.

નવસારી જિલ્લાના ખેરગામ ગામે આવેલું જગદમ્બા ધામ આ વર્ષે શારદીય નવરાત્રીના પાવન અવસર પર ભવ્ય ધાર્મિક રંગતથી ગુંજી ઉઠ્યું. ધામમાં જગમગતા દીવડા, શંખનાદ અને ભક્તોની હરખભરી હાજરીએ સ્થળને પાવન બનાવ્યું. પ્રસિદ્ધ કથાકાર પ.પૂ. પ્રફુલભાઈ શુક્લના પવિત્ર સાનિધ્યમાં દેવી ભાગવત કથાનું મંગલ પ્રારંભ ભક્તિભાવપૂર્વક કરવામાં આવ્યું.

કાર્યક્રમની શરૂઆતમાં ધર્માચાર્ય પરભુ દાદાએ દીપ પ્રાગટ્ય કરી ધામને પવિત્રતાથી ઉજ્જવળ બનાવી દીધું. ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ માતાજીના જયઘોષ સાથે કથાનું સ્વાગત કર્યું. કથાના આરંભ પ્રસંગે પ.પૂ. પ્રફુલભાઈ શુક્લે નવરાત્રી અને દેવી ઉપાસનાનું મહત્ત્વ સમજાવતા જણાવ્યું કે “દેવી ભાગવત કથા માત્ર ધાર્મિક વિધાન નથી, પરંતુ જીવનને સંસ્કારી અને ઉજ્જવળ બનાવતી શક્તિ છે.”

તેમણે ભારપૂર્વક કહ્યું કે માતાની ભક્તિથી જીવનમાં શ્રદ્ધા, શક્તિ અને સકારાત્મકતા મળે છે. મંદિર સુધી મર્યાદિત ભક્તિ પૂરતી નથી, પરંતુ સાચા અર્થમાં તો માતા-પિતા, સંતાનો અને સમાજની સેવા દ્વારા જ દેવીની કૃપા પ્રાપ્ત થાય છે. “ભગવાન તીર્થસ્થળના મંદિરોમાં જ નથી, પરંતુ નિર્દોષ બાળકોના ચહેરામાં અને નિષ્કપટ હૃદયમાં ભગવાનના દર્શન થાય છે,” એમ કથાકારે ઉમેર્યું.

આ અવસર પર વાપીના ડો. ફાલ્ગુનીબેન સંજયભાઈ દેસાઈ દ્વારા નવચંડી યજ્ઞ પૂર્ણ કરાયો. દક્ષિણ આફ્રિકા, કેપટાઉનથી ઉર્મિલાબેન જેરામભાઈ પટેલે ટેલિફોનિક સંકલ્પ લીધો હતો. વિદેશથી મળેલી આ ભક્તિપૂર્ણ જોડાણે કાર્યક્રમમાં વિશેષ ઉમંગ ઉમેર્યો. એ ઉપરાંત યુકે, લંડનથી રંજનબેન ભરતભાઈ બેરીએ પોમપાલની અક્ષર સ્કૂલના 92 વિદ્યાર્થીઓ માટે બટુક ભોજનનું આયોજન કર્યું, જેને સૌએ વધાવી લીધું.

કથાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા. તેમાં લક્ષ્મીબેન બારોટ, બાલ કથાકાર યશ્વી બારોટ, અમૃતભાઈ શિવશક્તિ, ભક્તિબેન દેસાઈ, બિપીનભાઈ ભેરવી, મનુભાઈ રૂપાભવાની સહિતના અનેક માઈભક્તોએ શ્રવણનો લાભ લીધો. કથાનો પ્રારંભ કરતા પ્રફુલભાઈ શુક્લે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે – “નવરાત્રીમાં શક્તિની ઉપાસના કરવાથી આખા વરસ માટેની ઉર્જા પ્રાપ્ત થાય છે. સંસારનું સર્વસ્વ તો માત્ર માઁ અંબાજ છે.”

વિધિવિધિ દરમિયાન કિશનભાઈ દવે, અંકુર શુક્લ અને અનિલભાઈ જોશીએ કર્મકાંડની સેવા આપી. કાર્યક્રમના અંતે 108 દીવડાઓની મહા આરતીનો ભવ્ય માહોલ સર્જાયો. મહાપ્રસાદના વિતરણથી શ્રદ્ધાળુઓએ પ્રસન્નતા અનુભવી. ખાસ કરીને કેનેડાની અશ્વિનાબેન મુકેશભાઈ પટેલ (રાબડા) દ્વારા માતાજીના 11 દિવસના શણગારનો સંકલ્પ લેવાયો, જેને કારણે મંદિર પ્રાંગણમાં વિશેષ આભા છવાઈ ગઈ.

“જય ભવાની – જય અંબે” ના ગગનભેદી નાદોથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પૂજ્ય પરભું દાદા દ્વારા ઉપસ્થિત પત્રકારોને સન્માનિત કરવામાં આવ્યા, જે પ્રસંગની વિશેષતા બની. આ અનુષ્ઠાનના મુખ્ય યજમાન તરીકે રાજેન્દ્ર ગજાનન પટેલ ઉમિયાબા પરિવાર, ભીલાડે સેવા સંભાળી છે.

દેવી ભાગવત કથા દરરોજ સવારે 9 થી 11.30 સુધી યોજાશે અને 11 દિવસ સુધી ચાલુ રહેશે. દક્ષિણ ગુજરાતના વાપીથી લઈને તાપી સુધીના ભક્તો આ ધાર્મિક યજ્ઞમાં મોટી સંખ્યામાં હાજરી આપશે તેવી આશા છે.

નવરાત્રીના આ પાવન સમયમાં આયોજિત દેવી ભાગવત કથાના મંગલ પ્રારંભથી સમગ્ર વિસ્તારમાં ધાર્મિક ઉલ્લાસ અને ભક્તિભાવનો માહોલ છવાઈ ગયો છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીના આશીર્વાદ મેળવી આત્મિક શાંતિ તથા શક્તિનો અનુભવ કર્યો.
ખેરગામનું જગદમ્બા ધામ નવરાત્રી દરમ્યાન ભક્તિ, શક્તિ અને સમર્પણનું કેન્દ્ર બની રહ્યું છે.