આ પ્રકારના ઘણા વ્રતો થાય છે. પરંતુ એક સહજ વિચાર આવ્યો કે, એ જ માતા-પિતાને પામવા આપણે ત્યાં કોઈ વ્રતની વિધા છે ખરી!! તો મારે એ વ્રત કરવું છે!
AD..

પૌરાણિક કથા
દેવશયની એકાદશી નિમિત્તે પુરાણોમાં બે ત્રણ કથા જોડાયેલી છે. જેમ કે સૌથી પહેલી કથા નિંદ્રા એ બહુ જ આકરું તપ કર્યું, અને ભગવાનને કહ્યું કે મને તમારા અંગોમાં સ્થાન આપો. ભગવાને પોતાના શરીર પર નજર ફેરવી તો દરેકે દરેક અંગમાં કોઈને કોઈ દેવી-દેવતાનું સ્થાન હતું, અને હૃદયમાં લક્ષ્મીજીનું સ્થાન હતું. એટલે તેમણે પોતાની આંખોમાં યોગ નિંદ્રાને સ્થાન આપ્યું, અને એટલે તેઓ સાડા ચાર મહિના માટે ક્ષીર સાગરમાં શેષ સૈયા પર પોઢી ગયા. બીજું શંખાસૂર નામનો એક રાક્ષસ હતો તેનો વધ કરવામાં પ્રભુને બહુ થાક લાગ્યો, અને એટલે પ્રભુ સાડા ચાર મહિના માટે પોઢી ગયા. ત્રીજી એક કથા એવી છે કે પૂર્વે મહાપ્રતાપી માંધાતા નામનો એક રાજા થઈ ગયો, અને તે ધર્મ અનુસાર જીવતો હતો. પોતાની પ્રજાના લાલન પાલન માટે તે સતત પ્રયત્નશીલ રહેતો હતો, તેના રાજ્યમાં કોઈ દુઃખી નહોતું. કુદરત પણ તેની પર પ્રસન્ન હતી, અને તેથી તેનો ભંડાર ધન ધાન્યથી ભરેલો રહેતો હતો. પરંતુ એકવાર એવું થયું કે ઉપરાઉપરી ત્રણ વર્ષ દુષ્કાળના ગયાં, અને પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ ત્યારે પ્રજાજનો રાજા પાસે આવ્યાં, અને કહેવા લાગ્યા એ અન્નદાતા પ્રજા તો રાજાનું સંતાન કહેવાય, અને પ્રજાને તકલીફ હોય તો એ રાજા પાસે જ આવે માટે અમારી તકલીફનું કોઈ નિવારણ કરો! આપણે રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કાળ પડી રહ્યો છે, અને પ્રજાને જીવન નિર્વાહ ચલાવવામાં બહુ જ મુશ્કેલી થાય છે, માટે આ સમસ્યાનું નિવારણ કરવું એ રાજાનું કર્તવ્ય છે.
AD..

રાજાએ પ્રજાજનોની વાત માથા પર ચડાવી, અને પોતે અશ્વ પર સવાર થઈ જંગલમાં નીકળી પડ્યો, એને મનમાં હતું કે કોઈ ઋષિમુની મળી જાય તો આ સમસ્યાનું નિવારણ મળે, અને તેમને વનમાં એક આશ્રમ દેખાયો. ત્યાં આગળ બ્રહ્માના પુત્ર અંગિરા ઋષિ તપ કરી રહ્યાં હતાં. રાજાએ તેમને પોતાની સમસ્યા જણાવી, અંગેરા ઋષિએ ધ્યાનમાં બેસીને જોયું, અને કહ્યું હે રાજન! તપ કરવાનો અધિકાર માત્ર બ્રાહ્મણોને જ છે, છતાં પણ તારા રાજ્યમાં એક શૂદ્ર કેટલાં લાંબા સમયથી તપ કરી રહ્યો છે, અને એને પરિણામે તારા રાજ્યમાં દુષ્કાળ પ્રવર્તી રહ્યો છે, માટે હે રાજન! તું પ્રજાજનો સહિત અષાઢ મહિનાની અજવાળી અગિયારસે એટલે કે દેવશયની અગિયારસે આ વિધિ વિધાન અનુસાર વ્રત કરીશ તો તારા રાજ્યમાં દુષ્કાળ સમાપ્ત થશે, અને બારે મેઘ વરસશે. રાજાએ ઋષિના કહ્યા મુજબ વ્રત કર્યું, અને તેના રાજયનો દુષ્કાળ સમાપ્ત થયો.
AD..

