
આદિવાસી જીવનશૈલી વિશે ઘણીવાર સમાજમાં એકતરફી અને અધૂરી ધારણા જોવા મળે છે – “આદિવાસી એટલે મોજમાં રહેતા લોકો, જ્યાં 365 દિવસ તહેવાર હોય, ગીત હોય, નૃત્ય હોય, ધાર્મિક કથાઓ હોય અને કોઈ ભવિષ્યની ચિંતા ન હોય.” પરંતુ આ દૃષ્ટિકોણ આદિવાસી સમાજની ઊંડી સમજણ વગરનો અને પૂર્વગ્રહથી ભરેલો છે.
વાસ્તવમાં જોવાં જાય તો આદિવાસી જીવન મોજમાં નથી, પણ તે છે – કુદરતના નિયમો સાથે તાદાત્મ્ય પામેલું સહજ અને સ્વાભાવિક જીવન. તેઓ માટે પર્વ કે તહેવાર એ માત્ર આનંદ કરવા માટે નહીં, પરંતુ કુદરત અને તેના ચક્ર પ્રત્યેની કૃતજ્ઞતાનું પ્રતિક છે. ચોમાસાની શરૂઆતમાં માતા ધરતીની પૂજા, પાકની પકવાણીઓ વખતે સમાજમાં વહેચણી, વાવણી પછી વિલાસ નૃત્ય – આ બધું જીવનના પરિપાકને ઉજવવાનું એક રૂપ છે.

આદિવાસી સમાજ જીવનને ઉત્સવરૂપે માણે છે, પણ એનો અર્થ એ નથી કે તેઓ ભવિષ્યવિહિન છે કે શિક્ષણ, રોજગાર કે વિકાસથી દૂર છે. વારસાગત રીતે અભાવો વચ્ચે જન્મેલા આ સમુદાયે સદીઓથી પોતાની જમીન, જંગલ અને કુદરતી સંસાધનો માટે લડત આપી છે. તેમનું જીવનશાસ્ત્ર ગણાય એવી પરંપરાઓમાં સહઅસ્તિત્વ, સહકાર અને સરળ જીવનશૈલીનો સંદેશ છે.
શહેરના ભવ્ય શાળાઓ જેવી સુવિધાઓ કદાચ તેમને પ્રાપ્ત નથી, પણ આજે પણ તેઓ ખેતી કરે છે, રોજિંદા જીવનમાં પરિશ્રમ કરે છે અને પોતાની સંતાનોને સારી શિક્ષણ આપવા માટે સંઘર્ષ કરે છે. ઘણા યુવાન હવે કોલેજ સુધી શિક્ષણ લઇ રહ્યા છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરી રહ્યા છે અને પોતાના પેઢી માટે વિકાસના નવા માર્ગો ઉઘાડી રહ્યા છે.
આદિવાસી જીવનમાં મોજ છે – પણ એ મોજ અંધકારની નથી. એ મોજ છે કામ પછી મળતા થોડા સમયને સંગીત અને નૃત્યથી ઉજવવાની, પરિવાર અને સમાજ સાથે બાંધી રહેલી અદ્રશ્ય માળાની. એ મોજ છે કે જ્યાં જીવનની દરેક પળ ઉજવણી બની જાય છે, જ્યાં આર્થિક દબાણ વચ્ચે પણ ખુશી શોધવામાં સફળતા મળે છે.
આથી જ્યારે આપણે આદિવાસી સમુદાય તરફ જોીએ, ત્યારે pity નહીં, પણ respect અને curiosity હોવી જોઈએ.
તેમની સંસ્કૃતિને સમજીને જોવામાં જ સાચું માનવતાવાદ છે – કારણ કે આદિવાસી સમાજ આપણને યાદ અપાવે છે કે જીવન એટલે માત્ર દોડધામ નહીં, પણ જીવનને પળે પળ આનંદ સાથે જીવવાનો અનુભવ પણ છે.
એમાં છુપાયેલ છે મૂળ ભારતીય સંસ્કૃતિનો જીવ.