
✍️ફાલ્ગુની વસાવડા
જુન મહિનાના ત્રીજા રવિવારે પશ્ચિમ સંસ્કૃતિમાં ફાધર્સ ડે મનાવવાની પ્રથા છે, અને હાલ આપણા યુવાનો કે સંસ્કૃતિથી અંજાયેલા હોય, બહુ સ્વાભાવિક રીતે આપણા દેશમાં પણ આ દિવસે ફાધર્સ ડે તરીકે મનાવવામાં આવે છે. બાળકના જન્મથી તેની તમામ જરૂરિયાતો પૂરી કરનાર અને છતાં પણ તેને એ વિશે જીંદગીભર કંઈ ન કહેનાર એટલે પિતા, પપ્પા, કે ડેડી! આજના યુવાનો તો હજી પણ પોતાના મોજશોખમાં રૂપિયા વાપરે છે, અને તેમનું જીવન જીવતાં જોવા મળે છે, અથવા તો મોજશોખમાં જીવવું હોય માટે બે પાંચ વરસ પછી સંતાન કરે છે, પણ પહેલાંનો યુગ એવો નહોતો, અને પિતા પોતાના સંતાનો માટે જ પોતાની આવકના રૂપિયા વાપરતાં, અને બચાવતા એ પણ પોતાના સંતાનના ભવિષ્ય માટે જ બચાવતા, એ સમયના મારી જેવડા કોઈ પણ ને એનાં પિતા કે પપ્પા વિશે પુછો તો એ નીચે મુજબ કહે, પહેલા તો એ એટલાં આત્મ વિશ્વાસથી ભરેલા હોય કે ધાણી ફૂટે તેમ વિનમ્રતાથી ફટાફટ જવાબ આપે કારણ કે વાણીનો વિનિમય પણ પપ્પા પાસેથી જ શીખ છે.

પપ્પા આજે પણ હ્રદયની એકદમ નજીક, એ મારાં પપ્પા છે, એનો સદાય સૌથી વધુ ગર્વ કરી શકાય એવું પાત્ર. મારાથી સો ગણાં વધુ વિનમ્ર અને સદ્ આચરણ ધરાવનાર.હું ગુજરાતીમાં જેટલું આલંકારિક લખું છું, એનાથી પણ સુંદર ઈંગ્લીશમાં લખનારા હતાં કારણકે અંગ્રેજોના સમયમાં તેમનો જન્મ હતો. આઝાદીની ચળવળ આંખે જોઈ હતી,અને એ માટેના આંદોલનની સભા સરઘસનો હિસ્સો પણ બન્યા હતા. સગાં સંબંધી અમારો હુન્નર જોઈ એમ કહે, મોરના ઈંડા ચીતરવાના ન હોય,અને અન્ય સંબંધી વોરા સાહેબનાં દીકરી પછી શું કહેવાનું હોય.
સૌ કોઈ માટે એટલી જ મમતા,અને કાયમ હાથ દેવા માટે જ લંબાયેલો એ વાતે ખરેખર પ્રાઉડ અનુભવ્યું. અમારી માટે પપ્પા જેવું બનવું એ જ કાયમ જીવન લક્ષ્ય , અને છતાંય એ તત્વ હજુ ક્ષિતિજે. સદા આસપાસ ભમતું તું ઈશ્વર તત્વ, આજે પણ ખાલીપા ને ભરનારુ તત્વ. સમયે એમની ન જાણે કંઈ કેટલીય પરીક્ષા લીધી પણ હંમેશા પ્રથમ ગુણાંક એ ઉતીર્ણ થનારાં.
પપ્પા મારા હ્રદય આકાશમાં ચમકતો અમર સિતારો અને દૂર દૂર સુધી પ્રકાશ પડઘમથી રાહ ચીંધનારા. શું કહું સકલ અસ્તિત્વનો આધાર, અને એ આધાર પર જન્મો કુરબાન કરવાની સદા તીવ્ર ઝંખના રહી, પણ એ કંઈ પણ સેવા લીધાં વગર સ્વાભિમાનથી ચાલ્યા ગયા.બસ આવી જ હોય છે એ સમયના પિતા કે પપ્પા ની કહાની, એટલે તો કહેવાય છે કે માતા પિતા બન્યા વગર એમની ઉત્કૃષ્ટ ભાવના સમજાતી નથી.
પપ્પા.. પપ્પા.. પપ્પા. તમને અને ઈશ્વર બંને માંથી પસંદ કરવાના હોય તો હું તમને જ કરું, કારણ કે તમે તો મારા જીવન આધાર છો! તમારા ચરિત્ર માંથી જ અમે શીખ સંસ્કાર ગ્રહણ કરીને આત્મ વિશ્વાસ મેળવ્યો છે, તમે જ અમારા દેહને ટટ્ટાર રાખો છો, અરે એમ કહો કે જીવન સ્તંભ છો! ડર કે ભય નામના શબ્દ ને પણ કોસો દૂર રાખનાર અને છતાં આવી પડેલી પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેતા શીખવે,અને સત્યનાં આચરણથી નીડરતા આવે છે, માટે એવું જ આચરણ કરવું જે ડરપોક ન બનાવે! વીતેલા વર્ષો યાદ કરું તો અછતમાં છત કરનારા અને કેટકેટલા લાડ બાપરે!! આજે તો એ બધું યાદ આવે છે, અને પેલું ફ્રોક લેવાની જીદ કરી હતી, ત્યારે તમે હતાં તો પુરી થઈ, પણ હવે મેં જીદ કરવાનું છોડી દીધું,કારણ તમે નથી કોણ પૂરી કરશે? પપ્પા પપ્પા પપ્પા…
Ad.




