
દેવપૂજા પછી આનંદના રાગ પર ધબકતું આદિવાસી હૃદય
આદિવાસી સમાજ ભારતની સૌથી પ્રાચીન અને સંસ્કૃતિપ્રેમી જનજાતિઓમાંની એક ગણાય છે. તેમની જીવનશૈલી, પરંપરા, સંગીત અને નૃત્ય પ્રકૃતિ સાથે અવિભાજ્ય રીતે જોડાયેલા છે. આદિવાસી સમાજમાં આદિકાળથી નૃત્ય અને ખાસ કરીને ઘેરિયા એ જીવનનો અભિન્ન ભાગ રહ્યો છે. જ્યારે ગામમાં તહેવાર, ઉજવણી કે ધાર્મિક વિધિ યોજાય ત્યારે સૌ પ્રથમ દેવ-દેવીઓની પૂજા કરવામાં આવે છે અને ત્યારબાદ આનંદના રાગ સાથે ઘેરિયા નૃત્ય શરૂ થાય છે.

ઘેરિયા નૃત્ય માત્ર મનોરંજન માટે નહીં, પરંતુ સમૂહભાવ, ભક્તિ અને પ્રકૃતિ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાની અનોખી રીત છે. પુરુષો અને મહિલાઓ હાથમાં હાથ ધરી વાદ્યોના તાલ પર ધીમી ગતિથી ઘેરામાં નાચે છે. ઢોલ, મૃદંગ, પેવરી, ટિમકી અને કાંસારાંના તાલે આખું ગામ આનંદમાં ઝૂમી ઉઠે છે.


આ નૃત્યના દરેક પગલામાં એકતા, આનંદ અને ભક્તિનો ભાવ ઝળકે છે. કોઇ લગ્ન પ્રસંગ હોય કે નવા પાકની ઉજવણી – ઘેરિયા વિના તહેવાર અધૂરો ગણાય છે. પહેલાં દેવતાનું નામ લઈ પૂજન કર્યા બાદ લોકો ઘેરિયામાં નાચીને આશીર્વાદ મેળવે છે. એમાં સ્ત્રી-પુરુષ, યુવાન-વૃદ્ધ – બધાની સમાન ભાગીદારી રહે છે, જે આદિવાસી સમાજની સમાનતા અને એકતાનું જીવંત પ્રતીક છે.


ઘેરિયા નૃત્યના વસ્ત્રો પણ તેની શોભા વધારતા હોય છે. સ્ત્રીઓ રંગબેરંગી લૂગડાં, ચાંદીના આભૂષણો અને કળશી પહેરી સૌંદર્યનો અદભૂત સમન્વય રજૂ કરે છે, જ્યારે પુરુષો ધોટીયા, ફેટા અને હાથમાં રંગીન ફિતાં વડે શણગાર કરે છે. આખું ગામ રંગીન દ્રશ્યમાં પરિવર્તિત થઈ જાય છે.

આજના આધુનિક યુગમાં પણ ઘેરિયા નૃત્યે પોતાની ઓળખ ગુમાવી નથી. આજના યુવાનો માટે તે ગૌરવ અને ઓળખનું પ્રતિક બની ગયું છે. અનેક સાંસ્કૃતિક મહોત્સવો અને શાળાઓમાં આ નૃત્ય રજૂ થાય છે, જે આદિવાસી સંસ્કૃતિને નવી પેઢી સુધી પહોંચાડે છે.

ઘેરિયા એ માત્ર નૃત્ય નથી – તે આદિવાસી જીવનની આત્મા છે. તે આપણને શીખવે છે કે આનંદ, એકતા અને ભક્તિની અભિવ્યક્તિ માટે સંગીત અને હૃદયની શુદ્ધતા જ પૂરતી છે.