કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ પરિવાર સાથે મતદાર યાદી સુધારણા અભિયાનમાં આપ્યો સહભાગ — લોકશાહીને મજબૂત બનાવવાની અપીલલોકશાહી વ્યવસ્થામાં દરેક નાગરિકનું મતદાન એ સર્વોચ્ચ અધિકાર છે. આ અધિકારના સચેત ઉપયોગ માટે મતદાર યાદીનું અપડેટ રહેવું અત્યંત આવશ્યક છે. આ જ હેતુસર ચાલી રહેલા મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન (Special Summary Revision – SSR) અંતર્ગત કપરાડા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ આજ રોજ પોતાના પરિવારજનો સાથે એન્યુમેશન ફોર્મ ભરી સહભાગી બની લોકશાહી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
Ad.
આ પ્રસંગે જીતુભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે — “આ અભિયાન આપણાં લોકશાહીને વધુ મજબૂત બનાવવાનો ઉત્તમ અવસર છે. દરેક નાગરિકે પોતાના અને પરિવારના સભ્યોના નામ મતદાર યાદીમાં નોંધાવીને લોકશાહી પર્વ ‘મતદાન મહોત્સવ’માં ગૌરવભેર ભાગ લેવાનો સંકલ્પ કરવો જોઈએ.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે મતદાર યાદીમાં સાચી અને સંપૂર્ણ માહિતી આપણી લોકશાહી પ્રણાલીનું આધારસ્તંભ છે, તેથી તમામ યુવાનો, નવા મતદારો તથા સ્થાયી રહેવાસીઓએ પોતાનું નામ ચકાસી જરૂરી સુધારણા કરાવવા તાત્કાલિક પગલા લેવા જોઈએ.
ધારાસભ્ય દ્વારા આ અભિયાનમાં વ્યક્તિગત ભાગ લેવાથી વિસ્તારના નાગરિકોમાં પણ ઉત્સાહજનક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ચૂંટણી વિભાગ દ્વારા પણ દરેક ગામ અને શાળામાં એન્યુમેશન કેમ્પ રાખી લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે જેથી કોઈ પણ લાયક નાગરિક મતદાનના અધિકારથી વંચિત ન રહે.