આ બધી પૌરાણિક કથામાં કેટલું તથ્ય છે,એ આપણે જાણતા નથી. પરંતુ એક વાત ને માનવાનું મન થાય એવી વાત પણ છે. એટલે કે અષાઢ મહિનાથી ચોમાસુ શરૂ થતું હોવાથી ભગવાનને સૃષ્ટિના સંચાલનમાં અજવાળા વગર બહુ તકલીફ પડતી હતી, અને એમને થાક લાગતો હતો એટલે તેમણે પોતાના દસ અવતાર તેમજ ભગવાન શિવને આ ચાતુર્માસ દરમિયાન સમગ્ર સૃષ્ટિનો કાર્યભાર સોંપી દીધો અને પોતે ક્ષીરસાગરમાં પોઢી ગયાં. એટલે આષાઢ વરુણ દેવનો એમાં વ્રત ઉપવાસ, ગુરુપૂર્ણિમા. શ્રાવણ આખો શંકર ભગવાનનો, ભાદરવો ગણેશ અને પિતૃનો, તો આસો મા આદ્યશક્તિ જગદંબા પાર્વતીનો, આમ સૌએ કાર્યભાર સંભાળી લીધો, અને જગત જગદીશને નિશ્ચિંત રાખ્યાં.
AD..

ચાતુર્માસનો પ્રારંભ થઈ ગયો હોવાથી, ભગવાન ચાર મહિના સમગ્ર સૃષ્ટિનો ભાર પ્રકૃતિને સોંપી નિશ્ચિત થઇ આરામ ફરમાવે છે. એટલે હવે આ ચાર મહિના જીવને લગભગ કર્મના નિયમ અનુસાર જ જીવવાનું હોય, ત્યાં તેને કૃપાનો એક પણ ગુણ મળે નહીં. એટલે કે ઈશ્વર કાર્યકારણ સિદ્ધાંતથી પર છે, તેથી ક્યારેક નમતું જોખી શકે, અને આપણે કર્મથી બચી જતા હોઈએ. પરંતુ પ્રકૃતિના હાથમાં જીવની ચાર મહિના જીવાદોરી રહે, એટલે કર્મથી બચવું અસંભવ છે! અને તેથી જ આ ચાર મહિના દરમિયાન કેટલાય વ્રત મૂકવામાં આવ્યા છે કે જેના દ્વારા સંયમિત જીવન જીવી શકાય. આ ઉપરાંત ગુરુપૂર્ણિમા જેવા ત્યોહારનું આ સમયગાળા દરમિયાન આવવું એ પણ આપણા હિત માટે છે. કારણ સદગુરુ ના કૃપાના ગુણ મળી શકે, એવી શ્રદ્ધા વધારનારું છે.આમ પણ આ ચાર માસ દરમિયાન ઘણા ધાર્મિક ત્યોહાર આવે છે, જેનાથી જીવ ધર્મ સાથે જોડાયેલો રહે, અને જીવની ભાવના બને તેટલી શુદ્ધ અથવા સારી રહે, આ એક આની પાછળનું કારણ હોઈ શકે.
AD..

આપણાં મોટાભાગના ઋષિ-મુનિઓ પણ સંસારી હતાં, અને સંસારમાં ક્યાં ક્યાં તબક્કે જીવના ભ્રમિત થવાના ચાન્સ છે, એ જાણતા હોવાથી, અષાઢથી પ્રકૃતિ જ્યારે આટલી પૂર્ણતાથી ઉન્મુક્ત થયેલી હોય, મેઘ પોતાનું મન મૂકીને પૃથ્વી ને સ્નેહથી તરબતર કરી રહ્યો હોય ત્યારે, ભીતરી ધરા પણ પ્રેમની લાગણી અનુભવે, ત્યારે સ્વાભાવિક પણે જીવનાં આ પ્રકારના કામ ભાવને સમતોલનમાં રાખવો બહુ જ જરૂરી બની જાય છે. સમાજમાં સ્ત્રીનું કામુક થવું એ સમાજના પતનની નિશાની છે, તેથી આ સમયે સ્ત્રીઓ માટે સૌથી વધુ વ્રત, સંયમ, નિયમ, બધી વિધા મૂકવામાં આવી છે. તો કિશોર અવસ્થામાં ગુરુકુળમા શિષ્ય પોતાના ગુરુ પાસે વિદ્યા પ્રાપ્ત કરવા જતાં, ત્યાં તેમના માતા-પિતાની કોઇ પણ પ્રકારની દખલગીરી રહેતી નહીં, અથવા તો એમ પણ કહી શકાય કે, માતા પિતાનો પૂર્ણ ભરોસો રહેતો કે, ગુરુ તેના સંતાનને સારામાં સારી વિદ્યા આપશે, અને એટલે સંયમ નિયમ તથા સત્કર્મના સંસ્કાર એમને મળતા. સનાતન ધર્મમાં આ ચાતુર્માસ દરમિયાન જે કંઈ સમાજ માટે શ્રેષ્ઠ હોય એ રીતે જ કહ્યું છે માટે આપણે એ અનુસાર નીતિ નિયમો મુજબ જીવી શકીએ એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું ફરી મળીશું નવા ચિંતન મનન સાથે તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.