
કેનેડાના મોંટ્રીયલ શહેર સ્થિત પવિત્ર અને ધાર્મિક કેન્દ્ર તરીકે પ્રખ્યાત માંધાતા રામજી ટેમ્પલ ખાતે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહ કથા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીકૃષ્ણની દિવ્ય લીલાઓ, ભક્તિનો માળાવિની સંગાથ અને જીવનમૂલ્યોની ઉજાસવતી કથાના અંતે તા. 18 જુલાઈના રોજ પૂજ્ય કથાકાર પ.પૂ. પ્રફુલભાઈ શુક્લ દ્વારા અંતિમ આર્શીવચન સાથે કથાને શુભવિરામ આપવામાં આવ્યો.

કથાના વિસર્જન પ્રસંગે ભક્તજનોએ ભાવભીની આંખો સાથે શ્રીમદ ભાગવત મહાપુરાણની પાવન પોથી અને કથાકારને વિદાય આપી હતી. સમૂહમાં’જય સીયારામ’ અને ‘જય શ્રી કૃષ્ણ’ ના જયઘોષથી મંદિરનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વિદાય પ્રસંગે ભાવિક ભક્તોએ ફૂલ હારોથી સજ્જ કરી કથાકાર શ્રીનું ભવ્ય સન્માન કર્યું હતું તથા પોથીજીને શાસ્ત્રીય વિધી દ્વારા યથાજોગ સ્થાન અપાવવામાં આવ્યું હતું.

પૂજ્ય પ્રફુલભાઈ શુક્લએ અંતિમ સંદેશરૂપે જણાવ્યું કે, “આ કથા માત્ર એક ધાર્મિક સમારોહ નહિ પરંતુ આત્માનું ઉજ્જવળ પવત્રીકરણ છે. ભાગવત એ જીવન જીવવાનો માર્ગ છે, જેમાં પ્રેમ, ક્ષમા, પરોપકાર અને શ્રદ્ધાનો માર્ગ દર્શાવાયો છે. માનવ જીવનને આધ્યાત્મિક ઊંચાઈ સુધી લઈ જવા માટે શ્રીમદ ભાગવત અદ્વિતિય માર્ગદર્શિકા છે.”
આ પ્રસંગે મંત્રોચ્ચાર સાથે પૂજ્ય આચાર્ય ભાવેશભાઈ જોશીએ પણ કથાના સફળ સંચાલન માટે દરેક યજમાન, ભક્તજન અને આયોજક સંસ્થા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. યજમાન પદે યજ્ઞ અને કથાનું ભવ્ય આયોજન કરનાર આવડા ફળીયા નવસારીના જશુબેન અને ઈશ્વરભાઈ પટેલનો પણ સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરાયો હતો.
મંદિરના પ્રમુખ, સભ્યો અને મોંટ્રીયલના ગુજરાતી સમુદાયે કથાના તમામ દિવસોમાં વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી. કથાના અંતે ભાવિકોએ એકબીજાને પ્રસાદ વિતરણ કર્યો અને ભજન-કીર્તન દ્વારા કથાનું પવિત્ર આયોજન સ્મરણિય બનાવ્યું.
આ ભક્તિ યાત્રાનો વિસર્જન પ્રસંગ ભક્તિ, એકતા અને આત્મીયતાની અભૂતપૂર્વ ઝાંખી બની રહ્યો. અંતે ‘હરિ બોલ’, ‘જય સીયારામ’, ‘જય શ્રી કૃષ્ણ’ના ઘોષથી સમગ્રમાં આનંદ અને ભક્તિનો માહોલ છવાઈ ગયો.